પેશાવર2 કલાક પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં મંગળવારે રાત્રે આર્મી પોસ્ટ પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં 12 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે. છ આતંકીઓ પણ માર્યા ગયા છે. આતંકીઓ ચેકપોસ્ટ પર હુમલો કરવા માટે એક વાહનમાં આવ્યા હતા.
પાકિસ્તાની સેનાની મીડિયા વિંગે માહિતી આપતા કહ્યું કે, આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. જો કે, આતંકવાદીઓએ વાહન ચેકપોસ્ટની દિવાલ સાથે ઘુસાડી દીધું અને તેમાં રાખેલા વિસ્ફોટકોને વિસ્ફોટ કરી દીધો. વિસ્ફોટમાં 12 જવાનો શહીદ થયા હતા. જવાબી કાર્યવાહીમાં સેનાએ પણ 6 આતંકીઓને ઠાર કર્યા હતા.
હુમલા બાદ સેનાએ વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દીધો છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.
ત્રણ દિવસ પહેલા બલૂચિસ્તાનમાં હુમલો થયો હતો 16 નવેમ્બરના રોજ પાકિસ્તાનના પશ્ચિમી પ્રાંત બલુચિસ્તાનમાં આર્મી પોસ્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પાકિસ્તાની સુરક્ષા દળોના 7 જવાનો શહીદ થયા હતા. આતંકવાદી બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ હુમલાની જવાબદારી લીધી હતી. ન્યૂઝ એજન્સી એએફપીએ એક સ્થાનિક વ્યક્તિના હવાલાથી જણાવ્યું કે આ હુમલામાં 40થી 50 બલૂચ વિદ્રોહી સામેલ હતા.
આ દરમિયાન બલૂચ વિદ્રોહીઓએ આર્મી પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 7 જવાનોના મોત ઉપરાંત 15 જવાનો પણ ઘાયલ થયા છે.
ક્વેટા રેલવે સ્ટેશન પર થયેલા હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા 9 નવેમ્બર, શનિવારે સવારે પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 26 લોકોના મોત થયા હતા, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આતંકવાદી જૂથ બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પણ આ હુમલાની જવાબદારી લીધી છે.
BLAના પ્રવક્તાએ કહ્યું કે, આત્મઘાતી હુમલો મજીદ બ્રિગેડ યુનિટ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમનું નિશાન ઇન્ફન્ટ્રી સ્કૂલના સૈનિકો હતા, જેઓ કોર્સ પૂરો કરીને જાફર એક્સપ્રેસ દ્વારા પેશાવર જવાના હતા. ક્વેટા સિવિલ હોસ્પિટલના પ્રવક્તા વસીમ બેગે પાકિસ્તાની અખબાર ધ ડોનને જણાવ્યું હતું કે, માર્યા ગયેલાઓમાં 14 સૈન્યના જવાનો અને 12 નાગરિકોનો સમાવેશ થાય છે.