10 મિનિટ પેહલા
- કૉપી લિંક
બ્રિટનમાં ભારતવંશી વડાપ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી ચૂંટણી પહેલાં પડકારજનક સ્થિતિમાં મુકાઈ છે. સરકારની નીતિઓના વિરોધ અને ભ્રષ્ટાચારના મામલાના કારણે કન્ઝર્વેટિવ પાર્ટી પેટાચૂંટણીમાં સતત હારની પરંપરા તોડી શકી નથી. કન્ઝર્વેટિવ પાર્ટીના વધુ 100 સાંસદોએ ચૂંટણી પહેલાં પાર્ટીમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે.
સાંસદોને અગાઉથી ભય સતાવી રહ્યો છે કે તેઓ આગામી ચૂંટણીમાં તેમની બેઠક ગુમાવશે. આ સાથે આમાંના કેટલાક સાંસદોએ રાજકારણમાંથી સંન્યાસ લેવાનો ફેંસલો પણ કરી દીધો અને તેઓએ પ્રાઈવેટ સેક્ટરોમાં જોબ માટે પ્રયત્નો પણ શરૂ કરી દીધા છે. નિષ્ણાતો મતે, ચૂંટણી રેસમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદો ઘણા પાછળ છે, તેથી ચૂંટણીમાં હારની શરમથી બચવા માટે ચૂંટણી ન લડવાનો નિર્ણય લઈ રહ્યા છે.
આ મહિને હાઉસ ઓફ કોમન્સની જસ્ટિસ કમિટીના પ્રમુખ સર બોબ નેઇલ અને પૂર્વ ચાન્સલર ક્વાસી ક્વાર્તેંગ અને ડેપ્યુટી પ્રમુખ નિક્કી એઇકેને ઘોષણા કરી છે કે તેઓ સંસદ છોડી રહ્યા છે અને આ વર્ષે થનારી ચૂંટણી લડશે નહીં.
બોરિસ જોનસન વર્ષ 2022 સુધી બ્રિટનના વડાપ્રધાન હતા. ત્યાર બાદ લિઝ ટ્રસ અને પછી ઋષિ સુનક વડાપ્રધાન બન્યા.
2019 પછી કન્ઝર્વેટિવ પાર્ટીને 10 પેટાચૂંટણીમાં હાર મળી
બ્રિટનમાં 2019ની સામાન્ય ચૂંટણીમાં પૂર્વ પીએમ બોરિસ જોન્સને પાર્ટીને પર્યાપ્ત બહુમતી અપાવી હતી, પરંતુ તે પછી એક જ કાર્યકાળમાં પાર્ટી 10થી વધુ પેટાચૂંટણી હારી ગઈ હતી. તાજેતરમાં બે બેઠકો વેલિંગબર્ગ અને કિંગ્સવૂડ બેઠકો પર હાર બાદ કન્ઝર્વેટિવ સાંસદો ચિંતામાં સપડાયા છે.
કન્ઝર્વેટિવ સાંસદ પીટર બોનને હટાવ્યા બાદ વોલિંગબર્ગમાં ચૂંટણી યોજાઈ હતી. અહીં લેબર પાર્ટીના સાંસદ જેન કિચનને 45.8% વોટ મળ્યા, જે ગત વખત કરતા 28.5% વધુ હતા. આ સીટ 2005થી કન્ઝર્વેટિવ પાર્ટી પાસે હતી. કિંગ્સવુડમાં પણ આવી જ સ્થિતિ હતી, જ્યાં લેબર પાર્ટીને 44.9% મત મળ્યા હતા જે ગયા વખત કરતા 16.4% વધુ છે. આ સીટ 2010થી કન્ઝર્વેટિવ પાર્ટી પાસે હતી.
ચિંતા: સુનક દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢવામાં નિષ્ફળ
સુનક સરકાર બ્રિટનની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં સફળ રહી નથી. આ અઠવાડિયે બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા દર્શાવે છે કે યુકેની અર્થવ્યવસ્થા મંદીમાં સરકી જવાની તૈયારીમાં છે અને માત્ર 0.1% વૃદ્ધિ પામશે. સુનકની લોકપ્રિયતા પણ ઘટી રહી છે. 70 ટકા બ્રિટિશ ઉત્તરદાતાઓ તેમના કામથી સંતુષ્ટ નથી.
આ તસવીર બ્રિટનમાં વિપક્ષી લેબર પાર્ટીના પ્રમુખ કીર સ્ટારમરની છે. (ફાઈલ)
વિપક્ષનો હુમલોઃ લેબર પાર્ટીએ કહ્યું- દેશ પરિવર્તન ઈચ્છે છે
લેબર પાર્ટી પણ કન્ઝર્વેટિવ પાર્ટી પર પ્રહારો કરી રહી છે. પેટાચૂંટણીનાં પરિણામો બાદ લેબર નેતા કીર સ્ટાર્મરે કહ્યું કે પરિણામોએ સ્પષ્ટ કર્યું છે કે દેશ હવે પરિવર્તન ઈચ્છે છે. અમારી પાર્ટીને ટોરી સ્વિચર્સ મળી રહ્યા છે તે જોઈને ખૂબ આનંદ થયો. બીજા શબ્દોમાં કહીએ તો જે લોકોએ અગાઉ લેબર પાર્ટીને મત આપ્યો ન હતો તેમણે પેટાચૂંટણીમાં લેબર પાર્ટીને મત આપ્યો હતો.