ઇસ્લામાબાદ2 કલાક પેહલા
- કૉપી લિંક
શનિવારે બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના આતંકીઓએ પાકિસ્તાનના પશ્ચિમી પ્રાંત બલૂચિસ્તાનના તુર્બત શહેરમાં એક બસમાં બ્લાસ્ટ કર્યો હતો. જેમાં 4 લોકોનાં મોત થયા છે. આ સિવાય 32 અન્ય ઘાયલ છે. આ ઘાયલોમાંથી 5ની હાલત ગંભીર છે.
હુમલામાં SSP રેન્કના વરિષ્ઠ પોલીસ અધિકારી અને તેમનો પરિવાર પણ ઘાયલ થયો હતો. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે બળવાખોરોએ એસએસપીને નિશાન બનાવવાના ઈરાદે બસ પર હુમલો કર્યો હતો. હાલ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
હુમલા બાદ BLAના પ્રવક્તાએ એક વીડિયો જાહેર કર્યો અને હુમલાની જવાબદારી સ્વીકારી. અગાઉ ગયા મહિને પણ અહીં બોમ્બ વિસ્ફોટમાં બે લોકોનાં મોત થયા હતા.
આ તસવીર હુમલામાં ઘાયલ એક વ્યક્તિની છે.
પેશાવરમાં બે પક્ષો વચ્ચે અથડામણમાં 5નાં મોત
શનિવારે પાકિસ્તાનના પેશાવરના તહકલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે ગોળીબારમાં 5 લોકોનાં મોત થયા હતા. આ સિવાય 6 અન્ય લોકો પણ ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો પરસ્પર અદાવતનો છે. સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે લોકો ફરાર છે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, એક પક્ષ લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે તેઓનો સામનો બીજી પાર્ટી સાથે થયો હતો, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બંને પક્ષો વચ્ચે અગાઉ ઝઘડો ચાલતો હતો. આ મામલો પ્રોપર્ટી અને જૂના હત્યા કેસ સાથે જોડાયેલો છે. હાલ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
ગયા મહિને સૈન્ય ચોકી પર આતંકવાદી હુમલામાં 16નાં મોત થયા હતા
21 ડિસેમ્બરે આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આર્મી પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 16 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલો અફઘાનિસ્તાન બોર્ડરથી 40 કિમી દૂર માકિનમાં થયો હતો.
ન્યૂઝ એજન્સી એએફપીએ સેનાના એક અધિકારીને ટાંકીને જણાવ્યું કે લગભગ 2 કલાક સુધી 30થી વધુ આતંકીઓએ આર્મી પોસ્ટ પર હુમલો કર્યો. આ દરમિયાન આતંકવાદીઓએ પોસ્ટ પર હાજર વાયરલેસ સાધનો અને દસ્તાવેજો સહિત ઘણી વસ્તુઓને આગ ચાંપી દીધી હતી. આ પછી તમામ લોકો સ્થળ પરથી ભાગી ગયા હતા. આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એટલે કે TTPના આતંકવાદીઓએ લીધી હતી.