25 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફરહતુલ્લા ઘોરી સોશિયલ મીડિયા દ્વારા ભારતના યુવાનો અને ખાસ કરીને મુસ્લિમોનું બ્રેઈનવોશ કરવાનું કામ કરે છે. (ફોટો- સ્ક્રીનગ્રેબ)
- ચૂંટણી પહેલા સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનું ષડયંત્ર
ગુજરાતના ગાંધીનગરમાં વર્ષ 2002માં અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ ફરહતુલ્લા ઘોરી ફરી એકવાર સક્રિય થયો છે અને ભારત વિરુદ્ધ જંગનું એલાન કરી દીધુ છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIએ 2002માં ગુજરાતના અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ ફરહતુલ્લા ઘોરીનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં આતંકવાદી ભારત વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી રહ્યો છે. ઘોરી લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલો છે. જોકે ISI દ્વારા આ વીડિયો કયા પ્લેટફોર્મ પર જાહેર કરવામાં આવ્યો તેની માહિતી સામે આવી નથી.
ગુપ્તચર નિષ્ણાંતોના મતે ઘોરીના વીડિયો દ્વારા ISIનો હેતુ લોકસભા ચૂંટણી પહેલા ભારતમાં સાંપ્રદાયિક એકતાને નુકસાન પહોંચાડવાનો છે. ગુપ્તચર અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘોરીના આગળ આવ્યા પછી, પાકિસ્તાન હવે દાવો કરી શકે છે કે આતંકવાદી એક ભાગેડુ ભારતીય છે જે પાકિસ્તાનમાં હાજર નથી.
ગયા વર્ષે, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કહ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટના આતંકવાદી મોડ્યુલનો તેમણે પર્દાફાશ કર્યો હતો તે ફરહતુલ્લા ઘોરી ચલાવતો હતો. તે આમાં ISના આતંકીઓની ભરતી કરતો હતો.

આતંકવાદી ફરહતુલ્લા ઘોરીના વીડિયોનો આ કવર ફોટો છે. ફરહતુલ્લાએ ભારતમાં અનેક આતંકી હુમલાઓ કર્યા છે.
ફરહતુલ્લા સોશિયલ મીડિયા પર મુસ્લિમ યુવકોનું બ્રેઈનવોશ કરે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘોરી અને તેની ટીમ આઈએસના નામે યુવાનોનું માત્ર બ્રેઈનવોશ જ નથી કરતી, પરંતુ તેમને આકર્ષવા માટે જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાના સોશિયલ મીડિયા પેજ પણ બનાવે છે. એક આતંકવાદ વિરોધી પોલીસકર્મીએ મીડિયાને જણાવ્યું હતું કે ઘોરી ટેરર ફાઇનાન્સર તરીકે પણ કામ કરે છે અને ભારતમાં મુસ્લિમ યુવાનોને દેશ સામે બળવો કરવા માટે ઉશ્કેરે છે.
આ માટે તે ફેસબુક, ટેલિગ્રામ અને યુટ્યુબ એકાઉન્ટના નેટવર્કનો ઉપયોગ કરે છે. હકીકતમાં આતંકી ફરહતુલ્લા ઘોરી ઘણા વર્ષોથી ગુમ હતો. વર્ષ 2019માં, તેના કેટલાક વીડિયો અને સંદેશાઓ ટેલિગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવ્યા હતા. આમાં તે યુવાનોનું બ્રેઈનવોશ કરવાના મેસેજ શેર કરી રહ્યો હતો. આમાં તે અબુ સુફીયાન અને સરદારના નામથી ઓળખાય છે.
ફરહતુલ્લા દિલ્હી, ગુજરાત અને હૈદરાબાદ પોલીસની વોન્ટેડ યાદીમાં સામેલ છે. હૈદરાબાદમાં STF ઑફિસ પર આત્મઘાતી હુમલા સિવાય, ઘોરીએ હૈદરાબાદમાં RSS ઑફિસ સહિત ઘણા નેતાઓ પર આતંકવાદી હુમલા કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે હાલ પાકિસ્તાનમાં છે.
ભારતે 2020માં ફરહતુલ્લાને આતંકવાદી જાહેર કર્યો હતો
ભારતના ગૃહ મંત્રાલયે વર્ષ 2020માં ઘોરીને આતંકવાદી જાહેર કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે લાહોરમાં રહેતો હતો અને ત્યાંથી પોતાનું નેટવર્ક ઓપરેટ કરતો હતો. આ દરમિયાન અમેરિકા અને ઇન્ટરપોલ પણ તેની પાસે પહોંચી શક્યા ન હતા.
છેલ્લા બે વર્ષમાં ભારતની ગુપ્તચર એજન્સીઓએ ઘોરીને લગતા ઘણા ફેસબુક અને ટેલિગ્રામ એકાઉન્ટને બ્લોક કરી દીધા છે. આ સમયગાળા દરમિયાન તેલંગાણા કાઉન્ટર-ઇન્ટેલિજન્સ યુનિટે પણ આતંકવાદી સામેની કાર્યવાહી તેજ કરી હતી.
કોણ છે ફરહતુલ્લા ઘોરી?
ફરહતુલ્લા ઘોરી મૂળ હૈદરાબાદના કુરમગુડાનો રહેવાસી છે. તે 1994માં ભારતથી સાઉદી ફરાર થઇ ગયો હતો. અને 2015થી ISIના સરંક્ષણમાં પાકિસ્તાનમાં છે. સોશિયલ મીડિયાના માધ્યથી તે ભારતીય યુવાનોનું બ્રેઈનવોશ કરવાનું કામ કરે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ગૃહ મંત્રાલયે UAPA હેઠળ ઘોરીનો મોસ્ટવોન્ટેડ 38 આતંકવાદીઓના લિસ્ટમાં સમાવેશ કર્યો છે. ઘોરી કટ્ટરપંથી સંગઠન દર્સગાહ-એ-શહદત(DJS) સાથે પણ સંકળાયેલો છે. આ સાથે લશ્કર અને જૈશ એ બંને આતંકવાદી સંગઠનનો એક્ટિવ મેમ્બર છે. ઘોરીને પાકિસ્તાન બેઝ્ડ ISISના ભારતમાં નવા મોડ્યુલને ઉભુ કરવાની સાથે સાથે આતંકવાદી ગતિવિધિઓ માટે ફંડિગ ઉઘરાવવાની જવાબદારી પણ સોપવામાં આવી છે.

અક્ષરધામ મંદિર પર થયેલા આતંકી હુમલામાં 32 લોકોના મોત થયા હતા જ્યારે 79 લોકો ઘાયલ થયા હતા.
અક્ષરધામ મંદિર પર થયેલા આતંકી હુમલામાં 32 લોકોના મોત થયા હતા
24 સપ્ટેમ્બર, 2002ના રોજ, ગુજરાતના ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરમાં કેટલાક આતંકવાદીઓ ઘૂસ્યા હતા. ઓટોમેટિક હથિયારો અને હેન્ડ ગ્રેનેડના ઉપયોગની સાથે આતંકીઓએ આત્મઘાતી હુમલો પણ કર્યો હતો. આ હુમલામાં કુલ 32 લોકો માર્યા ગયા હતા, જ્યારે 79 લોકો ઘાયલ થયા હતા. હુમલા સમયે મંદિરમાં લગભગ 600 લોકો હાજર હતા. આ આતંકી હુમલામાં ત્રણ કમાન્ડો અને સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ના એક કોન્સ્ટેબલ પણ શહીદ થયા હતા.