7 મિનિટ પેહલા
- કૉપી લિંક
મંકીપોક્સ વાયરસ હવે આફ્રિકાની બહાર પણ ઝડપથી ફેલાવા લાગ્યો છે. સ્વીડન અને પાકિસ્તાન બાદ હવે સોમવારે ફિલિપાઈન્સમાં પણ મંકીપોક્સનો કેસ સામે આવ્યો છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર આ વર્ષે ફિલિપાઈન્સમાં મંકીપોક્સનો આ પહેલો કેસ નોંધાયો છે. અગાઉ ડિસેમ્બરમાં પણ આ વાયરસના કેસ જોવા મળ્યા હતા.
ફિલિપાઈન્સના આરોગ્ય વિભાગે કહ્યું કે દર્દી તેના દેશની બહાર ક્યાંય ગયો નથી. દર્દીમાં વાયરસનો કયો પ્રકાર જોવા મળ્યો છે તે જાણી શકાયું નથી. અગાઉ, શુક્રવારે (16 ઓગસ્ટ) પાકિસ્તાનમાં મંકીપોક્સના ત્રણ કેસ મળી આવ્યા હતા. ત્રણેય દર્દીઓ યુએઈની યાત્રા કરીને પરત ફર્યા હતા.
આ તરફ સ્વીડનમાં ગુરુવારે (15 ઓગસ્ટ) મંકીપોક્સનો કેસ નોંધાયો હતો. આફ્રિકા બાદ આ પહેલો કેસ હતો. અહેવાલો અનુસાર, દર્દીમાં મંકીપોક્સનો ક્લેડ આઈ નવેરિયન્ટ જોવા મળ્યો હતો, જે જીવલેણ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ 14 ઓગસ્ટે Mpox એટલે કે મંકીપોક્સને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરીછે. બે વર્ષમાં આ બીજી વખત છે જ્યારે આ રોગને હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવ્યો છે. WHOના રિપોર્ટ અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં વિશ્વમાં મંકીપોક્સના કારણે 537 લોકોના મોત થયા છે. કોંગોમાં આ રોગ ફાટી નીકળ્યો છે. પડોશી દેશો પણ તેની ઝપેટમાં આવી રહ્યા છે.
સામાન્ય રીતે, આ વાયરસના ચેપની આડઅસર વધુ નથી, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે જીવલેણ બની શકે છે.
મંકીપોક્સ શું છે
મંકીપોક્સ શીતળા જેવો વાયરલ બીમારી છે. સામાન્ય રીતે, આ વાયરસના ચેપની વધુ આડઅસરો નથી, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે જીવલેણ બની શકે છે. આના કારણે, ફ્લૂ જેવા લક્ષણો દેખાય છે અને શરીર પર પરુ ભરેલા ફોલ્લા પડે છે. આ વાયરસ ઓર્થોપોક્સ વાયરસ જીનસ પરિવારનો સભ્ય છે, જે શીતળા માટે પણ જવાબદાર છે.
WHO પણ ચિંતિત છે કારણ કે મંકીપોક્સના વિભિન્ન પ્રકોપમાં મૃત્યુદરમાં તફાવત છે. ઘણી વખત તે 10%થી વધુ રહ્યો છે. તે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે તે ચેપી રોગ છે. તેથી, WHO એ આ અંગે ઉચ્ચ સ્તરીય એલર્ટ જાહેર કર્યુ છે.
મંકીપોક્સનાં લક્ષણો શું છે?
- કોઈ વ્યક્તિ વાઇરસના સંપર્કમાં આવ્યા પછી લક્ષણો દેખાવામાં ઘણા દિવસો અથવા થોડાં અઠવાડિયાં લાગી શકે છે.
- એનાં લક્ષણો સામાન્ય રીતે એક્સપોઝરના 3થી 17 દિવસ પછી દેખાવા લાગે છે. જ્યારે કોઈ વ્યક્તિ વાઇરસના સંપર્કમાં આવે છે અને જ્યારે લક્ષણો દેખાવાનું શરૂ થાય છે એ વચ્ચેનો સમય ઇન્ક્યુબેશન પિરિયડ કહેવાય છે.
- મંકીપોક્સનાં લક્ષણો સામાન્ય રીતે 2થી 4 અઠવાડિયાં સુધી રહે છે.
- મંકીપોક્સનું સૌથી પહેલું લક્ષણ તાવ છે. પછી તાવની શરૂઆતના લગભગ 1થી 4 દિવસ પછી, ત્વચા પર ફોલ્લીઓ દેખાવા લાગે છે.
- આમાં દેખાતી ફોલ્લીઓ ઘણીવાર ચહેરા પર પહેલા દેખાય છે. આ પછી એ હાથ અથવા પગ પર દેખાય છે અને પછી શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે.
- જોકે 2022માં શરૂ થયેલા પ્રકોપના કિસ્સામાં ફોલ્લીઓ ઘણીવાર જનનાંગની આસપાસમાં શરૂ થાય છે. કેટલાક લોકોની ફોલ્લીઓ મોં કે ગળામાંથી શરૂ થઈ રહી હતી.
- મંકીપોક્સ ફોલ્લીઓ ઘણા તબક્કાઓમાંથી પસાર થાય છે. શરૂઆતમાં નીકળતા દાણાઓ ફોલ્લીઓમાં ફેરવાય છે. પછી આ ફોલ્લીઓ પરૂથી ભરાઈ જાય છે. પછી સ્કેબ્સ 2થી 4 અઠવાડિયાના સમયગાળામાં બને છે અને સુકાઈ જાય છે.
- આ ફોલ્લીઓ મોં, ચહેરો, હાથ, પગ, લિંગ, યોનિ અથવા ગુદા પર ગમે ત્યાં થઈ શકે છે. કેટલીકવાર એ ગળામાં પણ થાય છે.
- મંકીપોક્સનાં લક્ષણો દેખાવાનું શરૂ થાય ત્યારથી તમારી ફોલ્લીઓ મટે ત્યાં સુધી, ચેપગ્રસ્ત વ્યક્તિ એને ફેલાવી શકે છે. આ ઉપરાંત એ લક્ષણો દેખાય એ પહેલાં જ ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ફેલાઈ શકે છે.
શું મંકીપોક્સથી બચવાનો કોઈ રસ્તો છે?
ઘણી વેક્સિન આપણને મંકીપોક્સના પ્રકોપથી બચાવી શકે છે. કેટલીક વેક્સિન આ માટે જ તૈયાર કરવામાં આવી છે, જ્યારે કેટલીક રસી શીતળા માટે તૈયાર કરવામાં આવી હતી, જે એને રોકવામાં અસરકારક છે.
- મંકીપોક્સને રોકવા માટે JYNNEOSTM વેક્સિન પણ બજારમાં ઉપલબ્ધ છે, જે ઇમ્યૂન અથવા ઇમવેનેક્સના નામથી મળી શકે છે.
- આફ્રિકામાં એનો મોટા પાયે ઉપયોગ થાય છે. એના ડેટા દર્શાવે છે કે આ રસી મંકીપોક્સને રોકવામાં 85% સુધી અસરકારક છે.
- શીતળાની રસી, ACAM2000, પણ એને રોકવામાં ખૂબ અસરકારક સાબિત થઈ છે.
- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, શીતળા સામે આપવામાં આવેલી વેક્સિન લોકોની રોગપ્રતિકારક શક્તિ તેમને મંકીપોક્સ વાઇરસથી બચાવવામાં ઘણી હદ સુધી અસરકારક છે.
- સમસ્યા એ છે કે શીતળાનો ચેપ બંધ થવાને કારણે લગભગ 40 વર્ષ પહેલાં ઘણા દેશોમાં એની સામે રસીકરણ બંધ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં અહીંના લોકો એની અસરમાં આવી શકે છે.
મંકીપોક્સની સારવાર શું છે?
- સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, હાલમાં મંકીપોક્સ ચેપ માટે કોઈ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી. જોકે કેટલીક દવાઓની મદદથી એના ફેલાવાને નિયંત્રિત કરી શકાય છે.
- કેટલીક દવાઓ પહેલેથી જ બજારમાં ઉપલબ્ધ છે, જે મંકીપોક્સની સારવારમાં ઉપયોગ માટે માન્ય છે અને એ રોગ સામે ઘણી હદ સુધી અસરકારક છે.
- એની સારવારમાં સામાન્ય રીતે સિડોફોવિર, ST-246 અને વેક્સિનિયા ઇમ્યુનોગ્લોબ્યુલિનનો ઉપયોગ થાય છે.