38 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકામાં ઓસ્ટિન, ટેક્સાસમાં ટેસ્લાની ફેક્ટરીમાં એલ્યુમિનિયમ કારના ભાગોને ખસેડવા માટે બનાવાયેલા રોબોટે હુમલો કરીને સોફ્ટવેર એન્જિનિયરને લોહીલુહાણ કરી નાંખ્યો હતો. રોબોટે પહેલા તો એન્જિનિયરને ઉપાડીને પછાડ્યો અને પછી પોતાના અણીદાર આંગળાથી પીઠમાં અને બાવડાંમાં ઘા માર્યા. તેના કારણે ટાઈલ્સ પર લોહી વહેવા લાગ્યું. આ ઘટના આમ તો બે વર્ષ પહેલાંની છે પણ 2021ના ઈન્જરી રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. અહેવાલ મુજબ, ટેસ્લાએ એવા ત્રણ રોબોટ બનાવ્યા હતા જે કારના તાજા ગરમ એલ્યુમિનિયમના ભાગને કાપી શકતા હોય. સોફ્ટવેર એન્જિનિયર આ જ રોબોટનું પ્રોગ્રામિંગ કરતો હતો. જ્યારે જરૂર નહોતી ત્યારે આ બે રોબોટને નિષ્ક્રિય કરીને એકબાજુએ ઊભા રાખી દેવાયા હતા પણ ત્રીજા રોબોટને નિષ્ક્રિય કરવાનું ભુલાઈ ગયું હતું. ભૂલથી એક્ટિવ રહી ગયેલા રોબોટે જ હુમલો કર્યો હતો. ટેસ્લાએ આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે.
યુએસ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ એડમિનિસ્ટ્રેશન (OSHA) ને સુપરત કરાયેલો ઈન્જરી રેટ ગીગા ટેક્સાસમાં ઊંચો ઈન્જરી રેટ દર્શાવે છે. ગયા વર્ષે દર 21માંથી લગભગ એક કામદાર ઘાયલ થયો છે. જે ઓટોમોટિવ ઉદ્યોગમાં 30માંથી એક કામદારના સરેરાશ ઈન્જરી રેટ કરતાં વધારે છે.
ગીગા ટેક્સાસની આ ફેક્ટરીમાં રોબોટે હુમલો કર્યો
ટેસ્લાના વર્તમાન અને ભૂતપૂર્વ કામદારોએ આક્ષેપ કર્યો છે કે કંપની ઘણીવાર કન્સ્ટ્રક્શન્સ, ઓપરેશન્સ અને મેઈન્ટેનન્સમાં સમાધાન કરી લે છે અને કર્મચારીઓને જોખમમાં મૂકે છે. અહેવાલમાં જણાવાયું છે કે 2022માં એલ્યુમિનિયમ ઓગાળવાની ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો અને કાસ્ટિંગ વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો. તેમાં પણ કેટલાક કર્મચારીઓ ઘાયલ થયા હતા. જો કે ટેસ્લા દુનિયાથી ઈન્જરી રિપોર્ટ છુપાવતી રહી છે અને કર્મચારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. હવે આ રિપોર્ટ દુનિયાની સામે આવતાં લોકોને પણ આંચકો લાગ્યો છે કે, રોબોટમાં એવી સમજણ કેવી રીતે આવી કે માણસ પર હુમલો કરી બેઠો…