વોશિંગ્ટન38 મિનિટ પેહલા
- કૉપી લિંક
TikTok એ અમેરિકામાં કામ કરવાનું બંધ કરી દીધું છે. હવે અમેરિકામાં લોકો આ શોર્ટ-વિડિયો પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકતા નથી. મહિનાઓની કાનૂની લડાઈ બાદ, 17 જાન્યુઆરીએ, અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને ટાંકીને TikTok પર પ્રતિબંધ મૂકવાના કાયદાને મંજૂરી આપી હતી. Apple Hubએ અહેવાલ આપ્યો છે કે TikTok એપને અમેરિકન એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમેરિકામાં TikTok યુઝર્સ જ્યારે એપ ખોલે છે ત્યારે આ મેસેજ જોઈ રહ્યા છે – ‘અમેરિકામાં TikTok પર પ્રતિબંધ લગાવતો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. કમનસીબે, આનો અર્થ એ છે કે તમે અત્યારે TikTok નો ઉપયોગ કરી શકતા નથી. અમે ભાગ્યશાળી છીએ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ સત્તા સંભાળ્યા પછી TikTok ફરીથી શરૂ કરવાના ઉકેલ પર અમારી સાથે કામ કરશે.
ટ્રમ્પ TikTok પર 90 દિવસ સુધી પ્રતિબંધમાંથી રાહત આપી શકે છે
NBC ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ ચાઈનીઝ એપ TikTokને રાહત આપી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈન્ટરવ્યુ દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે હાલમાં તેમણે આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.
હાલમાં તે ટૂંકા વીડિયો શેરિંગ પ્લેટફોર્મને આપવામાં આવેલી સમય મર્યાદાને માત્ર આગામી 90 દિવસ માટે લંબાવવાનું વિચારી રહ્યા છે. જો ટ્રમ્પ આ અંગે અંતિમ નિર્ણય પર પહોંચે છે તો તેઓ સોમવારે તેની જાહેરાત કરી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે શપથ લેશે
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે એટલે કે 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપથ લેવા જઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ માટે રાજધાની વોશિંગ્ટન પહોંચી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ હશે.
2020થી ભારતમાં આ એપ પર પ્રતિબંધ છે
29 જૂન, 2020ના રોજ ભારતમાં TikTok પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ એટલા માટે લાદવામાં આવ્યો હતો કારણ કે તેને દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને ડિજિટલ સુરક્ષા માટે જોખમી માનવામાં આવે છે.