3 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાનમાં આર્મી ચીફનો કાર્યકાળ હવે 3 વર્ષથી વધારીને 5 વર્ષ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સરકારે સોમવારે કાયદામાં આ સુધારો કર્યો છે. આ સાથે વર્તમાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીર પણ 2027 સુધી આ પદ પર રહેશે. અગાઉ તેમનો કાર્યકાળ આવતા વર્ષે 2025માં પૂરો થવાનો હતો.
આર્મી ચીફ સિવાય પાકિસ્તાની સેનાના અન્ય સીનિયર કમાન્ડરોનો કાર્યકાળ પણ લંબાવવામાં આવ્યો છે. રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે પાકિસ્તાન આર્મી એક્ટ 1952માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેને ગૃહના અધ્યક્ષ અયાઝ સાદિક દ્વારા પસાર કરવામાં આવ્યો છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, શાહબાઝ સરકારના આ પગલાને સેનાના વરિષ્ઠ અધિકારીઓને લલચાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે. જિયો ન્યૂઝ અનુસાર, સેનેટમાં આ સંશોધનને પસાર કરવામાં લગભગ 16 મિનિટનો સમય લાગ્યો.
રક્ષામંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે પાકિસ્તાન આર્મી એક્ટ 1952માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ઈમરાનની પાર્ટીના સાંસદે કહ્યું- કાયદો દેશના હિતમાં નથી
આ સુધારાને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પાર્ટી માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ખરેખરમાં, ઇમરાન સત્તા પરથી તેમની હકાલપટ્ટી માટે સેનાને જવાબદાર માને છે. તેમની સામે કાર્યવાહી કરવાની પણ માંગણી કરી છે.
નેશનલ એસેમ્બલીમાં સત્ર દરમિયાન ઈમરાનની પાર્ટી પીટીઆઈના સાંસદ ઓમર અયુબે કહ્યું કે સંસદમાં ચર્ચા વિના કાયદો પસાર કરવો ખરેખરમાં તેને કચડી નાખવા જેવું છે. આ દેશ અને આપણી સેના બંને માટે સારું નથી. ખાનની પાર્ટીના સાંસદોએ સંસદ સત્ર દરમિયાન બિલની ટીકા કરી હતી.
ઇમરાનની પાર્ટીના લોકો તેમને સત્તા પરથી હટાવવા માટે સેનાને જવાબદાર માને છે. ઓગસ્ટ મહિનાથી જેલમાં રહેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે ઘણી વખત મતભેદ થયા છે. તેમણે સેનાના સીનિયર અધિકારીઓ પર વર્ષ 2022માં તેમને સત્તા પરથી હટાવવાનો આરોપ લગાવ્યો હતો.
ઈમરાન ખાને અનેક વાર આર્મી ચીફ જનરલ અસીમ મુનીર પર તેમની સરકારને પાડવાનું કાવતરું ઘડવાના આરોપ લગાવ્યા છે.
ઈમરાને કહ્યું- પાકિસ્તાનમાં જંગલરાજ, આર્મી ચીફ તેના રાજા છે
ખાનની પાર્ટી ફેબ્રુઆરીની ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો જીતી હતી, પરંતુ તેમ છતાં બહુમતી સાબિત કરી શકી ન હતી. ઈમરાનની પોતાની પાર્ટીના નેતા ફવાદ ચૌધરીએ થોડા મહિના પહેલા કહ્યું હતું કે જો ખાન સેના સાથે ડીલ કરે છે તો તેઓ વડાપ્રધાન બની શકે છે.
આવી સ્થિતિમાં પીએમ શાહબાઝને તે લોકોથી જોખમ છે જેઓ તેમને ફરી સત્તામાં લાવ્યાં છે. આ પહેલા ઈમરાને કહ્યું હતું કે પાકિસ્તાનમાં જંગલરાજ ચાલી રહ્યું છે. આ જંગલના રાજા આર્મી ચીફ જનરલ અસીમ મુનીર છે. અહીં જે કંઈ થાય છે તે તેમના કહેવાથી જ થાય છે.