ઇસ્લામાબાદ40 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાનની સંસદ 1956માં બની હતી. અહીં 436 સાંસદો છે. તેમાંથી 336 નેશનલ એસેમ્બલીના સભ્યો છે અને 100 સેનેટના સભ્યો છે. (ફાઈલ)
પાકિસ્તાનની સંસદમાંથી શુક્રવારે સાંસદો અને પત્રકારોના શૂઝ ચોરાઈ ગયા હતા. પાકિસ્તાની મીડિયા ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, સાંસદો, પત્રકારો અને સંસદના કર્મચારીઓ શુક્રવારની નમાજ માટે પરિસરમાં આવેલી મસ્જિદમાં ગયા હતા.
જ્યારે લોકો મસ્જિદમાંથી બહાર આવ્યા ત્યારે તેમના શૂઝ ચોરાઈ ગયા હતા. ચોરો 20 જોડી બુટ- ચંપલ લઈ ગયા હતા. આ પછી સાંસદ ઉઘાડા પગે સંસદમાં પરત ફર્યા હતા. નેશનલ એસેમ્બલીના સ્પીકર સરદાર અયાઝ સાદીકે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
એક્સપ્રેસ ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે કે સંસદમાં હાજર સુરક્ષા અધિકારીઓ નમાઝના સમયે તેમના સ્થાન પર તહેનાત ન હતા. સ્પીકરના આદેશ બાદ સંયુક્ત સચિવ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ મામલાની તપાસ કરશે. સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીઓને ઓળખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ચોરીના સમયે પાકિસ્તાની સાંસદો અને પત્રકારો સંસદ સંકુલમાં આવેલી મસ્જિદમાં શુક્રવારની નમાજ અદા કરી રહ્યા હતા. (ફાઈલ)
રક્ષા મંત્રીએ કહ્યું- પાકિસ્તાનમાં ભીખ માગવી એ એક મોટો ધંધો બની ગયો છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે આ ચોરી પાછળ ભિખારી માફિયાઓનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે. ખ્વાજા આસિફે કહ્યું, “પાકિસ્તાનમાં ભિખારીઓની વધતી સંખ્યા ચિંતાનો વિષય છે. તેમની સામે જાગૃતિ લાવવા માટે એક અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મોટા ક્રિકેટરો પણ ભાગ લઈ રહ્યા છે.”
રક્ષા મંત્રીએ કહ્યું કે, શહેરમાં ભિખારી દેખાય કે તરત જ પોલીસને તેની જાણ કરવામાં આવે છે. પાકિસ્તાનમાં ભીખ માગવી એ એક મોટો ધંધો બની ગયો છે. લગભગ 10% વસ્તી આ ધંધા સાથે સંકળાયેલી છે.
અગાઉ ઈદના અવસર પર પાકિસ્તાનથી લાખો ભિખારીઓ કરાચી પહોંચ્યા હતા. શહેરની શેરીઓ, બજારો અને મોલમાં પણ ભિખારીઓ દેખાતા હતા. કરાચીના એઆઈજી યાકુબ મિન્હાસે જણાવ્યું હતું કે આ ભિખારીઓ સિંધ અને બલૂચિસ્તાન પ્રાંતમાંથી આવ્યા હતા. તેમને પકડવા માટે સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવામાં આવશે.
પાકિસ્તાનમાં મોંઘવારીનો માર
પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા વચ્ચે દેશની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. અહીં મોંઘવારી દરમાં સતત વધારો થયો છે. પાકિસ્તાનના લોકો ભૂખમરો અને બેરોજગારીથી પરેશાન છે. દેશમાં રોજીંદી જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને છે. પાકિસ્તાનનો વિદેશી હૂંડિયામણ ભંડાર હાલમાં 8 બિલિયન ડોલર છે, જે લગભગ દોઢ મહિના માટે માલની આયાત કરવા સમાન છે.
દેશમાં ઓછામાં ઓછા 3 મહિના માટે માલની આયાત કરવા માટે પૂરતા પૈસા હોવા જોઈએ. પાકિસ્તાનનો જીડીપી 2024માં માત્ર 2.1%ના દરે વૃદ્ધિ પામે તેવી શક્યતા છે. હાલમાં એક ડોલરની કિંમત 276 પાકિસ્તાની રૂપિયા બરાબર છે.
વિશ્વમાં પકડાયેલા ભિખારીઓમાં 90% પાકિસ્તાની મૂળના છે
ગયા વર્ષે પાકિસ્તાની મીડિયા ડોને એક રિપોર્ટ જાહેર કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે વિશ્વભરમાં ધરપકડ કરાયેલા 90% ભિખારીઓ પાકિસ્તાની મૂળના છે. પાકિસ્તાનના ઓવરસીઝ મિનિસ્ટ્રીના સેક્રેટરી ઝુલ્ફીકાર હૈદરે કહ્યું હતું કે સાઉદી અરેબિયા, ઈરાન અને ઈરાક જવા માટે તીર્થયાત્રીઓને આપવામાં આવેલા વિઝાનો લાભ ઘણા ભિખારીઓએ લીધો છે.
અહેવાલો અનુસાર, હરમ જેવા પવિત્ર સ્થળો પર મોટી સંખ્યામાં પાકિટમારની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમની ઓળખ પાકિસ્તાની નાગરિક તરીકે થઈ હતી.
સપ્ટેમ્બર 2023માં જાહેર થયેલા વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં 9.5 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. આ 24 કરોડની કુલ વસ્તીના 39.4% છે. તેમની દૈનિક કમાણી 3.65 ડોલર એટલે કે 1,048 પાકિસ્તાની રૂપિયા છે. ભારતીય ચલણમાં તે 300 રૂપિયા બરાબર છે.