14 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટેરિફ પોલિસીને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગળ શું કરશે એ આખી દુનિયા માટે પ્રશ્ન છે. મંગળવારે ટ્રમ્પે કેનેડાના સ્ટીલ અને એલ્યૂમીનિયમ પર પહેલાં તો ટેરિફ 25%થી વધારીને 50% કરી દીધો, પરંતુ લગભગ 6 કલાક પછી તેને પાછો ખેંચી લીધો. કેનેડા અને અમેરિકાની વચ્ચે ટેરિફને લઇને સતત પોલિસીથી બદલાવની અસર મંગળવારે અમેરિકી બજારમાં જોવા મળી, જે હવે 6 મહિનાના સૌથી નીચા સ્તરે પછડાયું છે.
કેનેડા અને ટ્રમ્પની યુ-ટર્ન ગેમ કેનેડાએ યુએસ ટેરિફનો જવાબ આપવા માટે કેનેડાના ઓન્ટારિયો પ્રાંત દ્વારા કેટલાક ઉત્તરીય યુએસ રાજ્યોમાં મોકલવામાં આવતી વીજળી પર 25% સરચાર્જ લાદ્યો.તમને જણાવી દઈએ કે કેનેડાનો સૌથી ગીચ વસ્તી ધરાવતો પ્રાંત ઓન્ટારિયો અમેરિકામાં 15 લાખ ઘરોને વીજળી પહોંચાડે છે. ટ્રમ્પ આનાથી ખૂબ જ નાખુશ હતા, અને કેનેડાને પાઠ ભણાવવા માટે તેમણે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ બમણો કરી દીધો. ટ્રમ્પે વિચાર્યું કે આનાથી કેનેડા પર દબાણ આવશે અને તે વીજળી પરનો સરચાર્જ પાછો ખેંચી લેશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું કે તેમણે કોમર્સ સચિવ હોવર્ડ લુટનિકને ઉત્પાદનો પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાદવાનો નિર્દેશ આપ્યો છે અને તે આજથી એટલે કે બુધવારથી અમલમાં આવશે. આ ઉપરાંત, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે કેનેડાને ડેરી ઉત્પાદનો અને કાર પર ટેરિફ ઘટાડવા ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો કેનેડા ઊંચા ટેરિફ ઘટાડશે નહીં, તો તેઓ ટેરિફમાં વધુ વધારો કરશે.

કેનેડા જ કેમ? કેનેડા અમેરિકામાં સ્ટીલનો સૌથી મોટો નિકાસકાર છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અનુસાર વર્ષ 2024માં અમેરિકાએ કેનેડાથી 6 મિલિયન ટન સ્ટીલની આયાત કરી હતી. કેનેડા ઉપરાંત, બ્રાઝિલ, મેક્સિકો, દક્ષિણ કોરિયા, વિયેતનામ અને જાપાન અમેરિકાને સ્ટીલની નિકાસ કરે છે. એલ્યુમિનિયમના કિસ્સામાં પણ કેનેડા અમેરિકા માટે સૌથી મોટો વેપાર ભાગીદાર છે. વર્ષ 2024માં અમેરિકાએ કેનેડાથી 32 લાખ ટન એલ્યુમિનિયમની આયાત કરી હતી. આ પછી યુએઈ, ચીન, દક્ષિણ કોરિયા, બહેરીન, આર્જેન્ટિના અને ભારતનો ક્રમ આવે છે. અમેરિકાએ ભારતમાંથી 2 લાખ ટન સ્ટીલની આયાત કરી હતી.
કેનેડા, મેક્સિકો અને ચીન અમેરિકાના ત્રણ સૌથી મોટા વેપાર ભાગીદારો છે, જે અમેરિકાના કુલ વેપારના 40% હિસ્સો ધરાવે છે. ટ્રમ્પ ત્રણેય પર ટેરિફ અંગે ખૂબ જ કડક છે. રોઇટર્સના એક સર્વેમાં એવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે કે ટેરિફને કારણે ત્રણેય દેશોમાં ફુગાવો વધવાની શક્યતા છે અને આર્થિક વૃદ્ધિ પણ ધીમી પડી શકે છે. મંદીના ભયને કારણે, સોમવારે અમેરિકન બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જે મંગળવારે પણ ચાલુ રહ્યો.
અમેરિકામાં મંદીની આશંકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 9 માર્ચ, રવિવારે એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વર્ષે અમેરિકામાં મંદીની શક્યતાને નકારી ન હતી. 2025માં મંદીની શક્યતા વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, “મને આવી આગાહી કરવાનું પસંદ નથી. પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે ટ્રમ્પની નીતિઓ ભલે અમેરિકાની આર્થિક તાકાત બતાવવાનો પ્રયાસ કરી રહી હોય, પરંતુ તેનાથી વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વધવાની શક્યતા છે. ટેરિફ, ફુગાવો અને વૈશ્વિક મંદીના ભય બજારને નીચે તરફ લઈ જઈ રહ્યुं છે. જો ફુગાવાનો દર વધતો રહેશે, તો યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું ટાળી શકે છે, જેના કારણે બજારમાં વધુ ઘટાડો થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો…
યુએસ માર્કેટમાં મોટો ઘટાડો:ડાઉ જોન્સ 2 દિવસમાં 3%થી વધુ ઘટ્યો, અમેરિકામાં મંદીના ભણકારા

20 દિવસ પહેલા સુધી યુએસ શેરબજાર રેકોર્ડ હાઈ પર હતું. અર્થતંત્ર મજબૂત દેખાતું હતું. મંદીના કોઈ સંકેત નહોતા. પણ હવે બધે મંદીની ચર્ચા છે. કારણ એ છે કે અમેરિકન શેરબજારમાં (ડાઉ જોન્સ, નાસ્ડેક, એસ એન્ડ પી 500) ભારે ઘટાડો નોંધાયો છે. આ સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો…