- Gujarati News
- International
- The Story Of Trump, The Grandson Of A German Barber, Giving His Wife Two And A Half Million Dollars To Bear Children; How A Casino Operator Became President
2 મિનિટ પેહલા
- કૉપી લિંક
તારીખ- 6 જાન્યુઆરી 2020
સ્થાન- અમેરિકી સંસદ, કેપિટલ હિલ, વોશિંગ્ટન ડીસી
સમય- બપોરે 1 વાગ્યાની આસપાસ
2 હજારથી વધુ લોકોનું ટોળું બેરિયર તોડીને અમેરિકી સંસદમાં ઘૂસ્યું. આમાંથી ઘણા લોકો પાસે હથિયાર હતાં. આ એ જ જગ્યા હતી, જ્યાંથી થોડીવાર પહેલાં અમેરિકી ચૂંટણીનાં સત્તાવાર પરિણામો જાહેર થયાં હતાં.
ટોળું કેપિટલ હિલમાં પ્રવેશતાં જ ડરી ગયેલા સાંસદો જ્યાં જગ્યા મળી ત્યાં સંતાઈ ગયા. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સને કડક સુરક્ષા વચ્ચે સંસદની બહાર લઈ જવામાં આવ્યા હતા.
હિંસક ટોળાએ 4 કલાક સુધી સંસદને ઘેરી લીધી હતી. વિરોધીઓ સાંસદોની ઓફિસમાં ઘૂસી ગયા હતા. ત્યાં તોડફોડ કરવામાં આવી. અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે લોકોએ સંસદ પર આ રીતે હુમલો કર્યો હોય.
સંસદમાં આ હુલ્લડ જેના માટે થયું એ વ્યક્તિ બીજું કોઈ નહીં, પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતા. જે ચૂંટણીમાં હાર બાદ વ્હાઇટ હાઉસના પ્રાઇવેટ ડાઇનિંગ રૂમમાં બેસીને ટીવી પર આ બધું લાઇવ જોઇ રહ્યા હતા.
એ દિવસે સંસદમાં જે બન્યું એની શરૂઆત ટ્રમ્પના ભાષણથી થઈ હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે ચૂંટણીમાં ગોટાળા થયા છે. આ ઘટનાને લગભગ 4 વર્ષ વીતી ગયાં છે, ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે, તેઓ ચૂંટણીમાં ભારતીય મૂળનાં કમલા હેરિસને જોરદાર ટક્કર આપી રહ્યા છે.
આ સ્ટોરીમાં ટ્રમ્પના જન્મથી લઈને તેમના પિતાનો વારસો મેળવવા અને બીજી વખત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા સુધીની વાર્તા છે.
જન્મ
ટ્રમ્પ એક વાળંદના પૌત્ર છે, દાદા ફ્રેડરિક જર્મનીથી ભાગીને અમેરિકા પહોંચ્યા
ટ્રમ્પના દાદા ફ્રેડરિક જર્મનીના રહેવાસી હતા. જ્યારે ફ્રેડરિક 8 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. તેઓ બાળપણથી જ ખૂબ જ નબળા હતા, જેના કારણે તેઓ ખેતી કરી શકતા ન હતા. આ કારણે તેમની માતાએ તેને વાળંદ બનવાની તાલીમ આપી.
લેખિકા ગ્વેન્ડા બ્લેર તેમના પુસ્તક ‘ધ ટ્રમ્પ્સઃ થ્રી જનરેશન્સ ધેટ બિલ્ટ એન એમ્પાયર’માં લખે છે કે ફ્રેડરિક ખૂબ જ મહેનતુ હતા અને અઠવાડિયાના સાતેય દિવસ કામ કરતા હતા, જોકે 16 વર્ષની ઉંમરે ફ્રેડરિકને અમેરિકા ભાગી જવું પડ્યું હતું.
વાસ્તવમાં એ સમયે જર્મનીમાં એક કાયદો હતો કે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછાં 3 વર્ષ માટે સેનામાં જોડાવું પડશે. એનાથી ગભરાઈને ફ્રેડરિકે દેશ છોડી દીધો. 10 દિવસની મુસાફરી કરીને ઓક્ટોબર 1885માં તેઓ ન્યૂયોર્ક પહોંચ્યા.
ડોનાલ્ડ ટ્રમ્પના દાદાએ હોટલ અને બારમાંથી કમાણી કરી હતી.
અમેરિકા આવ્યા પછી ફ્રેડરિકે વાળંદ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. કેટલાક પૈસા ભેગા કર્યા પછી, તેમણે અલાસ્કામાં ખાણકામના વ્યવસાયમાં હાથ અજમાવ્યો. તેનો આ ધંધો ઊપડ્યો. તેમની ખાણોમાંથી ઘણું સોનું નીકળ્યું.
આ પછી તેમણે હોટલ અને બારમાં પોતાના પૈસા રોક્યા. ફ્રેડરિક થોડાં વર્ષોમાં ખૂબ જ અમીર બની ગયા. થોડાં વર્ષો પછી ફ્રેડરિક જર્મની ગયો અને 1902માં એલિઝાબેથ ક્રિસ્ટ નામની યુવતી સાથે લગ્ન કર્યા. બાદમાં બંને અમેરિકા પરત ફર્યાં હતાં, પણ એલિઝાબેથને અમેરિકાની ઠંડી માફક ન આવી. તે બીમાર પડવા લાગી.
પત્નીની હાલત જોઈને ફ્રેડરિક ફરી 1904માં જર્મની ગયા. જોકે તેમનું આગમન જર્મન સૈન્ય અધિકારીઓને પસંદ આવ્યું નહોતું. ફ્રેડરિકને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ફ્રેડરિકે જર્મનીમાં સ્ટેમ્પ સંબંધિત કેટલાંક કૌભાંડો કર્યાં હતાં. આનાથી ગુસ્સે થઈને બવેરિયાના રાજાએ તેમને દેશ છોડવાનો આદેશ આપ્યો.
ફ્રેડરિક તેમની સગર્ભા પત્ની અને યુવાન પુત્રીને ન્યૂયોર્ક પરત લાવ્યા. થોડા મહિના પછી, એલિઝાબેથે ડોનાલ્ડ ટ્રમ્પના પિતા ફ્રેડ ટ્રમ્પને જન્મ આપ્યો.
પિતાએ તનતોડ મહેનત કરીને ટ્રમ્પ સામ્રાજ્ય બનાવ્યું
ડોનાલ્ડ ટ્રમ્પના પિતા ફ્રેડ ટ્રમ્પ, ફ્રેડરિકનાં ત્રણ સંતાનમાં વચલા હતા. તેમનો જન્મ 11 ઓક્ટોબર 1905ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો. તેના પિતા જર્મનીના હોવા છતાં ફ્રેડ સંપૂર્ણપણે અમેરિકન હતા અને જર્મન ભાષા બિલકુલ જાણતા ન હતા.
તેમણે અમેરિકામાં ટ્રમ્પ પરિવારની પ્રતિષ્ઠા વધારવા માટે ખૂબ જ મહેનત કરી. ફ્રેડને બાળપણથી જ સખત મહેનત કરવાની લગન હતી. તેઓ શાળા પછી રાત્રે બાંધકામ સંબંધિત પ્લમ્બિંગ, સુથારીકામ અને ઇલેક્ટ્રિક વાયરિંગનું કામ શીખતા હતા.
1918માં જ્યારે તેઓ માત્ર 15 વર્ષના હતા ત્યારે તેમના પિતા ફ્રેડરિકનું અવસાન થયું અને પરિવારની જવાબદારી તેમના પર આવી ગઈ. 1927માં ફ્રેડે તેમની માતાના નામે રિયલ એસ્ટેટ કંપની ‘એલિઝાબેથ ટ્રમ્પ એન્ડ સન’ શરૂ કરી. ફ્રેડ ટ્રમ્પે મોટા પાયે ઘર બનાવવાનું કામ કર્યું અને થોડા જ સમયમાં તેઓ ન્યૂયોર્કના સૌથી સફળ યુવા ઉદ્યોગપતિઓમાંના એક બની ગયા.
ટ્રમ્પ માતા અને પિતા સાથે.
ખાસ કરીને તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સરકારી યોજનાઓનો લાભ લઈને ઘણાં મકાનો બનાવ્યાં હતાં. તેઓ બ્રુકલિન અને ક્વીન્સ જેવા વિસ્તારોમાં સસ્તાં મકાનો બનાવતા હતા અને લોકોને ત્યાં ભાડે રહેવા માટે આપતાં હતાં. તેમના પ્રોજેક્ટ્સ મોટા હતા, જેના કારણે તેમને સારો નફો થતો.
એ 1930ના દાયકાની વાત છે જ્યારે ફ્રેડ ટ્રમ્પ એક પાર્ટીમાં ગયા હતા, જ્યાં તેઓ મેરી એની મેકલિયોડ નામની સ્કોટિશ મહિલાને મળ્યા હતા. જીવનચરિત્ર ‘ટ્રમ્પ રિવીલ્ડ’માં, માઈકલ ક્રેનિશ અને માર્ક ફિશર જણાવે છે કે એ જ રાત્રે જ્યારે ફ્રેડ ઘરે પરત ફર્યા ત્યારે તેમણે જાહેરાત કરી કે તેમણે એ મહિલા શોધી લીધી છે, જેની સાથે તેઓ લગ્ન કરશે. ત્યાર બાદ 1936માં મેરી એન મેકલિયોડ સાથે તેમના લગ્ન થયા.
ફ્રેડનો બિઝનેસ સતત વધી રહ્યો હતો, પરંતુ તેમની સાથે જોડાયેલા કેટલાક વિવાદો પણ હતા. 1970ના દાયકામાં, તેમના પર અશ્વેતોને ઘર ભાડે ન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ માટે તેમની સામે એક કેસ પણ હતો, જે બાદમાં ઉકેલાયો હતો.
‘ડોનાલ્ડ ટ્રમ્પ સિલ્વર સ્પૂન સાથે જન્મ્યા હતા’ ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ 14 જૂન, 1946ના રોજ ન્યૂયોર્ક, અમેરિકામાં થયો હતો. શ્રીમંત પરિવારમાં જન્મ લેવાને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ વિશે એવું કહેવાતું કે તેમનો જન્મ સિલ્વર સ્પૂન સાથે થયો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પ ફ્રેડનાં પાંચ બાળકમાંથી ચોથા નંબરે છે. ટ્રમ્પ તેમના ભાઈ ફ્રેડ જુનિયર અને બે બહેનોથી મોટા હતા. આ સિવાય તેમના એક ભાઈ રોબર્ટ ટ્રમ્પ તેમના કરતાં નાના હતા. ફ્રેડ કડક અને શિસ્તબદ્ધ પિતા હતા. તેઓ ઈચ્છતો હતા કે તેમનાં બાળકો મહેનતુ બને અને મોટાં સપનાં જુએ. તેમને તેમના પુત્ર ડોનાલ્ડ માટે ખાસ લગાવ પણ હતો.
ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 3 વર્ષના હતા ત્યારે તેમણે તેમના પિતાના બિઝનેસમાંથી વાર્ષિક 2 લાખ ડોલર કમાવવાનું શરૂ કરી દીધું હતું. ટ્રમ્પ 8 વર્ષના થયા ત્યાં સુધીમાં તેઓ કરોડપતિ બની ગયા હતા.
ટ્રમ્પ જ્યારે 4 વર્ષના હતા.
ટ્રમ્પ જ્યારે અઢી વર્ષના હતા ત્યારે તેમની માતા મેરી બીમાર પડવા લાગી હતી. આ કારણે ટ્રમ્પના ઉછેર પર પિતાની ઘણી અસર પડી હતી. ટ્રમ્પની ભત્રીજી મેરી જણાવે છે કે જ્યારે ડોનાલ્ડ મોટા થઈ રહ્યા હતા ત્યારે તેમને તેમની માતાનું વહાલ નહોતું મળ્યું. ટ્રમ્પની બાયોગ્રાફી લખનાર માર્ક ફિશર કહે છે કે જ્યારે પણ કોઈ ટ્રમ્પને પૂછે છે કે તેમની માતા તેમને કેવી રીતે પ્રેમ કરે છે, તો ટ્રમ્પ પાસે કોઈ જવાબ ન રહેતો.
ટ્રમ્પે ન્યૂયોર્ક શહેરમાં 7મા ધોરણ સુધી અભ્યાસ કર્યો. સ્કૂલના સમયથી જ ટ્રમ્પનું વલણ આક્રમક રહ્યું છે. તેઓ શાળામાં તેમની સાથે ભણતાં બાળકોને બુલી એટલે કે પરેશાન કરતા હતા. ટ્રમ્પના પિતાને આ અંગે વારંવાર ફરિયાદો મળતી હતી. એટલે સુધી કે ટ્રમ્પે ઘરમાં પોતાના ભાઈને પણ બુલી કરવાનું શરૂ કરી દીધું હતું.
આ કારણે તેમના પિતાએ તેમને ન્યૂયોર્ક મિલિટરી સ્કૂલમાં એડમિશન અપાવ્યું. ટ્રમ્પને 13 વર્ષની ઉંમરે મિલિટરી સ્કૂલમાં જવું પડ્યું હતું.
ટ્રમ્પ પર પુસ્તક લખનાર ટીમોથી ઓ બ્રાયનનું કહેવું છે કે ટ્રમ્પને તેમની મિલિટરી સ્કૂલ વિશે વાત કરવી ગમે છે. ટ્રમ્પનું કહે છે કે જ્યારે તેઓ મિલિટરી સ્કૂલમાં પહોંચ્યા ત્યારે કોઈએ તેમને લાઈનમાંથી બહાર નીકળવા બદલ થપ્પડ મારી હતી.
ટ્રમ્પની બાયોગ્રાફી લખનાર માર્ક ફિશરના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ મિલિટરી સ્કૂલમાં પણ તેમના ક્લાસના મિત્રો પર બૂમો પાડતા હતા. તેમના પિતા પાસેથી તેમને મળેલા ઉછેરે ટ્રમ્પને સ્વાભાવિક રીતે જ સ્પર્ધાત્મક બનાવ્યા હતા. મિલિટરી સ્કૂલમાં પણ તેમનું આવું જ વલણ હતું. અહીં પણ તેઓ દરેક સાથે સ્પર્ધા કરતા હતા.
ટ્રમ્પ (વચ્ચે) મિલિટરી સ્કૂલ ખાતે તાલીમ દરમિયાન.
ધ ટ્રમ્પ્સનાં લેખિકા ગ્વેન્ડા બ્લેર કહે છે કે ટ્રમ્પને મિલિટરી શાળામાં આ બધું કરવાનું પસંદ હતું. જોકે આ કારણે તેમના ક્લાસના મિત્રો તેને પસંદ નહોતા કરતા. ટ્રમ્પ તેમની અંદર નેતૃત્વના ગુણો સાથે લશ્કરી શાળામાંથી પાસ થયા હતા. 1964માં મિલિટરી સ્કૂલમાંથી પાસ આઉટ થયા બાદ ટ્રમ્પે ફોર્ડહામ યુનિવર્સિટીમાં બે વર્ષ સુધી અભ્યાસ કર્યો.
આ પછી તેઓ પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં ટ્રાન્સફર થયા. અહીં તેમણે રિયલ એસ્ટેટ પ્રોગ્રામમાં શિક્ષણ મેળવ્યું. આ પછી ટ્રમ્પે 1968માં ઈકોનોમિક સાયન્સમાં ડિગ્રી લીધી. ટ્રમ્પને તેમના મોટા ભાઈ ફ્રેડ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. ફ્રેડનું મૃત્યુ 43 વર્ષની ઉંમરે વધુપડતા દારૂના સેવનના કારણે થયું હતું. ત્યાર બાદ ટ્રમ્પે પણ આજીવન દારૂ અને સિગારેટ છોડી દેવાનો નિર્ણય લીધો હતો.
1960ના દાયકાના અંતમાં અમેરિકા વિયેતનામ યુદ્ધમાં ફસાઈ ગયું હતું. આ સમયે અમેરિકામાં દરેક યુવાને અમેરિકન આર્મીમાં સેવા આપવી જરૂરી હતી, પરંતુ ટ્રમ્પ એને ટાળતા રહ્યા. પગની બીમારી અને તબીબી અભ્યાસનું બહાનું વાપરીને તેમણે 5 વખત સેનાનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો. વિયેતનામ યુદ્ધના અંત સાથે અમેરિકામાં ફરજિયાત લશ્કરી સેવાની પ્રથા પણ સમાપ્ત થઈ.
ટ્રમ્પના મિત્રો તેમને લેડીઝ મેન કહેતા હતા.
અંગત જીવન
ટ્રમ્પની ગર્લફ્રેન્ડે પત્નીને પૂછ્યું હતું – શું તમે પણ તેને ચાહો છો…
વર્ષ-1976, સ્થળ- મેક્સવેલ પ્લમ બાર, ન્યૂયોર્ક
વેનિટી ફેર મેગેઝિન અનુસાર, આ એ જગ્યા હતી જ્યાં મોડલ્સ ડેટિંગ માટે અમીર પુરુષોને શોધતી હતી. એક સાંજે ડોનાલ્ડ ટ્રમ્પ આ બારમાં આવ્યા. અહીં તેમની નજર ચેકોસ્લોવાકિયાની મોડલ ઇવાના પર પડી.
ટ્રમ્પે તેને 100 ગુલાબ મોકલ્યા અને તેને બહાર ફરવા લઈ ગયા. ઈવાનાએ તેના પુસ્તક ‘રેઈઝિંગ ટ્રમ્પ’માં લખ્યું છે કે ટ્રમ્પ તેને આગામી 3 મહિના સુધી દરરોજ ફોન કરતા હતા. બંને ઘણા મહિનાઓ સુધી એકબીજાને ડેટ કરતાં રહ્યાં.
1977ના નવા વર્ષની પૂર્વસંધ્યાએ ટ્રમ્પે ઇવાના સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ટ્રમ્પે કહ્યું- જો તમે મારી સાથે લગ્ન નહીં કરો તો તમે તમારું જીવન બરબાદ કરી દેશો. ઇવાના લગ્ન માટે સંમત થઈ. બંનેનાં લગ્ન 9 એપ્રિલ 1977ના રોજ થયાં.
ટ્રમ્પે એક મિત્રને કહ્યું હતું કે તે 5 બાળક ઈચ્છે છે, જેથી ઓછામાં ઓછું એક બાળક તેમના જેવું જ હોય. ટ્રમ્પે ઇવાનાને 5 બાળક માટે સમજાવવાનું શરૂ કર્યું, ટ્રમ્પે તેને દરેક બાળક માટે 2.5 લાખ ડોલર આપ્યા.
પ્રથમ પત્ની ઇવાના અને બાળકો સાથે ડોનાલ્ડ ટ્રમ્પ.
ઇવાના અને ટ્રમ્પને 3 બાળક થયાં. તેમાં ડોનાલ્ડ જુનિયર, પુત્રી ઇવાન્કા અને સૌથી નાનો પુત્ર એરિકનો સમાવેશ થાય છે. લગ્નનાં 8 વર્ષ પછી જ તેમના સંબંધોમાં તિરાડ આવવા લાગી. 1985માં ટ્રમ્પ ટેનિસ મેચ દરમિયાન મોડલ માર્લા મેપલ્સને મળ્યા હતા. આ પછી બંનેનું અફેર શરૂ થયું.
1989માં ઇવાના એસ્પેન, કોલોરાડોમાં નાતાલની રજાઓ ગાળવા પહોંચી. માર્લા મેપલ્સ પણ ત્યાં હતી. માર્લાએ ઇવાનાને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું – હું માર્લા છું, હું તમારા પતિને પ્રેમ કરું છું, શું તમે પણ તેને પ્રેમ કરો છો?
ઇવાનાએ તેના પુસ્તકમાં લખ્યું છે – આ પ્રશ્ન સાંભળીને હું ચોંકી ગઈ. મેં તરત જ કહ્યું – અહીંથી જતી રહે. હું મારા પતિને પ્રેમ કરું છું. મેં માર્લાને જવાબ તો આપ્યો પણ હું આઘાતમાં સરી ગઈ. થોડા સમય પછી મેં ટ્રમ્પને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું.
ટ્રમ્પ અને ઇવાનાનો ઝઘડો દેશભરમાં લોકપ્રિય બન્યો હતો. દરરોજ અખબારોમાં ટ્રમ્પ, ઇવાના અને માર્લા સાથે જોડાયેલી વાતો હેડલાઇન્સ બનતી હતી. આ દરમિયાન અખબારોમાં એક હેડલાઈને સમગ્ર દેશને ચોંકાવી દીધો, જેમાં લખ્યું હતું – ‘મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ શારીરિક સંબંધ ટ્રમ્પ સાથે હતો’ માર્લાએ મીડિયાને આ વાત કહી હતી.
આ કારણે ટ્રમ્પ-ઇવાનાનો ઝઘડો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. ઇવાનાએ ટ્રમ્પ પર બળાત્કારનો આરોપ લગાવ્યો. ડિસેમ્બર 1990માં તેમના છૂટાછેડાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એ સમયે ટ્રમ્પને ઇવાનાને 36 કરોડ રૂપિયા ભરણપોષણ તરીકે ચૂકવવા પડ્યા.
આ પછી ટ્રમ્પે માર્લા સાથે લગ્ન કર્યા. ત્યારે માર્લાને 7 મહિનાનો ગર્ભ હતો. બે મહિના પછી ટ્રમ્પના ચોથા બાળક ટિફનીનો જન્મ થયો. જોકે માર્લા અને ટ્રમ્પ વચ્ચેનો સંબંધ માત્ર 3 વર્ષ જ ચાલ્યો હતો. બંનેએ 1997માં એકબીજા સાથે છૂટાછેડા લીધા હતા.
બીજી પત્ની માર્લા સાથેના લગ્ન સમયે ડોનાલ્ડ ટ્રમ્પ.
છૂટાછેડા પછી ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં માર્લાએ કહ્યું- ડોનાલ્ડ તે વ્યક્તિ નહોતી જેની સાથે હું લગ્ન કરવા માગતી હતી. ટ્રમ્પ અને તેમની દુનિયા મારા માટે અજાણી હતી. હું તેનાથી અલગ થઈને ખૂબ જ ખુશ છું.
જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને માર્લા વચ્ચે છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી હતી, આ દરમિયાન ટ્રમ્પની મુલાકાત સ્લોવેનિયન મોડલ મેલાનિયા નોસ સાથે થઈ હતી. પોલિટિકોના રિપોર્ટ અનુસાર, બંને વચ્ચે પહેલી મુલાકાત 1998માં ન્યૂયોર્કમાં એક પાર્ટી દરમિયાન થઈ હતી. અહીં ટ્રમ્પે મેલાનિયાનો ફોન નંબર પણ માગ્યો હતો.
ટ્રમ્પે 2004માં મેટ ગાલા દરમિયાન મેલાનિયાને પ્રપોઝ કર્યું હતું. બંનેએ 22 જાન્યુઆરી 2005ના રોજ લગ્ન કર્યા હતા. મેલાનિયા અને ટ્રમ્પને બેરોન ટ્રમ્પ નામનો પુત્ર પણ છે. ટ્રમ્પ 2017માં રાષ્ટ્રપતિ બન્યા બાદ મેલાનિયા અમેરિકાના ફર્સ્ટ લેડી પણ બન્યાં હતાં.
ટ્રમ્પનું અંગત જીવન ઘણા વિવાદોમાં રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, મિલિટરી સ્કૂલના સમયથી ટ્રમ્પને તેમના સાથીઓ લેડીઝ મેન કહેતા હતા. ટ્રમ્પના સંબંધો માત્ર મોડલ સાથે જ નહીં, પરંતુ પોર્ન સ્ટાર્સ સાથે પણ હતા.
તેના દિલફેંક વલણના કારણે ઓછામાં ઓછી 18 મહિલાએ તેના પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો.
લાઈફ ઈન બિઝનેસ
ગગનચુંબી ઇમારતોથી લઈને કેસિનોના વ્યવસાય સુધી મોભો યથાવત્
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના મોટા ભાઈ ફ્રેડ જુનિયરના નિર્ણયને કારણે તમામ ખ્યાતિ અને વારસો મેળવ્યો. વાસ્તવમાં જુનિયરે તેના પિતાના વ્યવસાયમાં જોડાવાની ના પાડી દીધી હતી. તેઓ પાઇલટ બન્યા. આ કારણે ટ્રમ્પ પરિવારના બિઝનેસને સંભાળવાની સમગ્ર જવાબદારી નાના ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ પર આવી ગઈ. આ સમયે તેઓ માત્ર 18 વર્ષના હતા.
ટ્રમ્પના કહેવા પ્રમાણે, કંપનીમાં જોડાતાં પહેલાં તેમના પિતાએ તેમને 1 મિલિયન ડોલરની લોન આપી હતી. કંપનીમાં જોડાયા બાદ ટ્રમ્પે તેમના પિતાને ન્યૂયોર્ક સિટીમાં હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં મદદ કરવાનું શરૂ કર્યું.
તેમણે કંપનીનું નામ બદલીને ધ ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન રાખ્યું. 25 વર્ષની ઉંમરે ડોનાલ્ડ ‘ધ ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન’ના પ્રમુખ બન્યા. પ્રમુખ બન્યા પછી ટ્રમ્પ 1970 અને 1980ના દાયકામાં મહત્ત્વાકાંક્ષી રિયલ એસ્ટેટ બિઝનેસમેન તરીકે ઊભરી આવ્યા.
તાજમહેલ કેસિનોમાં ડોનાલ્ડ ટ્રમ્પ.
ટ્રમ્પે હાઉસિંગ પ્રોજેક્ટ્સ તેમજ લક્ઝરી હોટલ્સ, કેસિનો અને ગગનચુંબી ઈમારતોના નિર્માણમાં કંપનીનું રોકાણ કર્યું હતું.
1976માં ટ્રમ્પે તેમના વ્યાવસાયિક જીવનનો સૌથી મોટો નિર્ણય લીધો. તેમણે ન્યૂયોર્કમાં નાદાર કોમોડોર હોટલ ખરીદી અને એની જગ્યાએ વૈભવી હોટલ બનાવવા માટે હયાત ગ્રુપ સાથે કરાર કર્યો. જોકે ત્યારે ટ્રમ્પ પાસે આ માટે પૂરતા પૈસા નહોતા.
આ સમયે તેમણે પિતાના રાજકીય પ્રભાવનો લાભ લીધો હતો. ટ્રમ્પના પિતા ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલા હતા. તેમણે ન્યૂયોર્કના મેયર સાથે ડીલ કરી અને હોટલ ટેક્સમાં 40 વર્ષની છૂટ મેળવી. પછી ટ્રમ્પ વિશે એવું કહેવામાં આવ્યું કે તેઓ ન્યૂયોર્કમાં જે ઇચ્છે છે એ પ્રાપ્ત કરી લે છે.
આ પછી 1983માં ટ્રમ્પે ન્યૂયોર્ક સિટીના મેનહટનમાં ફિફ્થ એવન્યુ પર 58 માળની ઇમારત બનાવી. એ ટ્રમ્પ ટાવર તરીકે ઓળખાય છે.
ટ્રમ્પ ટાવરના નિર્માણ દરમિયાન ડોનાલ્ડ.
ટ્રમ્પે 80ના દાયકામાં કેસિનો બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો. તેમણે 1984માં ટ્રમ્પ પ્લાઝા અને 1990માં ટ્રમ્પ તાજમહેલ જેવા કેસિનો બનાવ્યા. ટ્રમ્પે તાજમહેલ કેસિનો બનાવવા માટે 1 અબજ ડોલર એટલે કે 1750 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પછી તેમણે તેને વિશ્વની આઠમી અજાયબી ગણાવી હતી.
જો કે, તે બનાવતી વખતે ટ્રમ્પ કંગાળ થઈ ગયા. તેણે તેની બે કંપનીઓને નાદાર જાહેર કરી. આ નિર્ણયને કારણે અમેરિકામાં તેની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. થોડાં વર્ષો પછી, ન્યૂયોર્ક ટાઈમ્સે ટ્રમ્પ વિશે લખ્યું – ટ્રમ્પ સફળતાના એવા પર્યાય બની ગયા છે કે તેમની કંપનીની નાદારી પણ તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકી નથી. કદાચ અન્યને લાગુ પડતા નિયમો ટ્રમ્પને લાગુ પડતા નથી…
1999માં, ડોનાલ્ડના પિતા ફ્રેડ ટ્રમ્પનું ન્યુમોનિયાથી અવસાન થયું. તેમના અંતિમ સંસ્કારમાં, તેમના પિતા અને તેમની સિદ્ધિઓ વિશે વાત કરવાને બદલે, ટ્રમ્પે વાત કરી કે તેઓ ટ્રમ્પ પરિવારના વ્યવસાયને કેટલા આગળ લઈ ગયા છે.
રિયલ એસ્ટેટ બિઝનેસમેન હોવા ઉપરાંત ટ્રમ્પે પોતાને એક સેલિબ્રિટી તરીકે પણ લોકો સમક્ષ રજૂ કર્યા હતા. ખ્યાતિ મેળવવા માટે, ડોનાલ્ડ ટ્રમ્પે 1996માં ત્રણ સૌંદર્ય સ્પર્ધાઓ મિસ યુનિવર્સ, મિસ યુએસએ અને મિસ ટીન યુએસએ ખરીદી.
આંતરરાષ્ટ્રીય સ્તરે મિસ યુનિવર્સનું આયોજન કરવામાં આવે છે. દુનિયાભરમાંથી મીડિયા તેને કવર કરવા આવે છે. ટ્રમ્પને આનો પૂરેપૂરો લાભ મળ્યો અને વૈશ્વિક સ્તરે તેમની ઓળખ થઈ.
જો કે, 2015માં રાષ્ટ્રપતિ બનતા પહેલાં ટ્રમ્પે લેટિન અમેરિકનો વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણી કરી હતી, જેના કારણે ટીવી ચેનલોએ સૌંદર્ય સ્પર્ધાના કાર્યક્રમને પ્રસારિત કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી ટ્રમ્પે ત્રણેય સૌંદર્ય સ્પર્ધાઓ વેચી દીધી.
સૌંદર્ય સ્પર્ધકો સાથે ડોનાલ્ડ ટ્રમ્પ.
ટ્રમ્પ રિયાલિટી શો દ્વારા સેલિબ્રિટી બન્યા
ટ્રમ્પે 2004માં ટીવી રિયાલિટી શો ‘ધ એપ્રેન્ટિસ’ શરૂ કર્યો હતો. ટ્રમ્પ પોતે તેને હોસ્ટ કરતા હતા. શોમાં પસંદ કરાયેલા સ્પર્ધકો ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનમાં મેનેજમેન્ટ કોન્ટ્રેક્ટ મેળવતા હતા. આ માટે ટ્રમ્પ સ્પર્ધકોને સવાલો કરતા હતા.
જે કોઈ પણ પ્રશ્નનો યોગ્ય જવાબ ન આપી કે તેને ટ્રમ્પ યુ આર ફાયર્ડ એમ કહીને કાઢી મૂકતા હતા. આ પંચ લાઇનના કારણે તેમને અમેરિકાના દરેક ઘરમાં ઓળખ મળી. ટ્રમ્પના આ શોની 14 સિઝન પ્રસારિત કરવામાં આવી હતી. આ શો દ્વારા ટ્રમ્પ એક પ્રખ્યાત મીડિયા વ્યક્તિત્વ બની ગયા. ટ્રમ્પે હોલિવૂડની ફિલ્મો અને સિરીઝમાં પણ અભિનયનું કામ કર્યું છે. ટ્રમ્પે પહેલીવાર 1989માં ‘ઘોસ્ટ કાન્ટ ડુ ઈટ’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે પોતાનું જ પાત્ર ભજવ્યું હતું. આ સિવાય તેણે ‘Home Alone 2: Lost in New York’, ‘The Little Rascal’, Sex and the City જેવી લગભગ 30 ફિલ્મ અને સિરીઝમાં કામ કર્યું હતું.
ટ્રમ્પે કુસ્તીની દુનિયામાં પણ પોતાની જાતને અજમાવી હતી. એનવાયટી અનુસાર, તેમણે 1988 અને 1989માં રેસલ મેનિયાને સ્પોન્સર કર્યું હતું. તેઓ 1991 અને 2004માં WWEમાં પણ જોવા મળ્યા હતા.
આ સિવાય તેમણે 2007માં WWEના પૂર્વ સીઈઓ વિન્સ મેકમોહન સાથે બેટલ ઓફ બિલિયોનેર્સમાં ફાઈટ પણ કરી હતી. આ દરમિયાન ટ્રમ્પે મેકમોહનનું માથું મુંડીને ટાલ પાડી હતી. આ રીતે ટ્રમ્પે પોતાને એક સેલિબ્રિટી ચહેરા તરીકે લોકો સમક્ષ રજૂ કર્યા.
ટ્રમ્પે મેકમોહનના માથે મુંડન કરી રહ્યા છે.
રાજકીય જીવન
નિઃસંકોચ નિવેદનોએ તેમને રિપબ્લિકન પાર્ટીના હીરો બનાવ્યા
બ્રિટાનિકાના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ 1980ના દાયકાથી રાષ્ટ્રપતિ પદની રેસમાં સામેલ થવા અંગે નિવેદનો આપતા હતા. જોકે ટ્રમ્પના આ નિવેદનોને પછી પબ્લિસિટી સ્ટંટ તરીકે જોવામાં આવ્યાં હતાં. ટ્રમ્પ શરૂઆતમાં રિપબ્લિકન પાર્ટીના રજિસ્ટર્ડ વોટર હતા, પરંતુ વર્ષ 2000માં ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટીને બદલે રિફોર્મ પાર્ટીમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. વર્ષ 2000માં તેમણે પોતાને રિફોર્મ પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા, પરંતુ ચાર મહિના પછી નામ પાછું ખેંચી લીધું.
2000માં ટ્રમ્પના પ્રચારનું પોસ્ટર.
બાદમાં ટ્રમ્પ ફરીથી રિપબ્લિકન પાર્ટીમાં જોડાયા હતા. 2012માં, ટ્રમ્પને ફરી એક વખત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટેના પ્રબળ દાવેદારોમાંના એક માનવામાં આવ્યા હતા. જોકે, ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા અંગે કોઈ જાહેરાત કરી નહોતી. પરંતુ ટ્રમ્પે તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના અમેરિકન જન્મને લઈને અનેકવાર સવાલો ઉઠાવ્યા હતા. આના દ્વારા ટ્રમ્પે ઘણી હેડલાઈન્સ બનાવી હતી.
ટ્રમ્પે 2015માં સત્તાવાર રીતે અમેરિકાની રાજનીતિમાં ઝંપલાવ્યું હતું. તેમણે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે પોતાના પ્રચારની શરૂઆત ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ના નારા સાથે કરી હતી.
ફેબ્રુઆરી 2016ની શરૂઆતમાં આયોવામાં રિપબ્લિકન પાર્ટીની પ્રાથમિક ચૂંટણીમાં ટ્રમ્પને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ટૂંક સમયમાં જ તેણે પુનરાગમન કર્યું અને અન્ય રાજ્યોમાં પ્રાઇમરી જીતવામાં સફળતા મેળવી.
મે 2016માં, ટ્રમ્પ તેમના છેલ્લા બે હરીફો, ટેડ ક્રુઝ અને જ્હોન કાસિચ, રેસમાંથી બહાર થયા પછી રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા.
2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પનો મુકાબલો ડેમોક્રેટિક પાર્ટીના હિલેરી ક્લિન્ટન સાથે થયો હતો. ટ્રમ્પને ચૂંટણીમાં હિલેરી કરતાં લગભગ 28 લાખ વોટ ઓછા મળ્યા હતા. પરંતુ ઈલેક્ટોરલ વોટ ટ્રમ્પની તરફેણમાં વધુ હતા. જેના કારણે ટ્રમ્પ 2017માં અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ 2016ની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટન સાથે ડિબેટ કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે માઈગ્રેશનને લઈને કડક વલણ અપનાવ્યું હતું. ટ્રમ્પે પોતાના કાર્યકાળ દરમિયાન અમેરિકા અને મેક્સિકો બોર્ડર પર દીવાલ બનાવવાની યોજના પર કામ શરૂ કર્યું હતું.
રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પે ઘણા મુસ્લિમ દેશોમાંથી અમેરિકા આવતા ઇમિગ્રન્ટ્સના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. ટ્રમ્પ પર રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે અબજોપતિઓને ફાયદો કરાવવાનો આરોપ પણ લાગ્યો હતો. ટ્રમ્પે 2017માં ટેક્સ કટ્સ એન્ડ જોબ્સ એક્ટ લાગુ કર્યો હતો. તેના દ્વારા મોટી કંપનીઓ અને ધનિક વ્યક્તિઓ માટે ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમની સામે બે વખત મહાભિયોગ ચલાવવામાં આવ્યો હતો. 2019માં પ્રથમ મહાભિયોગ યુક્રેનના રાષ્ટ્રપતિ પર જો બાઈડનની તપાસ કરવા દબાણ કરવા સંબંધિત હતો, જ્યારે 2021માં બીજો મહાભિયોગ કેપિટલ રમખાણો પછી ઉશ્કેરણીના આરોપમાં હતો. બંને વખત તેઓ સેનેટમાં નિર્દોષ છૂટ્યા હતા.
ટ્રમ્પે વિદેશનીતિના મામલામાં અમેરિકા ફર્સ્ટની નીતિ પર ભાર મૂક્યો હતો. તેમણે અમેરિકાને પેરિસ ક્લાયમેટ એગ્રીમેન્ટ અને ઈરાન પરમાણુ કરારમાંથી બહાર કાઢ્યું. જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન સાથે પણ વાત કરી હતી.
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન સાથે ડોનાલ્ડ ટ્રમ્પ
ટ્રમ્પે કેવી રીતે રિપબ્લિકન પાર્ટી પર કબજો જમાવ્યો
ટ્રમ્પ જ્યારે રાજનીતિમાં આવ્યા ત્યારે રિપબ્લિકન પાર્ટીમાં એવા ઘણા લોકો હતા, જેમણે કહ્યું હતું કે તેઓ કોઈપણ કિંમતે ટ્રમ્પને સમર્થન નહીં આપે, પરંતુ આખરે તેમણે ટ્રમ્પને ટેકો આપવો પડ્યો.
અમેરિકી રાજનીતિના નિષ્ણાત જેરેમી પીટર્સે તેમના પુસ્તક ‘ઈન્સર્જન્સી’માં લખ્યું છે કે ટ્રમ્પનું રાજકારણી ન બનવું તેમનું સૌથી મોટું હથિયાર બની ગયું છે. ટ્રમ્પે જે પ્રકારનાં નિવેદન આપ્યાં હતાં એ પ્રકારનાં નિવેદન જો અન્ય કોઈ નેતાએ આપ્યાં હોત તો તેમની રાજનીતિ ખતમ થઈ ગઈ હોત.
હકીકતમાં ટ્રમ્પ રાજકારણ વિશે વધુ સારી રીતે જાણતા ન હતા, આથી તેમણે કોઈપણ જાતના ડર વગર પોતાના વિચારો વ્યક્ત કરવાનું ચાલુ રાખ્યું. તેમણે પહેલા આક્રમક નિવેદનો કરીને રૂઢિચુસ્ત મતદારોને અપીલ કરી હતી. તેમણે ગર્ભપાત જેવા મુદ્દાઓ પર આવાં નિવેદનો કર્યાં જે જ્યોર્જ બુશ અને મિટ રોમની જેવા પીઢ રિપબ્લિકન નેતાઓ શાંત સ્વરે પણ કહી શક્યા નહીં.
ટ્રમ્પે ખુલ્લેઆમ કહ્યું હતું કે તેઓ એવા ન્યાયાધીશોની નિમણૂક કરશે, જેઓ અમેરિકામાં ગર્ભપાતના અધિકારો અંગેના નિર્ણયને પલટી નાખશે. બાદમાં ટ્રમ્પે પણ એવું જ કર્યું. આ જ કારણ છે કે લાખો રિપબ્લિકન ટ્રમ્પના સમર્થનમાં એક થયા.
આવી સ્થિતિમાં 2020ની ચૂંટણીમાં હાર્યા હોવા છતાં કોઈપણ રિપબ્લિકન નેતા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ટ્રમ્પનું સ્થાન લઈ શક્યા નથી. ટ્રમ્પે પહેલા પાર્ટીમાં એક પછી એક પોતાના વિરોધીઓને હરાવ્યા અને પછી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે 2024ની ચૂંટણીમાં પોતાનું સ્થાન જમાવ્યું.
પોર્ન સ્ટારને પૈસા આપીને ચૂપ કરાવવાના મામલે ટ્રમ્પ દોષી સાબિત થયા છે, તેમની સામે વધુ 3 કેસમાં આરોપો ઘડવામાં આવ્યા છે.