કીવ4 કલાક પેહલા
- કૉપી લિંક
યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે મહિના પછી એક વર્ષ પૂર્ણ થશે. હજુ પણ યુદ્ધનો અંત આવ્યો નથી. અત્યાર સુધીમાં 10 હજારથી વધુ નાગરિકો માર્યા ગયા છે. જેમાં 560થી વધુ બાળકોનો સમાવેશ થાય છે. હવે યુક્રેનમાં વધુ એક ચિંતાજનક મામલો સામે આવ્યો છે. યુક્રેને દાવો કર્યો છે કે રશિયાના સૈનિકોએ 19 હજારથી વધુ બાળકોને પોતાનાં માતા-પિતા પાસેથી છીનવીને રશિયા લઈ ગયાં છે અથવા તો યુક્રેનના કબજાવાળા વિસ્તારોમાં રાખ્યાં છે.
જોકે તેમાંથી 387 બાળકો યુક્રેન પરત ફરવામાં સફળ થયાં છે. ન્યૂયોર્ક ટાઈમ્સે પરત ફરેલાં કેટલાંક બાળકોની આપવીતી જણાવી છે. તેમાંથી એક મર્યુપોલ શહેરનો 11 વર્ષીય એલેક્ઝાન્ડર રાડચુક છે. તેણે કહ્યું કે 2022માં રશિયન સૈનિકોએ તેને અને તેની માતા નિઝાના કોઝલોવાને બંધક બનાવી લીધાં હતાં. બાદમાં તેઓ સાથે લઈ ગયા હતા.
દાદી લ્યુડમિલા સિરિક સાથે બેઠેલા 13 વર્ષના કિશર શાશાએ કહ્યું કે તેની માતાને 2022માં બંધક બનાવી હતી. યુક્રેન અને સ્વતંત્ર સંશોધન સંસ્થાઓના જણાવ્યા અનુસાર યુક્રેનના ક્રિમીઆ સહિતના કબજે કરાયેલા પ્રદેશમાં રશિયાએ યુક્રેનિયન બાળકોને પોતાની સંસ્કૃતિમાં ઢાળવા માટે માઇન્ડ વોશિંગનું અભિયાન ચલાવ્યું હતું. જેમાં બાળકોને રશિયન ભાષામાં ભણાવવાનું શરૂ કર્યું. રશિયન રાષ્ટ્રગીત ગાવા મજબૂર કરાયાં. તેમને રશિયન ફિલ્મો બતાવવાની સાથે રશિયાનો ઇતિહાસ પણ શીખવવામાં આવ્યો અને યુક્રેનની રાષ્ટ્રીયતાને ભૂલી જવા માટે દબાણ કરતા હતા. બાળકો અને તેમના પરિવારોને રશિયા અથવા રશિયન-નિયંત્રિત ક્રિમીઆમાં રહેવા માટે પાસપોર્ટ, પૈસા અને એપાર્ટમેન્ટ્સ ઓફર કરવામાં આવ્યા હતા.
બાળકો રશિયામાં રહી શકે, એટલે દત્તક લેવાનો હક
યુક્રેનના પૂર્વ ટોચના માનવ અધિકાર લ્યુડમિલા ડેનિસોવાના જણાવ્યા અનુસાર રશિયાના અધિકારીઓએ યુક્રેનના અનાથાલયો અને કેટલીક શાળાઓમાંથી બાળકોને સામૂહિક સ્થળાંતરિત કર્યા. રશિયન પ્રમુખ પુટિને રશિયન પરિવારો માટે યુક્રેનિયન બાળકોને દત્તક લેવાનો માર્ગ ખોલ્યા પછી પ્રાદેશિક અધિકારીઓએ યુક્રેનિયન બાળકોને રશિયન પાલક પરિવારો સાથે મૂક્યા.
કેદમાંથી છૂટેલા આઘાતમાંથી બહાર નથી આવ્યાં
પોતાના પરિવારો સાથે પુનઃમિલન પછી પણ કેટલાંક બાળકો હજુ પણ આઘાતમાં છે. સેવ યુક્રેનના એક સાઈકોલોજિસ્ટના જણાવ્યા અનુસાર ડિપ્રેશનથી પીડિત બાળકો પોતાને નુકસાન પહોંચાડી રહ્યાં છે. તેમની પીડા એટલી ઊંડી છે કે તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. બીજી પીડા એ છે કે યુક્રેનનાં ગામોમાં બોમ્બધડાકામાં કેટલાંક બાળકો ઈજાગ્રસ્ત થયાં હતાં.