કિવ41 મિનિટ પેહલા
- કૉપી લિંક
યુક્રેને રશિયાના હથિયારોના ડેપો પર મોટો ડ્રોન હુમલો કર્યો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે યુક્રેનની સ્ટેટ સિક્યોરિટી સર્વિસને ટાંકીને જણાવ્યું કે, આ હુમલો રશિયાના ટાવર વિસ્તારમાં થયો છે. અહીં ઘણી મિસાઈલો, બોમ્બ અને દારૂગોળો નાશ પામ્યો હતો.
અલ જઝીરાના જણાવ્યા અનુસાર, ડ્રોન હુમલાના કારણે ટોરોપેટ્સ શહેરમાં રશિયન સંરક્ષણ મંત્રાલયના મુખ્ય હથિયારોના ડેપોમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. તેમાં ઇસ્કેન્ડર મિસાઇલ સિસ્ટમ માટે બેલિસ્ટિક મિસાઇલો હતી. આ સિવાય અહીં તોચકા-U ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમ અને ઘણા ગાઈડેડ બોમ્બ હાજર હતા.
BBCએ જણાવ્યું કે, હુમલા બાદ 6 કિમીના વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન ભૂકંપના હળવા આંચકા પણ અનુભવાયા હતા. યુક્રેનના એક અધિકારીએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે, જે સ્થળે ડ્રોન હુમલો થયો હતો ત્યાં રશિયાના પોતાના હથિયારો સિવાય ઉત્તર કોરિયાની મિસાઈલો પણ હતી.
આ ફૂટેજ રશિયાના ટાવર વિસ્તારના છે, જ્યાં હથિયારોના ડેપો પર હુમલા બાદ ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા.
રશિયાનો દાવો- યુક્રેનના 54 ડ્રોન તોડી પાડ્યા
યુક્રેનની ઈન્ટેલિજન્સ અને સ્પેશિયલ ઓપરેશન ફોર્સે મળીને આ હુમલો કર્યો હતો. તે જ સમયે, રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે, તેણે રાતોરાત 54 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા છે. જો કે હુમલામાં કેટલું નુકસાન થયું છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
રશિયાની રાજ્ય સમાચાર એજન્સી RIAએ 2018 માં અહેવાલ આપ્યો હતો કે, રશિયાએ તેની મિસાઈલ, બોમ્બ અને દારૂગોળો સંગ્રહવા માટે એક વિશાળ હથિયાર ડેપો બનાવ્યો. તેને 2015માં 326 કરોડ રૂપિયામાં તૈયાર કરવામાં આવ્યો હતો.
રશિયામાં ઘૂસીને હુમલો કરવા માંગે છે યુક્રેન
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી હવે રશિયામાં અંદર ઘૂસીને હુમલો કરવા માગે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, તેઓ આમાં મદદ માટે અમેરિકા પર દબાણ પણ બનાવી રહ્યા છે. ઝેલેન્સકીએ 31 ઓગસ્ટે એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, 30 ઓગસ્ટે રશિયાએ ખાર્કિવ પર હવાઈ હુમલો કર્યો, જેમાં 6 યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા અને 97 લોકો ઘાયલ થયા.
ઝેલેન્સકીએ કહ્યું હતું કે, જો યુક્રેન રશિયન એરફિલ્ડ અને સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવશે તો જ આ હુમલા રોકી શકાશે. અમે દરરોજ અમારા ભાગીદાર દેશો સાથે આ અંગે ચર્ચા કરી રહ્યા છીએ. આ માટે તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, અમેરિકાએ હજુ સુધી યુક્રેનને રશિયા પર હુમલો કરવા માટે લાંબા અંતરના હથિયારોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી નથી.
અઢી વર્ષ લાંબા રશિયા-યુક્રેન યુદ્ધમાં 6 ઓગસ્ટ, 2024 ના રોજ પહેલીવાર આવું બન્યું હતું, જ્યારે યુક્રેન રશિયામાં પ્રવેશ્યું હતું અને તેના કુર્સ્ક વિસ્તાર પર કબજો કર્યો હતો. ત્યારથી યુક્રેન સતત રશિયા પર હુમલા કરી રહ્યું છે. RT રિપોર્ટ અનુસાર 20 દિવસમાં યુક્રેનિયન હુમલામાં 31 રશિયન નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.
ઇસ્કંદર બેલિસ્ટિક મિસાઇલ કેટલી શક્તિશાળી છે?
2006માં રશિયાએ ઇસ્કંદર બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરી હતી. તેનો ઉપયોગ શોર્ટ રેન્જ માટે થાય છે. તે મોટી ઇમારતો અને લશ્કરી થાણાઓને ધ્વસ્ત કરવા માટે વપરાતા હથિયારોને લઈ જાય છે.
તે છોડ્યા પછી ઝડપથી ઉપર જાય છે, પછી ગુરુત્વાકર્ષણ બળને કારણે તે નીચે આવતા જ દુશ્મનનો નાશ કરે છે. રશિયા હાલમાં 9K720 ઇસ્કંદર બેલિસ્ટિક મિસાઇલનો ઉપયોગ કરી રહ્યું છે. તેની રેન્જ 500 કિલોમીટર છે. તે પોતાની સાથે 700 કિલો વિસ્ફોટક લઈ જઈ શકે છે.