કીવ42 મિનિટ પેહલા
- કૉપી લિંક
- 5 લાખથી વધુ સૈનિકોના સંકટથી ઝઝૂમી રહેલા યુક્રેનનો નિર્ણય
છેલ્લાં અઢી વર્ષથી રશિયા સામે લડી રહેલું યુક્રેન સૈનિકોની અછતના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. સતત સૈનિકોની અછતને દૂર કરવા માટે યુક્રેન નવાં નવાં પગલાં લઇ રહ્યું છે. દરમિયાન યુક્રેન સૈન્યમાં નવા યુવકોની ભરતીની વય પણ 25થી ઘટાડીને 18 કરવાની તૈયારી છે. બીજી તરફ, સૈનિકોના નુકસાનને ઘટાડવા માટે યુક્રેને જાન્યુઆરી 2025થી 10 હજારથી વધુ રિમોટ કંટ્રોલ રોબોટ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે.
આ રોબોટ ફ્રન્ટલાઇન પર ફાયરિંગનો મોરચો સંભાળવા ઉપરાંત ખીણમાં હાજર સૈનિકો માટે સશસ્ત્ર સરંજામ અને લોજિસ્ટિક્સ પહોંચાડવા માટે સક્ષમ છે. આ રોબોટ યુદ્ધમાં ઘાયલ સૈનિકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં પણ કારગર સાબિત થશે. વાહન પર ઘાયલ સૈનિકોને લઇને આ રોબોટ રશિયન ગોળીબાર અને ડ્રોન હુમલાથી તેઓને બચાવવામાં પણ સક્ષમ હશે.
રશિયાના કુર્સ્ક પર કબજા પહેલાં રોબોટ ખરીદયા હતા, હવે જાતે બનાવે છે યુક્રેનના ડેપ્યુટી પીએમ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન મંત્રી મિખાઇલો ફેદોરોવ અનુસાર પહેલા તબક્કામાં જાન્યુઆરીમાં 10 હજાર રોબોટ તહેનાત કરાશે. ત્યારબાદ તેની સંખ્યા વધારાશે. તેમણે કહ્યું કે રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં આ રોબોટનો ઉપયોગ પહેલાંથી જ થઇ રહ્યો છે, જ્યાં યુક્રેને ઓગસ્ટ 2016માં કબજો કર્યો હતો. સૈન્ય સુધી શસ્ત્ર સરંજામ તેમજ રાહત સામગ્રી પહોંચાડવામાં આ પ્લેટફોર્મ રોબોટ કારગર સાબિત થયા છે. યુક્રેને સ્વદેશી લ્યૂક 2.0 જેવાં વાહન પણ બનાવ્યાં છે. યુદ્ધ સામે ઝઝૂમવા છતાં પણ યુક્રેને રક્ષા ઉત્પાદન તેજીથી વધાર્યું છે અને તે ડ્રોન સહિત અનેક હથિયાર બનાવી રહ્યું છે. 2023 બાદથી યુક્રેને લાંબા અંતરના ડ્રોનનું ઉત્પાદન અનેકગણું વધાર્યું છે.
મોટી સફળતા: યુક્રેનના ડ્રોને 10 હજારથી વધુ રશિયન ટેન્કને નષ્ટ કરી, યુક્રેન વાર્ષિક 40 લાખ ડ્રોન બનાવે છે સસ્તાં ડ્રોન : રશિયા સામે યુદ્ધ દરમિયાન યુક્રેને પોતાની તકનિકી પ્રગતિથી વિશ્વને ચોંકાવ્યું છે. યુદ્ધની શરૂઆતમાં યુક્રેનના ડ્રોન દ્વારા રશિયાની 10 હજાર ટેન્કોને નષ્ટ કરાઈ હતી. સાથે જ યુક્રેને 20 હજાર વાહનોને પણ નષ્ટ કર્યાં હતાં. રશિયાની પોતાની ટેન્ક બ્રિગેડને મોરચા પરથી હટાવવી પડી હતી.
નેવલ ડ્રોન: ક્રિમિયાના પુલથી લઇને રશિયાનાં અનેક બંદરો અને રિફાઇનરીઓ પર હુમલા માટે યુક્રેને નેવલ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. તેનાથી રશિયાને ભૂમધ્ય સમુદ્રમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. સમયની સાથે યુક્રેને ડ્રોન ઉત્પાદનની ક્ષમતા વધારી છે, હવે તે વાર્ષિક 40 લાખ ડ્રોન બનાવવા સક્ષમ છે.
યુક્રેન જેવું યુદ્ધ થશે તો 6 મહિનામાં જ આપણું સૈન્ય ખતમ થઇ જશે: બ્રિટન બ્રિટનના રક્ષામંત્રી એલિસ્ટેર કાર્ન્સે ચેતવણી આપી છે કે જો બ્રિટિશ સૈન્યને યુક્રેન જેવું યુદ્ધ લડવા માટે મજબૂર કરાશે તો તે 6 મહિનામાં જ ખતમ થઇ જશે. લંડનમાં રૉયલ યુનાઇટેડ સર્વિસીઝ ઇન્સ્ટિટ્યૂટ થિન્કટેન્કમાં આયોજિત એક સંમેલનમાં તેમણે કહ્યું કે આંકડાઓ પ્રમાણે બ્રિટનના સૈન્યમાં અત્યારે 1,09,245 સૈનિક છે અને 25,814 રિઝર્વ વોલેન્ટિયર છે.