વોશિંગ્ટન43 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકાથી ઈઝરાયલના ગુપ્ત દસ્તાવેજો લીક થયા છે. આ દસ્તાવેજોમાં ઈરાન પર હુમલો કરવાની યોજના હતી. CNNના અહેવાલ મુજબ અમેરિકાએ પણ આ મામલે તપાસ શરૂ કરી છે.
CNNએ એક અમેરિકન અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે આને ‘મિડલ ઈસ્ટ સ્પેક્ટેટર’ નામની ચેનલ દ્વારા શુક્રવારે 18 ઓક્ટોબરે ટેલિગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી. આ દસ્તાવેજો પર ટોપ સિક્રેટ અને 15 અને 16 ઓક્ટોબરની તારીખ લખેલી છે. આ પ્રકારના દસ્તાવેજોનું લીક થવું એ અમેરિકા માટે ચિંતાનો વિષય છે.
આ દસ્તાવેજો માત્ર અમેરિકા અને તેના સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને બ્રિટન માટે છે. આ તમામ દેશો ઈન્ટેલિજન્સ નેટવર્ક ફાઈવ આઈઝનો ભાગ છે.
ઈરાને 1 ઓક્ટોબરે ઈઝરાયલ પર 180 મિસાઈલોથી હુમલો કર્યો હતો. આ પછી ઈઝરાયલે જવાબી કાર્યવાહી કરવાની વાત કરી હતી.
ઈરાન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે ઈઝરાયલ ગુપ્ત દસ્તાવેજો અનુસાર ઈઝરાયલ ઈરાન પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. આમાંના એક દસ્તાવેજ મુજબ ઈઝરાયલે હુમલા માટે હથિયારોની હેરફેર શરૂ કરી દીધી છે. આ દસ્તાવેજ નેશનલ જીઓસ્પેશિયલ ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
અન્ય એક દસ્તાવેજમાં ઈઝરાયલની વાયુસેનાની કવાયત સંબંધિત માહિતી છે. તેમાં હવાથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલના પરીક્ષણો સંબંધિત માહિતી છે. CNN અનુસાર, માનવામાં આવે છે કે આ કવાયતો ઈરાન પર હુમલાની તૈયારીનો એક ભાગ છે.
CNNએ એક અમેરિકન અધિકારીને ટાંકીને કહ્યું છે કે, પેન્ટાગોનના ગુપ્ત દસ્તાવેજો સુધી લોકો પાસે કેવી રીતે પહોંચ્યું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે.
અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ, એફબીઆઈ અને પેન્ટાગોને આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
અમેરિકા-ઈઝરાયલ સંબંધોને અસર થઈ શકે અમેરિકાના પૂર્વ ઉપ વિદેશ સચિવ મિક મુલરોયે આ મામલે કહ્યું કે, જો ઈરાન પર ઈઝરાયલના વળતા હુમલા સાથે જોડાયેલી માહિતી ખરેખર લીક થઈ ગઈ હોય તો તે નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. તેનાથી અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના ભાવિ સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં વિશ્વાસ એક મોટો પાયો છે અને આ લીક આ વિશ્વાસને નબળો પાડી શકે છે.
ગયા વર્ષે પણ અમેરિકામાંથી કેટલીક ગુપ્ત માહિતી લીક થઈ હતી. જેના કારણે અમેરિકા, દક્ષિણ કોરિયા અને યુક્રેન જેવા સહયોગી દેશો વચ્ચે તણાવ ઉભો થયો હતો. આ દસ્તાવેજો 21 વર્ષીય નેશનલ એર ગાર્ડ્સમેન દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા હતા.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચેના સંબંધો આ વર્ષના ઓગસ્ટથી જ ખરાબ થઈ ગયા છે. અત્યાર સુધી બંને વચ્ચે માત્ર એક જ વાર વાતચીત થઈ છે.
હેક કરવામાં આવ્યું છે કે ઇરાદાપૂર્વક લીક કરવામાં આવ્યું છે, હજુ સુધી સ્પષ્ટ નથી આ દસ્તાવેજો લીક થયાની માહિતી શનિવારે પહેલીવાર સામે આવી. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ દસ્તાવેજો હેક કરવામાં આવ્યા છે કે કોઈએ જાણી જોઈને લીક કર્યા છે. ઈરાન દ્વારા કરવામાં આવી રહેલા હેકિંગ પ્રયાસોને લઈને અમેરિકા પહેલાથી જ એલર્ટ છે.
અગાઉ, અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ ઓગસ્ટમાં અહેવાલ આપ્યો હતો કે ઈરાને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર સાથે સંબંધિત દસ્તાવેજો હેક કર્યા છે.