વોશિંગ્ટન48 મિનિટ પેહલા
- કૉપી લિંક
ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરના મામલાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાનું નિવેદન પણ આવ્યું છે. અમેરિકાએ ભારત પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે મંગળવારે કહ્યું- કેનેડાઓ ભારત પર લગાવવામાં આવેલા આરોપો ખૂબ જ ગંભીર છે. અમે ઈચ્છીએ છીએ કે ભારત સરકાર કેનેડા સાથે મળીને તપાસમાં મદદ કરે. ભારતે આજ સુધી આવું કર્યું નથી.
આ પહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે દાવો કર્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારત સરકારના અધિકારીઓ સામેલ હતા. આ પહેલીવાર નથી જ્યારે અમેરિકાએ ભારત અને કેનેડા વચ્ચેના તણાવ પર ટિપ્પણી કરી હોય. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના પીએમ ટ્રુડોએ સંસદમાં ભારત પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે પણ અમેરિકાએ ભારતને તપાસમાં સહયોગ કરવા કહ્યું હતું.

ભારત અને કેનેડા વચ્ચે 3 દિવસમાં શું થયું?
ઑક્ટોબર 13: કેનેડાએ ભારતને લેટર મોકલ્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્મા અને અન્ય રાજદ્વારીઓ એક કેસમાં શંકાસ્પદ છે. કેનેડાએ આ કેસની વિગતો આપી નથી, પરંતુ તેને નિજ્જર કેસ સાથે જોડવામાં આવી રહ્યું છે.
ઑક્ટોબર 14: ભારતે તેમના રાજદ્વારીઓને શંકાસ્પદ ગણાવવા સામે વિરોધ કર્યો અને કેનેડિયન રાજદૂતને હાંકી કાઢ્યા. થોડા કલાકો પછી ભારતે સંજય કુમાર વર્મા અને અન્ય રાજદ્વારીઓને પાછા બોલાવ્યા. મોડી રાત્રે સમાચાર આવ્યા કે કેનેડાએ પણ ભારતમાંથી તેમના 6 રાજદૂતોને પરત ફરવાનો આદેશ આપ્યો છે.
ઑક્ટોબર 15: કૅનેડાના વડા પ્રધાને નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સીધી સંડોવણીનો આરોપ મૂક્યો.
દાવો- અમિત શાહના કહેવા પર ખાલિસ્તાનીઓ પર હુમલો થયો હતો
અમેરિકન મીડિયા હાઉસ વોશિંગ્ટન પોસ્ટે દાવો કર્યો છે કે ગૃહમંત્રી અમિત શાહ અને RAW એજન્સીએ મળીને કેનેડામાં ગુપ્ત માહિતી એકત્ર કરવા અને ખાલિસ્તાની આતંકવાદીઓને હુમલો કરવાની મંજૂરી આપી હતી. વોશિંગ્ટન પોસ્ટે કેનેડાના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે ભારતીય રાજદ્વારીઓ કેનેડા પ્રવાસની મંજૂરીનાં બદલામાં ગુપ્ત માહિતી આપવા માટે ઘણા લોકોને દબાણ કરતા હતા.
આ કાર્યનું નેતૃત્વ કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય વર્માએ કર્યું હતું. રિપોર્ટ અનુસાર, 12 ઓક્ટોબરે કેનેડાના NSAએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને પણ આ અંગેની એક બેઠકમાં જાણ કરી હતી.
કેનેડિયન પોલીસે જણાવ્યું કે, ભારતીય એજન્ટોએ ઘણી માહિતી એકઠી કરી હતી
કેનેડાના પોલીસ કમિશનર માઈક ડુહેમે પણ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું હતું કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ અને અધિકારીઓએ તેમના પદનો દુરુપયોગ કર્યો છે અને ગુપ્ત રીતે ભારત સરકાર માટે માહિતી એકઠી કરી છે. આ માટે ભારતીય અધિકારીઓએ એજન્ટોનો ઉપયોગ કર્યો હતો. આમાંના કેટલાક એજન્ટોને ભારત સરકાર સાથે કામ કરવા માટે ધમકીઓ અને દબાણ કરવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ભારત દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ દક્ષિણ એશિયાના લોકોને નિશાન બનાવવા માટે કરવામાં આવે છે. અમે ભારત સરકારના અધિકારીઓને આના પુરાવા આપ્યા હતા અને તેમને હિંસા રોકવા અને સહયોગ કરવાની અપીલ કરી હતી.

કેનેડિયન પોલીસે 14 ઓક્ટોબરે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.
બંને દેશ વચ્ચે તણાવનું કારણ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જર, ગયા વર્ષે તેની હત્યા કરવામાં આવી
18 જૂન, 2023ની સાંજે કેનેડાના સરે શહેરમાં ગુરુદ્વારામાંથી બહાર નીકળતી વખતે નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગયા વર્ષે 18 સપ્ટેમ્બરે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ ભારત સરકાર પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો, જેને ભારતે ફગાવી દીધો હતો.
આ પછી 3 મેના રોજ નિજ્જરની હત્યાના ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય આરોપી ભારતીય છે. કેનેડિયન પોલીસે જણાવ્યું હતું કે પોલીસ ઘણા મહિનાઓથી તેમના પર નજર રાખી રહી હતી. તેઓ માને છે કે ભારતે તેમને નિજ્જરને મારવાનું કામ સોંપ્યું હતું. ત્યારે ભારતે આ મામલે કહ્યું હતું કે આ કેનેડાનો આંતરિક મામલો છે.

હરદીપ સિંહ નિજ્જરની 18 જૂન 2023ના રોજ હત્યા કરાઈ હતી. સપ્ટેમ્બરમાં કેનેડાના પીએમએ આ હત્યા માટે ભારત પર આરોપ લગાવ્યો હતો.
ટ્રુડો માટે નિજ્જર મુદ્દો શા માટે મહત્ત્વપૂર્ણ છે?
ઓક્ટોબર 2025માં કેનેડામાં સંસદીય ચૂંટણી યોજાશે. ખાલિસ્તાન સમર્થકોને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની પાર્ટીની મોટી વોટબેંક માનવામાં આવે છે. જોકે ગયા મહિને જ ખાલિસ્તાન સમર્થક જગમિત સિંહની એનડીપી પાર્ટી, જે ટ્રુડો સરકારનો ભાગ હતી તેણે પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે.
જોડાણ તૂટવાને કારણે ટ્રુડો સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી, જોકે 1 ઓક્ટોબરે યોજાયેલા બહુમત પરીક્ષણમાં ટ્રુડોની લિબરલ પાર્ટીને અન્ય પક્ષનો ટેકો મળ્યો હતો. એના કારણે ટ્રુડોએ ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હતો.
2021ની વસતિગણતરી મુજબ કેનેડાની કુલ વસતિ 3.89 કરોડ છે, જેમાંથી 18 લાખ ભારતીયો છે. આ કેનેડાની કુલ વસતિના 5% છે. એમાંથી 7 લાખથી વધુ શીખ છે, જે કુલ વસિતના 2% છે.

નિજ્જર 27 વર્ષ પહેલાં કેનેડા ગયો હતો, 3 વર્ષ પહેલાં આતંકી જાહેર થયો

કેનેડા સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
ભારત-કેનેડા વિવાદનું મુખ્ય કારણ લોરેન્સ કેમ?:દેશ-વિદેશમાં સવાલ ઉઠ્યા, નિજ્જર-પન્નુની હત્યાનું કાવતરું એક જેવું, કેનેડા કેમ લોરેન્સને ભારતીય એજન્ટ્સ સાથે જોડે છે?

NCP અજિત જૂથના નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબર,2024ની રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. લોરેન્સ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. આ વર્ષે 14 એપ્રિલે સલમાનના ઘરની બહાર થયેલા ફાયરિંગમાં પણ તેનું નામ સામે આવ્યું હતું. લોરેન્સ બિશ્નોઈ એક એવું નામ છે જેને કારણે ભારત અને કેનેડાના સંબંધો વણસી રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો