36 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ બુધવારે (22 મે) ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના અંતિમ યાત્રામાં હાજરી આપવા તેહરાન ગયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પોસ્ટ કરીને જણાવ્યું કે ઉપરાષ્ટ્રપતિ ભારત વતી શોકસભામાં ભાગ લેવા ઈરાન ગયા છે.
19 મેના રોજ રઈસીનું હેલિકોપ્ટર ઈરાન-અઝરબૈજાન બોર્ડર પાસે ક્રેશ થયું હતું. વિમાનમાં વિદેશ મંત્રી હુસૈન અમીરાબદુલ્લાહિયા સહિત કુલ 9 લોકો સવાર હતા. તબરિઝ શહેરમાં અંતિમયાત્રા બાદ રાષ્ટ્રપતિના પાર્થિવદેહને તેહરાન લાવવામાં આવ્યો હતો.
ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહસેન મન્સૂરીએ કહ્યું કે તેમને 23 મેના રોજ ઈરાનના મશહદ શહેરમાં દફનાવવામાં આવશે. રઈસીનો જન્મ આ જ શહેરમાં થયો હતો.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈરાનના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ પહેલા 21 મેના રોજ વિદેશ મંત્રી એસ જયશંકરે પણ દિલ્હીમાં ઈરાનના દૂતાવાસની મુલાકાત લીધી હતી.
ઈરાનમાં 23 મેને જાહેર રજા જાહેર કરવામાં આવી છે. રઈસીના અંતિમ સંસ્કાર પહેલા દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા નમાજ અદા કરશે.
ઈરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતે શોક વ્યક્ત કર્યો, ત્રિરંગો અડધી કાઠીએ લહેરાવાયો
ઈરાન ઉપરાંત ભારત, પાકિસ્તાન, લેબનોન જેવા ઘણા દેશોમાં રઈસીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ રઈસીના નિધન પર ભારતે સોમવાર, 21 મેના રોજ એક દિવસનો શોક જાહેર કર્યો હતો. આ અંતર્ગત બુધવારે સંસદ ભવન સહિત તમામ સરકારી ઈમારતો પર ત્રિરંગો અડધી કાઠીએ ફરકતો જોવા મળ્યો હતો.
ભારતમાં સંસદ ભવન, એરફોર્સ હેડક્વાર્ટર સહિત તમામ ઈમારતો પર ધ્વજ અડધી કાઠીએ ઝુકાવવામાં આવ્યો હતો.
જ્યાં રઇસીનું મોત થયું એ સ્થાન ઈઝરાયલના મોસાદનો ગઢ હતો
રઈસીના મૃત્યુની તપાસનાં પરિણામો આવવાનાં બાકી છે, પરંતુ મોટો પ્રશ્ન ક્રેશ સાઇટ અઝરબૈજાન વિશે છે. ઈરાન તેમના પાડોશી દેશ અઝરબૈજાન સાથે તણાવપૂર્ણ સંબંધો ધરાવે છે. મધ્ય એશિયામાં અઝરબૈજાન એકમાત્ર મુસ્લિમ દેશ છે, જે ઈઝરાયલ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. અઝરબૈજાન નજીક જ્યાં રાઈસીનું હેલિકોપ્ટર ક્રેશ થયું એ દૂરના પહાડી વિસ્તાર ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદનો ગઢ રહ્યો છે. મોસાદના ઘણા ગુપ્તચર એજન્ટો અહીં સક્રિય છે.
ગયા વર્ષે ઈરાને અઝરબૈજાનમાં રહેતા ઈઝરાયલ માટે જાસૂસી કરવાના આરોપમાં એક મહિલા સહિત ચાર લોકોને ફાંસી આપી હતી. હાલમાં ઈરાને ક્રેશનું કારણ ખરાબ હવામાન ગણાવ્યું છે.
બીજી તરફ ઈરાનમાં રઈસીના હેલિકોપ્ટર ક્રેશની તપાસ શરૂ થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી IRNA અનુસાર, ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ જનરલ મોહમ્મદ બાઘેરીએ ઉચ્ચ કક્ષાના પ્રતિનિધિમંડળને તપાસ સોંપી છે. તેનું નેતૃત્વ ઈરાનના બ્રિગેડિયર અલી અબ્દુલ્લાહી કરી રહ્યા છે. આ માટે તેઓ હેલિકોપ્ટર ક્રેશના સ્થળે પણ પહોંચી ગયા છે.
જગદીપ ધનખડના ઈરાન જવાથી ભારતને શું ફાયદો થશે?
13 મેના રોજ ભારતે ચાબહારમાં શાહિદ બેહેશ્તી પોર્ટ ઈરાન પાસેથી 10 વર્ષ માટે લીઝ પર લીધું હતું. હવે પોર્ટનું સમગ્ર સંચાલન ભારત પાસે રહેશે. આના દ્વારા ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે વેપાર માટે નવો માર્ગ મળશે. પાકિસ્તાનની જરૂરિયાત દુર થઈ જશે. આ બંદર ભારત અને અફઘાનિસ્તાનને વેપાર માટે વૈકલ્પિક માર્ગ પ્રદાન કરશે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની ઈરાન મુલાકાત એ સંદેશ આપશે કે રઈસીના મૃત્યુના મામલામાં ભારત તેમની સાથે ઊભું છે. ઈરાન વારંવાર ભારતને અમેરિકાના સમર્થન તરીકે જોતું આવ્યું છે. આ મુલાકાત ચાબહાર પ્રોજેક્ટના વિકાસને મજબૂત બનાવશે. આ પહેલા કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે પણ ચાબહાર મુદ્દે ઈરાનની મુલાકાત લીધી હતી.