લંડન7 કલાક પેહલા
- કૉપી લિંક
- પ્રવાસીઓના બિલ મુદ્દે રાજકારણ
બ્રિટનના ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનક સામે પ્રવાસીઓના મુદ્દે વિરોધનો સૂર ઊઠ્યો છે. શાસક પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના 3 મોટા નેતા, પૂર્વ વડાપ્રધાન લિઝ ટ્રસ, પૂર્વ ગૃહમંત્રી સુએલા બ્રેવમૅન અને પૂર્વ મંત્રી રોબર્ટ જેનેરિક વડાપ્રધાન સુનકની સરકાર તોડી પાડવાનું ષડયંત્ર રચી રહ્યા છે. આ ત્રણેય કટ્ટરપંથી નેતાએ સુનક ભારતીય હોવાને કારણે પ્રવાસીઓ મુદ્દે કૂણું વલણ રાખતા હોવાનો આરોપ મૂક્યો છે.
સુનક દ્વારા તૈયાર કરાયેલા પ્રવાસીઓ અંગેનું સંશોધિત ‘રવાન્ડા બિલ’ 12 ડિસેમ્બરે સંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઑફ કોમન્સમાં રજૂ કરાશે. એ પહેલાં સુનકવિરોધી નેતાઓ કન્ઝર્વેટિવ પાર્ટીના વધુ ને વધુ નેતાઓને રાજીનામાં માટે તૈયાર કરી રહ્યા છે. આ માટે ગુપ્ત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. નીચલા ગૃહમાં રવાન્ડા બિલ પાસ ન થાય તો સુનક પર રાજીનામું આપવાનું દબાણ વધશે.
રવાન્ડા વિધેયક શું છે : બ્રિટનમાં ગેરકાયદે શરણાર્થીઓ અને પ્રવાસીઓને આફ્રિકાના દેશ રવાન્ડા મોકલવા માટેની દરખાસ્ત પૂર્વ વડાપ્રધાન જોનસન 2022માં લાવ્યા હતા. આ માટે બ્રિટને 2900 કરોડ રૂપિયા રવાન્ડાને આપવાના છે. સુપ્રીમકોર્ટે નવેમ્બરમાં ગેરકાયદે ગણાવીને એ રદ કરાવી ચૂકી છે. હવે શરણાર્થીઓ પર કેસ ન ચલાવવાની જોગવાઈ સમાવીને સુનક તેને ફરીથી સંસદમાં લાવી રહ્યા છે.
વડાપ્રધાન સુનક વિરુદ્ધ બળવાનું નેતૃત્વ કરનારાં સુએલા પણ ભારતીય મૂળનાં
ભારતીય મૂળના અને પૂર્વ ગૃહમંત્રી સુએલા બ્રેવરમૅન જ વડાપ્રધાન વિરુદ્ધ આ બળવાનું નેતૃત્વ કરી રહ્યાં છે. શ્વેત કટ્ટરપંથી નેતા લિઝ ટ્રસને પણ તેમણે સંપૂર્ણ સમર્થન આપ્યું છે. બંને નેતાઓને સુનક સામે રાજકીય દ્વેષ પણ છે. લિઝ ટ્રસને દૂર કરીને જ ઋષિ સુનક વડાપ્રધાન બન્યા હતા. સુનકે તાજેતરમાં જ સુએલાને મંત્રીમંડળમાંથી દૂર કર્યાં હતાં. આ બંને નેતાઓએ પ્રવાસીઓ સાથે સંકળાયેલા રવાન્ડા બિલ અંગે સુનકનો વિરોધ કરીને કટ્ટરપંથી જૂથનું સમર્થન મેળવ્યું છે.
વિરોધ શા માટે | ત્રણેય કટ્ટરપંથી નેતાઓનું કહેવું છે કે વડા પ્રધાન ઋષિ સુનકે જોગવાઈઓ હળવી કરી દીધી છે. આથી આ અંગે આકરો કાયદો લાવવો જોઈએ.
ખુરશી ટકાવી રાખવા સુનકના 3 ગેમ પ્લાન
1 પક્ષના ચૅરમૅનનો સાથ : સુનકે 12 ડિસેમ્બરે બિલ પહેલાં પક્ષના અધ્યક્ષ રિચર્ડ હોલ્ડનને પોતાની તરફેણમાં કરી લીધા છે. હોલ્ડનનું કહેવું છે કે વર્ષ પછી યોજાનારી ચૂંટણી પહેલાં સુનકને દૂર કરીને અન્ય કોઈની નિયુક્ત સેલ્ફ ગોલ પુરવાર થશે.
2 મિડલ ક્લાસ વોટ : બ્રિટનના મિડલ ક્લાસમાં સુનક ઘણા લોકપ્રિય છે. તેમણે મિડલ ક્લાસને ટેક્સમાં છૂટછાટ આપી છે. સુપર રિચ ટેક્સને 15%થી વધારીને 20% કરવાનો સુનકનો નિર્ણય ઘણો લોકપ્રિય રહ્યો હતો. પક્ષમાં પણ તેઓ સૌથી વધુ લોકપ્રિય છે.
3 સંસદ ભંગનો દાવ : સુનક રવાન્ડા બિલ પાસ ન કરાવી શકે તો તેઓ સંસદને ભંગ કરવાનો દાવ રમી શકે છે. આ સ્થિતિમાં શાસક પક્ષના વધુ સાંસદ સમય પહેલાં ચૂંટણીમાં જતાં બચશે.