- Gujarati News
- International
- Bathroom, Kitchen, TV And Secret Documents In The Tunnel
ટેલ અવીવ2 કલાક પેહલા
- કૉપી લિંક
ઈઝરાયલે હમાસ ચીફ યાહ્યા સિનવાર સાથે સંબંધિત વધુ એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં સિનવાર તેના પરિવાર સાથે ગાઝામાં એક સુરંગમાં જતો જોવા મળે છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) અનુસાર, સિનવારનો આ વીડિયો ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર થયેલા હુમલા પહેલાંનો છે.
ઈઝરાયલ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં સિનવાર 6 ઓક્ટોબરની મોડી રાત્રે તેની પત્ની અને બાળકો સાથે સુરંગમાં જતા જોઈ શકાય છે. તે બધા પોતપોતાનો સામાન બંકરમાં લઈ જઈ રહ્યા હતા. આ બંકરને પાછળથી IDF દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું.
IDF પ્રવક્તા ડેનિયલ હગારીએ શનિવારે જણાવ્યું હતું કે સુરંગ દક્ષિણ ગાઝાના ખાન યુનિસમાં સિનવારના ઘરની નીચે હતી.
પત્ની અને બાળકો સાથે સુરંગમાં સિનવાર ઈઝરાયલ દ્વારા જાહેર કરાયેલા વીડિયો ફૂટેજમાં યાહ્યા સિનવાર અને તેની પત્ની અને બાળકો સુરંગમાં ટેલિવિઝન, પાણી, ગાદલાં સહિતની વસ્તુઓ લઈ જતા દેખાય છે. આ અંગે ઈઝરાયલની સેનાના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું કે આ સુરંગ ખાન યુનિસમાં સિનવારના ઘરની નીચે આવેલી છે. પ્રેસ બ્રીફિંગ દરમિયાન, હગારીએ ભૂગર્ભ સુરંગના ફોટા બતાવ્યા, જેમાં શૌચાલય, શાવર અને રસોડું હતું. ત્યાંથી ખોરાક, રોકડ અને સિક્રેટ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.
સોફા પર બેસીને મોતની રાહ જોતો રહ્યો સિનવાર
લોહીથી લથબથ શરીર, માથાથી લઈને પગ સુધી ધૂળ જ ધૂળ અને બચીને ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કરતો શખશ, હમાસ ચીફ યાહ્યા સિનવારનો આ અંતિમ વીડિયો છે, જે ઈઝરાયલી સેનાએ બહાર પાડ્યો છે. પોતાની અંતિમ પળોમાં હમાસ ચીફ લાચાર દેખાઈ રહ્યો છે. તેનો એક હાથ પણ કપાઈ ગયો છે. 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયલ પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ હમાસ ચીફ યાહ્યા સિનવાર માર્યો ગયો છે.
ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ અને વિદેશ મંત્રી ઇઝરાયલ કાત્ઝએ ગુરુવારે રાત્રે સિનવારના મૃત્યુની પુષ્ટિ કરી હતી. નેતન્યાહુએ વીડિયો સંદેશમાં કહ્યું કે, હવે હિસાબ બરાબર છે, પરંતુ યુદ્ધ હજુ ચાલુ છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ 16 ઓક્ટોબરના રોજ રૂટિન ઓપરેશનમાં મધ્ય ગાઝામાં એક ઇમારત પર હુમલો કર્યો હતો. હમાસના 3 સભ્યો માર્યા ગયાના સમાચાર હતા. પાછળથી ખબર પડી કે તેમાંથી એક યાહ્યા સિનવાર હતો.
તેના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. આમાં, તેના ચહેરા, દાંત અને ઘડિયાળ પરથી દાવો કરવામાં આવ્યો હતો કે માર્યો ગયો વ્યક્તિ યાહ્યા સિનવાર હતો. સિનવારના મૃત્યુની તપાસ માટે ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.
યુદ્ધ શરૂ થયાના એક વર્ષ અને 9 દિવસમાં સિનવારનો અંત 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર 3 હજારથી વધુ રોકેટ છોડ્યા હતા. આ સિવાય કેટલાય લડવૈયા ઈઝરાયલમાં ઘૂસ્યા હતા. જેમણે ઘણા ઈઝરાયલીઓની હત્યા કરી હતી અને 200થી વધુને બંધક બનાવી લીધા હતા. આ દિવસથી ઇઝરાયલે સિનવારની શોધ શરૂ કરી. ઈઝરાયલે સિનવારને મારવાના અનેક પ્રયાસો કર્યા હતા.
આમાં સફળતા મળી ન હતી. 23 સપ્ટેમ્બરે સિનવારના મૃત્યુનો દાવો પણ કરવામાં આવ્યો હતો. બાદમાં તે ખોટો સાબિત થયો હતો. યુદ્ધ શરૂ થયાના એક વર્ષ અને 9 દિવસની અંદર આખરે 16 ઓક્ટોબરે સિનવાર માર્યો ગયો.
સોશિયલ મીડિયા પર લોકો મૃતદેહના દાંત અને તેની ઘડિયાળની સરખામણી કરીને દાવો કરી રહ્યા છે કે હત્યા કરાયેલી વ્યક્તિ સિનવાર છે.
ઇઝરાયલે સિનવારને માર્યા પહેલાંના ડ્રોન ફૂટેજ બહાર પાડ્યા ઈઝરાયલની સેનાએ સિનવાર સાથે સંબંધિત ડ્રોન ફૂટેજ જાહેર કર્યા છે. તે સિનવારની અંતિમ ક્ષણો દર્શાવે છે. તે ખંડેર એપાર્ટમેન્ટમાં ધૂળવાળા સોફા પર બેઠો છે. તેનું માથું અને ચહેરો સ્કાર્ફથી ઢંકાયેલો છે. જ્યારે ડ્રોન નજીક આવ્યું, ત્યારે તે તેની લાકડી ફેંકીને તોડવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો.
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું કે સિનવાર રાફાહના તાલ અલ-સુલતાન વિસ્તારમાં છુપાયેલો હતો. જ્યારે આ ફૂટેજ લેવામાં આવી રહ્યા હતા ત્યારે અમને ખબર ન હતી કે તે સિનવાર છે. તેના હાથમાં ગોળી વાગી હતી અને તે ઘાયલ થયો હતો. અમને લાગ્યું કે તે હમાસનો સામાન્ય ફાઇટર હતો. ત્યારબાદ IDFએ બિલ્ડિંગ પર બોમ્બમારો કરીને તેને મારી નાખ્યો.
બાદમાં, મૃતદેહોની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે સિનવાર છે. હગારીએ કહ્યું કે તેની પાસેથી બુલેટપ્રૂફ જેકેટ, ગ્રેનેડ અને 40,000 ઈઝરાયલની કરન્સી મળી આવી છે. સીએનએન અનુસાર, સિનવાર જ્યાં છેલ્લે રહેતો હતો તે વિસ્તાર લાંબા સમય સુધી ઇઝરાયલી હુમલાથી અસ્પૃશ્ય રહ્યો. IDFએ 28 ઓગસ્ટે અહીં પહેલીવાર હુમલો કર્યો હતો.
યાહ્યા સિનવારનો આ વીડિયો IDF દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ભાસ્કર આ વાતની પુષ્ટિ કરતું નથી.
નેતન્યાહુએ કહ્યું- સિનવાર માર્યો ગયો છે, પરંતુ યુદ્ધ હજુ ચાલુ છે સિનવારના મૃત્યુ બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક નિવેદન બહાર પાડ્યું હતું.
ઈતિહાસમાં હોલોકોસ્ટ પછી યહૂદીઓનો સૌથી ખરાબ નરસંહાર કરનાર વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. સિનવારને મારીને હવે હિસાબ બરાબર થયો છે, પણ અમારું યુદ્ધ હજી પૂરું થયું નથી. પરંતુ આ યુદ્ધ આવતીકાલે જ સમાપ્ત થઈ શકે છે જો હમાસ બંધક બનાવેલા અમારા લોકોને પરત કરે.
નેતન્યાહુએ કહ્યું કે હમાસના કોઈપણ લડવૈયા કે જેઓ તેમનાં હથિયારો નીચે મૂકે છે અને બંધકોને પરત કરવામાં મદદ કરે છે તેને ગાઝામાંથી સુરક્ષિત રીતે જવા દેવામાં આવશે.
હવે ઈઝરાયલની સેના સિનવારના ભાઈને શોધવામાં વ્યસ્ત હગારીએ જણાવ્યું કે સિનવાર છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારની સુરંગોમાં ફરતો હતો. તે કદાચ ઉત્તર તરફ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઈઝરાયલની સેના સિનવાર પર ઘણા મહિનાઓથી નજર રાખી રહી હતી.
હગારીએ કહ્યું કે સિનવારનો ડીએનએ થોડા સમય પહેલાં ટનલથી સો મીટર દૂર મળી આવ્યો હતો. અહીં જ ઓગસ્ટમાં હમાસે છ બંધકોની હત્યા કરી હતી. હગારીએ કહ્યું કે IDF હવે યાહ્યા સિનવારના ભાઈ મુહમ્મદ સિનવાર સહિત હમાસના અન્ય લશ્કરી કમાન્ડરોની શોધ કરી રહી છે.
ઈરાને કહ્યું- સિનવારના મોતથી ઈઝરાયલની મુશ્કેલીઓ વધશે સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના મિશને જણાવ્યું હતું કે સિનવારના મૃત્યુથી ઈઝરાયલના વિરોધને વધુ મજબૂત બનાવશે. પેલેસ્ટાઈનની આઝાદી માટે લડી રહેલા યુવાનો માટે સિનવાર રોલ મોડલ બનશે. જ્યાં સુધી પેલેસ્ટાઈન પર ઈઝરાયલનો કબજો ચાલુ રહેશે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.
સિનવારના મૃત્યુના સમાચાર ફેલાયા પછી, ઇઝરાયલમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા અને ઉજવણી કરી.
હમાસના ટોચના નેતૃત્વમાં માત્ર સિનવાર જ બાકી હતો ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર થયેલા હુમલામાં ત્રણ મહત્ત્વનાં પાત્રો હતાં. એમાં રાજકીય વડા ઇસ્માઇલ હનીયેહ, લશ્કરી વડા મોહમ્મદ દૈફ ઉપરાંત ગાઝામાં હમાસ નેતા યાહ્યા સિનવારનો સમાવેશ થાય છે. 31 જુલાઈએ ઈરાનમાં હનીયેહના મૃત્યુ પછી સિનવાર સંસ્થાનો નવા વડા બન્યો.
દરમિયાન હમાસના સૈન્ય વડા મોહમ્મદ દૈફ 13 જુલાઈના રોજ હવાઈ હુમલામાં માર્યો ગયો હતો, જેની પુષ્ટિ 1 ઓગસ્ટના રોજ થઈ હતી. આવી સ્થિતિમાં હમાસના ટોચના નેતૃત્વમાં હવે માત્ર સિનવાર જ બચ્યો હતો, તેથી ઇઝરાયલનું સમગ્ર ધ્યાન સિનવારને શોધવા અને તેને મારી નાખવા પર હતું.
શરણાર્થી શિબિરમાં જન્મેલો સિનવાર 22 વર્ષ સુધી જેલમાં રહ્યો નવા હમાસ ચીફનું પૂરું નામ યાહ્યા ઈબ્રાહિમ હસન સિનવાર છે. તેનો જન્મ ગાઝાપટ્ટીના દક્ષિણ વિસ્તારમાં ખાન યુનિસ શરણાર્થી શિબિરમાં થયો હતો. યાહ્યાનાં માતા-પિતા અશ્કેલોનનાં હતાં. 1948માં જ્યારે ઈઝરાયલની સ્થાપના થઈ અને હજારો પેલેસ્ટાઈનીઓને તેમના પૂર્વજોનાં ઘરોમાંથી હાંકી કાઢવામાં આવ્યા ત્યારે યાહ્યાનાં માતા-પિતા પણ શરણાર્થી બની ગયાં.
સિનવારની 1989માં બે ઈઝરાયલી સૈનિક અને ચાર પેલેસ્ટાઈનના અપહરણ તથા હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. એ સમયે યાહ્યા 19 વર્ષનો હતો. કેસ ચાલ્યો. બાદમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
જોકે 2011માં ઇઝરાયલી સૈનિક ગિલાડ શાલિતના બદલામાં 1,000થી વધુ કેદીઓની અદલાબદલી દરમિયાન સિનવારને પણ મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યાં સુધીમાં સિનવાર લગભગ 22 વર્ષ જેલમાં વિતાવી ચૂક્યો હતો.
ગાઝામાં યાહ્યા સિનવાર સાથે ઇસ્માઇલ હનીયેહ. તસવીર 2017ની છે.