ઈઝરાયલ ચારેય બાજુથી ઘેરાયું છે પણ મચક આપતું નથી. હમાસ, હિઝબુલ્લાહ, હુતી જેવા આતંકી સંગઠનો અને ઈરાન જેવા દેશના હુમલા પછી ઈઝરાયલ વધારે આક્રમક બન્યું છે. ઈઝરાયલ તેની આક્રમતાની આગથી વિશ્વને પણ દઝાડી શકે છે.
.
નમસ્કાર,
ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમ વિશ્વમાં સૌથી મજબૂત મનાય છે. મીડલ ઈસ્ટમાં યમન, સિરિયા, લેબનન, ઈરાન અને ગાઝા પટ્ટી સાથે ચાલી રહેલા સંઘર્ષમાં ઈઝરાયલ એકલા હાથે લડી રહ્યું છે. હા, તેને અમેરિકા જેવા તાકાતવર દેશનો સાથ છે. ઈઝરાયલની મુખ્ય લડાઈ ઈરાન સાથે છે. કારણ કે, મીડલ ઈસ્ટમાં જેટલા આતંકી સંગઠનો એક્ટિવ છે તે બધા ઈઝરાયલની વિરૂદ્ધમાં છે અને આ તમામ આતંકી જૂથોને ઈરાને જ પાળીપોષીને મોટા કર્યા છે.
ઈરાન અને ઈઝરાયલ 31 વર્ષ ગાઢ મિત્રો રહ્યા 14 મે, 1948ના દિવસે ઈઝરાયલ પેલેસ્ટાઈનથી અલગ થઈને નવું યહૂદી રાજ્ય બન્યું. તે સમયે ઈરાન ઈઝરાયલને માન્યતા આપનારા પ્રથમ ઈસ્લામિક દેશોમાં સામેલ હતું. 1948માં આરબ દેશોએ ઈઝરાયલ સાથે યુદ્ધ શરૂ કર્યું. ઈરાને આ યુદ્ધમાં ભાગ લીધો નહોતો અને ઈઝરાયલની જીત બાદ તેણે ઈઝરાયલ સાથે સંબંધો પણ સ્થાપિત કર્યા હતા. ઈરાનમાં શાહ મોહમ્મદ રેઝા પહલવીના શાસન દરમિયાન બંને એકબીજાના સહયોગી રહ્યા. તે સમયે ઈરાન પશ્ચિમ એશિયામાં સૌથી મોટા યહૂદી સમુદાયનું મથક હતું. એક સમય હતો જ્યારે બંને દેશો વચ્ચે આયાત-નિકાસ થતી હતી. શસ્ત્રો, ટેક્નોલોજી અને કૃષિ પેદાશોના બદલામાં ઈઝરાયલ ઈરાનમાંથી 40% તેલની આયાત કરતું હતું. બંને દેશો વચ્ચેના સંબંધો એટલા સારા હતા કે ઈરાનની જાસૂસી સંસ્થા ‘સાવાક’ ઈઝરાયલની ગુપ્તચર સંસ્થા ‘મોસાદ’ પાસેથી ‘ટ્રેનિંગ લેતી હતી.
આ કારણોથી ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંબંધો બગડ્યા 1960ના દાયકામાં ઈરાનના ધાર્મિક નેતા આયાતુલ્લા રૂહોલ્લાહ ખામેની ઈરાનને મુસ્લિમ દેશ બનાવવાની માગ જોરશોરથી ઉઠાવી રહ્યા હતા. ઈરાનના શાહે 1964માં ખામેનીને દેશ છોડવાનો આદેશ આપ્યો. ખામેનીએ ઈરાકમાં રહીને ઈસ્લામિક ક્રાંતિની શરૂઆત કરી. ખામેની ઇઝરાયલને ‘છોટા શૈતાન’ અને અમેરિકાને ‘બડા શૈતાન’ માનતા હતા. સમયની સાથે ખામેનીને ઈરાની લોકોનું સમર્થન મળવાનું શરૂ થયું અને 1979માં શાહ પહલવીને સત્તા પરથી હટાવવામાં આવ્યા. તેમણે દેશ છોડીને ભાગી જવું પડ્યું. આ સાથે ઈરાનમાં ઈસ્લામિક રાજ્યની સ્થાપના થઈ અને શરિયા કાયદો લાગુ કરવામાં આવ્યો. આ વાત ઈઝરાયલને ખૂંચી. ઈરાનમાં સત્તા પરિવર્તન સાથે ઈઝરાયલ સાથેના સંબંધો બગડવા લાગ્યા. ખામેની સરકારે યહૂદી દેશ ઇઝરાયલ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા. બંને દેશો વચ્ચેનો હવાઈ માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવાયો.
ઈઝરાયલને ઘેરવા ઈરાને મીડલ ઈસ્ટમાં ચારેય તરફ આતંકી જૂથનું નેટવર્ક પાથર્યું ઈરાને મિડલ ઇસ્ટમાં ઈઝરાયલ, અમેરિકા અને અન્ય સુન્ની પ્રભુત્વ ધરાવતા દેશો સામે લડવા માટે ‘એક્સિસ ઑફ રેઝિસ્ટન્સ’ નામના હથિયારધારી આતંકી જૂથનું નેટવર્ક તૈયાર કર્યું. તેને તૈયાર કરવામાં ઈરાનની વિશેષ સેના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ની મહત્વની ભૂમિકા છે. આમાં પેલેસ્ટાઇનમાં હમાસ, લેબનોનમાં હિઝબુલ્લાહ, યમનમાં હુતી અને ઇરાક અને સીરિયામાં વિવિધ શિયા સશસ્ત્ર આતંકી જૂથોનો સમાવેશ થાય છે.
સમગ્ર મિડલ ઇસ્ટ બે પ્રકારના દેશોમાં વહેંચાયેલું છે. પહેલું શિયા પ્રભુત્વ અને બીજું સુન્ની પ્રભુત્વ. મિડલ ઇસ્ટમાં ઇજિપ્ત, જોર્ડન અને સાઉદી અરેબિયાની વસ્તીમાં 90% સુન્ની હોવાનો અંદાજ છે. જ્યારે યમન, ઈઝરાયલ, લેબનન અને ગાઝામાં 20થી 40% વસ્તી સુન્ની છે. ઈરાન, ઈરાક, યમન, લેબનનમાં શિયા મુસ્લિમોની બહુમતી છે. ઈરાનના નેતૃત્વમાં શિયા બહુમતી ધરાવતા દેશો અથવા શિયા મિલિશિયાઓએ ખુલ્લેઆમ ઈઝરાયલ સામે મોરચો ખોલ્યો છે. સિરિયામાં વસતા શિયા મુસ્લિમોને શિયા મિલિશિયા પણ કહે છે.
આટલા દેશોને ઈઝરાયલ સાથે બારમો ચંદ્રમા છે
- સાઉદી અરેબિયાએ હજુ સુધી તેલ અવીવને ઔપચારિક માન્યતા આપી નથી.
- ઈરાકે પોતાની નીતિ મુજબ હંમેશા ઈઝરાયલ સાથે કોઈપણ પ્રકારના સંબંધોનો ઈન્કાર કર્યો હતો.
- હિઝબુલ્લાહના ગઢ ગણાતા લેબનન અને ઈઝરાયલ વચ્ચે હંમેશા સંઘર્ષ રહ્યો છે.
- સીરિયા પણ ઈઝરાયલને માન્યતા આપતું નથી.
- હાલમાં કતારે પણ ઈઝરાયલથી અંતર જાળવી રાખ્યું છે.
- હુતી વિદ્રોહીઓનું હેડક્વાર્ટર યમન પણ ઈઝરાયલને માન્યતા આપતું નથી.
હિઝબુલ્લાહ, હુતી, હમાસથી ઘેરાયેલું છે ઈઝરાયલ અત્યારે ઈઝરાયલ મિડલ ઈસ્ટમાં એકલો એવો દેશ છે જે ચારેય તરફથી ઘેરાયેલો છે. છતાં આક્રમકતાથી લડી જાણે છે. ઈઝરાયલ હંફાવે છે પણ હાંફતું નથી. અત્યારે ઈઝરાયલ અનેક મોરચે લડે છે, જેમ કે…
- ઈરાન દેશ
- સિરિયામાં ઈસ્લામિક રેઝિસ્ટન્સ
- લેબનનમાં હિઝબુલ્લાહ
- ગાઝામાં હમાસ
- યમનમાં હુતી
હમાસ
- હમાસ પેલેસ્ટાઈનનું ઈસ્લામિક આતંકી જૂથ છે. જે ગાઝા પટ્ટી નામના વિસ્તારમાંથી ઓપરેટ થાય છે.
- 2007થી ગાઝાપટ્ટી પર તેનું નિયંત્રણ છે. મિલિટરી વિંગને અમેરિકા, યુરોપિયન યુનિયન સહિત ઘણા દેશોએ આતંકવાદી જૂથ જાહેર કર્યું છે.
- આતંકી જૂથ હમાસને હથિયાર અને ફંડ પૂરું પાડનારો દેશ છે ઈરાન.
હિઝબુલ્લાહ
- આ એક શિયા મુસ્લિમ રાજકીય પાર્ટી અને આતંકવાદી જૂથ છે.
- તેનો હેતુ ઈઝરાયલી સેના વિરુદ્ધ મોરચો ખોલવાનો અને ઈરાનમાં થયેલી ઈસ્લામિક ક્રાંતિને અન્ય દેશોમાં ફેલાવવાનો છે.
- હિઝબુલ્લાહને પણ લશ્કરી ટ્રેનિંગ, હથિયાર અને ફંડ જો કોઈ આપે છે, તો તે ઈરાન છે
હુતી
- યમનનું એક શિયા મિલિશિયા નામનું જૂથ છે. આ જૂથ પણ ઈઝરાયલ અને અમેરિકાનું વિરોધી છે.
- રાતા સમુદ્રમાં (રેડ સી)માં ઈઝરાયલના જહાજોને વારંવાર નિશાન બનાવે છે. 2014માં આ આતંકી જૂથે નોર્થ યમન પર કબજો કર્યો હતો.
- શિયા મિલિશિયાના આતંકીઓને મિસાઈલ, આધુનિક હથિયારો અને ફાઈટર ટ્રેનિંગ જો કોઈ પૂરી પાડે છે તો તે દેશ છે ઈરાન.
ઈસ્લામિક રેઝિસ્ટન્સ
- ઈસ્લામિક રેઝિસ્ટન્સને અમેરિકાએ આતંકી સંગઠન જાહેર કર્યું છે.
- 2003માં અમેરિકી આક્રમણ અને એ પછી ઈસ્લામિક સ્ટેટ સામેની લડાઈ લડી. સિરિયામાં ગૃહયુદ્ધમાં અસદ શાસનનો બચાવ કર્યો.
- સિરિયાના આ આતંકી જૂથને જો કોઈ સમર્થન આપતું હોય તો એ ઈરાન છે.
ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાર વર્ષથી પ્રોક્સિવોર ચાલે છે બંને વચ્ચે છેલ્લા 4 દાયકાથી પ્રોક્સિવોર ચાલી રહી છે. ઈઝરાયલ પણ આમાં પાછળ નથી. 2010ની શરૂઆતથી ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવવાથી રોકવા માટે ઈઝરાયલે અનેક પરમાણુ સ્થળો અને વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા. ઈઝરાયલે ઈરાન પર હુમલો કરવા માટે સાયબર હુમલાનો પણ આશરો લીધો હતો. ઈરાન પર પણ હમાસ અને હિઝબુલ્લાહ જેવા સંગઠનો દ્વારા વારંવાર ઈઝરાયલ પર હુમલા કરવાનો આરોપ છે. એકબીજાના ગુપ્ત ડોક્યમેન્ટ્સ ચોરી કરવા, અંદરખાને નાનાં હુમલા કરવા, આ લડાઈ તો ચાલતી જ આવે છે પણ ઈઝરાયલ પર હવે સીધા હુમલા થઈ રહ્યા છે. ગાઝામાં રહેતા હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો, લેબનનને છંછેડાતાં જ તેણે પણ ઈઝરાયલ પર એટેક કર્યા છે. યમનમાં રહેતા હુતીઓ ઈઝરાયલના જહાજો લૂંટીને આર્થિક નુકસાન કરી રહ્યા છે. હવે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીધી લડાઈના મંડાણ થયા છે. આટઆટલા હુમલા છતાં ઈઝરાયલ અડગ છે અને એક દેશ બધાને ભારે પડી રહ્યો છે.
જ્યારે જ્યારે ઈઝરાયલ પર હુમલા થયા, ત્યારે ત્યારે તે જીત્યું છે
- 1948: 14મેના દિવસે ઈઝરાયલના નામે અલગ દેશ બન્યો. આગલા દિવસે અરબ દેશ યહૂદી દેશ પર હુમલો કરે છે અને આ જંગ 8 મહિના સુધી ચાલે છે.
- 1964 : પેલેસ્ટાઈનને ઈઝરાયલથી આઝાદ કરાવવા માટે પેલેસ્ટાઈન લિબરેશન ફ્રન્ટ એટલે PLO બન્યું. આના પ્રમુખ યાસર અરાફાત હતા.
- 1967 : ઈઝરાયલે એકસાથે ઈજિપ્ત, જોર્ડન, સિરિયાને હરાવીને ઈસ્ટ જેરૂસલેમ, વેસ્ટ બેન્ક, ગાઝા, ગોલાન હાઈટ્સ પર કબજો કરી લીધો. આ જંગ સિક્સ ડે વોરના નામે જાણીતી છે.
- 1973 : 6 ઓક્ટોબરે અરબ દેશો ફરી એકવાર ઈઝરાયલ પર હુમલો કરે છે. અમેરિકાની મદદથી ઈઝરાયલે આ યુદ્ધ જીતી લીધું હતું.
ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં આગળ શું થશે? ઈરાનના હુમલાનો ઈઝરાયલ ચોક્કસપણે જવાબ આપી શકે છે. આ હુમલો કેટલો મોટો હશે તે જોવું રહ્યું. સીધા હુમલાને બદલે ઇઝરાયેલ આ ક્ષેત્રમાં ઇરાનના પ્રોક્સી સાથીઓના સપ્લાય બેઝ પર હુમલો કરી શકે છે. પરંતુ તેનાથી તણાવ વધુ વધી શકે છે. નિષ્ણાતો માને છે કે ઈઝરાયલને માત્ર ઈરાનથી જ નહીં પરંતુ લેબનોનના હિઝબુલ્લાહ અને યમનમાં હુતીથી પણ ખતરો છે. ઈઝરાયલ ત્રણેયથી ઘેરાયેલું છે. આવી સ્થિતિમાં ઈઝરાયલ ઈરાનના પ્રોક્સી સહયોગીઓના સપ્લાય બેઝ પર હુમલો કરી શકે છે. તેલ અવીવમાં ઈન્સ્ટિટ્યૂટ ફોર નેશનલ સિક્યોરિટી સ્ટડીઝ (INSS)ના ઈરાનના નિષ્ણાત રાઝ ઝિમ્તના જણાવ્યા અનુસાર ઈઝરાયલ-ઈરાન સંઘર્ષ ઘણો ખતરનાક છે. ઈઝરાયલ પણ તહેરાન તરફથી જવાબી કાર્યવાહીથી ડરે છે. ઈઝરાયલ કોઈપણ સમયે ઈરાનમાં સૈન્ય સ્થળો પર ડ્રોન અને મિસાઈલ છોડીને બદલો લઈ શકે છે. જો કે ઈરાન આનો જોરદાર જવાબ આપી શકે છે.
ઈરાનના વડા ખામેનીએ તકરીરમાં કહ્યું, જરૂર પડશે તો ઈઝરાયલ પર બીજીવાર હુમલો કરીશું
હિઝબુલ્લાહના માર્યા ગયેલા ચીફ હસન નસરલ્લાહને યાદ કરીને 4 ઓક્ટોબરે, શુક્રવારે તેહરાનની ગ્રાન્ડ મસ્જિદમાં હજારો લોકો નમાઝ અદા કરવા પહોંચ્યા હતા. આ મેદનીને ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનીએ સંબોધન કર્યું. તેણે આ તકરીરમાં દુનિયાભરના મુસલમાનોને એકજૂટ થવા અપીલ કરી. ઈરાનના લોકોને સંબોધન કરતાં ખામેનીએ કહ્યું કે, તમે બધા અલ્લાહે બતાવેલા રસ્તેથી ન ભટકો. મુસલમાનો એક બનીને રહે. પ્રેમથી રહે. ખામેનીએ એમ પણ કહ્યું કે, ઈઝરાયલે પેલેસ્ટાઈનના વિસ્તારોમાં ગેરકાયદે કબજો કરી રાખ્યો છે.
ખામેનીના ભાષણની 10 મહત્વની વાતો..
- હિઝબુલ્લાહના ચીફ હસન નસરાલ્લાહની વિદાય આપણા માટે પુરાય નહીં એવી ખોટ છે. ઈરાને ઈઝરાયલને આનો મિસાઈલોથી જવાબ આપ્યો છે.
- જો જરૂર પડશે તો આપણે ફરીથી ઇઝરાયલ પર હુમલો કરીશું. હિઝબુલ્લાહ અને લેબનનના લોકો તેમના અધિકારો માટે લડી રહ્યા છે.
- પેલેસ્ટાઈન પર દુશ્મનોનો કબજો છે. પેલેસ્ટાઈનને જમીન પરત લેવાનો અધિકાર છે. ઈરાનથી લેબનન સુધીના મુસ્લિમોએ એક થવું જોઈએ.
- ઇઝરાયેલ તમામ મુસ્લિમોના દુશ્મન છે. તેઓ માત્ર આપણા દુશ્મનો જ નથી પરંતુ પેલેસ્ટાઈન અને યમનના પણ દુશ્મન છે.
- દુશ્મનોની યોજનાઓને સફળ થવા દેવામાં આવશે નહીં. તે મુસ્લિમો પ્રત્યે દુશ્મનાવટ વધારવા માંગે છે. દુશ્મન ઈઝરાયલ કૂટનીતિ વધારવા માંગે છે.
- ઈઝરાયલ સામેના આ યુદ્ધમાં આરબ મુસ્લિમોએ પણ ઈરાનનો સાથ આપવો જોઈએ. આપણે લેબનોન માટે બધું જ કરીશું.
- ઇઝરાયલને લેબનનમાંથી હાંકી કાઢવામાં આવ્યું હતું. લેબનનના મુસ્લિમોએ તેમના સન્માનની રક્ષા કરી ને ઇઝરાયલ સામે લડ્યા.
- મુસ્લિમો પર જુલમ થઈ રહ્યો છે. હમાસ પેલેસ્ટિનિયન મુસ્લિમોના અધિકારો માટે પણ ઈઝરાયલ સામે લડી રહ્યું છે.
- પેલેસ્ટિનિયન લોકોને પૂરો અધિકાર છે કે, તેમના પર કબજો કરવા માંગતી તાકાતો સામે મજબૂતીથી લડે.
- ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર હમાસનો હુમલો વાજબી હતો. આ હુમલાએ ઈઝરાયલને બરાબરનો પાઠ ભણાવ્યો હતો.
મીડલ ઈસ્ટની કટોકટીથી વિશ્વને શું અસર થશે? મીડલ ઈસ્ટમાં ઈઝરાયલ વચ્ચે યુદ્ધ આગળ વધશે તો તેની અસર વિશ્વ પર પડશે. BITS લૉ સ્કૂલના પ્રો. મુસ્તાક હુસૈને મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે, ‘આ યુદ્ધની અસર ભારતના અર્થતંત્ર પર પડશે. જો કે, લેબનન સાથે આપણો કોઈ મોટો વેપાર નથી. 500 મિલિયન ડોલરનો વેપાર છે. સૌથી વધુ અસર ક્રૂડ ઓઈલની કિંમતો પર થશે. આની અસર અર્થવ્યવસ્થા અને નિકાસ પર પડી શકે છે. મોટાભાગના દેશોની સ્થિતિ અત્યારે સારી નથી, એટલે અર્થવ્યવસ્થાને ગંભીર અસર થશે. વિશ્વ પણ બે ભાગમાં વહેંચાઈ જશે. અમેરિકા અને વેસ્ટર્ન કંટ્રીઝ ઇઝરાયલને સમર્થન આપશે. જ્યારે ચીન, રશિયા અને મીડલ ઈસ્ટના મુસ્લિમ દેશો લેબેનનની પડખે ઊભા રહેશે.
છેલ્લે,
ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી જાહેર કરી છે કે, 27 સપ્ટેમ્બરે હિઝબુલ્લાહ ચીફ નસરાલ્લાહની હત્યા થયા પછી ઈરાનમાં જન્મેલાં 100 નવજાત બાળકોનાં નામ નસરાલ્લાહ રાખવામાં આવ્યા છે.
ઈરાનના લોકો એવું સ્પષ્ટ માને છે કે, એક નસરાલ્લાહ મરશે તેની સામે 100 નસરાલ્લાહ પેદા થશે.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ : યશપાલ બક્ષી )