વોશિંગ્ટન ડીસી58 મિનિટ પેહલા
- કૉપી લિંક
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેંસ્કીને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વિવાદ થયા બાદ તેમને વ્હાઇટ હાઉસમાંથી બહાર કરવામાં આવ્યા. બંને નેતાઓ વચ્ચે શુક્રવારે 40 મિનિટ સુધી શાંતિથી વાતચીત થઈ જ્યારે છેલ્લી 10 મિનિટ ઉગ્ર ચર્ચાઓ થઈ.
CNNના રિપોર્ટ પ્રમાણે વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે ઉગ્ર ચર્ચા બાદ યુક્રેનના ડેલિગેટ્સ ઓવલ ઓફિસમાંથી બહાર આવીને બીજા રૂમમાં જતા રહ્યા હતા. જ્યારે અમેરિકી ટીમ ત્યાં રોકાઈ રહી. આ દરમિયાન ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ વેન્સ, વિદેશમંત્રી રુબિયો અને NSA માઇક વોલ્ટ્ઝ સાથે વાતચીત કરી.
ચર્ચા દરમિયાન ટ્રમ્પે કહ્યું કે ઝેલેંસ્કી વાતચીતની પરિસ્થિતિમાં નથી. ત્યાર બાદ તેમણે માઇક વોલ્ટ્ઝ અને રુબિયોને કહ્યું કે તેઓ જ જઈને ઝેલેંસ્કીને કહી દે કે તેમના રવાના થવાનો સમય થઈ ગયો છે.
આ બંને અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે ઝેલેંસ્કીએ તેમને કહ્યું કે તેઓ દરેક વસ્તુ ઠીક કરી શકે છે. ઝેલેંસ્કીએ ફરીથી ટ્રમ્પ સાથે વાતચીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી. પરંતુ તેમને આ તક મળી નહીં. બંને નેતાઓની જોઇન્ટ પ્રેસ-કોન્ફરન્સ પણ થવાની હતી જેને રદ કરી દેવામાં આવી.
ટ્રમ્પ અને ઝેલેંસ્કી વચ્ચેની મુલાકાતની 5 તસવીર…

વ્હાઇટ હાઉસ પહોંચતા ટ્રમ્પે ઝેલેંસ્કીનું સ્વાગત કર્યું.

ઝેલેંસ્કી અને ટ્રમ્પ વચ્ચે લગભગ 40 મિનિટ સુધી સારી રીતે વાતચીત થઈ.

ટ્રમ્પ અને ઝેલેંસ્કી વચ્ચેની વાતચીતની છેલ્લી 10 મિનિટમાં ઉગ્ર ચર્ચા થઈ.

ચર્ચા દરમિયાન ટ્રમ્પે ઘણી વખત જે.ડી. વેન્સના મુદ્દાને ટેકો આપ્યો.

ટ્રમ્પ અને ઝેલેંસ્કી વચ્ચે ચર્ચા થઈ રહી હતી ત્યારે યુક્રેનના અમેરિકામાં રાજદૂત ઓક્સાના માર્કારોવા ચિંતિત દેખાતા હતા. તેઓ કપાળ પર હાથ રાખીને બેઠા હતા.
ઝેલેંસ્કીએ કહ્યું- સુરક્ષાની ખાતરી આપવામાં આવે ત્યારે જ તેઓ શાંતિ કરારમાં જોડાશે
ઝેલેંસ્કીએ ટ્રમ્પ સાથે ઉગ્ર વાતચીત બાદ તેમની માફી માગવાની ના પાડી દીધી. તેમણે ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે જ્યાં સુધી સુરક્ષાની ખાતરી ન મળે ત્યાં સુધી તેઓ કોઈપણ શાંતિ કરારમાં ભાગ લેશે નહીં.
ઝેલેંસ્કીએ કહ્યું કે તેઓ ટ્રમ્પનું સન્માન કરે છે પરંતુ તેમણે કંઈ ખોટું કર્યું નથી. તેમણે એમ પણ કહ્યું કે આ ચર્ચા તેમના બંનેમાંથી કોઈ માટે સારી નહોતી. પરંતુ ટ્રમ્પે સમજવાની જરૂર છે કે યુક્રેન રાતોરાત રશિયા પ્રત્યેનું પોતાનું વલણ બદલી શકશે નહીં.
ઝેલેંસ્કીએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે ટ્રમ્પ આ ચર્ચા પછી પણ યુક્રેન માટે વધુ સમર્થન દર્શાવે. તેમણે કહ્યું કે યુક્રેન ક્યારેય અમેરિકાને ભાગીદાર તરીકે ગુમાવવા માંગતો નથી. ઝેલેંન્સ્કીએ કહ્યું કે યુક્રેન રશિયા સાથે શાંતિ કરારમાં જોડાશે નહીં જ્યાં સુધી તેમને સુરક્ષાની સંપૂર્ણ ગેરંટી ન મળે.
ટ્રમ્પે કહ્યું- ઝેલેંસ્કી શાંતિ ઇચ્છતા નથી ટ્રમ્પ પણ વ્હાઇટ હાઉસની બહાર ગયા. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે ઝેલેંસ્કી બિલકુલ શાંતિ ઇચ્છતા નથી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે પુતિન શાંતિ પ્રત્યે ગંભીર હતા. યુક્રેનને સહાય રોકવાના પ્રશ્ન પર ટ્રમ્પે કહ્યું કે હવે કોઈ વાંધો નથી. હવે તેઓ ફક્ત ત્યારે જ વાત કરશે જો ઝેલેંસ્કી ખરેખર આ યુદ્ધનો અંત લાવવા ઇચ્છશે.
આ દરમિયાન ઘણા યુરોપિયન નેતાઓએ ઝેલેંસ્કીને પોતાનો ટેકો વ્યક્ત કર્યો છે. નોર્વે, નેધરલેન્ડ, પોલેન્ડ જેવા યુરોપિયન દેશો ઉપરાંત, યુરોપિયન યુનિયન, જર્મની, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ પણ ઝેલેંસ્કીને ટેકો આપ્યો છે.
,
ટ્રમ્પ-ઝેલેંસ્કી સંબંધિત આ સમાચાર પણ વાંચો…
યુક્રેન યુદ્ધ પર ટ્રમ્પ અને ઝેલેંસ્કી વચ્ચે ઉગ્ર ચર્ચા:US રાષ્ટ્રપતિએ કહ્યું- તમે અમેરિકાનું અપમાન કર્યુ; ઝેલેંસ્કી વાતચીત અધવચ્ચે છોડીને વ્હાઈટ હાઉસમાંથી રવાના

શુક્રવારે મોડી રાત્રે વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેંસ્કીની મુલાકાત થઈ. આ દરમિયાન ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ઝેલેંસ્કી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…