હાલમાં જ દેશની સંસદમાં કેટલાક સભ્યોએ દેશમાં સામે આવતા બ્રેસ્ટ કેન્સરના આંકડાઓ રજૂ કરવા અંગે સવાલો પૂછ્યા. આ સવાલોના જવાબરૂપે સંસદે 2019 થી 2023 સુધી સામે આવેલા બ્રેસ્ટ કેન્સરના આંકડા અને મૃત્યુદરની સંખ્યા રાજ્ય પ્રમાણે જાહેર કરી. આ આંકડાઓ સાથે અનેક ચ
.
રાજ્યમાં બ્રેસ્ટ કેન્સરના કેસો કેમ વધી રહ્યા છે? અન્ય કેન્સરના પ્રમાણમાં બ્રેસ્ટ કેન્સરના કેસોમાં મૃત્યુદર કેમ વધારે છે? દર્દીઓ બ્રેસ્ટ કેન્સરના ઈલાજમાં શું થાપ ખાય છે? બ્રેસ્ટ કેન્સરના લક્ષણો પારખવામાં શું ભૂલ થાય છે? સરકાર બ્રેસ્ટ કેન્સરને ઘટાડવા કેવા પગલાં લઈ રહી છે? આ તમામ સવાલોના જવાબો અમે બ્રેસ્ટ કેન્સર એક્સપર્ટ પાસેથી મેળવ્યા.

સંસદમાં રજૂ થયેલાં બ્રેસ્ટ કેન્સરના આંકડા
અમે કેન્સર એક્સપર્ટ ડો. શકુંતલા શાહ અને ડો. મિથુન શાહ સાથે ખાસ વાતચીત કરી
બ્રેસ્ટ કેન્સરના કેસો કેમ વધી રહ્યા છે?
બ્રેસ્ટ કેન્સરના કેસ વધવા અંગે ડો. શકુંતલા શાહ કહે છે કે, આ ખુબ ગંભીર બાબત છે. આજે મહિલાઓમાં અન્ય કેન્સરના પ્રમાણમાં બ્રેસ્ટ કેન્સરની સંખ્યા સૌથી વધુ છે. જે પાછળ દર્દીઓને યોગ્ય રીતે દવા કે ટ્રીટમેન્ટ નથી મળતી, તેવું હું નથી માનતી. બ્રેસ્ટ કેન્સરના કેસો વધવા પાછળ લોકોની ઓછી અવેરનેસ જવાબદાર છે. લોકો નાના લક્ષણોને અવગણીને લોકો બિકના માર્યા હોસ્પિટલ સુધી નથી પહોંચતા, જેને લીધે 50% થી વધુ કેસો ત્રીજા સ્ટેજમાં ડિટેક્ટ થાય છે. કેટલાક પ્રમાણના કેસોમાં જિનેટિક(વારસાગત) કારણો પણ જવાબદાર હોય છે. જો આ અંગે પહેલેથી ચેતી જવામાં આવે તો કેન્સર થતાં રોકી શકાય છે.

બીજી તરફ આ મુદ્દે વાત કરતાં ડો. મિથુન શાહ જણાવે છે કે માત્ર 15% કેસોમાં ફેમિલી હિસ્ટ્રી હોય છે એટલે કે વારસાગત રોગ હોય છે. જ્યારે બાકીના દર્દીઓના મુખ્ય કારણમાં મોનોપોઝ લેટ થવું, ઓબેસિટી હોય, હોર્મોનલ ટ્રીટમેન્ટ વધારે લીધી હોય, આલ્કોહોલનું પ્રમાણ લેતા હોય, વજન વધારે હોય આ પ્રકારના કેટલાંક કારણોને લીધે બ્રેસ્ટ કેન્સર થતું હોય તેવું સામે આવે છે.

અન્ય કેન્સરના પ્રમાણમાં બ્રેસ્ટ કેન્સર વધુ ગંભીર હોય છે
બ્રેસ્ટ કેન્સરની ગંભીરતા અંગે જણાવતાં ડો. શકુંતલા શાહ કહે છે કે, પહેલાં બ્રેસ્ટ કેન્સર મોટે ભાગે 50 પછીની ઉંમરની મહિલાઓમાં જોવા મળતું હતું પરંતુ હવે ઓછી ઉંમરના કેસોમાં પણ મોટા પ્રમાણમાં વધારો થયો છે. જો વારસાગત હિસ્ટ્રી કેન્સરની હોય તો કેટલાક કેસો એવા હોય છે કે 25 વર્ષની ઉંમરમાં પ્રેગ્નેન્સી દરમિયાન પણ બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થતું હોય છે.નાની ઉંમરમાં બ્રેસ્ટ કેન્સરની ટ્રિટમેન્ટની સાઈડ ઈફેક્ટ પણ ગંભીર હોય છે. એટલે આ કેન્સરને લઈને સાવચેતી ખૂબ જરૂરી હોય છે.
બ્રેસ્ટ કેન્સરમાં મેમોગ્રાફી વરદાન રૂપ
સૌ પહેલાં અનેક કેસોમાં કોઈ લક્ષણો દેખાતા જ નથી હોતા છતાં બ્રેસ્ટ કેન્સર સામે આવે છે. આ પ્રકારના કેસોમાં મેમોગ્રાફી એકમાત્ર ઉપાય છે. મારા મત મુજબ 45 વર્ષ પછી મહિલાઓએ સમયાંતરે મેમોગ્રાફી કરાવી લેવી જોઈએ. જો મેમોગ્રાફીનો રિપોર્ટ નોર્મલ આવે તો પણ ત્રણ વર્ષ પછી ફરીથી મેમોગ્રાફી અચૂક કરાવવી જોઈએ.

મેમોગ્રાફીનો ફાયદો સમજાવતાં ડો. મિથુન શાહ જણાવે છે કે, આપણને કોઈ ગાંઠ ફિલ થાય ત્યારે તે કેન્સર મોટેભાગે ત્રીજા સ્ટેજ સુધી પહોંચી ગયું હોય છે. પરંતુ મેમોગ્રાફી દ્વારા જો ગાંઠ માત્ર 1 કે 1.5 સેન્ટિમીટરની હોય તો પણ પકડી શકાય છે. જેથી ખુબ વહેલાં બ્રેસ્ટ કેન્સરની જાણ થાય છે અને કિમો થેરાપીથી પણ બચી શકાય છે અને ઓછાં ખર્ચમાં ઈલાજ થઈ જાય છે. મેમોગ્રાફીને લીધે શરીરમાં અમુક રેડિયેશન ચોક્કસ જાય છે પરંતુ તેની કોઈ મેજર સાઈડ ઈફેક્ટ સામે નથી આવી.
આ લક્ષણો દેખાય તો તેને અવગણતા નહીં
મોટાભાગના કેસોમાં તો કોઈને કોઈ લક્ષણો દેખાતાં હોય છે. જેમાનાં મુખ્ય લક્ષણોની વાત કરીએ તો, બ્રેસ્ટમાં ગાંઠ થવી, બ્રેસ્ટનું સ્ટ્રકચર બદલાઈ જવું, નિપ્પલ પર ચાંદાં પડે, નિપ્પલમાંથી બ્લિડિંગ થવું, બ્રેસ્ટ પર સોજો આવવો આ બધા લક્ષણો હોય તો મહિલાઓએ ચેતવું જોઈએ, આ લક્ષણો છે કે નહીં તેનું નિરિક્ષણ મહિલાઓએ સમયાંતરે પોતાની રીતે કરતું રહેવું જોઈએ.ડો. મિથુન શાહનાં મતે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશનનો યોગ્ય સમય માસિક પત્યાના ચાર-પાંચ દિવસ પછીનો હોય છે.

કોઈપણ ગાંઠને સામાન્ય ગાંઠ ન સમજી લેવી
ડૉ.શકુંતલા શાહ કહે છે કે, મહિલાઓએ કોઈપણ ગાંઠને સામાન્ય ગાંઠ ન સમજી લેવી જોઈએ. નાની રસોળી જેવી ગાંઠ પણ કેન્સરની ગાંઠ હોઈ શકે છે. રસોળીથી પણ કેન્સર થઈ શકે છે. માટે પોતાની જાતે કોઈ પણ નિર્ણય લીધા પહેલાં એક્સપર્ટની સલાહ જરૂર લેવી જોઈએ.
ગાંઠને લઈ મહત્વની વાત સમજાવતાં ડો. મિથુન શાહ કહે છે કે, સામાન્ય રીતે લોકો જો ગાંઠમાં દુ:ખાવો થાય તો તેને ગંભીર માનતા હોય છે. પરંતુ અહીંયા એવું નથી. બ્રેસ્ટ કેન્સરની ગાંઠમાં શરૂઆતમાં દુ:ખાવો બિલકુલ થતો નથી. એ ગાંઠ મોટી થઈને ચામડી સુધી પહોંચી જાય ત્યારે દુ:ખાવો થતો હોય છે. એટલે મહિલાને કોઈ ગાંઠ થઈ છે અને તેમાં દુ:ખાવો ન થતો હોય તો તે કેન્સરની ગાંઠ હોઈ શકે છે. શરૂઆતથી દુ:ખાવો થતો હોય તે ગાંઠ કેન્સરની હોય તેવા ઓછા ચાન્સ છે. જો કે, કોઈપણ ગાંઠને સામાન્ય ગાંઠ ન સમજવી જોઈએ અચૂક પણે ડૉક્ટરની સલાહ લેવી જ જોઈએ.

કોઈ લક્ષણો દેખાય તો આટલું કરો
જ્યારે કોઈ પણ ગાંઠ કે લક્ષણો દેખાય તો પહેલાં ફેમિલી ડૉક્ટરને બતાવવું જોઈએ. આ પછી જરૂર જણાય તો કેન્સર એક્સપર્ટને બતાવવું જોઈએ. ગાંઠને લગતી બાબતમાં જો સામાન્ય ગાંઠ લાગતી હોય તો પણ તેના ઈલાજ પહેલાં બાયોપ્સી કરાવવી અનિવાર્ય છે
બાળકને ધવરાવો નહીં તો પણ કેન્સર થઈ શકે
ઓછી ઉંમરે કેન્સર થવા પાછળના કારણો જણાવતા ડો. શંકુતલા શાહ જણાવે છે કે, ઓછી ઉંમરે કેન્સર થવા પાછળનું એક મુખ્ય કારણ જિનેટિક (વારસાગત) હોય છે. જો ફેમિલી હિસ્ટ્રીમાં આ પ્રકારનું કેન્સર હોય તો તે વ્યક્તિને નાની ઉંમરમાં કેન્સર થઈ શકે છે. આ સિવાય લાઈફ સ્ટાઈલ પણ નાની ઉંમરે કેન્સર થવા પાછળ જવાબદાર છે. યોગ્ય ઉંમરે લગ્ન ન થવા, મોટી ઉંમરે લગ્ન કરવા, યોગ્ય ઉંમરે બાળકને ફિડિંગ ન કરાવવું, વધારે પડતું જંકફૂડ અને સ્ટ્રેસ લેવો પણ નાની ઉંમરે કેન્સર માટે કારણભૂત બની શકે છે.
આ અંગે વધુમાં જણાવતાં ડો. મિથુન શાહ કહે છે કે, બ્રેસ્ટ ફિડિંગ એ બ્રેસ્ટ કેન્સરનો દુશ્મન છે. આપણા ત્યાં બ્રેસ્ટ ફિડિંગ કરાવવાનું પ્રમાણ ઓછું થતું જાય છે. પરંતુ આવું ન કરવું જોઈએ. બ્રેસ્ટ ફિડિંગ એ તમને બ્રેસ્ટ કેન્સરથી રક્ષણ આપે છે.

બ્રેસ્ટ કેન્સરની શક્યતા ઘટાડવા આટલું કરો
ડો. શકુંતલા શાહ જણાવે છે કે બ્રેસ્ટ કેન્સરને સંપૂર્ણ પણે રોકી નથી શકાતું. પરંતુ તેની શક્યતાઓ ચોક્કસ ઘટાડી શકાય છે અને બ્રેસ્ટ કેન્સરને સમયસર ડિટેક્ટ પણ ચોક્કસ કરી શકાય છે. ફેમિલી હિસ્ટ્રી ધરાવતી મહિલાઓએ બ્રેસ્ટનાં જિન્સનું ટેસ્ટિંગ કરાવી લેવું જોઈએ.અને જો તેમાં બ્રેસ્ટ કેન્સર થવાની વધુ શક્યતાઓ રિપોર્ટમાં સામે આવે તો આવી મહિલાઓ કેન્સર થાય તે પહેલાં જ રિસ્ડ રિડક્શન સર્જરી કરાવીને કેન્સરની શક્યતા નહીવત કરી શકે છે. આ સિવાય લાઈફસ્ટાઈલ પણ બદલવાની જરૂર છે. યોગ્ય ઉંમરે લગ્ન અને બાળકો કરી લેવા જોઈએ. આ ઉપરાંત જંકફૂડનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. સ્ટ્રેસ ફ્રી જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. મારા મતે દરેક મહિલાએ દિવસના એક કલાક માટે ચોક્કસ પણે કસરત કરવી જોઈએ. જેનું વજન વધારે નથી તેવી મહિલાઓએ એવું બિલકુલ માની લેવાની જરૂર નથી કે મારે કસરતની કોઈ જરૂર નથી.
બ્રેસ્ટ કેન્સર અને લગ્નની ઉંમરને પણ ખાસ કનેક્શન
બ્રેસ્ટ કેન્સર એક્સપર્ટ તરીકે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ લગ્ન અને બાળકને જન્મ આપવાની યોગ્ય ઉંમર અંગે વાત કરતા શકુંતલા શાહ કહે છે કે, તમને જાણીને નવાઈ લાગશે કે વૈજ્ઞાનિક દૃષ્ટિએ તમારા લગ્ન 25 વર્ષની ઉંમરમાં થઈ જવાઅને સંતાન 30 વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય તે તમારા સ્વાસ્થયની દૃષ્ટિએ સારું રહેશે.

‘બ્રેસ્ટ કેન્સરની દવાઓમાં GST ચોક્કસ પણ ઘટવો જોઈએ’
બ્રેસ્ટ કેન્સરના ઈલાજનો સમાવેશ આયુષ્માન ભારત યોજનામાં થાય છે તેથી જે દર્દી તેના હેઠળ ઈલાજ કરાવે છે તેને તો કોઈ પ્રશ્ન નથી. આ સિવાય ક્યારેક કોઈ દર્દી જરૂરિયાંત મંદ જણાય તો અમે અમારો ચાર્જ ઘટાડીને તેમને બનતી મદદ કરતા જ હોઈએ છીએ. પણ જ્યાં વાત દવાઓને લઈને આવે તો મારું ચોક્કસ પણે માનવું છે કે જો GST ઘટાડવામાં આવે તો સમાજના એક મોટા વર્ગને મોટો ફાયદો થઈ શકે તેમ છે

પુરૂષોને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે
ડો. મિથુન શાહ જણાવે છે કે માત્ર મહિલાઓને નહીં પરંતુ પુરૂષોને પણ બ્રેસ્ટ કેન્સર થાય છે. જો કે, મહિલાઓના પ્રમાણમાં પુરૂષોમાં બ્રેસ્ટ કેન્સર થવાનું પ્રમાણ ઓછું હોય છે. પુરૂષોને પણ બ્રેસ્ટ કેન્સર સમયે ગાંઠ દેખાતી હોય છે. ત્યાં ચાંદી પડી હોય તેવું લાગતું હોય છે. જો આ લક્ષણો દેખાય તો પુરૂષોએ અચૂકપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ

બ્રેસ્ટ કેન્સરના ખર્ચને લઈ ગભરાવાની જરૂર નથી
આ કેન્સરના ખર્ચને લઈ ડો. મિથુન શાહ કહે છે કે, કેટલો ખર્ચ થશે તે ક્યા સ્ટેજનું કેન્સર છે તેના પર હોય છે. જો કે, બાયોપ્સી અને ક્યા સ્ટેજનું કેન્સર છે તે જાણવા સહિતનો શરૂઆતનો ખર્ચ 25 હજારની આસપાસ જ હોય છે. મુખ્ય બાબત એ છે કે હવે બ્રેસ્ટ કેન્સરનો ઈલાજ આયુષ્માન યોજન હેઠળ આવે છે. તેથી દર્દીઓને ખર્ચને લઈ વધારે ચિંતા કરવાની જરૂર નથી. કેટલીક વાર તો 1 લાખ રૂપિયાની અંદજ સર્જરી સહિતની તમામ ટ્રિટમેન્ટ થઈ જતી હોય છે.

ક્યા સ્ટેજનું કેન્સર છે એ આ રીતે ખબર પડે
જો બ્રેસ્ટ કેન્સર માત્ર બ્રેસ્ટ સુધી જ ફેલાયેલું હોય તો તેને પહેલાં સ્ટેજનું કેન્સર કહેવામાં આવે છે. જો આ કેન્સર બ્રેસ્ટથી લઈ બગલ સુધી પહોંચી ગયું હોય તો તે બીજા અથવા ત્રીજા સ્ટેજનું કેન્સર હોય છે. જ્યારે જો કેન્સર આખા શરીર સુધી પહોંચવાનું શરૂ થઈ ગયું હોય તો તે ચોથા સ્ટેજનું કેન્સર હોય છે. જો કે, સૌથી વધુ રિસર્ચ બ્રેસ્ટ કેન્સરને લઈને થાય છે તેથી હવે એવી ટ્રિટમેન્ટ આવી છે કે જેથી ચોથા સ્ટેજના કેન્સરનો દર્દી પણ સ્વસ્થ થઈ શકે છે.

‘કિમો થેરાપીને લઈને વધારે ડર ન રાખવો’
ડો. મિથુન શાહ કિમો થેરાપીને લઈને કહે છે કે, કેન્સરના દર્દીઓમાં કિમો થેરાપીને લઈને એક મોટો ડર હોય છે. જો કે, તેને રાખવાની કોઈ જરૂર નથી. લોકોને એવું હોય છે કે કિમો થેરાપીથી વાળ જતા રહેશે, કિમો થેરાપીની આડ અસર ખૂબ થશે. જો કે, આ બધી બાબતોને રોકવા માટેની ટ્રિટમેન્ટ બજારમાં આવી ગઈ છે. ઉદાહરણ સાથે સમજીએ તો એક કુલિંગ કેપ આવે છે જેને કિમો થેરાપી દરમિયાન પહેરવામાં આવે તો તમારા વાળ જતા નથી રહેતાં. તો આ પ્રકારે દરેક આડ અસરનો ઉપાય છે. તેથી લોકોએ કિમો થેરાપીથી ગભરાવવાની બિલકુલ જરૂર નથી.