2 કલાક પેહલાલેખક: શિવકાંત શુક્લ
- કૉપી લિંક
તમે ઘણીવાર જોયું હશે કે, સવારે ઊઠ્યા પછી કેટલાક લોકોના ચહેરા પર સોજો આવી જાય છે. સામાન્ય રીતે, સૂતી વખતે વ્યક્તિના ચહેરા પર ફ્લૂઈડ (પ્રવાહી) એકઠું થાય છે, જેના કારણે સવારે ઉઠતી વખતે સોજો આવે છે. ઉઠ્યા પછી, આ પ્રવાહી પ્રસરી જાય છે, જેના કારણે સોજો દૂર થઈ જાય છે. જોકે, ચહેરા પર સોજો ક્યારેક ગંભીર બીમારીઓની નિશાની હોઈ શકે છે.
તેથી, આજે ‘તબિયતપાણી‘માં આપણે સવારે ચહેરા પર સોજો કેમ આવે છે તે વિશે વાત કરીશું. સાથે એ પણ જાણીશું કે-
- શું આ કોઈ બીમારીનું લક્ષણ છે?
- તેનાથી બચવા માટે શું કરવું જોઈએ?
સવારે ચહેરા પર સોજો કેમ આવે છે?
સવારે ચહેરા પર સોજો આવવાના ઘણા કારણો હોઈ શકે છે. આખી રાત પ્રવાહી જમા થવાનો સંકેત હોઈ શકે છે. તેમજ ખૂબ વધારે અથવા ખૂબ ઓછી ઊંઘ લેવાથી પણ ચહેરા પર સોજો આવી શકે છે. જો ચહેરાની આસપાસ કોઈ સર્જરી કે ઈજા થઈ હોય, તો ચહેરા પર સોજો આવી શકે છે. આ સિવાય ચહેરા પર સોજા આવવાના બીજા ઘણા કારણો હોઈ શકે છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ-

આ બીમારીઓથી ચહેરા પર સોજો પણ આવે છે
ચહેરા પર સોજો હંમેશા ગંભીર બીમારીની નિશાની નથી હોતી પરંતુ જો સતત ચહેરો સોજેલો રહે તો તે કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. જેમ કે-
- એન્જીઓએડીમા: આ એક એવી સ્થિતિ છે, જેમાં ત્વચાની નીચેની પેશી (ટીસ્યૂ)ઓમાં સોજો આવી જાય છે. આ સોજો સામાન્ય રીતે હોઠ, આંખ, જીભ અને ગળાને અસર કરે છે.
- કુશિંગ સિન્ડ્રોમ: જ્યારે શરીરમાં કોર્ટિસોલ હોર્મોન (કોર્ટિસોલ એડ્રેનલ ગ્રંથીઓ દ્વારા ઉત્પન્ન થતો સ્ટીરોઈડ હોર્મોન છે, જે તણાવ, ચયાપચય, ઈન્ફ્લેમેશન અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.) નું પ્રમાણ ખૂબ વધી જાય છે, ત્યારે કુશિંગ સિન્ડ્રોમ થાય છે. તેના લક્ષણોમાં ચહેરા પર સોજો, વજન વધવું અને ત્વચા પાતળી થવીનો સમાવેશ થાય છે.
- હાઇપોથાઇરોડિઝમ: આ એક એવી સ્થિતિ છે, જેમાં થાઇરોઇડ ગ્રંથિ ખૂબ વધારે હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. તેના લક્ષણોમાં ચહેરા પર સોજો અને વજન ઘટવાનો સમાવેશ થાય છે.
- લૂપસ: આ એક ઓટોઇમ્યૂન ડિઝીઝ છે, જે શરીરના ઘણા ભાગોને અસર કરે છે. ઓટોઇમ્યૂન ડિઝીઝ એક એવી સ્થિતિ છે, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પોતાના પેશીઓ અને કોષો ઉપર હુમલો કરે છે. આમાં ત્વચાનો પણ સમાવેશ થાય છે. તેનાથી ચહેરા પર સોજો અને લાલ ફોલ્લીઓ પણ થઈ શકે છે.
- પ્રીક્લેમ્પસિયા: આ એક ગંભીર સ્થિતિ છે, જે ગર્ભાવસ્થા દરમિયાન થાય છે, જેમાં હાઈ બ્લડ પ્રેશર તથા ચહેરા, હાથ અને પગમાં સોજો આવે છે.
- રુમેટોઇડ આર્થરાઇટિસ: આ પણ એક ઓટોઇમ્યૂન ડિઝીઝ છે, જેના કારણે શરીરમાં સોજો આવે છે, જે ચહેરા પર પણ દેખાઈ શકે છે.
- લિવરની બીમારી: લિવરની સમસ્યાઓ શરીરમાં પ્રવાહી જમા થવાનું કારણ બની શકે છે, જેના કારણે ચહેરા પર સોજો આવી શકે છે.
- સાઇનસ ઇન્ફેક્શન: તે નાકની અંદર સોજો અથવા ચેપનું કારણ બની શકે છે. તેનાથી ચહેરા પર, ખાસ કરીને ગાલમાં અને આંખની આસપાસ સોજો આવી શકે છે.
- એનાફિલેક્સિસ: આ એક ગંભીર અને જીવલેણ એલર્જિક રિએક્શન છે, જે ચહેરા, હોઠ અને જીભ પર સોજો લાવી શકે છે. તેને તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ.

આ સ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી
ચહેરા પર સોજો હળવોથી ગંભીર હોઈ શકે છે. જો તમને ઉઠ્યા પછી થોડો સોજો લાગે, જે થોડા કલાકોમાં ઓછો થઈ જાય, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી પરંતુ જો ચહેરા પર લાંબા સમય સુધી સોજો રહે, તો તેનો અર્થ એ છે કે, કોઈ બીજી સમસ્યા છે. ચહેરા પર અચાનક સોજો આવવાને ક્યારેય અવગણવો ન જોઈએ. આવી સ્થિતિમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ.
ચહેરાના સોજો કેવી રીતે ઓછો કરી શકાય?
જનરલ ફિઝિશિયન ડો. અંકિત પટેલ કહે છે કે, દૈનિક કસરત, પૂરતી ઊંઘ અને સંતુલિત આહારથી ચહેરાના સોજાથી છુટકારો મેળવી શકાય છે. આલ્કોહોલ છોડી દેવાથી અને હાઇડ્રેટેડ રહેવાથી પણ સોજો ઓછો થાય છે. ઉપરાંત કેટલીક અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ-

ચહેરાના સોજાની સારવાર
ડોક્ટર સૌથી પહેલા એ શોધે છે કે ચહેરા પર સોજો કેમ છે. પછી તે મુજબ સારવાર કરે છે. જો ચહેરાનો સોજો કોઈ ચેપ કે એલર્જીના કારણે હોય, તો ડોક્ટર તેના માટે દવા આપી શકે છે. જો કોઈ દવાના કારણે ચહેરા પર સોજો આવ્યો હોય તો દવા બદલી શકે છે.
સાઇનસાઇટિસને કારણે સોજો આવે ત્યારે નાક સાફ કરવા માટે નાકના ટીપાં આપે છે. ઉપરાંત ચહેરાની કસરત કરવાથી પણ સોજાથી રાહત મળી શકે છે.
ચહેરાના સોજા સંબંધિત સામાન્ય પ્રશ્નો અને જવાબો
પ્રશ્ન: ચહેરા પરનો સોજો ક્યારે ચિંતાનું કારણ બને છે?
જવાબ: સામાન્ય રીતે સવારે ચહેરા પર હળવો સોજો ચિંતાનો વિષય નથી. આ થોડા કલાકોમાં જાતે જ ઠીક થઈ જાય છે. પરંતુ જો સોજો ઉતરતો ન હોય, દુખાવો થતો હોય કે શ્વાસ લેવામાં મુશ્કેલી, માથાનો ગંભીર દુખાવો જેવા લક્ષણો હોય તો તે કિડનીની સમસ્યા, થાઇરોઇડ કે એલર્જી જેવી ગંભીર સ્થિતિના સંકેત હોઈ શકે છે.
પ્રશ્ન: વાતાવરણમાં ફેરફારના લીધે ચહેરા પર સોજો આવે?
જવાબ: ડો. અંકિત પટેલ કહે છે કે, હા, સવારે ચહેરા પર સોજો આવવાનું કારણ હવામાન અને વાતાવરણ પણ હોઈ શકે છે. ઊંચા તાપમાન અને ભેજને કારણે શરીરમાં પ્રવાહી એકઠા થઈ શકે છે, જેના કારણે સોજો આવે છે. મોસમી એલર્જીના કારણે ચહેરા અને આંખની આસપાસ સોજો આવી શકે છે. વધુમાં, ખૂબ ઊંચાઈ પર મુસાફરી કરવાથી શરીરમાં થોડા સમય માટે પ્રવાહી જમા થઈ શકે છે, જેનાથી સોજો આવી શકે છે.
પ્રશ્ન: કયા ખાદ્યપદાર્થના કારણે સવારે ચહેરા પર સોજો આવી શકે?
જવાબ: ડો. અંકિત પટેલ જણાવે છે કે, હા, પ્રોસેસ્ડ ફૂડ, ફાસ્ટ ફૂડ અને સોડિયમથી ભરપૂર ખોરાક શરીરમાં પ્રવાહી એકઠા કરી શકે છે. તેનાથી સવારે ચહેરા પર સોજો આવી શકે છે. મોડી રાત્રે મીઠાઈઓ અથવા ડેરી ઉત્પાદનો ખાવાથી પણ કેટલાક લોકોને સોજો આવી શકે છે.
પ્રશ્ન: ડોક્ટરની સલાહ ક્યારે લેવી જોઈએ?
જવાબ: જો તમને દરરોજ સવારે ચહેરા પર સોજો રહેતો હોય, પીડાદાયક હોય કે છાતીમાં દુખાવો, માથાનો દુખાવો કે શરીરના અન્ય ભાગોમાં સોજો હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.