21 મિનિટ પેહલાલેખક: સંદીપ સિંહ
- કૉપી લિંક
તાજેતરમાં પ્રખ્યાત ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલેએ તેમના એક સંબંધી સાથે થયેલા એક ખતરનાક વ્હોટ્સએપ સ્કેમનો ખુલાસો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક વીડિયો શેર કરીને લોકોને આ નવા સાયબર ફ્રોડ વિશે ચેતવણી આપી છે.
હર્ષા ભોગલેએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેમના સંબંધીને એક મિત્રના નામે એક મેસેજ મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે, તેમના નંબર પર ભૂલથી વેરિફિકેશન કોડ મોકલી દેવામાં આવ્યો છે. મિત્ર પર વિશ્વાસ કરીને તેમના સંબંધીએ કોડ શેર કર્યો, પરંતુ તે એક મોટી છેતરપિંડી હતી.
કોડ શેર થતાંની સાથે જ, સ્કેમર્સે તરત જ વ્હોટ્સએપ એકાઉન્ટ હેક કરી લીધું અને તે નંબર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું. આ પછી, સ્કેમર્સે તેના પરિચિતો અને સંબંધીઓને તે જ નંબર પરથી મેસેજ કરીને તેમની પાસેથી પૈસા માંગવાનું શરૂ કર્યું.
જોકે, તેમના સંબંધીએ તરત જ આ બાબતની ફરિયાદ Meta (વોટ્સએપની પેરેન્ટ કંપની) ને કરી અને તેમની મદદથી તેણે પોતાનું એકાઉન્ટ પાછું મેળવ્યું.
આ છેતરપિંડીનું નામ ‘વ્હોટ્સએપ હાઈજેક સ્કેમ’ છે, જેમાં સ્કેમર્સ તમારા મિત્રો કે સંબંધીઓના નામે તમને છેતરે છે.
તો ચાલો, આજના ‘કામના સમાચાર‘માં ‘વ્હોટ્સએપ હાઈજેક સ્કેમ’ શું છે તે વિશે વાત કરીએ. સાથે એ પણ જાણીશું કે-
- સ્કેમર્સ કેવી રીતે આ સ્કેમમાં લોકોને ફસાવે છે?
- વ્હોટ્સએપ હાઈજેક સ્કેમથી કેવી રીતે બચવું?
નિષ્ણાત: રાહુલ મિશ્રા, સાયબર સુરક્ષા સલાહકાર, ઉત્તર પ્રદેશ પોલીસ
પ્રશ્ન- વ્હોટ્સએપ હાઈજેક સ્કેમ શું છે?
જવાબ: આ પ્રકારની સાયબર છેતરપિંડીને ‘WhatsApp OTP સ્કેમ’ અથવા ‘6-અંકનો કોડ સ્કેમ’ કહેવામાં આવે છે. આમાં, સ્કેમર્સ તમારા ઓળખીતા વ્યક્તિના નામે મેસેજ મોકલે છે અને તમારી પાસે વ્હોટ્સએપ વેરિફિકેશન કોડ (OTP) માંગે છે. તમારા કોડ શેર કરતાની સાથે જ તેઓ તમારું એકાઉન્ટ હાઈજેક કરી લે છે.
આ સ્કેમને ‘ફ્રેન્ડ ઈમ્પર્સોનેશન સ્કેમ’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં સ્કેમર્સ તમારા મિત્ર કે સંબંધી હોવાનો ઢોંગ કરીને તમારી સાથે ઠગાઈ કરે છે. ત્યારબાદ તે તમારા મિત્રો અને સંબંધીઓને મેસેજ મોકલીને પૈસાની માંગ કરે છે કે અન્ય રીતે સાયબર છેતરપિંડી આચરે છે.

પ્રશ્ન- આ સ્કેમને કેવી રીતે ઓળખી શકાય?
જવાબ: સાયબર એક્સપર્ટ રાહુલ મિશ્રા કહે છે કે, જો કોઈ મિત્ર કે સંબંધી વ્હોટ્સએપ પર મેસેજ કરીને પૈસા ટ્રાન્સફર કરવાનું કહે તો પહેલા તે કોલની ચકાસણી કરો. ઉપરાંત આ રીતે પણ તમે આ સ્કેમની ઓળખ કરી શકો છો.

પ્રશ્ન- વ્હોટ્સએપ હાઈજેક સ્કેમથી કેવી રીતે બચી શકાય?
જવાબ- સાયબર એક્સપર્ટ રાહુલ મિશ્રા કહે છે કે, જો કોઈ ફોન કરીને તમારા ફોન પર આવેલો OTP માંગે છે, તો તેને શેર ન કરો. અજાણ્યા કોલ્સ અને મેસેજથી સાવચેત રહો. ઉપરાંત વ્હોટ્સએપના સેશન અને ડિવાઈસ તપાસો. ‘લિંક્ડ ડિવાઈસ’ પર જાઓ અને તપાસો કે કોઈ અજાણ્યો ડિવાઈસ લોગિન તો નથી ને. ઉપરાંત કેટલીક અન્ય બાબતો પણ ધ્યાનમાં રાખો. નીચે આપેલા ગ્રાફિક પરથી સમજીએ-

પ્રશ્ન: વ્હોટ્સએપને સુરક્ષિત રાખવા કેવી સાવચેતી રાખવી જોઈએ?
જવાબ: વ્હોટ્સએપ સુરક્ષિત રાખવા માટે કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ રાખવી જોઈએ. સૌ પ્રથમ ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન કરવું જરુરી છે, જે તમારા એકાઉન્ટને વધુ સુરક્ષિત રાખશે. કોઈપણ સંજોગોમાં OTP શેર ન કરો, કારણ કે સ્કેમર્સ તે મેળવીને તમારું એકાઉન્ટ હેક કરી શકે છે. અજાણ્યા નંબરો પરથી આવતા કોલ્સ અને મેસેજનો જવાબ આપવાનું ટાળો કારણ કે આ ફિશિંગ અટેક નો ભાગ હોઈ શકે છે. ફિશિંગ અટેક એક પ્રકારનો સાયબર હુમલો છે, જે બોગસ ઈમેઈ, ટેક્સ્ટ, ફોન કોલ્સ કે વેબસાઈટનો ઉપયોગ કરીને લોકોને સંવેદનશીલ ડેટા શેર કરવા, માલવેર ડાઉનલોડ કરવા કે અન્ય કોઈ સાયબર ક્રાઈમનો ભોગ બનવા માટે છેતરવામાં આવે છે.
તેમજ ફોરવર્ડ કરેલા મેસેજ પર આંધળો વિશ્વાસ ન કરો, પહેલા તેને ચકાસો. તમારા પ્રાઈવસી સેટિંગ્સને મજબૂત બનાવો, જેથી અજાણ્યા લોકો તમારો પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન અને સ્ટેટસ જોઈ ન શકે.
ઉપરાંત જો વ્હોટ્સએપ એકાઉન્ટ આપમેળે લોગ આઉટ થઈ જાય અને ફરીથી લોગિન કરતી વખતે OTP માંગે, તો તરત જ વ્હોટ્સએપ સપોર્ટ ટીમનો સંપર્ક કરો.
વ્હોટ્સએપને સુરક્ષિત રાખવા માટે કેટલીક વધારાની સાવચેતીઓ પણ રાખવી જોઈએ, જેને આપણે બધા ઘણીવાર અવગણીએ છીએ.
અજાણ્યા ગ્રુપમાં એડ ન થાવઃ તમારા પ્રાઈવસી સેટિંગ્સમાં જઈને ખાતરી કરો કે, ફક્ત તમારા કોન્ટેક્ટ્સ જ તમને કોઈ ગ્રુપમાં જોડી શકે. ક્યારેય કોઈ અજાણ્યા ગ્રુપમાં જોડાશો નહીં.
શંકાસ્પદ વૉઈસ અથવા વીડિયો કૉલ્સથી સાવધાન રહો: કેટલાક સ્કેમર્સ વૉઈસ અથવા વીડિયો કૉલ્સ દ્વારા છેતરપિંડી કરી શકે છે. તેથી અજાણ્યા નંબરો પરથી આવેલા કૉલ્સ ઉપાડવાનું ટાળો.
થર્ડ-પાર્ટી એપ્સ ડાઉનલોડ ન કરો: હંમેશા ઓફિશિયલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી જ વ્હોટ્સએપ ડાઉનલોડ કરો. થર્ડ-પાર્ટી એપ્લિકેશનોમાં માલવેર હોય શકે છે. માલવેર એ સોફ્ટવેર છે, જે કમ્પ્યુટર, નેટવર્ક અથવા સર્વરને નુકસાન પહોંચાડવા માટે બનાવેલું છે, જેમાં વાયરસ, વોર્મ્સ અને રેન્સમવેરનો સમાવેશ થાય છે.
વ્હોટ્સએપ વેબને સુરક્ષિત રાખો: જો તમે કોઈ પબ્લિક કમ્પ્યુટર પર વ્હોટ્સએપ વેબનો ઉપયોગ કરી રહ્યા છો તો કામ પૂરું થયા બાદ તેને લોગ આઉટ કરવાનું ન ભૂલો.
ચેટમાં સંવેદનશીલ માહિતી શેર ન કરોઃ ચેટમાં બેંકની વિગતો, પાસવર્ડ અથવા અન્ય સંવેદનશીલ માહિતી શેર ન કરો. આમ કરવાથી ડેટા લીક થઈ શકે છે.
બાયોમેટ્રિક લોકનો ઉપયોગ કરો: ઘણા સ્માર્ટફોન વ્હોટ્સએપને ફેસ અનલોક કે ફિંગરપ્રિન્ટ લોકથી સુરક્ષિત કરવાનો વિકલ્પ આપે છે. જો તમારા ફોનમાં આ સુવિધા હોય તો તેનો ચોક્કસ ઉપયોગ કરો.
બિનજરૂરી પરમિશન ન આપો: વ્હોટ્સએપને ફક્ત જરૂરી પરમિશન આપો અને સમયાંતરે તમારા ફોન સેટિંગ્સ તપાસો કે કોઈ બિનજરૂરી ઍક્સેસ તો આપવામાં નથી આવ્યું ને?
સમયાંતરે વોટ્સએપ અપડેટ કરો: તમારા વ્હોટ્સએપને હંમેશા અપડેટ રાખો. તેનાથી વ્હોટ્સએપ સુરક્ષિત રહે છે.