3 કલાક પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
જો તમને સ્પોર્ટ્સમાં રસ હોય, તો તમે જોયું જ હશે કે ખેલાડીઓ ઘણીવાર એનર્જી માટે કેળા ખાતા હોય છે. તેની પાછળનું કારણ એ છે કે, કેળાં સારા એનર્જી બૂસ્ટરોમાંના એક છે, જે તરત ઉર્જા આપે છે. સ્વાદમાં મીઠું અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક આ ફળ બાળકોથી લઈને વૃદ્ધો સુધીના બધાનું મનપસંદ હોય છે.
લગભગ 10 હજાર વર્ષ પહેલાં દક્ષિણ-પૂર્વ એશિયાના જંગલોમાં સૌપ્રથમ કેળાં ઉગાડવામાં આવ્યા હતા. શરૂઆતમાં કેળાંનું કદ નાનું હતું, પરંતુ સમય જતાં તેની ખેતી થવા લાગી અને તેનું સ્વરૂપ બદલાતું રહ્યું. હવે તે વિશ્વમાં સૌથી વધુ ખાવામાં આવતા ફળોમાંનું એક છે. ખાસ વાત એ છે કે, કેળા એ મોસમી ફળ નથી, તે આખા વર્ષ દરમિયાન ઉગે છે.
કેળાં ખાવાથી પાચનક્રિયા સુધરે છે, તે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને વજન નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે. ઉપરાંત તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હાડકાંને મજબૂત રાખવામાં પણ મદદરૂપ છે.
આજે ‘તબિયતપાણી‘માં આપણે કેળાં વિશે માહિતી મેળવીશું. સાથે એ પણ જાણીશું કે-
કેળાંનું પોષણ મૂલ્ય શું છે?
તેમાં કયા વિટામિન અને મિનરલ હોય છે?
કોણે કેળું ન ખાવું જોઈએ?
પોષણથી ભરપૂર કેળાં એક સુપરફૂડ
કેળા એક ઓછી કેલરી અને ઉચ્ચ પોષણ ધરાવતું ફળ છે. તેમાં પોટેશિયમ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. જો કોઈ ખૂબ થાકેલું હોય અથવા બ્લડ પ્રેશર લો હોય તો કેળું ફાયદાકારક સાબિત થશે. જો સ્નાયુઓમાં નબળાઈ લાગતી હોય તો દરરોજ એક કેળું ખાવું જોઈએ.

કેળાંનું પોષણ મૂલ્ય
જો કેળું પાકેલું હોય તો તેમાં નેચરલ શુગરનું પ્રમાણ વધુ હોય છે. આ નેચરલ શુગર તાત્કાલિક ઉર્જા આપે છે. 100 ગ્રામ કેળામાં આશરે 89 કેલરી હોય છે. કેળાંમાં હાજર નેચરલ શુગર અને કાર્બોહાઇડ્રેટ્સ શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે. તેનું સંપૂર્ણ પોષણ મૂલ્ય ગ્રાફિકમાં જુઓ-

કેળું કમ્પ્લીટ એનર્જી ફૂડ છે
ડૉ. અમૃતા મિશ્રા કહે છે કે, કેળું એક કમ્પ્લીટ એનર્જી ફૂડ છે. તેમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ તેને સુપરફૂડ બનાવે છે. ખાસ કરીને પોટેશિયમ, વિટામિન B6 અને વિટામિન Cની ભરપૂર માત્રા તેને શરીર માટે ખૂબ જ ફાયદાકારક બનાવે છે. કેળાંમાં રહેલા મિનરલ્સ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં, હાડકાંને મજબૂત બનાવવામાં અને એનર્જી બૂસ્ટ કરવામાં મદદ કરે છે. તેનું સંપૂર્ણ પોષણ મૂલ્ય ગ્રાફિકમાં જુઓ-

વિટામિન્સ-મિનરલ્સથી ભરપૂર કેળાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
ડૉ. અમૃતા મિશ્રા કહે છે કે, કેળું વિશ્વના શ્રેષ્ઠ નેચરલ એનર્જી ફૂડ્સમાંનું એક છે. તે ફાઇબર, પોટેશિયમ અને વિટામિન B6થી ભરપૂર છે. તે પાચન, હૃદયના સ્વાસ્થ્ય અને સ્નાયુઓની મજબૂતાઈ માટે ફાયદાકારક છે. કેળાંમાં રહેલી નેચરલ શુગર ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે અને તેને નાસ્તામાં સામેલ કરવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે. તેના અન્ય ફાયદા શું છે, ગ્રાફિકમાં જુઓ-

કેળાં સંબંધિત કેટલાક સામાન્ય પ્રશ્નો અને જવાબો
પ્રશ્ન: શું દરરોજ કેળું ખાવું જોઈએ?
જવાબ: હા, દરરોજ કેળું ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે તાત્કાલિક ઉર્જા આપે છે અને પાચનક્રિયા પણ સ્વસ્થ રાખે છે. જોકે, વધુ પડતા કેળાં ખાવાથી બ્લડ શુગરનું સ્તર વધી શકે છે, તેથી ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ તેને મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ.
પ્રશ્ન: શું કેળાં ખાવાથી વજન વધે છે?
જવાબ: હા, વધુ પડતા કેળા ખાવાથી વજન વધી શકે છે કારણ કે તેમાં નેચરલ શુગર અને કેલરી હોય છે. જો સંતુલિત માત્રામાં ખાવામાં આવે તો, તે વજન નિયંત્રણમાં પણ મદદ કરી શકે છે કારણ કે તે ફાઇબરથી ભરપૂર છે, જે ભૂખને નિયંત્રણમાં રાખે છે.
પ્રશ્ન: શું કેળાંથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે?
જવાબ: હા, કેળાં પોટેશિયમથી ભરપૂર હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે શરીરમાં સોડિયમની માત્રાને સંતુલિત કરીને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડે છે.
પ્રશ્ન: શું ખાલી પેટે કેળું ખાઈ શકાય?
જવાબ: હા, ખાલી પેટે કેળાં ખાઈ શકાય છે. તે એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે અને પેટને ઠંડુ રાખે છે. જેમને ડાયાબિટીસ કે ગેસની સમસ્યા હોય તેમણે ખાલી પેટે કેળું ખાવાનું ટાળવું જોઈએ.
પ્રશ્ન: શું રાત્રે કેળું ખાવાથી નુકસાન થાય છે?
જવાબ: રાત્રે કેળું ખાવાથી સામાન્ય રીતે કોઈ નુકસાન થતું નથી, પરંતુ આયુર્વેદ મુજબ, રાત્રે કેળું ખાવાથી કફ વધી શકે છે અને ઊંઘ પર અસર પડી શકે છે. તેથી, તેને ફક્ત દિવસ દરમિયાન જ ખાવું વધુ સારું છે.
પ્રશ્ન: શું કેળાં ખાવાથી હાડકાં મજબૂત થાય છે?
જવાબ: હા, કેળાંમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ખાસ કરીને, બાળકો અને વૃદ્ધો માટે આ બાબતે કેળાં ખૂબ ફાયદાકારક છે.
પ્રશ્ન: શું કેળાં ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે?
જવાબ: હા, કેળાંમાં વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તે શરીરને ચેપ અને બીમારીથી બચાવવામાં મદદ કરે છે. તેનાથી ત્વચા હેલ્ધી અને ગ્લોઈંગ બને છે.
પ્રશ્ન: કોણે કેળું ન ખાવું જોઈએ?
જવાબ: કેળું સામાન્ય રીતે દરેક માટે સ્વસ્થ છે, પરંતુ કેટલાક લોકોએ તેને ખાતી વખતે સાવચેત રહેવું જોઈએ-
ડાયાબિટીસના દર્દીઓ: કેળાંમાં ભરપૂર માત્રામાં નેચરલ શુગર હોય છે, જે બ્લડ શુગર વધારી શકે છે.
માઈગ્રેનથી પીડાતા લોકો: કેળાંમાં ટાયરામાઇન નામનું સંયોજન હોય છે, જે કેટલાક લોકોમાં માઈગ્રેનનું કારણ બની શકે છે.
કિડનીના દર્દીઓ: કેળાંમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, તે ક્રોનિક કિડની ડિઝીઝના દર્દીઓ માટે હાનિકારક હોઈ શકે છે.
જેમને એલર્જી છે: કેટલાક લોકોને કેળાથી એલર્જી હોઈ શકે છે, જેના કારણે ખંજવાળ, સોજો અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.