3 કલાક પેહલા
- કૉપી લિંક
ગુજરાતવાસીઓ છેલ્લા ઘણા સમયથી આકરા તાપમાં સેકાઈ રહ્યાં છે. રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 42થી 45 ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયો છે. પરિણામે હીટવેવનું જોખમ વધ્યું છે.
કાળઝાળ તડકા અને ભેજવાળી ગરમીથી બચવા માટે લોકો ઠંડા પાણીનો સહારો લે છે. મોટાભાગના લોકો તાજગી અનુભવવા માટે ફ્રિજનું ઠંડુ પાણી પીવે છે અથવા તો પાણીમાં બરફ નાખીને પીવે છે. ઠંડુ પાણી તાત્કાલિક ઠંડક તો આપી દે છે, પરંતુ લાંબા સમય સુધી બરફનું પાણી પીવું શરીર માટે હાનિકારક છે.
તો, આજે ‘કામના સમાચાર‘માં, આપણે વાત કરીશું કે, ફ્રિજનું ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે કેમ હાનિકારક છે? સાથે એ પણ જાણીશું કે-
- કોણે ઠંડા પાણીથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ?
- પીવાના પાણીનું યોગ્ય તાપમાન કેટલું હોવું જોઈએ?
નિષ્ણાત: ડૉ. નવનીત આર્યા, એમડી, પંચકર્મ, શ્રી સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદિક રિસર્ચ એન્ડ મેડિસિન, ભોપાલ
પ્રશ્ન- ફ્રિજનું ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે કેવી રીતે હાનિકારક છે? જવાબ: ડૉ. નવનીત આર્યા જણાવે છે કે, આપણા શરીરનું સામાન્ય તાપમાન લગભગ 98.6°F (37°C) હોય છે. જ્યારે આપણે ઠંડુ પાણી પીએ છીએ, ત્યારે શરીરને તેનું સામાન્ય તાપમાન જાળવવા માટે વધુ મહેનત કરવી પડે છે. આ કારણે શરીરને વધુ ઊર્જા ખર્ચવી પડે છે. ઉપરાંત ઠંડુ પાણી આપણા ચયાપચયને ધીમું કરી શકે છે, જેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે અને શરીર માટે જરૂરી પોષક તત્વોને શોષવામાં મુશ્કેલી પડી શકે છે.

પ્રશ્ન- ઠંડુ પાણીની આપણા હૃદયના સ્વાસ્થ્ય પર કેવી અસર પાડી શકે છે?
જવાબ: જ્યારે આપણે ખૂબ ઠંડુ પાણી પીએ છીએ, ત્યારે આપણી રક્તવાહિનીઓ સંકોચાવા લાગે છે, જે બ્લડ સર્ક્યુલેશનને ધીમું કરી શકે છે. તેનાથી હૃદયના ધબકારા અચાનક વધી શકે છે. ખાસ કરીને, જો તમને પહેલાથી જ હૃદય રોગ અથવા હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ હોય, તો ઠંડુ પાણી પીવાથી હૃદય પર વધુ ભાર પડી શકે છે. ઉપરાંત ઠંડુ પાણી પીવાથી શરીરનું તાપમાન અસંતુલિત થઈ શકે છે, જેના કારણે હૃદયને સામાન્ય રીતે કામ કરવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી, ડૉ. નવનીત આર્યા શક્ય તેટલું ઓછું ઠંડુ પાણી પીવાની સલાહ આપે છે, ખાસ કરીને જેમને હાર્ટ ડિઝીઝની હિસ્ટ્રી છે.
પ્રશ્ન- શું ઠંડુ પાણી પીવાથી વજન ઘટાડવામાં અવરોધ ઉભો થાય છે?
જવાબ: ડૉ. નવનીત આર્યા જણાવે છે કે, ઠંડુ પાણી પીવાથી પાચનતંત્ર ધીમું થઈ શકે છે, કારણ કે ઠંડા પાણીને કારણે શરીરને સામાન્ય તાપમાનમાં લાવવા માટે વધુ ઊર્જા ખર્ચવી પડે છે. આ વજન ઘટાડવાની પ્રક્રિયાને અસર કરી શકે છે. ઉપરાંત ઠંડુ પાણી પીવાથી શરીરમાં સોજો પણ વધી શકે છે, જેના કારણે વજન વધી શકે છે. તેથી વજન ઘટાડવા માટે સામાન્ય અથવા હૂંફાળું પાણી પીવું ફાયદાકારક છે.

પ્રશ્ન- ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્ય પર ક્યારે ગંભીર અસર પડી શકે છે?
જવાબઃ સામાન્ય રીતે, આપણે ઠંડુ પાણી ન પીવું જોઈએ, કારણ કે તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. જોકે, કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં, ઠંડુ પાણી પીવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમે ખૂબ થાકેલા હોવ અથવા સખત કસરત પછી તરત જ ઠંડુ પાણી પીતા હોવ, તો તે તમારા શરીર માટે હાનિકારક બની શકે છે. આ સિવાય, જો તમને પાચન સંબંધી સમસ્યાઓ છે અથવા ગેસ અને પેટ ફૂલાવાની સમસ્યા છે, તો ઠંડુ પાણી તમારી સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે. કઈ પરિસ્થિતિમાં આપણે ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ, તે જાણવા માટે નીચે આપેલ ગ્રાફિક જુઓ.

ચાલો ગ્રાફિકમાં આપેલા આ મુદ્દાઓને વિગતવાર સમજીએ.
પાચનમાં અવરોધ
જમ્યાં પછી તરત જ ઠંડુ પાણી પીવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી શકે છે. ઠંડુ પાણી આંતરડામાં પાચન ઉત્સેચકોને અસર કરી શકે છે, જેના કારણે અપચો, ગેસ અને પેટમાં દુખાવો થાય છે.
સ્નાયુઓને નુકસાન
કસરત દરમિયાન આપણું શરીર ગરમ થાય છે અને સ્નાયુઓ સક્રિય બને છે. આ સમયે ઠંડુ પાણી પીવાથી શરીરનું તાપમાન અચાનક ઘટી શકે છે, જેના કારણે સ્નાયુઓમાં ખેંચાણ અને દુખાવો થાય છે. ઉપરાંત ઠંડુ પાણી બ્લડ સર્ક્યુલેશનને પણ ધીમું કરી શકે છે, જેના કારણે સ્નાયુઓને ઓક્સિજન અને પોષણ યોગ્ય રીતે મળતું નથી અને રિકવરીમાં મુશ્કેલી પડે છે.
તડકામાં ઘણો સમય વિતાવ્યા પછી
ઠંડુ પાણી પીવું જોખમી છે. જ્યારે આપણે ગરમીમાં કે તડકામાં ઘણો સમય વિતાવીએ છીએ, ત્યારે આપણા શરીરનું તાપમાન વધી જાય છે. આવી સ્થિતિમાં, અચાનક ખૂબ ઠંડુ પાણી પીવાથી શરીરને આંચકો (શોક) લાગી શકે છે. તેનાથી શરદી, તાવ કે નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ગેસ્ટ્રિક કે પેટ સંબંધિત સમસ્યાઓ હોય
જો કોઈને પહેલાથી જ ગેસ્ટ્રિક, એસિડિટી કે પેટમાં બળતરાની સમસ્યાઓ છે, તો ઠંડુ પાણી પીવાથી આ સમસ્યાઓ વધી શકે છે. ઠંડુ પાણી પેટમાં એસિડ વધારી શકે છે અને અલ્સર જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.
ગળામાં દુખાવો, ખરાશ કે ઉધરસ હોય
જ્યારે તમને પહેલાથી જ ઉધરસ કે ગળામાં દુખાવો હોય, ત્યારે ઠંડુ પાણી પીવાથી ગળાના સ્નાયુઓ સંકોચાઈ શકે છે, જે સમસ્યાને વધુ વધારી શકે છે. ઠંડુ પાણી ગળામાં સોજો વધારી શકે છે અને ઉધરસ વધારી શકે છે. ઉપરાંત ઠંડુ પાણી શ્વસન માર્ગ (રેસ્પિરેટરી ટ્રેક્ટ)ને પણ અસર કરી શકે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
શરદી અને ફ્લૂ દરમિયાન
શરદી, ઉધરસ કે ફ્લૂ દરમિયાન ઠંડુ પાણી પીવાથી સમસ્યા વધુ વધી શકે છે. ઠંડુ પાણી ગળામાં ચેપ અને સોજો વધારી શકે છે, જેને મટાડવામાં વધુ સમય લાગી શકે છે. આ સમય દરમિયાન, હુંફાળું પાણી પીવું વધુ સારું છે. તેનાથી ગળામાં રાહત મળે છે અને ઝડપથી રિકવરીમાં મદદ મળે છે.
હૃદયરોગના દર્દીઓ માટે હાનિકારક
હૃદય રોગ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓમાં ઠંડુ પાણી પીવાથી રક્તવાહિનીઓ સંકુચિત થઈ શકે છે, જેના કારણે બ્લડ પ્રેશરમાં અચાનક વધઘટ થઈ શકે છે. આ ફેરફાર હૃદય પર દબાણ વધારી શકે છે અને ધબકારા અનિયમિત થઈ શકે છે.
પ્રશ્ન- ઉનાળામાં પીવાના પાણીનું યોગ્ય તાપમાન કેટલું હોવું જોઈએ?
જવાબ: ઉનાળામાં પાણીનું તાપમાન સામાન્ય હોવું જોઈએ. તેનો અર્થ એ કે ન તો ખૂબ ઠંડુ કે ન તો ખૂબ ગરમ. આ ઋતુમાં પાણીનું તાપમાન સામાન્ય (લગભગ 20-25°C) હોવું જોઈએ, કારણ કે તે શરીરના તાપમાનની નજીક હોય છે અને પાણી શોષવામાં મદદ કરે છે. તેથી, સામાન્ય તાપમાનવાળુ પાણી શરીરને ઠંડુ કરવા અને હાઇડ્રેટેડ રહેવા માટે સૌથી જરૂરી છે.