1 કલાક પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
ભારતમાં કિડની ડિસીઝના કેસ ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. 2011થી2017ના વર્ષો દરમિયાન, કિડની ડિસીઝ કેસોમાં 11.2%નો વધારો થયો હતો, જ્યારે 2018થી 2023ના વર્ષો દરમિયાન,કિડની ડિસીઝના કેસોમાં 16.38% નો વધારો થયો હતો.
પ્રખ્યાત જર્નલ ‘નેફ્રોલોજી’ માં તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં ક્રોનિક કિડની ડિસીઝ (CKD) વધુ ગંભીર છે. અહીં 15.34% લોકો તેનાથી અસરગ્રસ્ત છે. જ્યારે શહેરોમાં 10.65% લોકોને કિડની સંબંધિત સમસ્યાઓ છે.
આપણી ખરાબ જીવનશૈલી અને જીવનમાં ઘણી નાની-નાની ખરાબ ટેવો આ માટે જવાબદાર છે.સામાન્ય રીતે જ્યારે કોઈ આપણને વધુ પડતી મીઠાઈ ખાવા સામે ચેતવણી આપે છે, ત્યારે આપણે તેને મજાકમાં લઈએ છીએ અથવા તેને અવગણીએ છીએ, હકીકતમાં આવી જ આદતો મોટાભાગના ક્રોનિક રોગોનું મુખ્ય કારણ બને છે.
તેથી, આજે ‘ તબિયતપાણી ‘ માં આપણે કિડની ડિસીઝ વિશે વાત કરીશું. તમે એ પણ જાણી શકશો કે,-
- આપણી કઈ આદતો કિડનીને નુકસાન પહોંચાડી રહી છે?
- કિડની સ્વસ્થ રાખવા શું કરવું?
કિડની ડિસીઝ શું છે?
કિડની આપણા શરીરની લાઇફલાઈન છે. જો કિડનીનું સ્વાસ્થ્ય બગડે, તો શરીરનાં તમામ અવયવો બગડવાં લાગે છે. તેથી આ રોગથી બચો. નેફ્રોલોજિસ્ટ ડૉ. રવિ કુમાર સમજાવે છે કે કિડની રોગ શું છે-

આપણી રોજિંદી ટેવો કિડનીને નુકસાન પહોંચાડી રહી છે
આપણી નાની-નાની ખરાબ આદતો કિડનીના સ્વાસ્થ્યને બગાડી રહી છે. ડૉ. રવિ કુમાર કહે છે કે આ આદતો એટલી નાની-નાની હોય છે કે આપણે તેને અવગણીએ છીએ. ધારો કે જો કોઈ લાંબા સમય સુધી પાણી પીતું નથી, તો પાણીની હાજરી વિના કિડનીને લોહી ફિલ્ટર કરવામાં સમસ્યા થાય છે. આના કારણે, લોહીમાં ઝેરી તત્ત્વો જમા થવા લાગે છે અને કિડનીમાં ચેપ લાગવા લાગે છે. ધીમે ધીમે બીજા બધા અવયવોને પણ નુકસાન થવા લાગે છે. આ બધી આદતો કિડનીના નુકસાન માટે જવાબદાર છે-

આ બધી આદતો કિડનીને કેમ નુકસાન પહોંચાડી રહી છે તે વિગતવાર સમજો –
ઓછું પાણી પીવું
જ્યારે આપણે પૂરતું પાણી પીતા નથી, ત્યારે કિડનીને ઝેરી તત્ત્વો બહાર કાઢવા માટે વધુ મહેનત કરવી પડે છે. આના કારણે શરીરમાં ઝેરી તત્ત્વો જમા થવા લાગે છે. આનાથી કિડનીમાં પથરી અને ચેપ થઈ શકે છે.
વધુ પડતું મીઠું (નમક) ખાવું
મીઠામાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે શરીરમાં પાણી જમા થવા લાગે છે. આનાથી લોહીનું પ્રમાણ વધે છે અને બ્લડ પ્રેશર વધે છે. હાઈ બીપી ધીમે ધીમે કિડનીની રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે.

પ્રોસેસ્ડ ફૂડ અને જંક ફૂડ ખાવા
ફાસ્ટ ફૂડ, પેકેજ્ડ નાસ્તા, પેકેજ્ડ જ્યુસ અને ચટણીઓમાં સોડિયમ, પ્રિઝર્વેટિવ્સ અને રસાયણોનું પ્રમાણ વધુ હોય છે. આના કારણે કિડની પર વધારાનો ભાર પડે છે અને ધીમે ધીમે કિડનીને નુકસાન થવા લાગે છે.
ડૉક્ટરની સલાહ વગર પેઇનકિલર્સ લેવા
જો તમે લાંબા સમય સુધી પેઇનકિલર્સ લો છો, તો કિડનીની રક્તવાહિનીઓ સંકોચાવા લાગે છે અને લોહીને ફિલ્ટર કરતા કિડનીના નેફ્રોન બ્લોક થવા લાગે છે, જેના કારણે કિડનીની કાર્યક્ષમતા ઓછી થવા લાગે છે. રક્ત વાહિનીઓ(બ્લડ વેસલ્સ)ના સંકોચનને કારણે રક્ત પ્રવાહ (બ્લડ ફ્લો) ઘટે છે. આનાથી કિડની ફેલ થવાનું જોખમ પણ વધે છે.
વધુ ગળી અને ખાંડવાળી વસ્તુઓ ખાવી
વધુ પડતી ખાંડ ખાવાથી શરીરમાં બ્લડ સુગરનું સ્તર વધે છે. આનાથી ડાયાબિટીસનું જોખમ વધે છે. ડાયાબિટીસ કિડની ફેલ્યોરના સૌથી મોટા કારણોમાંનું એક છે.
ઉચ્ચ પ્રોટીન આહાર લેવો
આપણી કિડની પ્રોટીનના પાચન દરમિયાન બનેલા ઝેરી તત્ત્વોને ફિલ્ટર કરીને બહાર કાઢે છે. આનો અર્થ એ થયો કે વધુ પ્રોટીન ખાવાથી કિડનીને વધુ મહેનત કરવી પડે છે, તેમનો કાર્યભાર વધે છે. જો તમે લાંબા સમય સુધી ઉચ્ચ પ્રોટીન આહાર લઈ રહ્યા છો, તો કિડનીને નુકસાન થવાનું જોખમ વધી જાય છે.
દરરોજ પૂરતી ઊંઘ ન લેવી
જ્યારે રાત્રે આપણે ગાઢ ઊંઘમાં હોઈએ છીએ ત્યારે કિડની પોતાની મરામત કરે છે અને શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરે છે. જો તમને પૂરતી ઊંઘ નથી મળી રહી એટલે કે 7-8 કલાક સુધી ઊંઘ નથી આવતી, તો આ પ્રક્રિયા યોગ્ય રીતે પૂર્ણ થતી નથી. તેથી, ઊંઘનો અભાવ બ્લડ પ્રેશર અને કિડની રોગનું જોખમ વધારે છે.
સિગારેટ અને દારૂનું સેવન
સિગારેટ પીવાથી અને દારૂ પીવાથી કિડનીની રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે, જેના કારણે બ્લડ સર્ક્યુલેશન ઓછું થાય છે. આના કારણે કિડની નબળી પડી જાય છે અને યોગ્ય રીતે કામ કરી શકતી નથી.
વારંવાર પેશાબ રોકવો
જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી પેશાબ રોકી રાખે છે, તો પેશાબમાં રહેલા બેક્ટેરિયા કિડની સુધી પહોંચી શકે છે અને કિડનીમાં ચેપ લાવી શકે છે. આનાથી પેશાબની યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (UTI) પણ થઈ શકે છે. લાંબા ગાળે, આ આદત કિડનીમાં પથરી અને ક્રોનિક કિડની ડિસીઝ (CKD)નું કારણ પણ બની શકે છે. આનાથી કિડનીને નુકસાન થઈ શકે છે.
કસરત ન કરવી
જો તમારી જીવન શૈલી બેઠાડુ છે, એટલે કે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેઠા રહો છો, તો સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું જોખમ વધે છે, જે કિડની રોગ અને નુકસાનનું મુખ્ય કારણ બની શકે છે.
કિડની ડિસીઝ અને નુકસાન સંબંધિત કેટલાક સામાન્ય પ્રશ્નો અને જવાબો
પ્રશ્ન: કિડનીને સ્વસ્થ રાખવા માટે કઈ આદતો અપનાવવી જોઈએ?
જવાબ:
- દરરોજ ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવો
- મીઠું(સોલ્ટ) અને પ્રોસેસ્ડ ખોરાક ઓછો ખાઓ
- ડૉક્ટરની સલાહ વગર પેઇનકિલર્સ ન લો
- નિયમિત કસરત કરો અને વજન નિયંત્રણમાં રાખો
- ધૂમ્રપાન અને દારૂ ટાળો
- પૂરતી ઊંઘ લો અને તણાવ પર નિયંત્રણ રાખો
- પેશાબ લાંબા સમય સુધી રોકી રાખશો નહીં
પ્રશ્ન: શું કિડનીને થતા નુકસાનને અટકાવવું શક્ય છે?
જવાબ: હા, જો કિડનીનો રોગ શરૂઆતના તબક્કામાં હોય, તો તેને આહાર, કસરત અને યોગ્ય દવાઓથી નિયંત્રિત કરી શકાય છે. પરંતુ જો કિડની સંપૂર્ણપણે નિષ્ફળ જાય તો જીવિત રહેવા માટેનો એકમાત્ર વિકલ્પ ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ છે.
પ્રશ્ન: ડાયાલિસિસ શું છે અને તે ક્યારે જરૂરી છે?
જવાબ: જ્યારે કિડની લોહીને યોગ્ય રીતે ફિલ્ટર કરવામાં અસમર્થ હોય છે, ત્યારે ડાયાલિસિસ જરૂરી છે. આ એક તબીબી પ્રક્રિયા છે, જેમાં મશીનની મદદથી શરીરમાંથી ઝેરી તત્ત્વો અને વધારાનું પાણી દૂર કરવામાં આવે છે. જ્યારે કિડનીની કાર્યક્ષમતા ૧૫% થી ઓછી થઈ જાય છે, ત્યારે ડાયાલિસિસ જરૂરી છે.
પ્રશ્ન: શું કિડની ટ્રાન્સપ્લાન્ટનો કોઈ વિકલ્પ છે?
જવાબ: જો કિડની ફેલ થઈ ગઈ હોય અને ડાયાલિસિસ છતાં કોઈ સુધારો ન થાય, તો કિડની ટ્રાન્સપ્લાન્ટ એકમાત્ર ઉપાય છે. આમાં, સ્વસ્થ વ્યક્તિની કિડની દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે, જેથી તે સામાન્ય જીવન જીવી શકે.
પ્રશ્ન: શું કોઈ વ્યક્તિ ફક્ત એક કિડનીથી જીવી શકે છે?
જવાબ: હા, જો એક કિડની સ્વસ્થ હોય તો વ્યક્તિ પોતાનું આખું જીવન સામાન્ય રીતે જીવી શકે છે. ઘણા લોકો એક જ કિડની સાથે જન્મે છે અને એવું જોવા મળ્યું છે કે તેમને કોઈ સમસ્યા નથી.