2 કલાક પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, વર્ષ 2023માં 31 ડિસેમ્બરે દિલ્હીમાં દારૂનું રેકોર્ડ વેચાણ થયું હતું. એક દિવસમાં 24 લાખ દારૂની બોટલનું વેચાણ થયું હતું. જ્યારે બાકીના વર્ષમાં સરેરાશ 18 લાખ દારૂની બોટલનું વેચાણ થાય છે.
ઉત્તર પ્રદેશના આંકડાઓ પર નજર કરીએ તો ત્યાં દરરોજ સરેરાશ 115 કરોડ રૂપિયાનો દારૂ વેચાય છે, જ્યારે ગયા વર્ષે માત્ર 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ 700 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો હતો.
‘એક પેગ કંઈ થતું નથી’
આ વાતે જ સૌથી વધુ નુકસાન કર્યું છે
છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી વધુ નુકસાન તે અભ્યાસો દ્વારા કરવામાં આવ્યું છે જે દર્શાવે છે કે – દારૂના એક પેગથી કંઈ થતું નથી. વર્ષ 2022માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના એક અભ્યાસથી ખળભાળટ મચી ગયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે એક પેગની વાત છોડી દો, આલ્કોહોલનું એક ટીપું પણ સ્વાસ્થ્ય માટે જોખમી છે. WHOએ આલ્કોહોલને નંબર 1 કાર્સિનોજેનની યાદીમાં સામેલ કર્યો છે. કાર્સિનોજેન એટલે એવા તત્ત્વો જે કેન્સરનું કારણ બને છે.
તેથી, આજે ‘ તબિયતપાણી‘ માં આપણે જાણીશું કે જો તમે આ વર્ષે દારૂ પીધા વિના નવા વર્ષની પાર્ટીનો આનંદ માણો તો શું થશે. તમે એ પણ જાણી શકશો કે-
- શું દારૂનો એક પેગ પણ હાનિકારક હોઈ શકે? આ વિશે વિજ્ઞાન શું કહે છે?
- આલ્કોહોલ પીવાથી લિવર અને મગજ પર શું થાય છે?
નીચે આપેલા ગ્રાફિક પરથી સમજો કે આલ્કોહોલનું દરેક ટીપું આપણા શરીર પર કેવી અસર કરે છે –
પહેલા દિવસની જેમ પસાર થાય છે આખું વર્ષ નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે, જેમ વર્ષનો પહેલો દિવસ પસાર થાય છે, બાકીના દિવસો પણ એ જ રીતે પસાર થાય છે. જો તમે દારૂ પીને નવા વર્ષની પાર્ટી કરી રહ્યા હો તો તમે નશાની હાલતમાં નવા વર્ષમાં પ્રવેશ કરશો તે નિશ્ચિત છે. જ્યારે તમે સવારે ઊઠો છો, ત્યારે તમને હેંગઓવર થશે, તમારું પાચન સારું રહેશે નહીં અને સંભવ છે કે તમારું માથું દુખાવાથી ફાટતું હશે. તેથી, દારૂ પીધા વિના નવા વર્ષની પાર્ટીનો આનંદ માણવો વધુ સારું છે.
તેનાથી તમારા શરીર અને સ્વાસ્થ્યને 10 મોટા ફાયદા થશે.
ચાલો ગ્રાફિકમાં આપેલા આ મુદ્દાઓને વિગતવાર સમજીએ.
લીવરને ઓછી મહેનત કરવી પડશે સામાન્ય રીતે, જ્યારે આપણે કોઈ વસ્તુ ખાઈએ છીએ અથવા પીઇએ છીએ, ત્યારે સમગ્ર પાચન તંત્ર તેને એકસાથે પચાવે છે. જ્યારે આલ્કોહોલના કિસ્સામાં, પાચન ક્રિયા અલગ અંગ દ્વારા થાય છે. તેને પચાવવાની સંપૂર્ણ જવાબદારી ફક્ત લીવરની છે. આ માટે તેણે ઘણી મહેનત કરવી પડે છે. જેના કારણે લીવરના કોષોને પણ નુકસાન થાય છે. આલ્કોહોલ ન પીવાથી લીવરને આરામ મળશે. તે બીજા દિવસે વધુ ઝડપથી કામ કરી શકશે.
મગજની કામગીરી સારી રહેશે આલ્કોહોલને લીધે, મગજના ન્યૂરોટ્રાન્સમીટર્સનું કામ કરવાની રીત બદલાય છે. જેના કારણે મગજના કોષોને પણ નુકસાન થાય છે. આલ્કોહોલને કારણે, વિચારવાની અને સમજવાની ક્ષમતા અને પ્રી-ફ્રન્ટલ કોર્ટેક્સની કામગીરીને અસર થાય છે. પ્રી-ફ્રન્ટલ કોર્ટેક્સ એ મગજનો એક ભાગ છે જે વિવેકબુદ્ધિ, નિર્ણય અને સમજણ માટે જવાબદાર છે.
તેથી, જો તમે પાર્ટીમાં આલ્કોહોલ પીતા નથી, તો મગજ વધુ પ્રસન્નતા અનુભવે છે અને તેનાથી મગજની કાર્યક્ષમતા પણ સુધરે છે.
કિડનીએ ઓછું કામ કરવું પડે છે આપણા લોહીમાં રહેલા તમામ ઝેરી તત્ત્વોને ફિલ્ટર કરવા અને શરીરમાંથી તેને દૂર કરવા માટે કિડની જવાબદાર છે. આલ્કોહોલ આપણા લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે. તેને ફિલ્ટર કરવાનું અને પેશાબ દ્વારા બહાર કાઢવાનું કામ કિડની કરે છે. જો તમે આલ્કોહોલ નહી પીઓ તો કિડનીનું કામ ઓછું થશે, આરામ મળશે.
હૃદયનું સ્વાસ્થ્ય સારું રહેશે દારૂ પીવાથી બ્લડ પ્રેશર વધે છે અને હૃદયના ધબકારા પણ વધે છે. હૃદયના સ્નાયુઓને નુકસાન થવાને કારણે કાર્ડિયોમાયોપેથી પણ થઈ શકે છે. એકંદરે, તમે દારૂ પીતા હોવ તે હકીકત હૃદયને પસંદ નથી. એ અલગ વાત છે કે દિલ આ વાતો નથી કહી શકતું. તેથી, જો તમે દારૂ વિના નવા વર્ષની પાર્ટીનો આનંદ માણો છો, તો તમારું હૃદય પણ તમારો આભાર માનશે.
સ્વાદુપિંડના કામનો ભાર ઓછો થશે આલ્કોહોલને લીધે, સ્વાદુપિંડના પાચન એન્ઝાઇમ ઝડપથી સક્રિય બને છે. દારૂ સુગર વધારે છે અને સુગર ઇન્સ્યુલિનને સક્રિય કરે છે. જ્યારે પણ આપણે આલ્કોહોલ પીઈએ છીએ ત્યારે આપણા સ્વાદુપિંડને સામાન્ય કરતા વધુ મહેનત કરવી પડે છે. સ્વાદુપિંડમાં બળતરા થવાનું મુખ્ય કારણ દારૂ પણ છે. તો આ નવા વર્ષમાં માત્ર પાર્ટી જ નહીં, તમારા સ્વાદુપિંડને પણ પાર્ટી કરવા દો.
સ્કિન સ્વસ્થ અને ચમકદાર રહેશે આલ્કોહોલ પીવાથી શરીર ડિહાઇડ્રેટ થાય છે. જેના કારણે સ્કિન શુષ્ક થઈ જાય છે અને કરચલીઓ પડી શકે છે. દારૂ પીવાથી વારંવાર પેશાબ આવી શકે છે. જેના કારણે શરીરમાં વિટામિન અને મિનરલ્સની ઊણપ થઈ શકે છે. તેનાથી સ્કિન પણ પ્રભાવિત થાય છે. આલ્કોહોલ પીધા વગર પાર્ટી એન્જોય કરવાથી સ્કિન હેલ્ધી અને ગ્લોઇંગ રહે છે.
તમે સારી અને ગાઢ ઊંઘ લઈ શકશો આલ્કોહોલ પીવાથી નશાને કારણે એવું લાગે છે કે સારી ઊંઘ આવી રહી છે, હકીકતમાં તે ઊંઘની ગુણવત્તાને અસર કરે છે. આલ્કોહોલના નશાને કારણે ઊંઘ રેપિડ આઇ મૂવમેન્ટ (REM) તબક્કામાં પ્રવેશવામાં નિષ્ફળ જાય છે. તેથી, જ્યારે તમે બીજા દિવસે જાગો છો, ત્યારે તમને શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો લાગે છે. જો તમે ન્યૂ યર પાર્ટીમાં આલ્કોહોલ નહી પીઓ તો તમને સારી અને ગાઢ ઊંઘ આવશે.
એકાગ્રતામાં સુધારો થશે આલ્કોહોલના નશાને કારણે મગજની કામગીરીને ખૂબ અસર થાય છે. આનાથી એકાગ્રતા શક્તિ અને નિર્ણય લેવા પર પણ નકારાત્મક અસર પડે છે. જો તમે આલ્કોહોલ પીધા વગર પાર્ટી એન્જોય કરશો તો તમારું મગજ સારું કામ કરશે અને તમારી એકાગ્રતા શક્તિ પણ સુધરશે.
પાર્ટીનો વધુ આનંદ માણી શકશો આપણે દારૂના નશામાં પાર્ટી માણી શકતા નથી. પાર્ટી દરમિયાન મિત્રો કે પરિવાર સાથે વિતાવેલા સમયની યાદો સર્જાતી નથી. જો તમે દારૂ પીતા નથી, તો તમે આ ખુશીની ક્ષણોને વધુ અનુભવી શકશો અને સારી યાદો પણ બનાવી શકશો.
બીજા દિવસે કોઈ હેંગઓવર થશે નહીં આલ્કોહોલ પીવાની મુખ્ય આડઅસર એ છે કે હેંગઓવર બીજા દિવસે ચાલુ રહે છે. જેના કારણે શરીર અસ્વસ્થતા અનુભવે છે. માથા અને સ્નાયુઓમાં દુખાવો થાય છે. વર્ષનો પહેલો દિવસ લગભગ બીમાર હાલતમાં પસાર થાય છે. જો તમે નવા વર્ષની પાર્ટીમાં શરાબ નહીં પીઓ, તો તમે નવા વર્ષમાં હેલ્ધી દિલથી અને સારા સંકલ્પો સાથે પ્રવેશ કરશો.