2 કલાક પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
ઉનાળામાં વારંવાર અપચો થાય છે. જો વધારે તેલ, મસાલા કે મેંદાવાળા ખાદ્યપદાર્થ ખાવ છો, તો તમારું પેટ ખરાબ થઈ શકે છે. ક્યારેક અમુક વસ્તુઓ ખાધા પછી આપણને એવું લાગતું રહે છે કે, ખોરાક પચ્યો નથી. ક્યારેક ઉબકા અને ઉલટી પણ થઈ શકે છે.
ઉનાળામાં તાપમાનમાં વધારો થતાં તેની સીધી અસર શરીરની કામગીરી પર પડે છે. શરીરની પોતાની થર્મોડાયનેમિક્સ સિસ્ટમ છે. તેનું કામ શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જાળવવાનું છે. ઉનાળામાં જ્યારે તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસને પાર કરે છે, ત્યારે શરીર તેનું તાપમાન જાળવવા માટે કામ કરવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં, તેનું ધ્યાન પાચનતંત્ર પરથી હટી જાય છે અને અપચા જેવી સમસ્યાઓ થવા લાગે છે.
સાયન્સ ડાયરેક્ટ (ઓનલાઇન ડેટાબેઝ)માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, ઉનાળામાં અન્ય કોઈપણ ઋતુની સરખામણીમાં અપચાના વધુ કેસ નોંધાય છે. તેના કારણે ગેસ, અપચો, કબજિયાત અને પેટ ફૂલાવું જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે. ગરમી વધી રહી છે અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ શરૂ થઈ ગઈ છે.
તેથી, આજે ‘તબિયતપાણી‘ માં આપણે ઉનાળામાં થતી પાચન સમસ્યાઓ વિશે વાત કરીશું. સાથે એ પણ જાણીશું કે-
- ઉનાળામાં ખોરાક પચવામાં કેમ વધુ સમય લાગે છે?
- ઉનાળામાં વારંવાર પેટ કેમ ખરાબ થાય છે?
- જો અપચો કે ઝાડા થાય તો શું કરવું?
- ઉનાળામાં ખાણીપીણીમાં કેવા ફેરફાર કરવા જોઈએ?
આંતરડા સુધી પૂરતું લોહી પહોંચતું નથી
ઉનાળામાં શરીર પોતાના તાપમાનને નિયંત્રિત કરવા માટે તેનું મોટાભાગનું લોહી ત્વચા તરફ ટ્રાન્સફર કરે છે. લોહીની મદદથી ત્વચા પરસેવો છોડે છે અને શરીર પોતાને ઠંડુ પાડે છે. તેના કારણે આંતરડા સુધી પૂરતું લોહી પહોંચતું નથી. તેથી પાચનમાં તકલીફ પડે છે.

ઉનાળામાં ખોરાક પચવામાં કેમ વધુ સમય લાગે છે?
1. શરીર પોતાને ઠંડુ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે
જ્યારે પર્યાવરણનું તાપમાન 37 ડિગ્રી કે તેથી વધુ પહોંચે છે, ત્યારે શરીર ઠંડુ રહેવા માટે પરસેવો પાડે છે. આ માટે ત્વચામાં લોહીનો પ્રવાહ વધારવો પડે છે. તેના કારણે પેટમાં લોહીનો પ્રવાહ ઓછો થાય છે અને ખોરાક ધીમે-ધીમે પચે છે.
2. પાચન ઉત્સેચકો ધીમા પડે છે
ગરમીમાં શરીરની અંદરના ઉત્સેચકો, ખાસ કરીને પાચન ઉત્સેચકો સક્રિય રીતે કામ કરી શકતા નથી. તેના કારણે ખોરાક લાંબા સમય સુધી પેટમાં રહે છે.
3. શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનો અભાવ
ઉનાળામાં ખૂબ પરસેવો થાય છે, જેના કારણે શરીરમાં સોડિયમ અને પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સની ઊણપ થાય છે. પરિણામે પેટના સ્નાયુઓ સુસ્ત થઈ જાય છે અને ખોરાક યોગ્ય રીતે અને યોગ્ય ગતિએ આગળ વધતો નથી.
ઉનાળામાં કેમ વારંવાર પેટ ખરાબ થાય છે?
1. વાસી કે ચેપગ્રસ્ત ખોરાક
ઉનાળામાં ખોરાક ઝડપથી બગડી જાય છે. જો તેને ફ્રિજમાં યોગ્ય રીતે સંગ્રહિત ન કરવામાં આવે અથવા ફરીથી ગરમ કરવામાં ન આવે, તો તેમાં બેક્ટેરિયા વધી શકે છે, જેનાથી પેટ ખરાબ થઈ શકે છે.
2. બહારનો ખોરાક અને સ્ટ્રીટ ફૂડ
ઉનાળામાં કાપેલા ફળો, ખુલ્લા પાણી, પાણીપુરી, કુલ્ફી જેવી વસ્તુઓ ઝડપથી ચેપગ્રસ્ત થાય છે. તેના કારણે, બેક્ટેરિયા અને વાઇરસ શરીર પર હુમલો કરી શકે છે, જેનાથી પેટ ખરાબ થઈ શકે છે.
3. ગંદુ કે દૂષિત પાણી
ઉનાળામાં તરસ વધુ લાગે છે, પરંતુ ઘણી વખત લોકો ઉતાવળમાં બહારથી ગંદુ કે ઠંડુ પાણી પીવે છે. તેનાથી ઝાડા, ઉલટી અને પેટમાં દુખાવો થઈ શકે છે.
4. સ્વચ્છતામાં બેદરકારી
ઉનાળામાં આપણને વધુ પરસેવો થાય છે. આ પરસેવામાં ઘણીવાર બેક્ટેરિયા હોય છે. તે આપણા હાથમાં પણ હોય છે. જો જમતા પહેલા હાથ ધોવામાં ન આવે અથવા વાસણો યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો ચેપ લાગી શકે છે.
જો અપચો કે ઝાડા થાય તો શું કરવું?
ડૉ. સાવન બોપન્ના કહે છે કે, અપચો અને ઝાડા બંને સમસ્યાઓ માટે અલગ અલગ સારવાર કે મદદની જરૂર પડે છે.

ઉનાળામાં કેવો ખોરાક લેવો જોઈએ?
ઉનાળામાં હળવો, તાજો અને ઝડપથી પચી જાય તેવો ખોરાક ખાવો જોઈએ. આ ઋતુમાં ચયાપચય ધીમું પડી જાય છે. તેથી તળેલું, મસાલેદાર અને ભારે ખોરાક ન ખાઓ. આહારમાં દહીં, છાશ, કાકડી, તરબૂચ, દૂધી, મગની દાળ, ઓટ્સ અને ફળોનો સમાવેશ કરો. વધારે નમક અને ખાંડ ટાળો અને પાણીનું સેવન વધારો. એક જ સમયે બધું જમી લેવાને બદલે, થોડી થોડી વારે જમો. જેથી પેટ પર પાચન માટે દબાણ ન આવે. શું ખાવું જોઈએ અને શું ટાળવું જોઈએ, ગ્રાફિકમાં જુઓ-

ગરમી અને અપચો સંબંધિત કેટલાક સામાન્ય પ્રશ્નો અને જવાબો
પ્રશ્ન: શું દર વખતે ઝાડા થાય ત્યારે ORS જરૂરી છે?
જવાબ: હા, જ્યારે ઝાડા થાય છે, ત્યારે શરીરમાંથી પાણી અને મિનરલ્સની ઊણપ થઈ છે. ORS (ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન) શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવામાં મદદ કરે છે. બાળકો અને વૃદ્ધો માટે આ ખાસ અગત્યનું છે.
પ્રશ્ન: અપચો થાય તો તાત્કાલિક શું કરવું?
જવાબ: જો શક્ય હોય તો, પહેલા હુંફાળું પાણી પીવો. પાણીમાં થોડી વરિયાળી અથવા અજમો ઉમેરી શકો છો. ત્યારબાદ થોડીવાર ચાલો. ઉપરાંત દહીં કે છાશ પણ પાચનમાં મદદ કરી શકે છે. જો તીવ્ર દુખાવો કે ઉલટી થતી હોય, તો ડૉક્ટરની સલાહ લો.
પ્રશ્ન: શું ઉનાળામાં ઉપવાસ કરવાથી પાચનતંત્ર સારું રહે છે?
જવાબ: જો ઉપવાસ દરમિયાન હળવો અને સુપાચ્ય ખોરાક લેવામાં આવે, તો તે પાચનતંત્રને રાહત આપી શકે છે. જોકે, ડિહાઇડ્રેશનથી બચવું જરૂરી છે, ખાસ કરીને જો ગરમીમાં અથવા અતિશય ગરમીમાં ઉપવાસ કરી રહ્યા છો, તો પાણી પીતા રહો.