2 કલાક પેહલાલેખક: શિવકાંત શુક્લ
- કૉપી લિંક
આપણે જીવનનો એક મોટો ભાગ નોકરીમાં વિતાવીએ છીએ. તેથી એ જરુરી છે કે આપણે એવી નોકરી કરીએ, જે આપણને ખુશી અને સંતોષ આપે. તેનાથી કામ કરવામાં મન લાગે છે અને ઉત્પાદક્તા (પ્રોડક્ટિવિટી) પણ સારી થાય છે. જોકે, ઘણા બધા લોકો એવા છે, જે નોકરીથી નાખુશ હોય કે તેમાં ફસાયેલા હોવાનો અનુભવ કરતા હોય છતાં તે નોકરીમાં ટકી રહેલા હોય છે. તેનાથી તેમના અંગત જીવન પર પણ અસર પડે છે.
સામાન્ય રીતે લોકો પરિવર્તનના ભય અને નબળી આર્થિક સ્થિતિના કારણે નોકરી છોડી શકતા નથી. કેટલીક વાર તો પાણી માથાની ઉપર જતું રહ્યું હોય છતાં તે નોકરીમાં ટકી રહેતા હોય છે. તેનાથી તેમને ડિપ્રેશન, એંગ્ઝાઈટી સહિતની ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જોકે, કેટલીક સ્થિતિઓમાં વ્યક્તિએ પોતાની નોકરી બદલવાનો વિચાર કરવો જોઈએ.
આજે ‘રિલેશનશિપ‘ કોલમમાં આપણે આ જ વિષય ઉપર ચર્ચા કરીશું. સાથે એ પણ જાણીશું કે એવા કયા સંકેત છે, જ્યારે વ્યક્તિએ પોતાની નોકરી બદલાનો વિચાર કરવો જોઈએ.
આ પરિસ્થિતિમાં નોકરી છોડવાનો વિચાર કરી શકાય છે
કોઈપણ વ્યક્તિ માટે નોકરી છોડવાનો નિર્ણય લેવો સરળ નથી હોતો, કારણકે તેની મદદથી જ તે ઘણી બધી જવાબદારીઓને નિભાવી રહ્યો હોય છે. જોકે, કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે, જેમાં નોકરી છોડવા વિશે વિચાર કરી શકાય છે. નીચે આપેલા ગ્રાફિક પરથી સમજીએ-

ચાલો, ઉપર આપેલા મુદ્દાઓ વિશે વિસ્તારપૂર્વક વાત કરીએ.
કામ પર જવાથી નફરત થઈ જાય
જો તમે દરરોજ સવારે કામ પર જવાના વિચાર માત્રથી ગભરાઈ જાવ છો, દિવસભર કામ એક બોજ સમાન લાગે છે તો આ એક ગંભીર સંકેત છે કે તમારે તમારી નોકરી છોડવા વિશે વિચાર કરવો જોઈએ. લાંબા સમય સુધી આવી સ્થિતિમાં રહેવાથી માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
વિકાસ ન દેખાતો હોય
જો નોકરીમાં સ્કિલ્સ કે પ્રમોશનની દૃષ્ટિએ કોઈ ગ્રોથ દેખાતો ન હોય, તો આ તમારા માટે ચિંતાનો ચિંતાનું કારણ બની શકે છે. આવી પરિસ્થિતિમાં નોકરી છોડી દેવી એક સારો નિર્ણય છે. જોકે તેના માટે પહેલાંથી આયોજન કરવું જરુરી છે.
મહેનતની અવગણના થતી હોય
જ્યારે તમે તમારું કામ પૂરી પ્રામાણિક્તાથી કરતા હોય, છતાં તમારી મહેનતને અવગણવામાં આવતી હોય, તો નોકરી બદલવાનો વિચાર કરવો જોઈએ.
હંમેશા તણાવ અનુભવતા હોય
જો તમે કામને કારણે સતત તણાવમાં રહેતા હોય તો આ એક સ્પષ્ટ સંકેત છે કે નોકરી બદલવાનો વિચાર કરવો જોઈએ. લાંબાગાળા સુધી તણાવ અને ચિંતાના કારણે માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
નોકરી અંગત જીવનને અસર કરવા લાગે
જો નોકરી તમારા અંગત જીવનને પ્રભાવિત કરવા લાગે, જેમકે તમે પરિવાર કે મિત્રો માટે સમય કાઢી શક્તા ન હોય, તો નોકરી છોડવાનો વિચાર કરવો સમજદારીભર્યો નિર્ણય હોઈ શકે છે.
વર્ક-લાઈફ બેલેન્સ ખોરવાઈ જાય
જો તમે અંગત જીવન અને કામ વચ્ચે સંતુલન જાળવી નથી શકતા તો તે એક સંકેત છે કે તમારે નોકરી બદલવાની જરુર છે. સ્વસ્થ જીવન માટે કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવી રાખવું ખૂબ મહત્વપૂર્ણ છે.

ઓફિસનું વાતાવરણ ટોક્સિક હોય
જો ઓફિસમાં રાજકારણ, કુથલી થતી હોય અને વાતાવરણ ટોક્સિક બની ગયું હોય, તો આવા વાતાવરણમાં કામ કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. જેથી નોકરી બદલવાનો વિચાર કરવો જોઈએ.
બોસ કે સહકર્મી સાથે અણબનાવ થાય
બોસ કે સહકર્મી સાથે સંબંધો બગડવાના લીધે નોકરીના સ્થળે તણાવ રહી શકે છે. તેવા વાતાવરણમાં કામ કરવું મુશ્કેલ થઈ શકે છે. જેથી આવી નોકરી છોડી દેવી જ યોગ્ય છે.
સ્વાસ્થ્ય વારંવાર ખરાબ રહેતું હોય
જો કામમાં દબાણ કે ઓફિસના ટોક્સિક વાતાવરણના કારણે તમારી તબિયત ખરાબ રહેતી હોય, તો આવી સ્થિતિમાં એક નવી તક શોધવાનો વિચાર કરવો ખૂબ અગત્યનો હોઈ શકે છે.
વધુ સારી તક મળે
જો તમારી ક્ષમતાઓનું યોગ્ય મૂલ્યાંકન કરી શકાય તેવી બીજી કોઈ સારી તક ઉપલબ્ધ હોય તો? આવી સ્થિતિમાં, વર્તમાન નોકરી છોડીને આગળ વધવાનો વિચાર એક સારો નિર્ણય હોઈ શકે છે.
નોકરી છોડવા પહેલા કેટલાક મુદ્દાઓ પર વિચાર કરવો જરુરી
નોકરી છોડવી એક મોટો નિર્ણય છે. તેથી આ નિર્ણય લેતા પહેલા કેટલીક બાબતો પર વિચાર કરવો જરુરી છે, જેથી પાછળથી પસ્તાવો કરવો ન પડે. નીચે આપેલા ગ્રાફિક પરથી સમજીએ-

નોકરી છોડતા પહેલા મનોમંથન જરુરી
અચાનક નોકરી છોડવાના નિર્ણયના કારણે તમે કેટલીક મુસીબતોમાં ફસાઈ શકો છો. તેથી સૌથી પહેલાં એ સમજવું જરુરી છે કે, તમે શા માટે નોકરી છોડી રહ્યાં છો? ખોરવાઈ ગયેલું વર્ક-લાઈફ બેલેન્સ, ટોક્સિક વાતાવરણ જેવા કારણોથી અસંતોષ છે? જો કારણ સ્પષ્ટ નથી તો તમારે તમારા નિર્ણય પર ફરીથી વિચાર કરવો જોઈએ.
ઉપરાંત નોકરી છોડતા પહેલા પોતાની નાણાકીય પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું પણ જરુરી છે. શું તમારી પાસે થોડા મહિનાઓ સુધી કોઈ આવક વિના ટકી રહેવા માટે પૂરતી બચત છે? જો ના, તો તમારે તમારી નોકરી છોડતા પહેલા તેના પર કામ કરવું જોઈએ.
નોકરી છોડ્યા પછી તમારી પાસે નવી નોકરીની ઓફર છે, કે પછી, તમે કોઈ વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તે પણ વિચારો. જો આવું ન હોય તો શું તમે બેરોજગાર રહેવા માટે તૈયાર છો કે પછી થોડો સમય આરામ કરીને નવી નોકરી શોધશો? તેના પર ચોક્કસ વિચાર કરો.
એકંદરે, કોઈ પણ આયોજન વિના નોકરી છોડી દેવી જોખમી બની શકે છે. તેથી તમારા ભવિષ્ય વિશે સ્પષ્ટ રીતે વિચારો.