- Gujarati News
- Lifestyle
- Frequent Bathroom Visits And Blurred Vision Are Also Symptoms Of Diabetes, Learn How To Control Diabetes From An Expert
2 કલાક પેહલા
- કૉપી લિંક
આજે 14 નવેમ્બરના રોજ ‘વર્લ્ડ ડાયાબિટીસ ડે’ ઊજવવામાં આવે છે. આજકાલ ડાયાબિટીસનું પ્રમાણ નાના બાળકો અને યુવાઓમાં વધી રહ્યું છે, અત્યારે મોટાભાગે લોકો એવું માને છે કે ‘હું તો ગળ્યું ખાતો જ નથી તો મને તો કોઈ હિસાબે ડાયાબિટીસ થશે જ નહીં, પરંતુ જો ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ હોય અને ભલે તમે ગળ્યું ના ખાતા હોય અને સ્વસ્થ જીવનશૈલીથી જીવતા હોય તો પણ ડાયાબિટીસ થઇ જ શકે છે.’ આ શબ્દો છે અમદાવાદના જાણીતા ડાયાબિટોલૉજિસ્ટ અને એન્ડોક્રાઈનોલૉજિસ્ટ ડૉ. રમેશ ગોયલના.
ગુજરાતની જો વાત કરીએ તો અત્યારે જે યુવાઓની જે જીવનશૈલી છે તે ડાયાબિટીસ માટે જવાબદાર છે, અને ‘મને કોઈ ડાયાબિટીસના લક્ષણો નથી એટલે દવાની કઈ જરૂર નથી’,આ અજાણતાનું સૌથી મોટું કારણ જાગૃતિનો અભાવ છે. કારણ કે, આપણે યોગ્ય સમયે ટેસ્ટ કરાવતા નથી. પરંતુ ડાયાબિટીસ સાઇલેન્ટ કિલર છે જો સુગર બ્લડમાં હાઈ રહે છે તો તે ધીમી ગતિએ દર્દીના શરીરના અવયવોને નુકશાન કરી જ રહ્યું છે
‘વર્લ્ડ ડાયાબિટીસ ડે’ નિમિત્તે ‘દિવ્ય ભાસ્કર’ એપે ડૉ. રમેશ ગોયલ અને ડૉ.મોક્ષીત શાહ સાથે ડાયાબિટીસના પ્રકારોથી લઈને તેની સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ વિશે વાત કરી હતી.
સાદી ભાષામાં સમજીએ ડાયાબિટીસ શું છે? લોહીમાં રહેલા ગ્લુકોઝને પચાવી શકવાની અક્ષમતાને કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જરૂરી સામાન્ય સ્તર કરતાં સતત ઊંચું રહે તો તેને ડાયાબિટીસ મેલિટસ કહેવાય છે. આ અક્ષમતા અપૂરતા ઇન્સ્યુલિન સ્ત્રાવ કે ઇન્સ્યુલિનના ખામીભર્યા કાર્યને કારણે થાય છે, કેટલાક કિસ્સાઓમાં બંને કારણો જવાબદાર હોય છે.
ડાયાબિટીસના પ્રકાર
- ટાઇપ 1 ડાયાબિટીસ
- ટાઇપ 2 ડાયાબિટીસ
ઇન્સ્યુલિન ઇન્જેક્શનના પ્રકાર
- લોંગ એક્ટિંગ ઇન્સ્યુલિન જે 24 કલાક સુધી અસર કરે છે
- શોર્ટ એક્ટિંગ ઇન્સ્યુલિન જે 4 થી 6 કલાક સુધી કામ કરે છે
સૌ પહેલા જાણો ટાઇપ 1 ડાયાબિટીસ વિશે..
ડૉ.રમેશ ગોયલના જણાવ્યા અનુસાર ટાઇપ-1 ડાયાબિટીસ મોટાભાગે નાની ઉંમરે આશરે 20 થી ઓછી વયના બાળકો અને યુવાનોને થાય છે અને આ ડાયાબિટીસ કુદરતી કારણોસર થાય છે, જયારે શરીરમાં ઇન્સ્યુલિન બનવાનું ઓછું થઇ જાય છે અથવા તો બંધ થઇ જાય છે. ઇન્સુલિન એક પ્રકારનું હોર્મોન છે, જે શુગરને લોહીમાં ભળવામાં મદદરૂપ બને છે. તેની ઉણપ ડાયાબિટીસનું કારણ બની શકે. આ ડાયાબિટીસ બાળકો અને યુવાનોમાં થાય છે, તેથી તેને બાળપણનો ડાયાબિટીસ (જુવેનાઈલ ડાયાબિટીસ) કહેવામાં આવે છે. અને ટાઈપ 1 ડાયાબિટીસમાં ઇન્સુલિન ના ઇન્જેક્શન લેવા ફરિજયાત બને છે કારણે કરે સામાન્ય દવા આ દર્દીઓ પર અસર કરતી નથી.
ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવનાર બાળકોમાં દવાઓ કામ કરતી નથી તેવા બાળકોને દિવસમાં એકવાર લોંગ એક્ટિંગ ઇન્સ્યુલિન આપવામાં આવે છે, તદુપરાંત જયારે જયારે કંઈપણ ભોજન લે ત્યારે તેઓએ શોર્ટ એક્ટિંગ ઇન્સ્યુલિનનો ડોઝ લેવો પડે છે.
ટાઇપ 2 ડાયાબિટીસ ટાઇપ 2 ડાયાબિટીસ સામાન્ય રીતે 40 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિમાં જોવા મળે છે,આ ડાયાબિટીસ વારસાગત અને જીવનશૈલી, ખાનપાન અને સ્થૂળતા સંબંધિત સમસ્યા માનવામાં આવે છે. આ પ્રકારનો ડાયાબિટીસમાં દવા દ્વારા કંટ્રોલમાં લાવી શકાય છે, તાજેતરની જો વાત કરીએ તો હમણાંથી ટાઇપ 2 ડાયાબિટીસ યુવાનો અને બાળકોમાં પણ જોવા મળે છે. ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવનાર પેશન્ટને દવાઓ સાથે દિવસમાં એકવાર લોંગ એક્ટિંગ ઇન્સ્યુલિન આપવામાં આવે છે.
પ્રી-ડાયાબિટીક શું છે? જો લોહીમાં ગ્લુકોઝનું લેવલ સામાન્ય કરતા વધારે હોય પરંતુ તે ડાયાબિટીસના સ્તરે ન પહોંચ્યું હોય, તો તેને ‘પ્રી-ડાયાબિટીસ’ કહેવામાં આવે છે, આ બોર્ડર લાઈન કન્ડિશન છે. પ્રી-ડાયાબિટીસમાં લોહીમાં સુગરનું પ્રમાણ ઊંચું હોય છે, પ્રિ-ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાંથી 30 ટકા કાર્બોહાઇડ્રેટ્સ ઘટાડવું જોઈએ. ડાયટ માટે કાર્બોહાઇડ્રેટ્સ જરૂરી નથી, પરંતુ પ્રોટીન અને ચરબી જરૂરી છે.આ દર્દીઓ માટે શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. દરરોજ 1000 પગથિયાં ચાલો અને 45 મિનિટ યોગાસન કરવું જોઈએ.
બાળકોમાં ડાયાબિટીસ વધવાનું કારણ શું છે બાળકોમાં મોટે ભાગે ટાઇપ-1 ડાયાબિટીસ જોવા મળે છે, જેને આપણે ઓટો ઈમ્યુન ડિસીઝ કહી શકીએ. આપણા શરીરની અંદર ઈમ્યુનિટી માટે જે સેલ આપેલા હોય છે એ ભૂલથી આપણા જ શરીરમાં રહેલા સેલને મારી નાખે એને ઓટો ઈમ્યુન ડિસીઝ કહેવાય. એ ઓટો ઈમ્યુન ડિસીઝમાં એક ટાઇપ-1 ડાયાબિટીસ પણ છે. ઓટો ઈમ્યુનિટી સતત વધી રહી છે, આથી આ ડિસીઝનું પ્રમાણ પણ વધી રહ્યું છે, અને બાળકોમાં ડાયાબિટીસ વધવાના મુખ્ય કારણોમાં મેદસ્વીતા, જંકફૂડ અને ખરાબ જીવનશૈલી જવાબદાર છે.
ડાયાબિટીસનાં લક્ષણો શું છે? શરૂઆતમાં ડાયાબિટીસની બીમારીને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે. 70% કેસોમાં એનાં લક્ષણો ભાગ્યે જ દેખાતાં હોય છે. બાકીના 30% કેસોમાં એ કેટલાક લક્ષણો દ્વારા જાણી શકાય છે કે ડાયાબિટીસ છે અથવા થવાનો છે અથવા પ્રી-ડાયાબિટીસની સ્થિતિ છે.
સુગર સામાન્ય ક્યારે કહેવાય? 8થી 12 કલાક સુધી ભૂખી રહેલી વ્યક્તિમાં ગ્લુકોઝનું પ્રમાણ 70-100 mg/dL હોય છે, જેને ફાસ્ટિંગ બ્લડ સુગર કહેવાય છે. સામાન્ય ભાષામાં આપણે જેને જમ્યાના બે કલાક પછીનું બ્લડ સુગર કહી શકીએ તે 140ની નીચે હોય છે. ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિમાં આ પ્રમાણ અનુક્રમે 126 અને 200થી વધુ થઈ જતું હોય છે.
આ સિવાય HbA1C – ગ્લાઇકોસિલેટેડ હિમોગ્લોબિનથી પણ ડાયાબિટીસની પરખ કરી શકાય છે. હિમોગ્લોબિનનું પ્રમાણે પુરુષોમાં 13 mg/dL અને મહિલાઓમાં 12 mg/dL હોવું જોઈએ; કુલ હિમોગ્લોબિન પૈકી 6.5 ટકાથી વધુ હિમોગ્લોબિન HbA1C પ્રકારનું હોય તો તે વ્યક્તિને ડાયાબિટીક કહી શકાય. HbA1C ટેસ્ટ છેલ્લા ત્રણ મહિનામાં જે-તે વ્યક્તિનું ગ્લુકોઝ લેવલ સરેરાશ કેટલું રહ્યું છે, તેનો અંદાજ આપે છે. આથી પેશન્ટની દવાઓના ડોઝમાં વધ-ઘટ કરવામાં મદદ મળે છે.
ડાયાબિટીસ વધવાનું કારણ શું છે? ડો. મોક્ષિત શાહના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતને ખરેખર દુનિયામાં ડાયાબિટીસનું કેપિટલ કહી શકાય. આપણી પાસે એના હાઇએસ્ટ દર્દીઓ છે. ડાયાબિટીસ વધવા પાછળનું મુખ્ય કારણ આપણું બેઠાળું જીવન, સ્થૂળતા, વજનનો વધારો, ફાંદ વધવી, ખોરાકમાં ખૂબ કાર્બોહાઇડ્રેટ વગેરે છે. ખાવાની અંદર ગળપણ આ દરેક વસ્તુના કારણે દેશમાં સતત ડાયાબિટીસના કેસ વધતા જાય છે, સાથે-સાથે લોકો ખૂબ ઓછી એક્સર્સાઇસ કરે છે, જે દરેક વસ્તુ ડાયાબિટીસ માટે જવાબદાર છે.
સ્ટ્રેસ અને ડાયાબિટીસ વચ્ચેનું કનેક્શન ડો. મોક્ષિત શાહ કહે છે કે, ડાયાબિટીસનું સૌથી મોટું કારણ મેન્ટલ સ્ટ્રેસ છે. સમયની સાથે લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ ખુબ જ વધ્યું છે. આ સ્ટ્રેસ શરીરના મેટાબોલિઝમને ખોરવી રહ્યો છે અને વિપરીત અસર કરી રહ્યો છે. આ વાતને સમજાવતા તેઓ કહે છે કે, એક ગુલાબજાંબુ ખાવા કરતાં એક વખત ગુસ્સો કરવો વધુ જોખમી છે.
જ્યારે શરીર તણાવમાં હોય છે, ત્યારે એ સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ કરે છે. આ હોર્મોન્સ ગ્લુકોઝના સ્તરને વધારવા માટે જવાબદાર છે, કારણ કે શરીર “ફાઇટ-ઓર-ફ્લાઈટ” સ્થિતિમાં રહે છે. આ સંજોગોમાં હાર્ટ રેટ, રક્ત દબાણ, અને બ્લડ શુગરનો સ્તર વધી શકે છે, કારણ કે શરીર વધુ ઊર્જા માટે વધુ ગ્લુકોઝ છોડે છે.
લાંબા ગાળાના તણાવને કારણે આ હોર્મોન્સ સતત સ્તરે વધતા રહેતા હોવાથી બ્લડ શુગરમાં અસ્થિરતા અને લાંબા ગાળે ટાઈપ 2 ડાયાબિટીસને આવકાર આપી શકે છે. ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે પણ મેન્ટલ સ્ટ્રેસ બ્લડ શુગર નિયંત્રણને મુશ્કેલ બનાવી શકે છે.
ડાયાબિટીસ મટી શકે છે? રિવર્સ થઇ શકે? ડાયાબિટીસ સંપૂર્ણપણે મટી શકે તે શક્ય નથી, પણ કેટલીક પરિસ્થિતિઓમાં તે રિવર્સ થઈ શકે છે, ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસમાં. ટાઈપ 2 ડાયાબિટીસમાં જીવનશૈલીમાં ફેરફારો અને તંદુરસ્ત આહાર, વ્યાયામ, અને વજન નિયંત્રણ દ્વારા બ્લડ શુગરને લાંબા સમય સુધી નિયંત્રણમાં રાખી શકાય છે, અને ક્યારેક તેવા સ્તરે પહોંચી શકાય છે કે જ્યા દર્દીને દવાઓની જરૂર ન પડે.
ડાયાબિટીક વ્યક્તિએ લેવાની કાળજી
- ડૉક્ટર્સ દ્વારા અપાયેલી દવાઓ અંગે નિયમિતતા જાળવવી.
- ઓછી કૅલરી, ઓછી ચરબી અને વધુ ફાઇબર હોય એવો આહાર લેવો.
- નિયમિત કસરત, જેમકે અઠવાડિયામાં પાંચ દિવસ 30 મિનિટ ઝડપથી ચાલવું
- લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ સમયાંતરે મપાવવું.
- વર્ષે બેથી ત્રણ વખત HbA1Cના પ્રમાણની તપાસ કરાવવી.
- ડાયાબિટીસ સંલગ્ન આડઅસરોની તપાસ અને સારવાર કરાવવી. (જેમકે આંખ, કિડની અને નસોની વાર્ષિક પરીક્ષણ)
- ત્રણ મહિને એક વખત બ્લડપ્રૅશરની માપવું.
- વર્ષે એક વખત લિપિડ પ્રોફાઇલ મપાવવું.
- માનસિક અને સામાજિક સંભાળ અને સધિયારો
ડાયાબિટીસ ના હોય તે લોકો ડાયાબિટીસને કેવી રીતે દૂર રાખી શકે છે? જે લોકોને ડાયાબિટીસ ન હોય એવા લોકોને જો પેટની ફાંદ હોય અથવા વજન વધારે હોય તો તે લોકોને પોતાની લાઈફસ્ટાઈલને મેઇન્ટેન રાખવી ખૂબ જરૂરી છે. તેમણે રેગ્યુલર કસરત કરવી જોઈએ અને વજન કંટ્રોલમાં રાખવું જોઈએ. યોગ્ય ડાયટ પ્લાન બનાવીને ડાયાબિટીસથી દૂર રહી શકે છે અને જે લોકોને ડાયાબિટીસ છે તે લોકોએ આ દરેક વસ્તુનું તો ધ્યાન રાખવાનું જ હોય, પરંતુ એની સાથે-સાથે રેગ્યુલર દવા લેતું રહેવાનું. મોનિટરિંગ કરાવતું રહેવાનું, જેથી ખબર પડે કે અન્ય કોઈ બીમારી લાગી છે કે નહીં અને ડાયટમાં સારું કંટ્રોલ રાખવું જરૂરી છે.
ડાયાબિટીસ ધરાવતા લોકો માટે સુગર ફ્રી અથવા આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ સામાન્ય રીતે સુરક્ષિત માનવામાં આવે છે, અને તે તેમના ગળ્યું ખાવાની ઇચ્છાને પૂરી કરી શકે છે. આ સ્વીટનર્સમાં ખાંડ જેવી કેલરી અને કાર્બોહાઇડ્રેટસ નહીં હોય, અને તે બ્લડ શુગરના સ્તરને તાત્કાલિક અસર નથી કરતા, જેના કારણે આ ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય વિકલ્પ બની શકે છે.પરંતુ આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ માપસર કરવો જ અથવા અવોઇડ કરવો જ વધુ યોગ્ય રહે છે
દર્દીઓ માટે કોઈ એડવાન્સ ટેક્નોલોજીની શોધ થઈ છે? ટાઈપ-1ના દર્દીઓ માટે ઈન્સ્યુલિન પંપ મળવાના શરૂ થઈ ગયા છે, જેની અંદર ઈન્સ્યુલિન પંપ દ્વારા આપી શકીએ. દર્દી પોતે જ માપી શકે. જેમ શુગરનું પ્રમાણ વધે એમ દવાનું પ્રમાણ વધે અને શુગરનું પ્રમાણ ઘટે એમ દવાનું પ્રમાણ ઘટી જાય. ટાઈપ-1 માટે આ શોધ ખૂબ આશીર્વાદ રૂપ છે. ટાઈપ-1 માટે નવી દવાઓ અને સાધનો આવ્યાં છે એ ઓફ પેટન્ટ છે જેના ભાવ ખૂબ સસ્તા છે, જે દર્દીઓની કિડની અને હાર્ટને બચાવવામાં ખૂબ મદદ કરે છે.
હેલ્થી લાઇફસ્ટાઇલ કેવી હોવી જોઈએ? હેલ્ધી લાઇફસ્ટાઇલમાં વેલ બેલેન્સ્ડ તંદુરસ્ત આહાર હોવો જોઈએ. તમારા ખોરાકમાં પ્રોટીન, ફાઇબર અને હેલ્ધી ફેટ હોવું જોઈએ. રોજના 25થી 30 ગ્રામ ફાઇબર ખોરાકમાં એડ કરો. સારા પ્રમાણમાં પ્રોટીન લેવું જોઈએ. તળેલું અને જંક ફૂડથી દૂર રહો. અને રોજનું 45 મિનિટ ચાલવું જોઈએ અથવા કોઈપણ જાતની એક્સર્સાઇજ કરવી જોઈએ, જેથી હેલ્થી રહી શકો અને અગત્યનું એ છે કે વજન વધવા ના દેતા. વજન વધશે તો ડાયાબિટીસના ચાન્સ પણ વધી જશે.
ડાયાબિટીસ વિશેની ગેરમાન્યતાઓ ડૉ.રમેશ ગોયલે જણાવ્યું કે અત્યારે સામાન્ય રીતે લોકો કહેતા હોય છે કે મને કોઈ ડાયાબિટીસના લક્ષણો નથી એટલે દવાની કઈ જરૂર નથી, પરંતુ ડાયાબિટીસ સાઇલેન્ટ કિલર છે જો સુગર બ્લડમાં હાઈ રહે છે તો તે ધીમી ગતિએ દર્દીના શરીરના અવયવોને નુકશાન કરી જ રહ્યું છે.
બીજી એક ગેરમાન્યતા એવી છે કે મારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ નથી એટલે મને તો નહીં જ થાય, તો આ ગેરમાન્યતા દૂર કરતા જણાવે છે કે જો પરિવારમાં કોઈને ડાયાબિટીસ નથી પરંતુ તમારી ખરાબ જીવનશૈલી અને માનસિક તણાવના લીધે ડાયાબિટીસ થવાની શક્યતા છે.
અન્ય એક ગેરમાન્યતા એવી છે કે હું તો ગળ્યું ખાતો જ નથી તો મને તો કોઈ હિસાબે ડાયાબિટીસ થશે જ નહીં, પરંતુ જો ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ હોય અને ભલે તમે ગળ્યું ના ખાતા હોય અને સ્વસ્થ જીવનશૈલીથી જીવતા હોય તો પણ ડાયાબિટીસ થઇ જ શકે છે.
ડાયાબિટીસના દર્દીઓને અમુક વખતે એવું લાગે છે કે હવે તો ડોક્ટરે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપી દીધા છે એટલે મારા જીવનનો અંત નજીક છે તો એવી ગેરમાન્યતાથી દૂર રહેવું જોઈએ, ઘણી વખત ટાઈપ 2 ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનના ઇન્જેક્શન બંધ પણ કરી દેવામાં આવે છે. ઇન્સ્યુલિન બોડીમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી કરતું.