2 કલાક પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું છે, તમને કોઈ સમસ્યા નથી. તબિયત એકદમ ઠીક લાગી રહી છે, પરંતુ રૂટીન ચેકઅપમાં ડૉક્ટર તમને કહે કે, બ્લડ પ્રેશર હાઈ છે, તો તમને થોડું આશ્ચર્ય થશે. તેનાથી પણ વધુ આઘાતજનક વાત એ છે કે, જો તમારું બીપી હાઈ હોય તો બ્લડ શુગર વધુ હોવાની સંભાવના વધુ છે. ખરેખર, હાઈ બ્લડ પ્રેશરનું સીધું કનેક્શન ઇન્સ્યૂલિન રેઝિસ્ટેન્સ એટલે કે ઇન્સ્યૂલિન પ્રતિકાર સાથે હોય છે, જેના કારણે ટાઇપ-2 ડાયાબિટીસ પણ થઈ શકે છે.
હવે તમારા મનમાં આ પ્રશ્ન ઉભો થઈ શકે છે કે, ઇન્સ્યૂલિન રેઝિસ્ટન્સ (પ્રતિકાર) કેમ વધે છે? આ પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, આ હાઈ બ્લડ પ્રેશર અથવા ફેટી લિવરને કારણે થઈ શકે છે. આ બધી પરિસ્થિતિઓમાં શરીરના ચયાપચય પર અસર થઈ શકે છે. જેના કારણે ઇન્સ્યૂલિન યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે અને બ્લડ શુગર ધીમે ધીમે વધવા લાગે છે.
તેથી, આજે ‘તબિયતપાણી‘માં આપણે ઇન્સ્યૂલિન રેઝિસ્ટન્સ વિશે વાત કરીશું. સાથે એ પણ જાણીશું કે-
- કઈ પરિસ્થિતિઓમાં ઇન્સ્યૂલિન પ્રતિકાર વધી શકે છે?
- બ્લડ પ્રેશર વધવાથી ઇન્સ્યૂલિન પ્રતિકાર કેમ વધે છે?
- કઈ પરિસ્થિતિમાં સાવધાની રાખવી જરૂરી છે?
ઇન્સ્યૂલિન પ્રતિકાર (રેઝિસ્ટન્સ) શું છે?
આપણું શરીર ઊર્જા માટે ગ્લુકોઝનો ઉપયોગ કરે છે, જે આપણને ખોરાકમાંથી મળે છે. આ ગ્લૂકોઝને કોષો સુધી પહોંચાડવાનું કામ ઇન્સ્યૂલિન નામના હોર્મોન દ્વારા કરવામાં આવે છે. જ્યારે શરીરના કોષો ઇન્સ્યૂલિન પ્રત્યે સામાન્ય રીતે પ્રતિક્રિયા નથી આપતા, ત્યારે ઊર્જા માટે ગ્લુકોઝને શરીરમાં પ્રવેશવું મુશ્કેલ બને છે.

ઇન્સ્યૂલિન પ્રતિકારથી બ્લડ શુગર કેમ વધે છે?
ડૉ. સાકેત કાન્ત કહે છે કે, જ્યારે આપણા શરીરના કોષો ઇન્સ્યૂલિન નામની ચાવીથી સરળતાથી ખુલતા નથી, ત્યારે કોષો સરળતાથી ગ્લૂકોઝ ગ્રહણ કરી શકતા નથી. પરિણામે, ગ્લૂકોઝ એટલે કે શુગર લોહીમાં જમા થતી રહે છે. જ્યારે બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે, ત્યારે તેમાં શુગરનું પ્રમાણ વધુ જોવા મળે છે.

કઈ પરિસ્થિતિઓમાં ઇન્સ્યૂલિન પ્રતિકાર વધી શકે છે?
ડૉ. સાકેત કાન્ત કહે છે કે, ઇન્સ્યૂલિન પ્રતિકાર માત્ર વધુ પડતી ખાંડના સેવન અથવા મેદસ્વિતાને કારણે જ વધતો નથી, પરંતુ કેટલીક હેલ્થ કન્ડિશન્સ પણ તેને ટ્રિગર કરી શકે છે. કેટલાક રોગો ઇન્સ્યૂલિનની કાર્યક્ષમતાને અસર કરી શકે છે. એ પણ શક્ય છે કે આપણા કોષો હવે ઇન્સ્યૂલિન પ્રત્યે પહેલા જેટલા સંવેદનશીલ ન રહ્યા હોય.

આ બધી પરિસ્થિતિઓને કારણે કેમ ઇન્સ્યૂલિન પ્રતિકાર વધે છે, તે વિગતવાર સમજીએ-
લો એસ્ટ્રોજન લેવલ
એસ્ટ્રોજન એક હોર્મોન છે, જે ખાસ કરીને સ્ત્રીઓના શરીરમાં બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મેનોપોઝ (માસિક સ્ત્રાવ બંધ થાય છે) કે હોર્મોનલ અસંતુલનના કારણે જો એસ્ટ્રોજન લેવલ ઘટે છે, તો કોષો ઇન્સ્યૂલિનને ઓળખવામાં ઓછા સક્ષમ બને છે. તેના કારણે ઇન્સ્યૂલિન રેઝિસ્ટન્સ વધી શકે છે અને વજન પણ ઝડપથી વધે છે.
ફેટી લિવર
જ્યારે લિવરમાં વધારાની ચરબી જમા થાય છે, ત્યારે તે શરીરની ઇન્સ્યૂલિન પ્રત્યે સંવેદનશીલતા ઘટાડે છે. ફેટી લિવર ધરાવતા લોકોને ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ વધારે હોય છે, કારણ કે તેમનું લિવર ઇન્સ્યૂલિનના સિગ્નલોને યોગ્ય રીતે પ્રક્રિયા કરી શકતું નથી.
મેનોપોઝ
મેનોપોઝ એટલે કે માસિક સ્ત્રાવ બંધ થયા પછી, સ્ત્રીઓના શરીરમાં હોર્મોનલ ફેરફારો થાય છે, ખાસ કરીને એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનમાં ઘટાડો થાય છે. આ બંને હોર્મોન્સ ઇન્સ્યૂલિનને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. જ્યારે તેમનું સ્તર ઘટે છે, ત્યારે બ્લડ શુગરને નિયંત્રિત કરવું મુશ્કેલ બની જાય છે, જે ઇન્સ્યૂલિન પ્રતિકાર વધારી શકે છે.
હાઈ બ્લડ પ્રેશર
હાઈ બીપી અને ઇન્સ્યૂલિન પ્રતિકાર વચ્ચે ઊંડો સંબંધ છે. જ્યારે બ્લડ પ્રેશર વધારે હોય છે, ત્યારે ધમનીઓ સખત થવા લાગે છે, જેનાથી શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થાય છે અને ઇન્સ્યૂલિનની અસરકારકતા ઓછી થાય છે. તેવામાં ઇન્સ્યૂલિન યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી અને લોહીમાં શુગર જમા થવા લાગે છે.
હાઇપોથાઇરોડિઝમ
જ્યારે થાઇરોઇડ ગ્રંથિ સુસ્ત થઈ જાય છે અને શરીર થાઇરોઇડ હોર્મોન ઓછું ઉત્પન્ન કરે છે, ત્યારે ચયાપચય ધીમું પડી જાય છે. તેના કારણે શરીરનું વજન વધે છે, ઇન્સ્યૂલિન પ્રતિકાર વધે છે અને બ્લડ શુગર નિયંત્રણમાં રહેતું નથી. આ જ કારણ છે કે, હાઇપોથાઇરોડિઝમ ધરાવતા લોકોને ડાયાબિટીસનું જોખમ વધારે હોય છે.
ઇન્સ્યૂલિન રેઝિસ્ટન્સ સંબંધિત સામાન્ય પ્રશ્નો અને જવાબો
પ્રશ્ન: હાઈ બીપી હોય તો ડાયાબિટીસ થઈ શકે?
જવાબ: હા, હાઈ બ્લડ પ્રેશર અને ઇન્સ્યૂલિન પ્રતિકાર વચ્ચે સીધો સંબંધ છે. જ્યારે તમારું બ્લડ પ્રેશર હાઈ હોય છે, ત્યારે ધમનીઓ સાંકડી અને કડક થઈ શકે છે, જે શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને અસર કરે છે. આ સ્થિતિમાં, ઇન્સ્યૂલિનની અસરકારકતા ઘટે છે અને કોષો યોગ્ય રીતે ગ્લૂકોઝ લઈ શકતા નથી. પરિણામે, લોહીમાં શુગર જમા થવા લાગે છે અને ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ વધે છે.
પ્રશ્ન: ઇન્સ્યૂલિન પ્રતિકાર કેવી રીતે ઘટાડવો?
જવાબ: ઇન્સ્યૂલિન પ્રતિકાર ઘટાડવા માટે કેટલીક ટેવમાં ફેરફાર કરવા જરૂરી છે:
વજન નિયંત્રિત કરો- જો તમારું વજન વધારે હોય, તો ધીમે ધીમે વજન ઘટાડવાનો પ્રયાસ કરો.
દરરોજ કસરત કરો- ઝડપી ચાલવું, સાયકલ ચલાવવી, યોગ અથવા કોઈપણ શારીરિક પ્રવૃત્તિ શરીરના કોષોને ઇન્સ્યૂલિન પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે.
સ્વસ્થ આહાર અપનાવો- તમારા આહારમાં ફાઇબરયુક્ત ભોજન, લીલા શાકભાજી, બદામ અને હેલ્ધી ફેટ્સનો સમાવેશ કરો. ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ ન ખાવ.
તણાવ ઓછો કરો- વધુ પડતો તણાવ કોર્ટિસોલ હોર્મોન વધારે છે, જે ઇન્સ્યૂલિન પ્રતિકારને વધુ વધારી શકે છે. ધ્યાન, યોગ અને સારી ઊંઘ દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે.
પ્રશ્ન: શું ઇન્સ્યૂલિન રેઝિસ્ટન્સથી ડાયાબિટીસ થઈ શકે?
જવાબ: હા, જો ઇન્સ્યૂલિન પ્રતિકાર લાંબા સમય સુધી રહે, તો તે ધીમે ધીમે ટાઇપ-2 ડાયાબિટીસમાં ફેરવાઈ શકે છે. શરૂઆતમાં, શરીર વધુ ઇન્સ્યૂલિન ઉત્પન્ન કરીને શુગરને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ જ્યારે સ્વાદુપિંડ જરૂરિયાત કરતાં વધુ ઇન્સ્યૂલિન ઉત્પન્ન કરવામાં અસમર્થ બને છે, ત્યારે લોહીમાં શુગરનું સ્તર વધવા લાગે છે અને ડાયાબિટીસ થાય છે. તેથી, સમયસર ઇન્સ્યૂલિન પ્રતિકારને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે.
પ્રશ્ન: ઇન્સ્યૂલિન રેઝિસ્ટન્સની ખબર કેવી રીતે પડે?
જવાબ: શરૂઆતમાં તેના લક્ષણો ખૂબ જ સામાન્ય હોઈ શકે છે, પરંતુ કેટલાક સંકેતો છે, જેના પર ધ્યાન આપવું જોઈએ:
- ઝડપથી થાક લાગવો
- જમ્યાં પછી સુસ્તી અનુભવવી
- વારંવાર ભૂખ લાગવી
- કમરની આસપાસ વધુ પડતી ચરબી જમા થવી
- બ્લડ ટેસ્ટમાં હાઈ ઇન્સ્યૂલિન કે બ્લડ શુગર આવવું
જો તમને આ લક્ષણો દેખાય છે, તો ડૉક્ટરનો સંપર્ક કરો અને ટેસ્ટ કરાવો.
પ્રશ્ન: વજન ઓછો હોય તો પણ ઇન્સ્યૂલિન રેઝિસ્ટન્સ થઈ શકે?
જવાબ: હા, વધારે વજન હોવું એક કારણ છે, પણ એકમાત્ર કારણ નથી.
કેટલાક લોકો પાતળા દેખાય છે પરંતુ તેમના શરીરમાં રહેલી વિસેરલ ફેટ એટલે કે વધારાની ચરબી ઇન્સ્યૂલિન પ્રતિકાર વધારી શકે છે. ઉપરાંત ફેટી લિવર, હાઈ બ્લડ પ્રેશર અને હોર્મોનલ અસંતુલન જેવા કારણો પણ તેને ટ્રિગર કરી શકે છે.