47 મિનિટ પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
શિયાળો હોય, ઉનાળો હોય કે પછી ચોમાસું હોય. લોકો ઘણીવાર સવાર-સાંજ પાર્કમાં કે રસ્તાના કિનારે ફરતા જોવા મળશે. ક્યારેક થોડા હાંફતા અને ક્યારેક સ્પીડમાં દોડતા હોય છે. સમયાંતરે તેમની નજર રસ્તા પરથી દૂર અને તેના કાંડા તરફ જતી રહે છે. ઘડિયાળ જેવું ડિવાઇસ કાંડા સાથે જોડાયેલું છે, જે પેડોમીટર છે. એનું કામ તમારા સ્ટેપ ગણવાનું છે.
સામાન્ય રીતે પેડોમીટરનું ડિફોલ્ટ સેટિંગ 10 હજાર સ્ટેપ પર સેટ હોય છે. એવું માનવામાં આવે છે કે દરરોજ 10 હજાર સ્ટેપ્સ ચાલવાથી તમારું હૃદય, મન અને શરીર સ્વસ્થ રહે છે. આટલું મોટું લક્ષ્ય જોઈને ઘણા લોકો પાછળ હટી જાય છે, પરંતુ એક નવો સ્વાસ્થ્ય અભ્યાસ તેમની સમસ્યા હલ કરી શકે છે.
જર્નલ ઑફ અલ્ઝાઇમર ડિસીઝમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ મુજબ, જો તમે દરરોજ માત્ર થોડાક હજાર સ્ટેપ્સ ચાલો અથવા થોડી કસરત કરો, તો તમારા મગજનું કદ વધી શકે છે. મગજના મોટા કદનો અર્થ એ છે કે મગજ સ્વસ્થ છે, એના તમામ ન્યુરોટ્રાન્સમીટર યોગ્ય રીતે કામ કરી રહ્યા છે, એટલે કે ડિમેન્શિયા અથવા અલ્ઝાઇમરનું કોઈ જોખમ નથી.
10 હજારથી વધુ લોકો પર કરવામાં આવેલા આ અભ્યાસ મુજબ, જે લોકો દરરોજ થોડાંક હજાર સ્ટેપ્સ પણ ચાલતા હતા, તેમનું મગજ અન્ય કરતાં મોટું હતું.
આજે ‘તબિયતપાણી’માં જાણીશું કે સ્વસ્થ રહેવા માટે રોજ કેટલાં સ્ટેપ્સ ચાલવાં જોઈએ. આ સવાલોના જવાબ પણ તમે જાણી શકશો-
– રોજ કેટલાં સ્ટેપ્સ ચાલવાથી આપણું મગજ સ્વસ્થ રહી શકે છે?
– ચાલવાથી બીજા કયા ફાયદા છે?
-શું કહે છે ભારત અને વિદેશના ડોકટરો આ અંગે?
– શું વધુપડતું ચાલવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે?
દરરોજ 4 હજાર સ્ટેપ્સ ચાલવા બરાબર છે
પેસિફિક ન્યુરોસાયન્સ ઈન્સ્ટિટ્યૂટના બ્રેઇન હેલ્થ સેન્ટરના ડાયરેક્ટર અને રિસર્ચના લેખક ડૉ.ડેવિડ મેરિલના જણાવ્યા અનુસાર, દરરોજ મધ્યમ કસરત કરવાથી તમારા મગજ પર સકારાત્મક અસર પડે છે. આ માટે દરરોજ 4 હજાર સ્ટેપ્સ ચાલવું પણ પૂરતું છે. જે લોકો 10 હજાર સ્ટેપ્સ લક્ષ્ય જોઈને પીછેહઠ કરતા હતા તેમના માટે આ સંશોધન પછી નવું લક્ષ્ય પ્રાપ્ત કરવું થોડું સરળ થઈ જશે.
જો તમે ચાલવાનું શરૂ કરી રહ્યા છો તો નીચે આપેલા ગ્રાફિકમાં આપેલી ટિપ્સ જુઓ-
કસરતથી મગજ રહે છે સ્વસ્થ
હૈદરાબાદની યશોદા હોસ્પિટલના જનરલ ફિઝિશિયન ડો. શ્રી કરણ ઉદેશ તનુગુલાના જણાવ્યા અનુસાર, શારીરિક પ્રવૃત્તિઓ મગજમાં લોહીનો પ્રવાહ વધારે છે, જેના કારણે મગજમાં વધુ ઓક્સિજન પહોંચે છે, એટલે કે એને વધુ શક્તિ મળે છે. આ જ્ઞાનાત્મક કાર્યમાં પણ સુધારો કરે છે.
મગજમાં બ્લડ સર્ક્યુલેશનના કારણે મગજના વિકાસ સાથે સંબંધિત વધુ ન્યુરોટ્રાન્સમીટર અને રસાયણો બહાર આવે છે. નવા ન્યુરોન્સ ઝડપથી વિકસિત થાય છે અને મગજની કનેક્ટિવિટી પણ વધે છે. કસરત કરવાથી મગજમાં સોજો ઓછો થાય છે અને મૂડ પણ સુધરે છે. આ બધું મળીને આપણા મગજના સ્વાસ્થ્યને સુધારે છે.
શું મગજ સંકોચાઈ જવાનો અર્થ ડિમેન્શિયા થાય છે?
તમારા મગજનું કદ એના સ્વાસ્થ્ય વિશે ઘણું કહી જાય છે. જો મગજનું કદ ઘટતું હોય તો એ ડિમેન્શિયાનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. મગજના કદને જાળવવા અથવા વધારવામાં ન્યુરોપ્રોટેક્ટિવ અસરો હોય છે. આ એના સારા સ્વાસ્થ્યની નિશાની છે. દરરોજ અડધો કલાક ચાલવાથી પણ મગજ સ્વસ્થ રહી શકે છે.
ચાલવાથી માત્ર મગજને જ ફાયદો નથી થતો, એનાથી તમારા શરીરનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આ વાત વિગતવાર સમજીશું.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે
શરીરને સ્વસ્થ રાખવા માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે. જો હેલ્ધી ડાયટ લેવાની સાથે તમે દરરોજ સવારે વોક પણ કરી રહ્યા છો તો એ તમારી ઈમ્યુનિટી માટે ખૂબ જ સારું છે. સવારે તાજી હવામાં 20થી 30 મિનિટ ચાલવાથી ઇન્ફેક્શન અને રોગો સામે લડવાની ક્ષમતા વધે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
દરરોજ અડધો કલાક ઝડપી ગતિએ ચાલવાથી ઘણી બધી કેલરી બર્ન કરી શકાય છે. વધુ કેલરી લેવાથી શરીરનું વજન કંટ્રોલમાં રહે છે. એનાથી ઘણી બીમારીઓનું જોખમ આપોઆપ ઘટી શકે છે.
હાર્ટ-એટેકનું જોખમ ઓછું થાય છે
કાનપુરની હાર્ટ ડિસીઝ ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અવધેશ શર્મા કહે છે કે રોજ ચાલવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલ (LDL) ઘટે છે અને સારું કોલેસ્ટેરોલ (HDL) વધે છે. આ કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને સુધારે છે. આ હાર્ટ-એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.
ડાયાબિટીસના દર્દીઓને રાહત મળે છે
સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, જમ્યા પછી ચાલવાની આદત ન માત્ર હૃદયની તંદુરસ્તી સારી રાખવામાં મદદ કરે છે, પરંતુ શરીરમાં બ્લડ ગ્લુકોઝના લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. જમ્યા પછી 5થી 10 મિનિટનું નાનું ચાલવાથી પણ બ્લડ શુગર લેવલ અને ઇન્સ્યુલિન લેવલ સંતુલિત રહી શકે છે.
તણાવ પણ ઓછો થાય છે
દરરોજ 20થી 30 મિનિટ ચાલવાથી તણાવ, હતાશા અને ચિંતા ઓછી થાય છે. આ સમયગાળા દરમિયાન શરીરમાં એન્ડોર્ફિન હોર્મોનનું લેવલ વધે છે, જે તણાવ ઘટાડે છે. એનાથી તમને સારું પણ લાગે છે.
કોણે કેટલું ચાલવું જોઈએ?
વારાણસીની સરકારી આયુર્વેદિક પીજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ચિકિત્સક ડૉ. અજય કુમાર કહે છે કે દરરોજ કસરત કરવી અને તંદુરસ્ત ખોરાક ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પર સકારાત્મક અસર પડે છે. આપણું શ્વસનતંત્ર મજબૂત બને છે અને ફેફસાં સારી રીતે કાર્ય કરે છે.