3 કલાક પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, વિશ્વમાં લગભગ 188 કરોડ લોકોને તેમના આહારમાં પૂરતું આયોડિન નથી મળી રહ્યું. તેમાં શાળાના 24.1 કરોડ બાળકો પણ સામેલ છે. આ તમામ લોકોને આયોડિન ડેફિસિયન્સી ડિસઓર્ડર (IDD)નું જોખમ છે. તેનાથી ગોઇટર અને હાઇપોથાઇરોડિઝમ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ભારતના સોલ્ટ કમિશનર ઓફિસના જણાવ્યા અનુસાર, દેશના 20 કરોડથી વધુ લોકો આયોડિન ડેફિસિયન્સી ડિસઓર્ડર (IDD)ના જોખમમાં છે. 7 કરોડથી વધુ લોકો આયોડિનની ઉણપથી થતા ગોઇટર અને અન્ય ડેફિસિયન્સીથી પીડિત છે.
આયોડિન એક ટ્રેસ મિનરલ છે, એટલે કે, એક ખનિજ જેની શરીરને ખૂબ ઓછી માત્રામાં જરૂર હોય છે. આ હોવા છતાં, તે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આયોડિનની ઊણપ IDDનું જોખમ વધારી શકે છે. જ્યારે આવું થાય છે, ત્યારે શરીર મૂડ સ્વિંગ અને ચીડિયાપણું જેવા સંકેતો આપે છે. આને ઓળખવું મહત્ત્વપૂર્ણ છે.
તેથી જ આજે ‘ તબિયતપાણી ‘ માં આપણે આયોડિન વિશે વાત કરીશું. તમે એ પણ જાણી શકશો કે-
- જ્યારે તેની ઊણપ હોય ત્યારે કયાં લક્ષણો જોવા મળે છે?
- આયોડિનની ઊણપને કારણે કયા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે?
- આપણે ઊણપથી પોતાને કેવી રીતે બચાવી શકીએ?
શું શિયાળામાં ગોઇટરનાં લક્ષણો વધી શકે છે? શિયાળાને આયોડિનની ઊણપ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ આ ઋતુમાં આયોડિનની ઊણપથી થતાં રોગોનાં લક્ષણો વધી શકે છે. હકીકતમાં, વધતી જતી ઠંડી થાઇરોઇડ ગ્રંથિના કાર્યને અસર કરે છે, જેના કારણે ગોઇટરના લક્ષણો ગંભીર બની શકે છે.
આયોડિનની ઊણપ કેવી રીતે ઓળખી શકાય? એન્ડોક્રોનોલોજિસ્ટ ડૉ.સાકેત કાન્ત કહે છે કે, આપણું શરીર દરેક મુશ્કેલીમાં મદદ માટે કેટલાક સંકેતો આપે છે. ઘણી વખત આપણે તેને ઓળખી શકતા નથી અથવા આ લક્ષણો એટલા સામાન્ય હોય છે કે આપણે તેમને અવગણીએ છીએ. આવા કિસ્સાઓમાં સમસ્યા મોટી બની જાય છે. પછી સારવાર વધુ મુશ્કેલ બની જાય છે.
જો આ ચિહ્નો દેખાય, તો ડૉક્ટરની સલાહ લો
- જો આંખો અને ચહેરા પર સોજો આવે છે અને ઘણા દિવસો પછી પણ દૂર થતો નથી, તો તેનો અર્થ એ થઈ શકે છે કે આયોડિનની ઊણપને કારણે થાઈરોઈડને કામ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. આયોડિનનું પ્રમાણ ઓછું હોવાને કારણે શરીરનું પ્રવાહી સંતુલન ખોરવાય છે. જેના કારણે આંખો અને ચહેરા પર સોજો આવી જાય છે.
- જો ગળું વારંવાર કર્કશ થઈ જાય અથવા ગળામાં ગાંઠ દેખાય, તો આ ગોઈટરના લક્ષણો હોઈ શકે છે. આમાં, થાઇરોઇડ ગ્રંથિમાં સોજો આવે છે, જે ગાંઠ જેવું લાગે છે અને અવાજ બદલાય છે. તે આયોડિનની ઊણપની નિશાની છે. તરત જ ડૉક્ટરની સલાહ લો.
- જો તમને વારંવાર લાગે છે કે તમારા હૃદયના ધબકારા ધીમા પડી રહ્યા છે, તો તે આયોડિનની ઊણપને કારણે હોઈ શકે છે. થાઇરોઇડ ગ્રંથિ હૃદયના ધબકારા જાળવવામાં મોટી ભૂમિકા ભજવે છે. જો આયોડિનની ઊણપને કારણે થાઇરોઇડ ગ્રંથિ પ્રભાવિત થાય છે, તો તે હૃદયના ધબકારા પર પણ અસર કરશે. જો આવા લક્ષણો દેખાય, તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
- જો બિનજરૂરી મૂડ સ્વિંગ થાય અને ચીડિયાપણું અનુભવાય, તો તે આયોડિનની ઊણપની નિશાની હોઈ શકે છે. આયોડિનની ઊણપ મગજના રસાયણોમાં અસ્થિરતાનું કારણ બને છે. જો આવું થતું હોય તો ડૉક્ટરની સલાહ લો.
- જો બેઠા હોય ત્યારે અચાનક તમારા હાથ-પગમાં કળતર થવા લાગે અથવા સુન્ન થઈ જાય, તો તેનું કારણ આયોડિનની ઊણપ હોઈ શકે છે. વાસ્તવમાં, થાઇરોઇડ હોર્મોન ઓછા હોવાને કારણે, જ્ઞાનતંતુઓની કાર્યક્ષમતા નબળી પડી જાય છે. તેથી જ કળતર જેવા લક્ષણો દેખાય છે. જો આવું થાય, તો ડૉક્ટરની સલાહ લો.
- આયોડિનની ઊણપથી મહિલાઓના પીરિયડ્સમાં અનિયમિતતા આવી શકે છે. મેન્સ્ટ્રુઅલ ફ્લો વધુ પડતો થઈ શકે છે. કન્સીવ(ગર્ભધારણ) કરવામાં પણ સમસ્યા થઈ શકે છે. થાઇરોઇડ હોર્મોન્સ પ્રજનન સ્વાસ્થ્ય(રિ પ્રોડક્ટિવ હેલ્થ)માં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જો આવું કંઈ થાય તો ડૉક્ટરની સલાહ લો.
આ કોમ્પ્લિકેશન્સ આયોડિનની ઊણપને કારણે થઈ શકે છે જો આહારમાં આયોડિનની તીવ્ર ઊણપ હોય, તો શરીર પૂરતા પ્રમાણમાં થાઇરોઇડ હોર્મોન બનાવી શકતું નથી. આના કારણે ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે. ખાસ કરીને પ્રેગ્નેન્સી દરમિયાન ગંભીર જોખમો ઊભા થઈ શકે છે. આનાથી કેવા જોખમ ઊભાં થઈ શકે છે તે જોવા માટે નીચેનું ગ્રાફિક જુઓ:
આયોડિનની ઉણપ સંબંધિત કેટલાક સામાન્ય પ્રશ્નો અને જવાબો
પ્રશ્ન: આયોડિનની ઊણપની સારવાર શું છે?
જવાબ: ડૉક્ટરો સામાન્ય રીતે આયોડિન સપ્લિમેન્ટ્સ વડે આયોડિનની ઉણપની સારવાર કરે છે. જો લાંબા સમય સુધી ઊણપ રહે તો શરીરમાં થાઈરોઈડ હોર્મોન્સની ઊણપ પણ થઈ શકે છે. તેથી, ડૉક્ટરો થાઇરોઇડ હોર્મોન સપ્લિમેન્ટ્સ લેવાની સલાહ પણ આપી શકે છે. જો બાળક આયોડિનની ઊણપથી જન્મે છે, તો થાઇરોઇડ હોર્મોન સપ્લિમેન્ટ્સ વડે તેની સારવાર કરી શકાય છે. જો બાળકની સ્થિતિ વધુ ગંભીર હોય, તો તેણે જીવનભર થાઇરોઇડ હોર્મોન સપ્લિમેન્ટ્સ લેવું પડી શકે છે.
પ્રશ્ન: જો કોઈ વ્યક્તિમાં આયોડિનની ઊણપ હોય તો શું થઈ શકે?
જવાબ: જો કોઈ વ્યક્તિમાં આયોડિનની ઉણપ હોય તો તેને ખોરાક અથવા સપ્લિમેન્ટ્સ દ્વારા સરભર કરી શકાય છે. તે આયોડિનની ઊણપ સંબંધિત લક્ષણોમાં ધીમે ધીમે ઘટાડો કરશે.
જો આયોડિનની ઊણપ મોડેથી જાણવા મળે તો તેની ગંભીર અસરો થઈ શકે છે. જો સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય તો આયોડિનની ઉણપને કારણે બાળકના શારીરિક અને માનસિક વિકાસ પર અસર પડી શકે છે. આવા કેટલાક કેસમાં એવું જોવા મળ્યું છે કે બાળકો મૃત જન્મે છે. તેની ગંભીર અસરોને ટાળવા માટે, ખોરાક અથવા પૂરક આહાર દ્વારા પૂરતા પ્રમાણમાં આયોડિનનું સેવન કરવું મહત્ત્વપૂર્ણ છે.
પ્રશ્ન: દરરોજ કેટલું આયોડિન લેવું જરૂરી છે? જવાબ: દરેક વ્યક્તિને ઉંમર પ્રમાણે દરરોજ અલગ અલગ માત્રામાં આયોડિનની જરૂર હોય છે. પુખ્ત વયના લોકોને દરરોજ 150 માઇક્રોગ્રામ આયોડિન મળવું જોઈએ. જો કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય અથવા સ્તનપાન કરાવતી(ધાત્રી) હોય, તો તેને દરરોજ લગભગ 250 માઈક્રોગ્રામ આયોડિનની જરૂર પડે છે. આ માટે, પ્રિનેટલ વિટામિન સપ્લિમેન્ટ્સ લઈ શકાય છે. તે દરરોજ 250 માઇક્રોગ્રામ આવશ્યક આયોડિન પ્રદાન કરે છે. જો કે, તમામ પ્રિનેટલ વિટામિન્સમાં આયોડિન હોતું નથી. તેથી, બોટલ પર પોષક તત્ત્વોનો ચાર્ટ વાંચો.
પ્રશ્ન: આપણે આયોડિનની ઉણપને કેવી રીતે ટાળી શકીએ?
પ્રશ્ન: આનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે એવો ખોરાક ખાવો જેમાં આપણને દરરોજ જરૂરી આયોડિન મળે. આ વસ્તુઓમાં આયોડિન હોય છે:
- દૂધ, દહીં, માખણ, પનીર અને ચીઝ જેવા ડેરી ઉત્પાદનો
- ઈંડા
- ટુના માછલી (સમુદ્ર માછલી)
આયોડિનયુક્ત મીઠું પણ આયોડિનની ઊણપને ટાળવા માટે એક સારો અને અસરકારક માર્ગ છે. તેથી આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ રસોઈ અને ખાવામાં કરવો જોઈએ.
જો કોઈ વ્યક્તિ તેના આહાર માટે પ્રોસેસ્ડ ફૂડ પર આધાર રાખે છે, તો તેને આયોડિન માટે સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર પડી શકે છે કારણ કે મોટાભાગના પ્રોસેસ્ડ ફૂડમાં આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ થતો નથી.