31 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય બજારોમાં કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે. કેરી ઉનાળાના સૌથી પ્રિય ફળોમાંનું એક છે. તે માત્ર સ્વાદમાં જ અદ્ભુત નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
જોકે, કેરીની વધતી માગ વચ્ચે, કેટલાક લોકો તેને ઝડપથી પકવવા માટે રસાયણોનો આશરો લે છે. ખાસ કરીને આ માટે કેલ્શિયમ કાર્બાઇડ જેવાં ખતરનાક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.
આને ધ્યાનમાં રાખીને, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતર્ક રહેવા સૂચના આપી છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે FSS એક્ટ, 2006 અને તેના સંબંધિત નિયમો હેઠળ કડક કાર્યવાહી થવી જોઈએ.
તો, આજે કામના સમાચારમાં, આપણે વાત કરીશું કે, કેલ્શિયમ કાર્બાઇડથી પાકેલી કેરી ખાવી સ્વાસ્થ્ય માટે કેમ જોખમી છે? તમે એ પણ જાણશો કે-
- કેરી પકવવાની કુદરતી રીત કઈ છે?
- રસાયણોનો ઉપયોગ કરીને પકવેલા ફળો વેચવા બદલ કેવી કાર્યવાહી થઈ શકે?
નિષ્ણાત: ડૉ. પૂનમ તિવારી, સિનિયર ડાયેટિશિયન, ડૉ. રામ મનોહર લોહિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ, લખનૌ
ચતુર્ભુજ મીના, સ્ટેટ ફૂડ એનાલિસ્ટ, ઝારખંડ
પ્રશ્ન- કેલ્શિયમ કાર્બાઇડ શું છે?
જવાબ- કેલ્શિયમ કાર્બાઇડ એક રસાયણ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે ફેક્ટરીઓમાં થાય છે. કેટલાક લોકો ફળોને ઝડપથી પકવવા માટે તેનો ગેરકાયદેસર ઉપયોગ કરે છે. આવા ફળો બહારથી પાકેલા દેખાય છે, પરંતુ અંદરથી કાચા રહી શકે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ જ કારણ છે કે ભારત સરકારે ફળો પકવવામાં કેલ્શિયમ કાર્બાઇડના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.
પ્રશ્ન: કેલ્શિયમ કાર્બાઇડથી પાકેલી કેરી ખાવાથી કેવા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે?
જવાબ: સિનિયર ડાયેટિશિયન ડૉ. પૂનમ તિવારી કહે છે કે, કેલ્શિયમ કાર્બાઇડથી પાકેલી કેરીમાં કુદરતી મીઠાશ અને પોષણ ઓછું હોય છે. તે પાચનતંત્ર પર પણ અસર કરે છે. લાંબા સમય સુધી તેને ખાવાથી ગેસ, એસિડિટી અને લિવર ડિસઓર્ડર જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવી કેરીઓ ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી સ્ત્રીઓ માટે ખતરનાક બની શકે છે.

પ્રશ્ન: શું અગાઉ કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કરીને કેરી પકવવાના કિસ્સા નોંધાયા છે?
જવાબ: હા, આવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. 21 જૂન, 2024 ના રોજ, તમિલનાડુમાં ફૂડ સેફ્ટી વિભાગે એક મોટી કાર્યવાહી હાથ ધરી અને એક ગોદામમાંથી લગભગ ૭.૫ ટન કેરી જપ્ત કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે તે કેરીઓ કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કરીને કૃત્રિમ રીતે પકવવામાં આવી હતી.

પ્રશ્ન- રાસાયણથી પાકેલી કેરી કેવી રીતે ઓળખી શકાય? જવાબ- ઉનાળામાં બજારમાં રંગબેરંગી કેરીઓના ખડકલા હોય છે. કેરીના સ્વાદ, રંગ, સુગંધ અને બનાવટ પરથી તમે ઘણી હદ સુધી ઓળખી શકો છો કે તે કુદરતી રીતે પાકી છે કે રાસાયણિક રીતે. આ માટે, આ મુદ્દાઓ જુઓ-
રંગ દ્વારા ઓળખો જો કેરી બહારથી તેજસ્વી પીળી અને અંદરથી સખત હોય, તો તે રસાયણોનો ઉપયોગ કરીને પકવેલી હોઈ શકે છે. કુદરતી કેરીનો રંગ થોડો અસમાન હોય છે.
સુગંધ પર ધ્યાન આપો કુદરતી રીતે પાકેલી કેરીઓની સુગંધ મીઠી અને તાજી હોય છે, જ્યારે રસાયણોથી પકવેલી કેરીઓમાં સુગંધ હોતી નથી અથવા થોડી તીખી સુગંધ હોય છે.
સ્વાદ દ્વારા તફાવત સમજો રસાયણોથી પકવેલી કેરીનો સ્વાદ ખરાબ કે વિચિત્ર હોઈ શકે છે. તેમાં મિઠાશ ઓછી હોય છે.
સ્પર્શ દ્વારા કેરીની રચના પારખો જો કેરીને સ્પર્શ કરતાં ખૂબ નરમ અથવા તો ખૂબ જ કઠણ લાગે, તો તે કેમિકલથી પકવેલી હોઈ શકે છે. કુદરતી રીતે પાકેલી કેરીઓ થોડી નરમ હોય છે.
પ્રશ્ન: ઘરે કુદરતી રીતે કેરી કેવી રીતે પકવી શકાય?
જવાબ: ઘરે કેરી પકવવા માટે, તેને કાગળમાં લપેટીને ઓરડાના તાપમાને રાખો અથવા ભૂસામાં મૂકી રાખો. કેરી કુદરતી રીતે 2-3 દિવસમાં પાકી જશે. આ પદ્ધતિ સલામત છે. આવી કેરી ખાવાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી.
પ્રશ્ન: જો કોઈ દુકાનદાર રસાયણોનો ઉપયોગ કરીને કેરી પકવતો હોય, તો આપણે તેની વિરુદ્ધ ક્યાં ફરિયાદ કરી શકીએ?
જવાબ- દરેક રાજ્યમાં ખાદ્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગ હોય છે. તમે તમારા જિલ્લાના અધિકારીનો સંપર્ક કરી શકો છો. ઉપરાંત, આ મામલો જાહેર આરોગ્ય સાથે સંબંધિત છે, તેથી તમે પોલીસ અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ ફરિયાદ કરી શકો છો.
પ્રશ્ન: રસાયણોનો ઉપયોગ કરીને ફળો પકવવા બદલ કેવી કાનૂની કાર્યવાહી થઈ શકે?
જવાબ: ફૂડ સેફ્ટી ઓફિસર ચતુર્ભુજ મીણા કહે છે કે જો કોઈ દુકાનદાર કે વેપારી રસાયણોનો ઉપયોગ કરીને ફળો પકવતા પકડાય તો તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. આમાં ભારે દંડ, લાઇસન્સ રદ થવું અને જો જરૂરી હોય તો કાનૂની સજા પણ થઈ શકે છે.

નીચે આપેલા મુદ્દાઓ પરથી આ સમજો-
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ અધિનિયમ, 2006
આ કાયદા હેઠળ કેમિકલનો ઉપયોગ કરીને ફળો પકવવા ગેરકાયદેસર છે. આ માટે દંડ, લાઇસન્સ રદ કરવા અને કાનૂની સજાની પણ જોગવાઈ છે.
BNSની કલમ 149
જો કોઈ વ્યક્તિ આ રીતે કોઈપણ ખોરાક અથવા પીણામાં ભેળસેળ કરે છે, તો તેને છ મહિના સુધીની કોઈપણ પ્રકારની કેદની સજા અથવા દંડ (નિર્ધારિત મુજબ) અથવા બંને સજા થઈ શકે છે.
ગ્રાહક સુરક્ષા કાયદો
જો ગ્રાહકના સ્વાસ્થ્યને અસર થાય તો વેપારી સામે વળતર અને કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
પ્રશ્ન: શું ફક્ત કેરી જ કેમિકલથી પકાવાય છે?
જવાબ – ના, કેળા, પપૈયા, ચીકૂ વગેરે જેવા અન્ય ફળો પણ કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કરીને પકવવામાં આવે છે જે દરેકના સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરી શકે છે.