- Gujarati News
- Lifestyle
- It Is Very Important To Vaccinate Children Against Measles, Immunity Is The Only Protection
47 મિનિટ પેહલા
- કૉપી લિંક
યુરોપ અને મધ્ય એશિયાના દેશોમાં ઓરીનો રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ યુરોપના 41 દેશોના ડેટા જાહેર કરતા કહ્યું કે વર્ષ 2023માં યુરોપમાં ઓરીના કેસમાં લગભગ 45 ગણો વધારો થયો છે. 2022માં માત્ર 941 કેસ હતા, જે 2023માં વધીને 42,200 થઈ ગયા.
ઓરીના વધતા જતા પ્રકોપને જોતા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ તેના પર ચિંતા વ્યક્ત કરી છે. યુરોપમાં ડબ્લ્યુએચઓના પ્રાદેશિક નિર્દેશક ડો. હેન્સ હેનરી પી. ક્લુગે જણાવ્યું છે કે બાળકોને ઓરીથી બચાવવાનો એકમાત્ર રસ્તો રસીકરણ છે. આ ઇન્ફેક્શનને ઝડપથી રોકવા માટે રસીકરણને ઝડપી બનાવવાની જરૂર છે.
WHO અનુસાર, ભારતમાં પણ ઓરીની સ્થિતિ સારી નથી. યમન પછી ભારત વિશ્વનો બીજો એવો દેશ છે જ્યાં 2023માં સૌથી વધુ ઓરીના કેસ નોંધાયા છે.
આજે ‘તબિયતપાણી’માં આપણે ઓરી વિશે વાત કરીશું અને આ પ્રશ્નોના જવાબો જાણીશું-
- ઓરી શું છે? આ કેવી રીતે થાય છે?
- આ બીમારીની બાળકોના સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?
- બાળકોને ઓરીના ભયથી કેવી રીતે સુરક્ષિત કરી શકાય?
ઓરી શું છે અને તે શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે
- ઓરી એ પેરામિક્સોવાઇરસને કારણે થતો ચેપી રોગ છે. ઓરીથી પીડિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોઈપણ વ્યક્તિને ચેપ લાગી શકે છે.
- ઓરીના વાઇરસ મોં અને નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આ વાઇરસ શ્વસન માર્ગ દ્વારા ફેફસાંમાં પહોંચે છે. પછી મેક્રોફેજ અને ડેંડ્રિટિક કોષોને ચેપ લગાડે છે.
- આ બંને ફેફસાની પેશીઓમાં રહેલા રોગપ્રતિકારક કોષો છે, જે રોગો સામે લડવા, એન્ટિબોડીઝ ઉત્પન્ન કરવા અને શરીરને ચેપથી બચાવવા માટે કામ કરે છે.
- ઓરીનો વાઇરસ તે રીતે રોગપ્રતિકારક કોષો પર સીધો હુમલો કરે છે જેમ કોઈ દુશ્મન આવીને સીધો જ આપણા સુરક્ષા ગાર્ડ પર હુમલો કરે. આ સ્થિતિમાં, આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે પોતાને બચાવવાની શક્તિ નબળી પડી જાય છે અને આપણે ઇન્ફેક્શનનો શિકાર બનીએ છીએ.
આ વાઇરસ કયા લોકોને અસર કરે છે?
ઓરીના વાઇરસ બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધ લોકો અથવા નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ઝડપથી ચેપ લગાડે છે.
ઓરીના પ્રારંભિક લક્ષણો શું છે
ઓરીનું પ્રથમ લક્ષણ સામાન્ય રીતે તાવ છે, જે વાઇરસના સંપર્કમાં આવ્યાના લગભગ 10-12 દિવસ પછી શરૂ થાય છે. નીચે આપેલા ગ્રાફિકથી ઓરીના લક્ષણો વિશે જાણો-
કોરોના પછી ઓરીના કેસ કેમ ઝડપથી વધ્યા?
સમગ્ર વિશ્વમાં કોરોના રોગચાળા બાદ ઓરીના કેસમાં ઝડપથી વધારો થયો છે. WHO અનુસાર, કોરોના રોગચાળા દરમિયાન પ્રતિબંધોને કારણે,ઓરીના રસીકરણમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેના કારણે લાખો બાળકો રસીકરણથી વંચિત રહી ગયા હતા. આના કેટલાક મુખ્ય કારણો હતા. જેમ કે-
- કોરોના દરમિયાન વિશ્વભરમાં રસીકરણમાં ઘટાડો
- કોરોના દરમિયાન આરોગ્ય સુવિધાઓની અવ્યવસ્થા
- બાળકોને આરોગ્ય સુવિધાઓમાં લઈ જવાનો ભય
- કોરોના રસીકરણ અંગે ફેલાયેલી અફવાની અસર ઓરીના રસીકરણ પર પડી હતી
શા માટે બાળકો ઓરી માટે સંવેદનશીલ બને છે?
- મથુરાના બાળરોગ નિષ્ણાત ડૉ.અંશુ શર્મા કહે છે કે, જે બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અથવા જેઓ કુપોષિત હોય તેઓને ઓરીની અસર થવાની શક્યતા વધુ હોય છે.
- વિટામિન Aની ઉણપ ધરાવતા બાળકો માટે ઓરીનો વાઇરસ વધુ ખતરનાક છે.
- બાળકોને ઓરીથી બચવા માટે બે રસી આપવામાં આવે છે, છતાં લાખો બાળકો ઓરીથી મૃત્યુ પામે છે કારણ કે મોટાભાગના બાળકોને બીજી ઓરીની રસી મળતી નથી.
- તેના મુખ્ય કારણોમાં ગરીબી, અજ્ઞાનતા અને આરોગ્ય સુવિધાઓનો અભાવ છે.
ઓરી આંખની રોશની ગુમાવવાનું કારણ બની શકે છે
ઓરીના વાઇરસને કારણે અનેક ગંભીર રોગો પણ થાય છે. ડબ્લ્યુએચઓ અનુસાર, દર વર્ષે વિશ્વભરમાં 60 હજારથી વધુ બાળકો આ વાઇરસને કારણે તેમની આંખોની રોશની ગુમાવે છે. ઓરીનો વાઇરસ કોર્નિયલ એપિથેલિયમ અને કોન્જુક્ટીવા (પાતળી પટલ) ને અસર કરે છે, જે આંખના કોર્નિયાને સીધી અસર કરે છે.
આ સાથે ઓરીના વાઇરસથી અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.
ઓરીને રોકવા માટે રસીના બે ડોઝ જરૂરી છે
ઓરીના વાઇરસને રોકવા માટે એમએમઆર (ઓરી, ગાલપચોળિયાં, રૂબેલા) રસી આપવામાં આવે છે. આ રસી ઓરી અને ગાલપચોળિયાં અને રૂબેલા સામે પણ રક્ષણ આપે છે. MMR રસી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ રસી આપ્યા પછી, જ્યારે પણ શરીર પર વાઇરસનો હુમલો થાય છે, ત્યારે રસીના કારણે શરીરમાં વિકસિત એન્ટિબોડીઝ વાઇરસની અસર ઘટાડે છે અને તેને ચેપ લાગતો અટકાવે છે.
આ રસી બે વાર આપવામાં આવે છે. MMR રસીના બે ડોઝ ઓરીના વાઇરસને રોકવામાં લગભગ 97% અસરકારક છે.
- પ્રથમ ડોઝ 12 થી 15 મહિનાની ઉંમરના બાળકોને આપવામાં આવે છે.
- બીજો ડોઝ 4 થી 6 વર્ષની ઉંમરે આપવામાં આવે છે.
- જો રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો 12 થી 15 વર્ષની વયના બાળકોને MMR નો બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે.
ઓરીના વાઇરસથી બચવા માટે સાવચેતી રાખો
ડો. અંશુ શર્મા જણાવે છે કે, ઓરીથી બચવા માટે રસીકરણ જરૂરી છે. તેમજ થોડી સાવચેતી રાખવામાં આવે તો ઓરીથી બચી શકાય છે.
આ માટે ચાલો નીચે આપેલા મુદ્દાઓ જોઈએ-
બાળકો માટે
- બાળકના જન્મ પછી, રસીકરણનું સમયપત્રક હૉસ્પિટલમાંથી ઉપલબ્ધ છે. તદનુસાર, બાળકને સમયસર તમામ રસીકરણ કરાવો.
- બાળકને 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ જ પીવડાવો.
- 6 મહિના પછી બાળકને દૂધ, દાળ કે ખીચડી ખવડાવો.
- બાળકને ચેપી રોગોથી પીડાતા દર્દીઓથી દૂર રાખો.
- જો ઘરમાં કોઈ બાળકને ઓરી હોય તો અન્ય બાળકોને તેનાથી દૂર રાખો.
- યાદ રાખો, ચેપ સામે લડવાનું સૌથી મોટું શસ્ત્ર શરીરની રોગપ્રતિકારક શક્તિ છે. બાળકની ખાનપાન અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
પુખ્ત વયના લોકો માટે
- સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, કિશોરો અને પુખ્ત વયના લોકો કે જેમણે બાળપણમાં ઓરીની રસી ન લીધી હોય અથવા જેમના શરીરમાં કોઈ કારણસર અનુરૂપ એન્ટિબોડીઝ ન હોય, તેમણે પણ 28 દિવસના ગાળામાં બે MMR રસી લેવી જોઈએ.