3 કલાક પેહલાલેખક: શિવકાંત શુક્લ
- કૉપી લિંક
આપણા શરીરને સ્વસ્થ રાખવામાં કિડની ખૂબજ મહત્તની ભૂમિકા ભજવે છે. તે લોહીમાંથી કચરો ફિલ્ટર કરે છે અને પેશાબ દ્વારા તેને બહાર કાઢે છે. કિડની 24 કલાક સતત કામ કરે છે, ક્યારેય પણ રોકાયા વિના.
જો કિડનીમાં કોઈ સમસ્યા હોય તો લોહીમાં ઝેરી પદાર્થો જમા થવા લાગે છે. આનાથી કિડની ફેલ્યોર અને હૃદય રોગ જેવી ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી અનુસાર, વિશ્વમાં લગભગ 850 મિલિયન લોકો કિડનીના રોગથી પીડાય છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, ભારતમાં 80 લાખથી વધુ લોકો ક્રોનિક કિડની રોગથી પીડાય છે. દર વર્ષે દેશમાં લગભગ 2.2 લાખ નવા દર્દીઓને ડાયાલિસિસની જરૂર પડે છે.
કિડનીના રોગનું સૌથી મોટું કારણ ખરાબ જીવનશૈલી છે. જોકે, જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે આપણું શરીર કેટલાક ચોક્કસ સંકેતો આપે છે. આ સંકેતોને અવગણવાથી જોખમ વધી શકે છે.
તેથી આજે તબિયતપાણી આપણે કિડની સંબંધિત સમસ્યાઓ વિશે વાત કરીશું. તમે એ પણ જાણશો કે-
- કિડનીની સમસ્યા હોય ત્યારે શરીર કેવા પ્રકારના સંકેતો આપે છે?
- આપણી કઈ ખરાબ આદતો કિડનીને નુકસાન પહોંચાડે છે?
કિડની શરીરમાંથી લોહી ફિલ્ટર કરે છે
કિડની શરીરમાં રહેલા ઝેરી તત્ત્વો, વધારાનું પાણી અને ખાંડને લોહીમાંથી દૂર કરવાનું કામ કરે છે. તે શરીરમાં પાણી, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને અન્ય ખનિજોનું સંતુલન જાળવી રાખે છે. આનાથી શરીરના બધા જ ભાગો સારી રીતે કાર્ય કરે છે. કિડની બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત, કિડની વિટામિન ડીને તેના સક્રિય સ્વરૂપ (કેલ્સીટ્રિઓલ) માં રૂપાંતરિત કરે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે.
જ્યારે કિડનીમાં સમસ્યા હોય છે, ત્યારે શરીર આવા સંકેતો આપે છે
જ્યારે કિડનીમાં કોઈ સમસ્યા સર્જાય છે, ત્યારે આપણું શરીર કેટલાક સંકેતો આપે છે, જેના પર ધ્યાન આપવાની જરૂર છે. આ ચિહ્નો કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થવાને કારણે હોઈ શકે છે.
જ્યારે કિડની શરીરમાંથી કચરો અને વધારાનું પ્રવાહી યોગ્ય રીતે દૂર કરવામાં અસમર્થ હોય છે, ત્યારે પગ, ઘૂંટી અથવા ચહેરાની આસપાસ સોજો આવી શકે છે. આ ઉપરાંત, શરીરમાં લોહીની ઊણપ પણ સર્જાઈ શકે છે. આનાથી થાક અને નબળાઈ લાગી શકે છે. જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરતી નથી, ત્યારે શરીર બીજા ઘણા સંકેતો આપે છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજો-

કિડની ડિસીઝ સીધી રીતે ખરાબ જીવનશૈલી સાથે સંબંધિત છે
આપણી જીવનશૈલીની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. ખરાબ ટેવો જેવી કે બિનઆરોગ્યપ્રદ આહાર, ઊંઘનો અભાવ, ધૂમ્રપાન અને દારૂ પીવાથી કિડનીના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ખરાબ ખાવાની આદતો જેમ કે વધુ પડતું તેલયુક્ત, ખાંડયુક્ત અને પ્રોસેસ્ડ ખોરાક કિડની પર દબાણ લાવે છે.
કસરતના અભાવે શરીરમાં ચરબી જમા થવા લાગે છે, જે સ્થૂળતા અને હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે. આનાથી કિડની પર વધારાનું દબાણ પડે છે.
ઊંઘનો અભાવ શરીરમાં બળતરા, તણાવ અને હોર્મોનલ અસંતુલનનું કારણ બની શકે છે, જે કિડનીના કાર્યમાં અવરોધ ઉભો કરે છે. આ સિવાય, બીજી ઘણી ખરાબ ટેવો છે જે કિડની પર ખરાબ અસર કરે છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજો-

કિડની રોગ માટે જોખમી પરિબળો
કિડની ડિસીઝ પાછળનું સૌથી મોટું કારણ ખરાબ જીવનશૈલી છે. જોકે, કેટલાક લોકોને વધુ જોખમ હોય છે. જેમ કે-
- જેમને પહેલાથી જ હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ છે.
- જેમને પહેલાથી જ હૃદયરોગ છે.
- જે લોકોનું વજન વધારે છે અથવા મેદસ્વીતાથી પીડાય છે.
- જેમના પરિવારમાં કોઈને કિડનીની બીમારી છે.
- જે લોકો વધુ પડતી માત્રામાં પેઇનકિલર્સ અથવા એન્ટિબાયોટિક્સનું સેવન કરે છે.
- જે લોકો ધૂમ્રપાન કરે છે અથવા દારૂ પીવે છે.
- જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે.

કિડની ડિસીઝ સંબંધિત કેટલાક સામાન્ય પ્રશ્નો અને જવાબો
પ્રશ્ન- શું કિડની ડિસીઝની સારવાર શક્ય છે? જવાબ: કિડની ડિસીઝની સારવાર તેની ગંભીરતા અને કારણના આધારે કરવામાં આવે છે. જો આ સ્થિતિ ક્રોનિક હોય તો તેનો કોઈ કાયમી ઈલાજ નથી. જોકે, કેટલીક સારવારો અને જીવનશૈલીમાં ફેરફાર કિડનીની કામગીરી જાળવી રાખવામાં મદદ કરી શકે છે.
શરૂઆતમાં કેટલીક દવાઓથી તેને નિયંત્રિત કરવામાં આવે છે. જો કિડનીનું કાર્ય ખૂબ ધીમું થઈ જાય તો ડાયાલિસિસ આપવામાં આવે છે. આમાં મશીન દ્વારા લોહી સાફ કરવામાં આવે છે. બીજી બાજુ, જો કિડની સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દે તો કિડની ટ્રાન્સપ્લાન્ટ એકમાત્ર વિકલ્પ છે.
પ્રશ્ન: કિડનીના રોગથી બચવા માટે ખોરાકમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જવાબ: યુરોલોજિસ્ટ ડૉ. શ્રેય જૈન કહે છે કે, આ માટે તમારા આહારને સ્વસ્થ રાખવો ખૂબ જ જરૂરી છે. વધારે મીઠું અને ખાંડનું સેવન ન કરો. પ્રોટીનનું સેવન ઓછું કરો. કિડનીને હાઇડ્રેટ રાખવા માટે પૂરતું પાણી પીવો. તમારા આહારમાં ફળો અને લીલા શાકભાજીનો સમાવેશ કરો. જો તમે પહેલાથી જ કિડનીની બીમારીથી પીડાતા હોવ તો તમારા આહાર અંગે ડૉક્ટરની સલાહ લો.
પ્રશ્ન- કિડની રોગ કેવી રીતે શોધી શકાય છે? જવાબ- કિડની રોગ કેટલાક પરીક્ષણો દ્વારા શોધી શકાય છે. આ માટે ક્રિએટિનિન ટેસ્ટ છે. આ એક કચરો છે, જે કિડની દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. જો કિડની યોગ્ય રીતે કામ ન કરે, તો ક્રિએટિનિન સ્તર શરીરમાં વધુ હોઈ શકે છે.
આ ઉપરાંત બ્લડ ટેસ્ટ, યૂરિન ટેસ્ટ, અલ્ટ્રાસાઉન્ડ અને કિડની બાયોપ્સી દ્વારા કિડનીની સ્થિતિ શોધી કાઢવામાં આવે છે.
પ્રશ્ન- કઈ પરિસ્થિતિઓમાં કિડની ફેલ્યોર થઈ શકે છે? જવાબ- લોહીમાં ખાંડનું પ્રમાણ વધી જવું, હાઈ બ્લડ પ્રેશર, કિડનીમાં ચેપ, કિડનીમાં પથરી અને હૃદય રોગને કારણે કિડની ફેલ્યોર થઈ શકે છે.