‘અત્યારે મારી ઉંમર 45 વર્ષની છે. બેરિયાટ્રિક સર્જરી કરાવી તે પહેલાં મારું વજન 132 કિલો હતું. આમ તો હું નાનપણથી જ હેલ્ધી હતી. પછી ધીમે ધીમે વજન વધતું જ ગયું. ઉપરથી ઘરમાં અમે બધાં ખાવાપીવાનાં શોખીન. તમે નહીં માનો પણ હું દરરોજ 750 મિલિની કોલ્ડ ડ્રિંકની
.
પોતાની વેઇટ લોસ જર્ની વિશે આ વાત કરી રહ્યાં છે અમદાવાદનાં નેહાબેન પટેલ
ઓબેસિટી પરની સ્પેશિયલ સિરીઝ ‘ફેટ ટુ ફિટ’ના આ ચોથા અને છેલ્લા એપિસોડમાં આપણે વાત કરીશું બેરિયાટ્રિક સર્જરી કરાવીને લિટરલી ફેટમાંથી ફિટ થનારાં લોકો સાથે. ચમત્કારિક રીતે શરીર પરથી ચરબી ઓગાળીને એકદમ સ્લિમ-ટ્રિમ બનાવી દેતી આ સર્જરીનો અનુભવ કેવો રહે? તેના પરથી ખરેખર એવા ચમત્કારિક ફેરફારો થાય? આવો, જેમણે આ સર્જરી કરાવી છે એમની જ પાસેથી જાણીએ.
નેહા પટેલ સાથે વાતનો તંતુ ફરીથી સાધીએ. નેહાબહેન સ્વીકારે છે કે મારી લાઇફસ્ટાઇલ અત્યંત ખરાબ હતી અને ઉપરથી હું ક્યારેય એક્સર્સાઇઝ કરતી નહોતી. પરંતુ રોજ પોણો લિટર કોલ્ડડ્રિંક પીવા જેવી અત્યંત જોખમી ફૂડ હેબિટ વિશે પરિવારમાંથી કોઇએ કશું કહ્યું નહીં? નેહાબહેન કહે, ‘મારા ઘરમાં બધા જ ફૂડ લવર્સ છે. નાની હતી ત્યારે મારા પપ્પાએ અમદાવાદની એક પણ રેસ્ટોરાંમાં જવાનું બાકી નહોતું રાખ્યું. અમે દર રવિવારે લો ગાર્ડન જતાં ને ત્યાંના દાળવડાં-સમોસા અચૂકથી ખાતાં. મમ્મી થોડું ઘણું બોલતી. લગ્ન થયા પછી પતિ પણ એટલા જ ફૂડી હતા એટલે તેમણે મને ક્યારેય જમવા અંગે ટોકી નથી. આ જ કારણે મારું વજન વધતું જ ગયું.’
‘જિમ-ડાયટિશિયન ને વેઇટ લોસ પ્રોડક્ટ પાછળ 3-4 લાખ ખર્ચ્યા’ નેહાબેન કહે છે, ‘લગ્ન કરવાની ઉંમરે મારું વજન 80-85-88 કિલોની આસપાસ હતું. સારા છોકરા મળવામાં મને મારું વજન નડવા લાગ્યું એટલે પછી વજન ઉતારવા વિશે ધ્યાન આપ્યું. શરૂઆતમાં ઘરગથ્થુ ઉપાયો અજમાવ્યા. રોટલી ઘી ચોપડ્યા વગરની બે જ ખાતી. જોકે, ખાસ ફેર પડ્યો નહીં. પછી ડાયટિશિયન પાસે ગઈ. જિમ જોઇન કર્યું. જોકે, આ બધું લાંબું ટકતું નહીં. છ-આઠ મહિના સુધી ચાલે અને પછી છૂટી જાય. આનાથી પણ કંઈ ફેર ન પડ્યો તો વેઇટ લોસની વિવિધ પ્રોડક્ટ્સ હર્બા લાઇફ, ન્યૂટ્રી લાઇફ અજમાવ્યાં. એક એલોવેરા જેલ આવતી, જેમાં તમારે ડાયટ નહીં કરવાનું, પણ શરીરના જે ભાગમાં ચરબી વધારે હોય ત્યાં લગાડી દેવાની. સાચું કહું તો મારા સમયમાં જેટલી પણ વેઇટ લોસની પ્રોડક્ટ માર્કેટમાં આવી હશે તે તમામે તમામનો ઉપયોગ કર્યો.
જોકે, જ્યારે જ્યારે આ બધું છોડ્યું ત્યારબાદ મારું વજન પૂરઝડપે વધીને ડબલ થઇ જતું. આ બધા પાછળ મેં 3-4 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હશે. મેં એક્સર્સાઇઝ-ડાયટ કરીને 15-20 કિલો વજન ઉતાર્યું, પણ જેવું બંધ કર્યું એટલે વજન ડબલ થઈ જાય.’ નેહાબેન ઉમેરે છે, ‘મારાં લગ્ન 24 વર્ષની ઉંમરે થઈ ગયાં. ભગવાનની કૃપાથી પ્રેગ્નન્સીમાં કોઈ સમસ્યા ના આવી. લગ્નના એક વર્ષ બાદ જ દીકરાનો જન્મ થયો.’
‘મનગમતાં કપડાં પહેરી શકતી નહોતી’ વજન વધારે હોવાને કારણે પડેલી મુશ્કેલીઓ યાદ કરીને નેહાબેન કહે છે, ‘મને કપડાં પહેરવામાં, હરવા-ફરવામાં ઘણી જ મુશ્કેલી પડતી. મારે જે કપડાં પહેરવાં હોય તે મારા માપમાં મળે નહીં. આ ઉપરાંત પછી સોશિયલ ગેધરિંગ, લગ્ન કે મોલમાં ગયા હોઈએ તો મને સતત એમ જ લાગે કે વજન વધારે હોવાને કારણે બધા મારી સામે જ જુએ છે. આત્મવિશ્વાસ ધીમે ધીમે ઘટતો ગયો. કોઈના પ્રસંગમાં જવું પડે એટલે જાઉં તો ખરી, પણ ખૂણામાં જઈને બેસી જાઉં. શોપિંગ કરવા જાઉં તો વાહન છેક ગેટ સુધી ઊભું રાખવું પડે, કારણ કે હું થોડું પણ ચાલી શકતી નહીં. મને મોં પર ક્યારેય કોઈએ ‘જાડી’ કે એવું કંઈ સંભળાવ્યું નથી. મેરેજ નહોતાં થયાં ત્યારે એવું ઘણા કહેતા કે થોડું વજન ઉતાર નહીંતર તારાં લગ્ન નહીં થાય, તને સારો છોકરો-ઘર નહીં મળે. ઓછા પૈસાવાળો મળશે તો સંઘર્ષ કરવો પડશે તો શું કરીશ? મને લાગે છે કે પીઠ પાછળ તો બધા મને જાડી કહેતાં જ હશે. લગ્ન થયાં પછી સાસુ-સસરાએ ક્યારેય આવી વાતો નથી કરી. સંબંધીઓ હંમેશાં કહે કે તારું તો લગ્ન પછી પણ વજન વધી ગયું. સતત આ રીતની વાતોને કારણે પછી તો હું કોઈ પ્રસંગમાં પણ જતી નહોતી. ક્યાંય બહાર જાઉં તો પહેલા ખુરશી શોધીને બેસી જતી, કારણ કે ઉભા રહેવાય નહીં. જમવાનું હોય તો સૌ પહેલાં ટેબલ ને ખુરસી શોધીને રાખતી. ‘
’25 વર્ષની ઉંમરે બ્લડ પ્રેશરની સમસ્યા થઈ’ વજન વધારે હોવાને કારણે કેવી કેવી શારીરિક તકલીફો પડે તે અંગે નેહાબેન કહે છે, ‘ઢીંચણનો દુખાવો તથા બ્લડ પ્રેશરની સમસ્યા થઈ. ત્યારે હું માત્ર 25 વર્ષની જ હતી. લાંબો સમય ઊભાં રહીને રસોઈ પણ કરી શકતી નહોતી. મેં રસોડામાં ખાસ ટેબલ બનાવડાવ્યું હતું અને તેના પર બેસીને જ કામ રસોઈ બનાવતી. કમરનો દુખાવો પણ થતો.’
‘વજનને કારણે ગરબા રમી શકતી નહોતી’ નેહાબેન કહે છે, ‘ગરબાની હું શોખીન હતી. ઢીંચણ-કમરનો દુખાવો અને વજન વધારે હોવાને કારણે શ્વાસ ચઢે… આ બંને વસ્તુ તમને ગરબા રમવાના બંધ કરાવી દે. શરૂઆતમાં ગરબા રમતી, પરંતુ વજન વધતાં ગરબા રમવાનાં સંપૂર્ણ બંધ કરી દીધાં હતાં.’
‘સર્જરી કરાવવાનું નક્કી કર્યું’ વાત ઉમેરતાં નેહાબેન જણાવે છે, ‘મારું વજન 100 કિલોની ઉપર ગયું ત્યારે લાગ્યું કે હવે મારું વજન ડાયટ ને એક્સર્સાઇઝથી ઊતરશે નહીં. પછી મને બેરિયાટ્રિક સર્જરીનો વિચાર આવ્યો. મમ્મીએ ઓલરેડી આ સર્જરી કરાવેલી હતી. તેમનું પરિણામ મારી સામે જ હતું. મમ્મીએ જ પછી મને સર્જરી કરાવવાની સલાહ આપેલી. પછી મને થયું કે હવે સર્જરી સિવાય કોઈ કાળે વજન ઊતરી શકશે નહીં. પછી સર્જરીનું નક્કી કર્યું. હું ડૉ. મનીષ ખૈતાન પાસે જ ગઈ. તેમણે મારો BMI (બોડી માસ ઇન્ડેક્સ) કરાવ્યો, તમામ રિપોર્ટ્સ ચેક કર્યા. મારો BMI 34-35ની આસપાસ હતો અને સર્જરી કરવી પડે તેમ જ હતી.’
‘સર્જરી પાછળ સાડા ત્રણ લાખ રૂપિયા ખર્ચ્યા’ નેહાબેન કહે છે, ‘ડૉક્ટરે મને વિગતે સર્જરી અંગે સમજાવ્યું. સર્જરી બાદ શું થશે, શું ધ્યાન રાખવાનું, કેવી રીતે જમાશે તે અંગે વાત કરી. ત્યારબાદ સર્જરી કરાવવાનું સાત દિવસ બાદ નક્કી કર્યું. સર્જરી માટે મેન્ટલી પ્રિપેર થવા માટે આટલો સમય લીધો. ડૉક્ટરને ત્યાં જ આ ડર દૂર કરવામાં આવ્યો હતો અને મને સમજાવવામાં આવી કે આ સર્જરી એવી કોઈ ગંભીર નથી. હૉસ્પિટલમાં ત્રણ દિવસ રાખશે ને ચોથા દિવસથી જ વ્હીકલ ચલાવી શકાશે. તમે રૂટિન નાનાં-નાનાં કામ કરી શકશો. 21 દિવસ બાદ ઘરનાં તમામ કામે જાતે થઈ શકશે. આ ઉપરાંત દીકરો દસમા ધોરણમાં હતો એટલે મને થોડું ટેન્શન હતું. પછી હૉસ્પિટલમાં એડમિટ થઈ ને સર્જરી દોઢથી બે કલાક ચાલી. ત્રણ દિવસ બાદ રજા મળી ગઈ. મેં સર્જરી કરાવી ત્યારે મેડિક્લેમમાં બેરિયાટ્રિક સર્જરી પાસ થતી નહોતી. તે સમયે આ સર્જરી કોસ્મેટિક સર્જરી કહેવામાં આવતી. ખર્ચો અંદાજે સાડા ત્રણ લાખ રૂપિયા થયો હતો. ઓગસ્ટ, 2018માં સર્જરી કરાવી.’
‘આજે ડેઇલી દસ કિમી સાયકલિંગ કરું છું’ નેહાબેન સર્જરી બાદ રિકવરી અંગે વાત કરતાં કહે છે, ‘ઘરે આવ્યા બાદ એકદમ સારું લાગતું. હું રસોઈ કરી શકતી. કચરા-પોતાં-વાસણ તમે સર્જરીના 21 દિવસ બાદ કરી શકો. તમે વાહન પણ ચલાવી શકો. સર્જરી પહેલાં હું બપોરે એકથી છ વાગ્યા સુધી પથારીમાં જ પડી રહેતી, પરંતુ સર્જરીના સાત દિવસ બાદ હું પથારીમાં હું અડધો કલાક આરામ કરતી અને પછી આખી બપોર ડાઇનિંગ ટેબલ પર બેસતી. જેમ જેમ વેઇટ લોસ થયું તેમ તેમ મને સારું ફીલ થવા લાગ્યું. એક વીક પછી મારું વજન પાંચથી સાત કિલો ઊતરી ગયું. એ પછી મેં ઘડિયાળના કાંટે ચાલવાનું શરૂ કર્યું. પાંચ મિનિટ ચાલું ને પાંચ મિનિટ બેસી જાઉં એ રીતે 30 મિનિટ ચાલતી. પછી કલાક ચાલતી થઈ. હવે હું રોજ દસ કિમી સાયકલિંગ કરું છું. ચારેક મહિનાની અંદર મારું વજન 100 કિલોની અંદર આવી ગયું ને બીજા છ મહિના બાદ મારું વજન ઘટતું ગયું ને છેલ્લાં કેટલાંય વર્ષથી મારું વજન 63 કિલો છે અને મેં સહેજ પણ વધવા દીધું નથી.’

‘સમય જતાં ખોરાક વધે જ છે’ સર્જરી બાદ તમારી ખાવાની ક્ષમતા ઘટી જતી હોવાનું માનવામાં આવે છે. આ અંગે નેહાબેનને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ‘એવું નથી. શરૂઆતના દિવસોમાં તમને ભૂખ ન લાગે, પરંતુ પછી તમને ભૂખ લાગે જ છે. જેમ સમય જાય તેમ તમારો ખોરાક વધે જ છે.’
નેહાબેન ડાયટ અંગે કહે છે, ‘હું પ્રોટીન ડાયટમાં માનું છું એટલે હું જ્યારે પણ જમું ત્યારે મારા જમવામાં વધુમાં વધુ પ્રોટીન મળે તેનું ધ્યાન રાખું. ચીટ ડે ક્યારેય હોતો નથી. બહુ જ ઈચ્છા થાય તો ચીટ મીલ હોય છે. આખા દિવસમાં એક એકાદવાર હું ચીટ ફૂડ લઉં. પહેલા સાત દિવસે કોઈ એકાદ મીલ લેતી, હવે તો પંદર દિવસે એકાદવાર ચીટ મીલ કરું. મેનોપોઝને કારણે મને ખાવાનું સખત ક્રેવિંગ થાય ત્યારે હું ચીટ મીલ કરી લેતી હોઉં છું. ચીટ મીલમાં હું ચોકલેટ, પિત્ઝાનો એક પીસ લેવાનું પસંદ કરું.’
‘બહાર જાઉં તો પહેલાં સૂપ પીઉં’ નેહાબેન, હવે તમે કોઈ પાર્ટી કે સોશિયલ ગેધરિંગમાં જમવા જાઓ ત્યારે શું કરો? નેહાબેન કહે, ‘હું બાઉલ ભરીને સૂપ પી લઉં એટલે અડધું પેટ તો ભરાઈ જ જાય. ત્યારબાદ ભાત ઓછો ને દાળ વધારે હોય તે રીતે દાળ-ભાત ખાઈ લઉં. તળેલું બિલકુલ ખાતી નથી સાચું કહું તો, હવે મારો માઇન્ડસેટ એવો થઈ ગયું છે કે મને ગળ્યું ભાવતું નથી. એક સમયે હું જમ્યા બાદ ત્રણ આઇસક્રીમ ખાઈ જતી.’
‘સાઉથ ઇન્ડિયન ફૂડ જ લઉં’ હોટલમાં જવાની ઈચ્છા થાય? સવાલ સાંભળતાં નેહાબેન હસી પડે છે, ‘સર્જરી પહેલાં હું શનિ-રવિ બહાર જ જમતી. હવે તો બહારનું ખાવાની ઈચ્છા થતી નથી. હવે મને ઈચ્છા થતી નથી. જો બહાર જમવાનું જોરદાર મન થાય તો હું સાઉથ ઇન્ડિયન ફૂડ જ જમું. બ્રેડ બિલકુલ ખાતી નથી. બહાર જાઉં તો પણ એ વાત પહેલાં જોઉં કે કઈ વસ્તુ મારા માટે હેલ્ધી છે. બહાર જાઉં છું, પરંતુ હેલ્થનું પૂરતું ધ્યાન રાખીને જ જમું છું.’
‘સર્જરી બાદ આત્મવિશ્વાસમાં વધારો થયો’ ‘સર્જરી કરાવ્યા પછી જે કામ થતાં નહોતાં તે થવા લાગ્યાં. ઇઝીલી સવારથી સાંજ સુધી ઊભાં રહીને કામ થઈ શકે છે. ચાલી શકાય છે, હરી-ફરી શકું છું. બ્લડ પ્રેશર જતું રહ્યું. સર્જરીના એક જ વીકમાં બ્લડ પ્રેશરની દવા બંધ થઈ ગઈ. મનગમતાં કપડાં પહેરી શકું છું. કોરોનાકાળ બહુ જ સહજતાથી પસાર કર્યો. હું મારા પતિને સતત કહેતી કે જો મેં સર્જરી ના કરાવી હોત તો આ સમય બહુ જ મુશ્કેલ થઈ જાત. હવે તો ઘરની બહાર નીકળવાનો કંટાળો આવતો નથી.’ આત્મવિશ્વાસમાં ઘણો વધારો થયો હોવાનું પણ નેહાબેન ઉમેરે છે.
‘સર્જરીને કારણે જીવનનાં પાંચ વર્ષ વધી જશે’ છેલ્લે સલાહ આપતાં નેહાબેન કહે છે, ‘જો તમને ડૉક્ટરે સલાહ આપી હોય તો બેરિયાટ્રિક સર્જરી કરાવવી જ જોઈએ. ઓબેસિટી હોય પણ તમને કોઈ તકલીફ ના હોય તો પણ કરાવવી. ઓબેસિટી તમારું શરીર અંદરથી ખોખલું કરી નાખશે. સર્જરી પહેલાં તમે માત્ર જીવન જીવો છો, પરંતુ સર્જરી બાદ તમે જીવનને સારી રીતે માણી શકશો ને હેલ્ધી જીવન જીવશો.. તમારાં જીવનમાં પાંચ વર્ષ વધી જશે.’

હવે મળીએ અમદાવાદના 42 વર્ષીય બિઝનેસમેન ચિંતન અમીનને. તેઓ પણ બેરિયાટ્રિક સર્જરી કરાવીને ફેટ ટુ ફિટ થયા છે. એમનો અનુભવ કેવો રહ્યો?
બેઠાડુ લાઈફસ્ટાઇલે પાળ પીટી ચિંતનભાઇએ પોતાની વાતની શરૂઆત કરી, ‘મેં લંડન અને ઓસ્ટ્રેલિયાથી મારી કોલેજ કરી છે. એ ટાઈમે મારું વજન 70-80 કિલો રહેતું, પણ જ્યારે ઈન્ડિયા આવ્યો અને અહીં બિઝનેસ શરૂ થયો એટલે બેઠાડુ જીવન થઈ ગયું અને વજન વધી ગયું. એ વખતે મારું વજન વધીને 95-100 કિલો પર પહોંચ્યું. પછી મારી બેઠાડુ લાઇફસ્ટાઇલ અને તેમાં હોર્મોનલ ઇશ્યૂઝ પણ ભળ્યા. 98 કિલો પછી મેં એક દિવસ વજન કરાવ્યું ત્યારે એ સીધું 125 કિલોગ્રામ પર પહોંચી ગયેલું! મને જબરદસ્ત આંચકો લાગ્યો.’
મિત્રોથી લઈ સંબંધીઓ બધા જ ટોણા મારે રાખે પણ ચિંતનભાઇ, સામાન્ય રીતે શરીરનું વજન એક હદથી વધે એટલે બીજી મુશ્કેલીઓ પણ શરૂ થતી હોય છે. તમારે એવી કોઇ તકલીફો હતી ખરી? ‘હાસ્તો’, ચિંતન અમીન કહે, ‘પહેલું તો લોકોની સામે જવામાં પણ મુશ્કેલીઓ થતી. બધી વાતમાં લોકોનું ધ્યાન મારા ભારેખમ શરીર પર જ હોય, એટલે ધીમે ધીમે મારો કોન્ફિડન્સ તળિયે જઇને બેઠો. સારા પ્રસંગોમાં જવું હોય તો મારાં માપનાં કપડાં ન મળે. પ્લસ, વાતવાતમાં મિત્રોથી લઈ સંબંધીઓ બધા જ ટોણા મારે રાખે. વાતચીતમાં પણ કહ્યે રાખે, તમારે તો બધુ એકને બદલે બે જોઈશે, ઈકોનોમિક ક્લાસની પ્લેનની સીટમાં તો તમે બેસી પણ નહિ શકો.’
‘આ ઉપરાંત શારીરિક રીતે પણ પ્રશ્નો થવા માંડેલા. મને શ્વાસમાં પ્રોબ્લેમ થવા માંડ્યો હતો. રાત્રે બ્રીધિંગ મશીન વિના સૂઈ નહોતો શકતો. કોલેસ્ટેરોલ વધી ગયું હતું, એનર્જી લેવલ ઘટી ગયેલું. દોડવું તો દૂર, ચાલવામાં પણ પ્રોબ્લેમ થતો. ઘૂંટણમાં એટલો દુખાવો થતો કે બે સીડી પણ નહોતો ચડી શકતો. મારું શુગર લેવલ પ્રિડાયાબિટિક થઈ ગયું હતું.’
સર્જરી સિવાય કોઈ ઓપ્શન જ નહોતો બચ્યો પરંતુ તમે વજન ઘટાડવા માટે કોઈ પ્રયાસો કરેલા ખરા? ચિંતનભાઈ કહે, ‘અરે, કેટલાય ડાયટ પ્લાન ફોલો કર્યા. કેટલાય ન્યુટ્રિશન કોચને ફોલો કર્યા. એક્સર્સાઈઝ માટે ટ્રેઈનર રાખ્યા. દરેક પ્રકારની દવાથી લઈ કોઈએ પણ કંઈ પણ કહ્યું એ બધુ જ ટ્રાય કર્યું. પણ કોઈ ફરક ન પડ્યો. પછી ખબર પડી કે મારી વાઈફના કઝીને બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી. એટલે એમનું મારા ધ્યાને આવ્યું અને હું બેરિયાટ્રિક સર્જન ડૉ. અનિષ નાગપાલને મળ્યો.’ પછી તમે સર્જરી કરાવી લીધી? ‘ના, પહેલાં તો લાઇફસ્ટાઇલ સુધારી.’ ચિંતનભાઇ કહે છે, ‘ડૉ. નાગપાલે મને મારું વજન અચાનક આટલું બધું વધી જવાનું કારણ સમજાવ્યું. એમણે મને બેઝિક ડાયટ પ્લાન આપ્યા અને કહ્યું કે 6 મહિના સુધી આ ફોલો કરો. પછી જોઇએ. મેં 6 મહિના પાલન કર્યું, પણ ફરક ન પડ્યો. પછી બેરિયાટ્રિક સર્જરીનો વિકલ્પ પસંદ કરવો પડ્યો.’
બે કલાકની સર્જરી અને બે દિવસમાં ડિસ્ચાર્જ કેટલા દિવસમાં સર્જરી થઈ? ચિતનભાઈ કહે, ‘બે જ દિવસમાં બધુ પૂરું થઈ ગયું હતું. સર્જરી પછીના બે દિવસમાં તો મને ડિસ્ચાર્જ પણ મળી ગયું હતું અને અઠવાડિયામાં તો પૂરી રિકવરી આવી ગઈ હતી. હોસ્પિટલ ચાર્જ, સર્જરી અને બધી દવાઓ મળી કુલ પાંચ લાખનો ખર્ચો થયો. ઓગસ્ટ 2023માં સર્જરી કરાવી એ પહેલાં મારું વજન 125 હતું ત્યારથી લઈ આજ સુધીમાં 95એ હું પહોંચી ગયો છું. મતલબ કે 30 કિલો વજન તો ઊતરી પણ ગયો છે અને હજુ થોડી ટ્રાય કરીશ એટલે 10 કિલો જેટલું ઓર ઊતરશે.’
***
ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ચિંતનભાઇનાં પત્ની ક્રિશ્નાબેને પણ બેરિયાટ્રિક સર્જરી કરાવીને પોતાનું વજન નાટ્યાત્મક રીતે ઘટાડ્યું છે. 37 વર્ષનાં ક્રિશ્નાબેન અમદાવાદમાં મેકઅપ આર્ટિસ્ટ છે. એમણે થોડાં વર્ષોમાં જ પોતાનું વજન સ્કાયરોકેટ થઇને 40 કિલો જેટલું વધતું જોયું હતું. માથાનો દુખાવો બની ગયેલી ઓબેસિટીથી એમણે કેવી રીતે છૂટકારો મેળવ્યો તે એમના જ મોઢેથી સાંભળીએ.
પ્રેગ્નન્સી પછી વજન વધ્યું એ ક્યારેય ઊતર્યું જ નહીં ‘મેરેજ વખતે મારું વજન 60-65 કિલો જેટલું હતું. પરંતુ પ્રેગ્નન્સી પછી વજન વધ્યું એ ક્યારેય ઊતર્યું જ નહીં’, ક્રિશ્નાબેન કહે, ‘ઇવન એ પછી પણ વધતું ગયું. 60 કિલોનું વજન 99 કિલોએ પહોંચ્યું એટલે ટેન્શન વધ્યું. એ કારણે પછી ઘણા હેલ્થ ઇશ્યૂ પણ થવા માંડ્યા. સ્લીપ એપનિયા (ઊંઘમાં શ્વાસ લેવાનું બંધ થઈ જવું), હાઇ BP, એન્ઝાઈટી, પ્રિડાયાબિટિક અને ખાસ કરીને હોર્મોનલ બેલેન્સ વીખાવા લાગ્યું, મેન્સ્ટ્રુઅલ સાયકલ પણ અનિયમિત થઇ ગઇ. મારો ખોરાક પણ એકદમ નોર્મલ જ હતો, ક્યારેય કોઈ જંકફૂડ પણ નહોતી ખાતી છતાં આવું કેમ થવા લાગ્યું, એ સૌથી મોટું ટેન્શન હતું.’
સર્જરીના દિવસે જ સાંજથી હું ચાલતી થઈ ગઈ વજન ઘટાડવા તમે શું શું કર્યું? ક્રિષ્નાબેન પોતાના એ નિષ્ફળ પ્રયત્નો યાદ કરતાં કહે, ‘અરે, કંઈ જ બાકી નહોતું રાખ્યું. જિમ, યોગ, મેરેથોન, બધું જ કર્યું. પણ કોઈ એક્ટિવિટીથી વજન ઊતરવાનું નામ જ નહોતું લેતું. એટલે અંતે હું હિંમત હારી ગઈ હતી. કેમ કે લાંબા ટાઈમ સુધી મહેનત કરી છતાં કોઈ જ ફરક નહિ, માણસ કંટાળી જાય કે આટલું કરીને પણ કોઈ રિઝલ્ટ કેમ નથી મળતું. અંતે સર્જરી જ એક માત્ર ઓપ્શન બચ્યો હતો. એ જ અરસામાં મારા હસબંડે બેરિયાટ્રિક સર્જરી કરાવી. સફળ સર્જરી પછી એમનું વજન ઘટી ગયું એટલે મેં પણ હિંમત કરી.’
સર્જરી વિશે વાત કરતાં કહે, ‘અમે ડૉક્ટર પાસે ગયાં ત્યારે એમણે એન્ડોસ્કોપી કરી તો ખબર પડી કે મારી સ્લીપ એપનિયાની બીમારી બહુ જ એક્સ્ટ્રીમ લેવલે હતી. એટલે એ પછી તો ડોક્ટરે જ કહી દીધું કે હવે તમે સર્જરી કરાવી લો. અમે તરત જ સર્જરી માટે રેડી થઈ ગયાં અને સર્જરી કરાવી. સર્જરીના ત્રીજા દિવસે તો હું એકદમ દોડતી થઈ ગઈ હતી. ઇન ફેક્ટ, સર્જરીના દિવસે જ સાંજથી હું ચાલતી થઈ ગઈ હતી.’

મારો ખોરાક જ ઘટી ગયો છે તો 99 કિલોથી અત્યારે તમારું વજન કેટલું ઊતર્યું? ક્રિષ્નાબેન કહે, ‘સર્જરીને એક વર્ષ થયું. એક વર્ષમાં અત્યારે મારું વજન 77 કિલો છે. મતલબ કે 20 કિલોથી વધુ વજન ઊતર્યું છે અને હજુ 10 કિલો જેટલું ઊતરશે. પણ અત્યારે હવે મારી લાઈફસ્ટાઇલ ઘણી બદલાઈ ગઈ છે. સર્જરી પછી મારી ભૂખ ખાસ્સી ઘટી ગઈ છે. અંદરથી પેટ ફુલ જ લાગે છે. પહેલાં હું બે રોટલી ખાતી એના બદલે હવે એક જ ખાઈ શકું છું. પણ સામે મને જેટલા હેલ્થ ઇશ્યૂ હતા એ બધા જ સોલ્વ થઈ ગયા, કોઈ જ બીમારી નથી રહી. પણ તમારે દરરોજ ઓછામાં ઓછી એક કલાક એક્સર્સાઈઝ નિયમિતપણે કરવી પડે, નહિતર તમારું બોડી બેડોળ થઈ જાય. હવે ફક્ત દર 3 મહિને ડૉક્ટર પાસે જવું પડે છે. બાકી એકદમ નોર્મલ લાઈફસ્ટાઇલ થઈ ગઈ છે.’
***
વર્કઆઉટ-જિમથી વજન ઉતારનારાં સ્વીટી ચિરીપાલ આ તો થઇ બેરિયાટ્રિક સર્જરીથી પોતાનું વજન નાટ્યાત્મક રીતે ઘટાડનારા યોદ્ધાઓની વાત. પરંતુ અમે એક એવી એક યુવતીને મળ્યાં જેમણે વર્કઆઉટ યાને કે કસરત કરીને પોતાનું વજન ઘટાડ્યું છે. એમનું નામ છે સ્વીટી ચિરીપાલ.
30 વર્ષીય બિઝનેસવુમન સ્વીટી ચિરીપાલ ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને છેલ્લાં 13-14 વર્ષથી જિમમાં જાય છે. સ્વીટી કહે છે, ‘વેઇટલોસ માટે જ જિમમાં જવાનું શરૂ કર્યું હતું. સાચું કહું તો મને વેસ્ટર્ન આઉટફિટનો ઘણો જ શોખ છે અને મારું વજન એટલું વધારે હતું કે હું આધુનિક કપડાં જોઇને નિઃસાસા નાખવા સિવાય કશું જ કરી શકતી નહોતી.’
‘હેવી મેડિસિનના ડોઝને કારણે વજન વધ્યું’ વજન વધવાનાં કારણો આપતાં સ્વીટીએ કહ્યું, ‘હું જન્મી ત્યારે મને એક હેલ્થ ઇશ્યૂ હતો. તેનાથી ભવિષ્યમાં કોઇ કોમ્પ્લિકેશન્સ ઊભાં ન થાય તે માટે મારે ત્રણ વર્ષ સુધી હેવી દવાઓ લેવી પડેલી. તે દવાઓમાં સ્ટિરોઇડ્સ હતાં. આ કારણે મારું વજન વધ્યું હતું. એવું નહોતું કે હું ફૂડી હતી કે પછી મારા ઘરમાં બધાનાં વજન વધારે છે. મારું વજન ત્રણ વર્ષ હેવી મેડિસિન લેવાને કારણે જ વધ્યું હતું.’
’31 કિલો જેટલું વજન ઘટાડ્યું’ ’16-17 વર્ષની ઉંમરે જ મારું વજન 125 કિલોની આસપાસ હતું!’ સ્વીટી જણાવે છે, ‘મેં 31 કિલો ઘટાડીને 94 કિલો કર્યું. જ્યારે જિમ જોઇન કર્યું ત્યારે પહેલા છ મહિના મારું વજન 100 ગ્રામ પણ ઊતર્યું નહોતું. છ મહિના પછી મારું વજન ઊતરવાનું શરૂ થયું હતું. હું તે સમયે ચાર-ચાર કલાક હાર્ડકોર જિમ ને સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરતી. ડાયટમાં હું પ્રોટીન વધારે ને કાર્બ્સ ઓછા લેતી, સિઝનલ ફ્રૂટ્સ, સૂપ વધારે લેતી. ઘઉં નહિવત્ માત્રામાં લેતી. મોટાભાગે હું પનીર-સૂપ-સલાડ-સિઝનલ ફ્રૂટ્સ-નટ્સ-જ્યૂસ લેતી.’
‘વજન વધારે હોવાને કારણે સ્કૂલમાં બધા બુલી કરતા’ વજન વધારે હોવાને કારણે પડેલી મુશ્કેલી અંગે વાત કરતાં સ્વીટી કહે છે, ‘સ્કૂલમાં મને બુલી કરવામાં આવતી. સ્કૂલમાં છોકરાઓ મારી સાથે વાત ના કરે. જાણે કે હું ક્લાસમાં જ નથી તેવું વર્તન કરતા. મને ઘરમાં ને સંબંધીઓ સતત વજન ઉતારવાનું કહેતા કે વજન નહીં ઉતારે તો સારો છોકરો નહીં મળે. લગ્ન થવામાં પણ ખાસ્સી સમસ્યા આવી. હું 19 વર્ષની હતી ત્યારથી છોકરાઓ જોવાનું શરૂ કર્યું. પહેલા તો મોટાભાગના છોકરાઓ વજન વધારે હોવાને કારણે મને ના જ પાડી દેતા. આ કારણે મારો આત્મવિશ્વાસ પણ ઘટી ગયો હતો. મને કંઈ જ ગમતું પણ નહોતું.’
‘પાતળી વ્યક્તિને જોઈને ઇર્ષ્યા થતી’ વજન વધારે હોવાથી માનસિક સ્થિતિની વાત કરતાં સ્વીટી કહે છે, ‘જ્યારે પણ બહાર જતી ને મારાથી પાતળી છોકરીઓને જોતી તો મને એમ જ થાય કે મારું વજન કેમ આટલું વધારે છે. તમને સતત એવું થાય કે તમારું વજન વધારે છે અને એમાંય જ્યારે તમે સારી ને પાતળી વ્યક્તિને જુએ તો તમને કોમ્પ્લેક્સ ફીલ થવા લાગે.’
‘લગ્ન બાદ વજન વધ્યું’ સ્વીટી કહે છે, ‘લગ્ન બાદ મારું વજન વધ્યું અને હાલમાં મારું વજન 105 છે અને મારે આઠ-દસ કિલો વજન ઘટાડવું છે. અત્યારે હું સવારની શરૂઆત હુંફાળા પાણીમાં તજ કે ચીયા સીડ્સ નાખીને કરું છું, આનાથી તમારો બેલી ફેટ બર્ન થાય છે. બ્રેકફાસ્ટમાં સિઝનલ ફ્રૂટ, વર્કઆઉટ બાદ પ્રોટીન શેક, લંચમાં પનીર-સલાડ ને છાશ, સાંજે નાસ્તમાં સિઝનલ ફ્રૂટ્સ કે નટ્સ ને ડિનરમાં ઓટ્સ કે સૂપ લેતી હોઉં છું. મારા ફૂડમાં ક્યારેય એડેડ શુગર આવતી નથી. હું ફ્રૂટ્સમાંથી મળતી નેચરલ શુગર જ લેઉં છું. મને ગળ્યું ભાવતું નથી. હું જ્યારે સ્ટ્રિક્ટ ડાયટ પર હોઉં ત્યારે બહારનું જંકફૂડ, ચીઝ-બટરથી છલોછલ ફૂડ ખાતી જ નથી. જ્યારે મને ક્રેવિંગ થાય ત્યારે ટ્રેનરને પૂછીને થોડાં પોર્શનમાં લઉં છું. અલબત્ત, હું ફૂડ પર ખાસ્સો કંટ્રોલ કરું છું અને બહારનું ખાવાનું અવોઇડ કરું છું.’
‘વજન ઊતર્યા બાદ જે છોકરા બુલી કરતાં તેમણે જ સોશિયલ મીડિયામાં રિક્વેસ્ટ મોકલી’ સ્વીટી વાતને આગળ વધારતાં કહે છે, ‘મારું વજન ઓછું કરવામાં મમ્મીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. તેમણે હંમેશાં મને મોટિવેટ કરી. વજન ઉતાર્યું તે પછી જે છોકરાઓ સ્કૂલમાં મને હેરાન કરતા ને મારી સામે જોતા નહીં તે જ છોકરાઓ મને સોશિયલ મીડિયામા રિક્વેસ્ટ મોકલવા માંડ્યા. મારા ફોટો લાઇક કરતા. વજન ઊતર્યા બાદ 26 વર્ષની ઉંમરે મારાં લગ્ન થયાં.’
‘દિવસમાં એક કલાક વર્કઆઉટ કરો’ છેલ્લે વજન ઉતારવા માટે સલાહ આપતાં સ્વીટી જણાવે છે, ‘લાઇફસ્ટાઇલ ને રૂટિન ચેન્જ કરો. ફૂડ ઇનટેકમાં ધ્યાન આપો વર્કઆઉટ માટે ખાસ સમય કાઢો, વર્કઆઉટથી સ્ટ્રેન્થ ને એનર્જી આવશે. આ જ કારણે કામ કરવાની ઈચ્છા થશે અને શરીરમાં આળસ રહેશે નહીં. દિવસમાં એક કલાક અચૂકથી વર્કઆઉટ કરો.’
જિમ અંગે ચાલતાં મિથની વાત કરતાં સ્વીટી કહે છે, ‘મને ઘણા બધા કહેતા કે જિમ છોડવાથી વજન વધી જાય, વેઇટ ટ્રેનિંગથી મસલ્સ ને બાઇસેપ્સ બની જાય. જિમમાં કાર્ડિયો કરવાથી વેઇટ લોસ થઈ જાય, પરંતુ આ બધી ખોટી વાતો છે. વેઇટ લિફ્ટિંગથી સ્ટ્રેન્થ આવે અને તેનાથી જ વજન ઊતરે.’