2 કલાક પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
ઉનાળાના સુપરફૂડ્સની યાદીમાંથી કેરીનું નામ કેવી રીતે બાકાત રહે? કેરીને ‘ફળોનો રાજા’ કહેવામાં આવે છે. સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, તે પોષક તત્ત્વોથી પણ ભરપૂર છે. કેરી વિટામિન એ અને સીનો સારો સ્રોત છે. તેમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર હોય છે, જે પાચનમાં મદદ કરે છે.
ભારતમાં કેરીની ખેતી લગભગ 5000 વર્ષ પહેલાં શરૂ થઈ હતી. સંસ્કૃતમાં તેને ‘આમ્ર’ કહેવામાં આવે છે. હિન્દી, મરાઠી, બંગાળી અને મૈથિલીમાં ‘આમ’ શબ્દ ‘આમરા’ પરથી આવ્યો છે. પોર્ટુગીઝોએ તેને ‘માંગા’ કહેતા હતા , જેનાથી યુરોપિયન ભાષાઓમાં ‘મેંગો’ શબ્દનો ઉદય થયો.
ભારત વિશ્વમાં કેરીનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. વિશ્વની 41% કેરી અહીં ઉત્પન થાય છે. કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ પણ છે. તે ભારતીયોના પ્રિય ફળોમાંનું એક છે.
તેથી, આજે ‘ ઉનાળાનાં સુપરફૂડ‘ માં આપણે કેરી વિશે વાત કરીશું. તમે એ પણ જાણશો કે-
- તેનું પોષણ મૂલ્ય શું છે?
- તેમાં કયા વિટામિન અને ખનિજો હોય છે?
- કેરી કોણે ન ખાવી જોઈએ?

કેરીનું પોષણ મૂલ્ય
100 ગ્રામ કેરીમાં આશરે 60 કેલરી હોય છે. તેમાં મોટાભાગનું પાણી છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઇબર પણ હોય છે. તેમાં બીજા કયાં પોષક તત્ત્વો છે, ગ્રાફિકમાં જુઓ-

કેરીમાં મહત્ત્વના અને જરૂરી વિટામિન અને મિનરલ્સ હોય છે
કેરી વિટામિનનો સારો સ્ત્રોત છે. તેમાં પોટેશિયમ અને કોપર જેવા આવશ્યક ખનિજો પણ હોય છે. ગ્રાફિકમાં તેમની સંખ્યા જુઓ-

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કેરી
કેરી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તે સ્કિનના સ્વાસ્થ્યને સુધારે છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. કેરી ખાવાથી તણાવ ઓછો થાય છે અને ડિપ્રેશન જેવી સ્થિતિઓમાંથી બહાર આવવામાં પણ મદદ મળે છે. આનાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. તેના બધા ફાયદા ગ્રાફિક્સમાં જુઓ-

વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ
કેરીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનને સરળ બનાવવામાં મદદ કરે છે. ફાઇબર લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. આનાથી ભૂખ ઓછી થાય છે અને બિનઆરોગ્યપ્રદ નાસ્તા ખાવાની આદતને નિયંત્રિત કરી શકાય છે. તે ઓછી કેલરીવાળું ફળ છે જે ઉચ્ચ પોષણ પૂરું પાડે છે અને આમ વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
વાળ અને સ્કિન માટે ફાયદાકારક
કેરીમાં વિટામિન એ, સી અને ઇ હોય છે, જે સ્કિન અને વાળ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ એન્ટીઑકિસડન્ટ્સ સ્કિનને સૂર્યપ્રકાશ અને પ્રદુષણથી થતા નુકસાનથી બચાવે છે. સપ્લિમેન્ટરી લેવાને બદલે, કેરી દ્વારા કુદરતી રીતે વિટામિન અને ઓક્સિડન્ટ્સ મેળવવા ફાયદાકારક છે.
કોલેસ્ટ્રેરોલનું સ્તર ઘટાડે છે
કેરીમાં દ્રાવ્ય ફાઇબર હોય છે, જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રેરોલ (LDL) ઘટાડવામાં મદદ કરે છે. આના કારણે ધમનીઓમાં પ્લેક જમા થતો નથી અને હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે
કેરી પોટેશિયમનો સારો સ્રોત છે, જે શરીરમાં સોડિયમની અસરને સંતુલિત કરે છે. આ હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓથી બચાવે છે.
કેન્સરનું જોખમ ઘટાડે છે
કેરીમાં બીટા-કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે. તેની હાજરીને કારણે, કેરીનો રંગ પીળો અને નારંગી હોય છે. તે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે, જે શરીરમાં ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે. હકીકતમાં, ફ્રી રેડિકલ આપણા શરીરના સ્વસ્થ કોષોને નુકસાન પહોંચાડી શકે છે અને કેન્સરનું જોખમ વધારી શકે છે. કેરીમાં રહેલા બધા જ એન્ટીઑકિસડન્ટ શરીરને કેન્સરથી બચાવે છે.
હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે
કેરી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને સામાન્ય ધબકારા જાળવવામાં મદદ કરે છે. આ ઉપરાંત, કેરીમાં મેંગીફેરિન નામનું એક ખાસ તત્ત્વ જોવા મળે છે, જે હૃદયની બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે.
પાચનતંત્રને મજબૂત બનાવે છે
કેરી ખાવાથી પાચનતંત્ર સારું રહે છે. તેમાં એમીલેઝ એન્ઝાઇમ હોય છે, જે ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે. આ એન્ઝાઇમ કોમ્પ્લેક્સ સ્ટાર્ચને તોડવામાં મદદ કરે છે. વધુમાં, કેરીમાં હાજર ડાયેટરી ફાઇબર કબજિયાતમાં રાહત આપે છે અને ફાઇબર સપ્લિમેન્ટ્સ કરતાં વધુ અસરકારક હોઈ શકે છે.
કેરી ખાવા સંબંધિત સામાન્ય પ્રશ્નો અને જવાબો
પ્રશ્ન: શું કેરી ખાવાથી વજન વધે છે?
જવાબ: ના, જો યોગ્ય માત્રામાં ખાવામાં આવે તો વજન વધતું નથી. જોકે, એ વાત સાચી છે કે કેરીમાં કુદરતી શર્કરા હોય છે. તેમાં ફાઇબર પણ હોય છે, જે ભૂખને નિયંત્રિત કરે છે. તેથી, જો કેરી મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો વજન વધતું નથી. તે પોષણની સાથે ઉર્જા પણ પૂરી પાડે છે.
પ્રશ્ન: શું ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાઈ શકે છે?
જવાબ: હા, પણ તે મર્યાદિત માત્રામાં ખાવી જોઈએ. કેરીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) મધ્યમ છે, જેના કારણે બ્લડ સુગર ખૂબ ઝડપથી વધતું નથી. ડાયાબિટીસના દર્દીઓ ડૉક્ટરની સલાહ લીધા પછી મર્યાદિત માત્રામાં તેને ખાઈ શકે છે.
પ્રશ્ન: દિવસના કયા સમયે કેરી ખાવાનું વધુ સારું છે?
જવાબ: બપોરે કેરી ખાવી શ્રેષ્ઠ છે. આ સમયે ચયાપચય ઝડપી હોય છે, જેના કારણે શરીર કેરીમાં રહેલી ખાંડને સારી રીતે પ્રોસેસ કરી શકે છે.
પ્રશ્ન: શું કેરી ખાવાથી ખીલ થાય છે?
જવાબ: સામાન્ય રીતે આવું થતું નથી. જે લોકોની સ્કિન વધુ સંવેદનશીલ હોય છે તેઓએ સાવધાની રાખવી જોઈએ. કેરીમાં કુદરતી શર્કરા હોય છે, જે કેટલાક લોકોની ત્વચામાં તેલ વધારી શકે છે. આનાથી પિમ્પલ્સ થઈ શકે છે.
પ્રશ્ન: શું કેરી ખાવાથી એસિડિટી થઈ શકે છે?
જવાબ: જો તમે ખૂબ પાકેલી કેરી ખાતા હોવ તો આવું થઈ શકે છે. ખૂબ જ ગળી કેરીમાં વધુ ફ્રુક્ટોઝ હોય છે, જે કેટલાક લોકોમાં એસિડિટીનું કારણ બની શકે છે. જો તમે એક કે બે કેરી ખાઓ છો તો સામાન્ય રીતે આવી સમસ્યા ઊભી થતી નથી.
પ્રશ્ન: શું કેરીમાં જંતુનાશકો હોઈ શકે છે?
જવાબ: જો તમે બજારમાંથી કેરી લાવ્યા હોવ તો એવી શક્યતા વધુ છે કે તેને કાર્બાઇડનો ઉપયોગ કરીને પકાવવામાં આવી હશે. તેને ખાતાં પહેલાં પાણીથી સારી રીતે ધોવી જોઈએ અથવા થોડા સમય માટે પાણીમાં પલાળી રાખવી જોઈએ.
પ્રશ્ન: કેરી કોણે ન ખાવી જોઈએ?
જવાબ: જેમને કેરીથી એલર્જી હોય, બ્લડ સુગરનું પ્રમાણ વધારે હોય કે કિડની સંબંધિત સમસ્યાઓ હોય, તેમણે ડૉક્ટરની સલાહ લીધા પછી જ કેરી ખાવી જોઈએ.