4 મિનિટ પેહલાલેખક: મૃત્યુંજય કુમાર
- કૉપી લિંક
મને ખબર નથી કે તમે એ વ્હોટ્સએપ ફોર્વર્ડ જોયું છે કે નહીં, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર 3થી 4 કલાક જ ઊંઘે છે. કેટલાક લોકો પીએમ પાસેથી શીખવાની અને આવી રૂટિન બનાવવાની સલાહ પણ આપે છે, પરંતુ હવે પીએમ મોદીએ ખુદ ‘મન કી બાત’માં 7 કલાક સૂવાની સલાહ આપી છે. PM મોદીએ ચેસના ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદ, અભિનેતા અક્ષય કુમાર અને ક્રિકેટર હરમનપ્રીત કૌર સાથે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર વાત કરતાં આ વાત કહી છે.
કોના માટે કેટલી ઊંઘ યોગ્ય છે અને ક્યારે ઊંઘ ન આવવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બગડે છે, જે અંગે આજે આપણે ‘તબિયતપાણી’માં વાત કરીશું
ઊંઘ સાથે ઉંમરનો વિપરીત સંબંધ છે, વડીલો બાળકો સાથે પોતાની સરખામણી ન કરે
ફિઝિશિયન ડૉ.અકબર નકવી જણાવે છે કે માનવશરીર પોતે જ સંપૂર્ણ છે. કોઈપણ બહારની મદદ વિના તે સતત પોતાની અંદર રહેલી ખામીઓને સુધારવા અને વિકાસ કરવાનું કામ કરે છે. આ કામ મોટે ભાગે ઊંઘ દરમિયાન થાય છે, જ્યારે આપણા ગ્રોથ હોર્મોન્સ એક્ટિવ હોય છે.
નાનાં બાળકો ખૂબ ઊંઘે છે. એની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે. બાળકોના શરીરનો વિકાસ થાય છે. તેમના મગજની પેશીઓ, શરીરના કોષો અને સમગ્ર શરીરનો વિકાસ થઈ રહ્યો હોય છે. આ સમય દરમિયાન તેમના ગ્રોથ હોર્મોન્સ વધુ રિલીઝ થાય છે, તેથી બાળક જેટલું નાનું છે તે એટલું વધુ ઊંઘે છે. જ્યારે વૃદ્ધોને ખૂબ જ ઓછી ઊંઘ આવે છે, કારણ કે તેમના શરીરમાં નવા ટિસ્યૂ બનવાનો અને જૂના ટિસ્યૂના દર ધીમો હોય છે.
આવી સ્થિતિમાં જો ઘરના વડીલો સવારે 4 વાગે ઊઠે અને બાળકોને મોડા સૂવા માટે ટોણાં મારતાં હોય તો એ અન્યાય થશે, કારણ કે ઊંઘ અને ઉંમર વચ્ચેનો સંબંધ ઊંધો છે. ઉંમર જેટલી વધારે એટલી ઊંઘની જરૂરિયાત ઓછી.
જો તમે 7 કલાકથી ઓછી ઊંઘ લો છો, તો તમારું હૃદય અને મગજ થાકવા લાગે છે, એની કામ પર ખરાબ અસર પડે છે
ઊંઘ દરમિયાન હૃદયના ધબકારા, બ્લડપ્રેશર અને નર્વસ સિસ્ટમ ધીમી પડી જાય છે. શ્વાસની ગતિ પણ ધીમી પડી જાય છે. આ સમય દરમિયાન શરીર અને મન બીજા દિવસની તૈયારી કરે છે. આખા દિવસ દરમિયાન જે કંઈપણ કર્યું, શીખ્યું, વિચાર્યું એ માત્ર ઊંઘ દરમિયાન જ યાદોમાં ફેરવાઈ જાય છે.
જો કોઈ વ્યક્તિ દિવસ દરમિયાન ગિટાર વગાડતા શીખે અને તે રાત્રે તેમને સારી ઊંઘ ન આવે તો શક્ય છે કે ગિટાર વગાડવાની કળા તેમના અર્ધજાગ્રત મન સુધી ન પહોંચે અને તે બે-ચાર દિવસમાં એને ભૂલી જાય. દિવસભર શરીર અને મન કેવી રીતે કાર્ય કરશે એ સીધો આધાર તમે આગલી રાત્રે લીધેલી ઊંઘ પર છે.
અમેરિકાના ‘સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન’ દ્વારા 2022માં પ્રકાશિત થયેલા એક અહેવાલ દર્શાવે છે કે જે બાળકો ઓછી ઊંઘ લે છે તેમનું શાળામાં અને પુખ્ત વયના લોકોનું ઓફિસમાં પ્રદર્શન ખરાબ હોય છે. જે વાહનચાલકો ઓછી ઊંઘ લે છે તેમનો અકસ્માત થવાની શક્યતા વધુ રહે છે.
માત્ર કલાકો જ નહીં, ઊંઘની ગુણવત્તા પણ જરૂરી છે, ‘સાઉન્ડ સ્લીપ’નું વિજ્ઞાન
7 કલાકની ઊંઘનો અર્થ એ નથી કે પથારીમાં સૂવું કે 7 કલાક આંખો બંધ કરવી. જો ઊંઘની ગુણવત્તા સારી હોય તો શક્ય છે કે શરીર માત્ર 6.5 કલાકમાં તેની ઊંઘની જરૂરિયાત પૂરી કરી શકે અને જો ગુણવત્તા ખરાબ હોય તો 8 કલાકની ઊંઘથી પણ શરીરને ફાયદો નહીં થાય.
સ્લીપ સાઇકલ ચાર તબક્કામાંથી પસાર થાય છે, એ તમામ ચારમાંથી પસાર થવું જરૂરી છે
પ્રથમ તબક્કો- આને NREM-1 કહેવામાં આવે છે, એટલે કે નોન રેપિડ આઇ મૂવમેન્ટ વન, જેમાં આપણું શરીર સંપૂર્ણપણે રિલેક્સ થતું નથી. આ તબક્કો એકથી સાત મિનિટ સુધી ચાલે છે. આમાં વ્યક્તિ સરળતાથી જાગી શકે છે.
બીજો તબક્કો- જેમાં શરીરનું તાપમાન નીચે જવા લાગે છે. એને NREM-2 કહે છે. આ તબક્કામાં ઊંઘનું ચક્ર 10થી 15 મિનિટ સુધી ચાલી શકે છે.
ત્રીજો તબક્કો- આ તબક્કામાં એટલે કે NREM-3, વ્યક્તિ ગાઢ નિદ્રામાં જાય છે. આવી સ્થિતિમાં તેમના માટે જાગવું સરળ નથી.
ચોથો તબક્કો- REM એટલે કે રેપિડ આઇ મૂવમેન્ટ એ ઊંઘનો ચોથો તબક્કો છે. આ તબક્કો ઊંઘ્યા પછી લગભગ 90 મિનિટ પછી શરૂ થાય છે. મોટા ભાગનાં સપનાં ઊંઘના આ તબક્કામાં આવે છે.
સમગ્ર ઊંઘ દરમિયાન શરીર આ 4 તબક્કામાંથી પસાર થતું રહે છે. જો એની સાઇકલ થોડી પણ ડિસ્ટર્બ થાય તો શરીરને ઊંઘનો ઓછો ફાયદો મળે છે.
ડાયટિશિયનની સલાહ – સારી ઊંઘ માટે સ્વસ્થ આહાર જરૂરી છે
આપણી ઊંઘની માત્રા અને ગુણવત્તા પણ ઘણી હદ સુધી આપણી ખાવાની આદતો પર આધારિત છે. બિનઆરોગ્યપ્રદ ખોરાક આપણા ઊંઘના ચક્રને ખલેલ પહોંચાડે છે, તેથી સારી ઊંઘ માટે તમારા આહારમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઇબર અને વિટામિન્સ ધરાવતી વસ્તુઓનો સમાવેશ કરો.
સંશોધન અને નિષ્ણાતોનું તારણ છે કે સારા સ્વાસ્થ્ય, કામ અને જીવન માટે 7-8 કલાકની ઊંઘ જરૂરી છે. કામ કે અભ્યાસના નામે ઊંઘ ન આવવાથી પરીક્ષાના સ્કોર અને ઉત્પાદકતા બંનેમાં ઘટાડો થઈ શકે છે. એ પણ ધ્યાનમાં રાખો કે 7 કલાકની ઊંઘ એ માત્ર ક્વોટા પૂરો કરવા માટેની કસરત ન હોવી જોઈએ, પરંતુ એ સારી ઊંઘ હોવી જોઈએ, એટલે કે ઘોડા વેચ્યા પછી કુંભકરણની જેમ સૂવું જોઈએ. એ દરેકના માનસિક-શારીરિક સ્વાસ્થ્ય, અભ્યાસ, કામ, સંબંધો માટે મહત્ત્વપૂર્ણ છે.