1 કલાક પેહલા
- કૉપી લિંક
ઉનાળો માત્ર માણસો માટે જ નહીં પરંતુ છોડ અને વૃક્ષો માટે પણ પડકારજનક હોય છે. આકરો તાપ અને ગરમ પવનના કારણે ભેજ રહેતો નથી, જેથી છોડની ખાસ કાળજી રાખવી પડે છે. આ ઋતુમાં યોગ્ય સમયે પાણી આપવું, માટીમાં ભેજ જાળવી રાખવો, છોડ માટે છાંયડાની વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે. જો યોગ્ય પદ્ધતિઓ અપનાવવામાં આવે તો ઉનાળામાં પણ બગીચાની હરિયાળી જળવાયેલી રહે છે અને સુંદરતા યથાવત રહે છે.
તો, આજે ‘કામના સમાચાર‘માં આપણે વાત કરીશું કે આ કાળઝાળ ગરમીમાં બગીચામાં છોડની કેવી રીતે યોગ્ય કાળજી લેવી? સાથે એ પણ જાણીશું કે-
- છોડ માટે કયા પ્રકારનું ખાતર વધુ સારું છે?
- ઉનાળામાં છોડને કયા સમયે પાણી આપવું જોઈએ?
નિષ્ણાત: રાજકુમાર કપૂર, ગાર્ડનિંગ એક્સપર્ટ, આગ્રા
પ્રશ્ન: ઉનાળામાં કયા પ્રકારના છોડ ઝડપથી સુકાઈ જાય છે?
જવાબ: છોડના કોષો ટર્ગર પ્રેશર (Turgor Pressure)ના કારણે તંગ રહે છે, જેથી છોડ સીધો ઉભો રહે છે. જ્યારે માટીનું તાપમાન 30-40°Cથી ઉપર જાય છે, ત્યારે મૂળની કાર્યક્ષમતા ઘટી જાય છે. તીવ્ર સૂર્યપ્રકાશ અને પાણીની ઉણપને કારણે પાંદડા પર ભાર પડે છે અને તે સુકાવા લાગે છે. લાંબા સમય સુધી પાણીની ઉણપથી કોષો સુકાઈ જાય છે અને છોડ મરી શકે છે.

પ્રશ્ન- ઉનાળામાં કેવી રીતે છોડની કાળજી લેવી? જવાબ: ગાર્ડનિંગ એક્સપર્ટ રાજકુમાર કપૂર જણાવે છે કે, તીવ્ર સૂર્યપ્રકાશ અને ઊંચા તાપમાનને કારણે છોડના સુકાઈ જવાનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં તેની યોગ્ય સંભાળ માટે, વહેલી સવારે (6-8 વાગ્યે) અથવા સાંજે (5-7 વાગ્યે) પાણી આપવું જોઈએ, જેથી ભેજ લાંબા સમય સુધી જળવાઈ રહે છે.
મે-જૂન મહિનામાં ઓછામાં ઓછા બે વાર છોડને પાણી આપવું જોઈએ. ધ્યાન રાખો કે, પાણીની માત્રા મર્યાદિત હોવી જોઈએ, કારણ કે વધારે પાણીના કારણે કેટલાક છોડના મૂળ સડી શકે છે.
ઉપરાંત માટીની સપાટી પર તણખલાં, સૂકું ઘાસ, લાકડાંનો વહેર, નાળિયેર અથવા ભૂસુંનું એક લેયર બનાવો. તેનાથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે અને ગરમીથી પણ સુરક્ષિત રહે છે. ઉપરાંત કેટલીક અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. નીચે આપેલા ગ્રાફિકથી સમજીએ-

પ્રશ્ન: ઉનાળામાં કયા જંતુઓથી છોડને સૌથી મોટો ખતરો હોય છે? જવાબ: ઉનાળામાં તાપમાન વધવાની સાથે એફિડ (મચ્છર), મિલી બગ્સ, સફેદ માખી (વ્હાઈટફ્લાય) વગેરે જેવા અનેક પ્રકારના જંતુઓનો ઉપદ્રવ વધે છે. આ જંતુઓ છોડના પાંદડા, દાંડી, ફૂલો અને મૂળને નુકસાન પહોંચાડે છે, જે તેના વિકાસને અવરોધે છે.
પ્રશ્ન: આ ઋતુમાં છોડને જંતુઓથી બચાવવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જવાબ: છોડના પાંદડા અને દાંડી દરરોજ તપાસો. ખાસ કરીને પાંદડાઓની નીચેની સપાટી પર ધ્યાન આપો, મોટાભાગે જીવાતો ત્યાં છુપાતી હોય છે. કોઈપણ ખરાબ અથવા પીળા પડી ગયેલા પાંદડા અથવા ડાળીઓ તાત્કાલિક દૂર કરો. ઉપરાંત, નવા પાંદડા અને ડાળીઓ વધુ સંવેદનશીલ હોવાથી તેના પર વધુ ધ્યાન આપો.

પ્રશ્ન: શું ઉનાળામાં કુંડામાં ઉગાડેલા છોડ અને જમીનમાં ઉગાડેલા છોડની અલગ રીતે કાળજી લેવી જોઈએ? જવાબ: ગાર્ડનિંગ એક્સપર્ટ રાજકુમાર કપૂર કહે છે કે, બંને પ્રકારના છોડની સંભાળમાં કેટલોક મૂળભૂત તફાવત છે. કુંડાવાળા છોડને વધુ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે તેની માટી ઝડપથી સુકાઈ જાય છે અને તેને વધુ પોષણની જરૂર પડે છે. બીજી બાજુ, જમીનના છોડ કુદરતી રીતે મજબૂત હોય છે અને ઓછી કાળજી રાખવા છતાં પણ સારી રીતે વૃદ્ધિ કરી શકે છે. તમે યોગ્ય કાળજી લઈને ઉનાળામાં બંને પ્રકારના છોડને લીલા રાખી શકો છો.
પ્રશ્ન: ઉનાળામાં લૉન પરનું ઘાસ સુકાઈ જતું કેવી રીતે અટકાવવું? જવાબ: ઉનાળામાં, તીવ્ર તડકો અને ગરમ પવનને કારણે, લૉન પરનું ઘાસ સુકાઈ જવા લાગે છે. ઘાસને લીલું રાખવા માટે તેને ખૂબ ટૂંકું ન કાપો. ઘાસનું કદ ઓછામાં ઓછું 2-3 ઈંચ રાખો, જેથી તે તડકાથી સુરક્ષિત રહે.
ઉપરાંત નિયમિતપણે સામાન્ય કાપણી કરો. જમીનમાં પૂરતો ભેજ અને પોષણ રહે તે માટે ફક્ત જૈવિક ખાતર (ગાયનું છાણ, કોમ્પોસ્ટ) નો ઉપયોગ કરો. તમે લૉનની આસપાસ છાંયડાવાળા છોડ વાવી શકો છો અથવા નેટ ગ્રીન શેડ લગાવી શકો છો. તેનાથી આકરા તાપમાં પણ ઘાસ સુરક્ષિત રહેશે.
પ્રશ્ન- છોડ માટે કયા પ્રકારનું ખાતર વાપરવું જોઈએ? જવાબ: ઉનાળો હોય કે શિયાળો કે ચોમાસું હોય, છોડ માટે હંમેશા જૈવિક ખાતરનો જ ઉપયોગ કરવો જોઈએ. તે માત્ર જમીનની ફળદ્રુપતામાં જ વધારો નથી કરતું પરંતુ પર્યાવરણ માટે પણ તે સલામત છે. હંમેશા ગાયના છાણનું ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ ખાતર (અળસિયા ખાતર) નો ઉપયોગ કરો. તે છોડ માટે ખૂબ જ ફાયદાકારક છે.
તે મુખ્યત્વે શાકભાજી અને ફૂલોના છોડ માટે વધુ યોગ્ય માનવામાં આવે છે. આ ખાતર અળસિયા દ્વારા કાર્બનિક કચરાને વિઘટિત કરીને તૈયાર કરવામાં આવે છે, જે જમીનમાં જરૂરી પોષક તત્વોમાં વધારો કરે છે.
પ્રશ્ન- છોડમાં ખાતરનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? જવાબ: રાજકુમાર કપૂર જણાવે છે કે, પૂરતા પ્રમાણમાં અને યોગ્ય રીતે ખાતર આપવાથી છોડ સ્વસ્થ રહે છે અને તેમનો વિકાસ પણ સુધરે છે. આ માટે, મહિનામાં એકવાર નાના કુંડામાં છોડમાં 2-3 મુઠ્ઠી જૈવિક ખાતર ઉમેરવું જોઈએ.
જો તમારા ઘરમાં મધ્યમ કદના છોડ હોય, તો દર મહિને પ્રતિ છોડ 500 ગ્રામ ખાતર ઉમેરી શકો છો. ફળના છોડમાં દર ત્રણ મહિનાના અંતરાલથી પ્રતિ છોડ 2-5 કિલો જૈવિક ખાતર ઉમેરવું જોઈએ. ધ્યાનમાં રાખો કે, ઉનાળા દરમિયાન છોડમાં વધુ પડતું ખાતર ઉમેરવાનું ટાળવું જોઈએ. વધુ ખાતર નાખવાથી છોડ સુકાઈ શકે છે.