46 મિનિટ પેહલાલેખક: સંદીપ કુમાર
- કૉપી લિંક
જ્યારે દુનિયાના સૌથી એક્ટિવ અને ફિટ રાજકીય નેતાઓની વાત આવે છે ત્યારે એક નામ આવે છે, જે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકનું છે. 43 વર્ષની ઉંમરે પણ તેમનામાં 30 વર્ષ જેટલી સ્ફૂર્તિ છે. તેમની ફિટનેસનું રહસ્ય લાઇફસ્ટાઇલ છે. આ વાતનો ઘટસ્ફોટ ‘ધ સન્ડે ટાઈમ્સ’એ પોતાના એક અહેવાલમાં કર્યો છે. સુનક ફિટ રહેવા માટે નિયમિત ઉપવાસ કરે છે. આ માટે તેઓ ‘ઇન્ટર્મિટન્ટ ફાસ્ટિંગ’ની 5:2 ફોર્મ્યુલાને અનુસરે છે.
તેમનું અઠવાડિયું ઉપવાસથી શરૂ થાય છે, જેમાં તેઓ સતત 36 કલાક સુધી કંઈ ખાતા નથી. જોકે તેમને મીઠાઈ ખૂબ જ ભાવે છે. તેમને કોલ્ડ ડ્રિંક્સ પીવું ગમે છે, પરંતુ હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપમાંથી બનેલા ઠંડા પીણાને બદલે તેઓ મેક્સિકન કોલ્ડ ડ્રિંક્સ પીવાનું પસંદ કરે છે, જેમાં શેરડીમાંથી બનેલી ખાંડ હોય છે.
તેઓ જાણે છે કે આ વસ્તુઓ હાનિકારક છે, તેથી તેમની મીઠાઈનો શોખ પૂરો કરવા માટે તેઓ ઇન્ટર્મિટન્ટ ઉપવાસમાં પણ માને છે. તેઓ કહે છે, “હું 36 કલાક કંઈપણ ખાતો નથી, જેથી હું બાકીના અઠવાડિયામાં મારા ખાવાની શોખને સંતોષી શકું.”
આજે તબિયતપાણીમાં આપણે ઇન્ટર્મિટન્ટ ઉપવાસ વિશે વાત કરીશું અને જાણીશું કે-
– ઇન્ટર્મિટન્ટ ઉપવાસ શું છે?
-ઋષિ સુનક કયું સૂત્ર અપનાવે છે?
– એ કેવી રીતે શરૂ થયું?
– ફિટ રહેવાની બીજી કઈ રીતો છે?
ઇન્ટર્મિટન્ટ ઉપવાસ શું છે?
આપણે બધા જાણીએ છીએ કે ઉપવાસનો અર્થ છે સ્વેચ્છાએ ખોરાકનો ત્યાગ. ઇન્ટર્મિટન્ટ ઉપવાસ એ પણ ઉપવાસની એક પદ્ધતિ છે, જેમાં આપણે ચોક્કસ સમયની અંદર જ ખોરાક ખાઈએ છીએ અને બાકીના સમય માટે ઉપવાસ કરીએ છીએ, જેમ કે 16 કલાકની ફાસ્ટિંગ વિન્ડો, જેમાં તમે 8 કલાકની અંદર તમારું બે કે ત્રણ ભોજન ખાઈ લેશો અને બાકીના 16 કલાક કંઈપણ ખાશો નહીં એટલે કે તમે ઉપવાસ કર્યો એવું કહેવાશે.
ઇન્ટર્મિટન્ટ ઉપવાસ માટે ઘણી જુદી જુદી પદ્ધતિઓ છે. નીચેના ગ્રાફિક પરથી આને સમજો.
ચાલો… હવે ઉપરોક્ત ખાણીપીણીની વિન્ડોને વિગતવાર સમજીએ.
16/8 ખાવાની વિન્ડો – એમાં 16 કલાક સુધીનો ઉપવાસનો સમયગાળો છે અને ખાવાની વિન્ડો 8 કલાકની છે, એટલે કે 8 કલાકની અંદર 2 કે 3 ભોજન અને એ પછી 16 કલાક ઉપવાસ.
એને આ રીતે સમજી લો કે જો તમે સાંજે 7 વાગ્યે ડિનર કરો છો, તો તમારે બીજા દિવસે 11 વાગ્યા સુધી કંઈપણ ખાવાનું નથી.
આ દરમિયાન તમે માત્ર પાણી, કોફી અથવા લીંબુ પાણી પી શકો છો. આ સિવાય કંઈપણ ખાવા-પીવાથી ઈન્સ્યુલિન વધે છે અને ઉપવાસ તૂટી જાય છે.
5:2 ઈટિંગ વિન્ડો- એમાં 48 કલાકના લાંબા ઉપવાસનો સમાવેશ થાય છે. એનો અર્થ એ કે તમે સામાન્ય રીતે અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ ખાઓ છો અને બાકીના બે દિવસ સંપૂર્ણ ઉપવાસ કરો છો.
એક દિવસ છોડીને એક દિવસ ઉપવાસ અથવા 24 કલાક ઈટિંગ વિન્ડો –
એજેમાં તમે 24 કલાક ઉપવાસ કરો છો. ઉદાહરણ તરીકે, જો તમે આજે બપોરે 12 વાગ્યે ડિનર કરો છો તો હવે તમે તમારું આગલું ભોજન બીજા દિવસે બપોરે 12 વાગ્યે લેશો. આ રીતે તમે 24 કલાક ઉપવાસની સ્થિતિમાં રહેશો.
આ સિવાય કેટલાક લોકો એકસાથે 36 કલાક ઉપવાસ પણ કરે છે, જે બ્રિટિશ પીએમ સુનકે અપનાવેલી પદ્ધતિ છે.
ઇન્ટર્મિટન્ટ ઉપવાસ કરવાથી ઘણી ગંભીર બીમારીઓ દૂર થઈ શકે છે
જ્યારે આપણે ઉપવાસમાં હોઈએ છીએ ત્યારે શરીરમાં ઇન્સ્યુલિનનું લેવલ ઓછું થાય છે, જેના કારણે શરીરમાં પહેલાંથી જ જમા થયેલી ચરબીનો ઉપયોગ એનર્જી માટે કરે છે. જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે શરીરમાં ઇન્સ્યુલિન વધે છે અને ઇન્સ્યુલિન કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડને ચરબીમાં ફેરવે છે અને એને શરીરમાં સંગ્રહિત કરે છે. લાંબા સમય સુધી ઇન્ટર્મિટન્ટ ઉપવાસ કરવાથી ઇન્સ્યુલિનનો સ્તર ઓછો રહે છે અને શરીર ઊર્જા માટે શરીરની ચરબીનો ઉપયોગ કરે છે, તેથી વજન ઘટાડવા માટે પણ તૂટક તૂટક ઉપવાસ ખૂબ અસરકારક છે. જે લોકો ઇન્ટર્મિટન્ટ ઉપવાસ કરે છે તેમનું બ્લડશુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
બોલિવૂડની ઘણી હસ્તીઓ પણ ઇન્ટર્મિટન્ટ ઉપવાસ કરે છે
એવું નથી કે ઇન્ટર્મિટન્ટ ઉપવાસ ફક્ત પશ્ચિમી દેશોમાં જ લોકપ્રિય છે. ભારતમાં પણ અભિનેત્રી આલિયા ભટ્ટ, મલાઈકા અરોરા અને પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહે ઇન્ટર્મિટન્ટ ઉપવાસની 16/8 પદ્ધતિ અપનાવીને વજન ઘટાડ્યું છે.
ઇન્ટર્મિટન્ટ ઉપવાસમાં સાવધાની ખૂબ જ જરૂરી છે
ડાયટિશિયન કૌશિકી ગુપ્તા જણાવે છે, આપણા શરીરમાં એક કુદરતી ઘડિયાળ પ્રણાલી છે, જેના અનુસાર આપણે ખાવું, પીવું કે સૂવું એ નક્કી કરવું જોઈએ. ઇન્ટર્મિટન્ટ ઉપવાસમાં શરીરને ખોરાકને સમાયોજિત કરવામાં 2થી 4 અઠવાડિયાં લાગે છે, જેના કારણે શરૂઆતમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
નીચે આપેલા ગ્રાફિકની મદદથી આને સમજો.
ડૉ.ગુપ્તા કહે છે, આ સમસ્યાઓથી ડરવું જોઈએ નહીં. આ ફક્ત એટલા માટે થાય છે, કારણ કે શરીરને કોઈપણ નવી વસ્તુ સાથે અનુકૂલન કરવામાં થોડો સમય લાગે છે. જલદી તમારું શરીર બે-ત્રણ અઠવાડિયાંમાં નવા ખોરાક ચક્ર સાથે આરામદાયક બનશે, તમે પહેલાં કરતાં વધુ ઊર્જા અનુભવશો.
આ લોકોએ ઇન્ટર્મિટન્ટ ઉપવાસ ન કરવા જોઈએ
કૌશિકી ગુપ્તા સમજાવે છે કે ઇન્ટર્મિટન્ટ ઉપવાસ દરેક ઉંમર અને દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી. કેટલાક લોકોએ એનાથી દૂર રહેવું જોઈએ, જેમ કે-
- 18 વર્ષની નાની ઉંમરે શરીરનો વિકાસ થાય છે. આવી સ્થિતિમાં કિશોરાવસ્થામાં ઇન્ટર્મિટન્ટ ઉપવાસ ન કરવા જોઈએ.
- જે મહિલાઓ ગર્ભવતી હોય અથવા સ્તનપાન કરાવતી હોય તેમણે ઇન્ટર્મિટન્ટ ઉપવાસ ન કરવા જોઈએ.
- પ્રકાર 1 ડાયાબિટીસમાં ઇન્ટર્મિટન્ટ ઉપવાસ ફક્ત ડૉક્ટરની સલાહ અને તેમની દેખરેખ હેઠળ કરવા જોઈએ.
- જે લોકો કોઈપણ રોગ માટે નિયમિતપણે દવાઓ લેતા હોય અથવા સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ગંભીર સ્થિતિ હોય તેમણે ઇન્ટર્મિટન્ટ ઉપવાસ ફક્ત તબીબી દેખરેખ હેઠળ જ કરવા જોઈએ.
ઇન્ટર્મિટન્ટ ઉપવાસ સાથે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે
માત્ર ઇન્ટર્મિટન્ટ ઉપવાસ કરવાથી શરીર ફિટ રહે છે એ બિલકુલ સાચું નથી. આ માટે વ્યાયામ કે યોગને દિનચર્યાનો ભાગ બનાવવો જરૂરી છે.
દરરોજ 7-8 કલાકની ઊંડી અને સારી ઊંઘ જરૂરી છે. ઉપરાંત ઇન્ટર્મિટન્ટ ઉપવાસ દરમિયાન વ્યક્તિએ તંદુરસ્ત અને પ્રોટીનયુક્ત ખોરાક લેવો જોઈએ. જો તમે ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ આહાર પર હો અથવા ફાસ્ટ ફૂડ ખાતા હોવ તો ઇન્ટર્મિટન્ટ ઉપવાસ એટલા અસરકારક રહેશે નહીં.