39 મિનિટ પેહલાલેખક: દિનેશ મિશ્ર
- કૉપી લિંક
આજે જે મુજબ મોંઘવારી વધી રહી એ મુજબ બે છેડા ભેગા કરવા લોકો માટે મુશ્કેલ બની જાય છે. લોકો અનેક રીતે કમાણી કરવા ઇચ્છતા હોય છે. જો તમે પણ કરોડપતિ બનવા માગો છો તો તમારે તમારી કમાણીમાંથી દરરોજ ફક્ત ને ફક્ત 170 રૂપિયા બચાવવા પડશે. જો તમારી ઉંમર 25 વર્ષથી ઓછી છે, તો આ કામ તમારા માટે વધુ સરળ છે. એક મહિનામાં બચેલી આ રકમ લગભગ 5 હજાર રૂપિયા હશે, તમારે આ બચતનું રોકાણ કરવું પડશે. આ રોકાણથી તમે 2024માં તમારી સફળ યાત્રા શરૂ કરી શકો છો. આ માટે તમારે ફક્ત ને ફક્ત એટલું કરવાનું છે કે તમારે તમારી રૂ. 5 હજારની રકમ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અથવા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અથવા કોઈપણ એક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની રહેશે.
આજે અમે તમને મની પ્લાન્ટમાં સુરક્ષિત રોકાણ વિશે વાત કરીશું. કઈ વસ્તુઓમાં રોકાણ કરીને તમે સારું વળતર મેળવી શકો છો અને રોકાણ કરતાં પહેલાં તમારે કઈ બાબતો જાણવી જોઈએ.
આપણા આજના એક્સપર્ટ જિતેન્દ્ર સોલંકી છે, જેઓ ઘણી કંપનીઓમાં શેરબજારના નિષ્ણાત અને નાણાકીય સલાહકાર છે
સારું વળતર મેળવવા માટે જલદીથી રોકાણ કરવાનું શરૂ કરો
જિતેન્દ્ર સોલંકીના મતે કોઈપણ રોકાણ શક્ય એટલું જલદી શરૂ કરવું જોઈએ, કારણ કે એ જ તમને વધારે વળતર આપી શકે છે. આ રીતે ગણિત સમજો… જો તમારી ઉંમર 20 વર્ષ છે અને તમે તમારી કમાણીમાંથી દરરોજ 170 રૂપિયા બચાવો છો અને દર મહિને 5000 રૂપિયા રોકાણ માટે રાખો છો, તો એ કોઈ મુશ્કેલ વાત નથી. તમારે તમારી બચતનાં આ નાણાંને FD, PPF અથવા મ્યુચ્યુઅલ ફંડમાંથી કોઈપણ એકમાં રોકાણ કરવાનું છે.
FDમાં પાકતી મુદત પર રૂ. 1 કરોડથી વધુનું વળતર
જો તમે 10 વર્ષ માટે FDમાં 6 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે, તો તમને મેચ્યોરિટી પર 11,43,335 રૂપિયા મળશે. એ જ સમયે, જો તમે 40 વર્ષ માટે આ રીતે આ નાણાંનું રોકાણ કરો છો, તો તમે 24 લાખ રૂપિયાનું રોકાણ કરી શકશો, જેની મેચ્યોરિટી પર તમને 1 કરોડ રૂપિયાથી વધુ મળશે. આ રોકાણ દર 10 વર્ષે કરવાનું રહેશે.
PPFમાં રોકાણ પર તમને 1.35 કરોડ રૂપિયા મળશે
તો બીજી તરફ જો તમે આ પૈસા PPFમાં 10 વર્ષ માટે રોક્યા છે, તો 6 લાખ રૂપિયાના રોકાણ પર તમને મેચ્યોરિટી સમયે 8.75 લાખ રૂપિયા મળશે અને 40 વર્ષમાં 24 લાખ રૂપિયાના રોકાણ પર તમને 1.35 કરોડ રૂપિયા મળશે. મળેલી સંપૂર્ણ રકમ પણ કરમુક્ત હશે. PPFમાં વધુમાં વધુ રોકાણ માત્ર 1.5 લાખ રૂપિયા છે.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને રૂ. 15 કરોડથી વધુ મેળવો
હાલમાં સૌથી વધુ લોકપ્રિય રોકાણ મ્યુચ્યુઅલ ફંડ છે. જો તમે SIP દ્વારા લાંબા સમય સુધી એમાં રોકાણ કરો છો, તો તમે કરોડપતિ પણ બની શકો છો. જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને 5,000 રૂપિયાનું રોકાણ કર્યું છે, તો તમે 10 વર્ષ માટે 6 લાખ રૂપિયાનું રોકાણ કરશો. તમને 10 વર્ષની મેચ્યોરિટી પર 13.9 લાખ રૂપિયા અને 40 વર્ષમાં 24 લાખ રૂપિયાના રોકાણ પર 15.7 કરોડ રૂપિયા મળશે.
પોસ્ટ ઓફિસની આર.ડી. સ્કીમ નાની બચત માટે પણ અસરકારક
તમે પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં દર મહિને નાની રકમનું રોકાણ કરીને મોટું ફંડ બનાવી શકો છો. જો તમે કુલ 5 વર્ષ માટે દર મહિને 5,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો આ યોજનામાં કુલ 3 લાખ રૂપિયા એકત્રિત થશે. 6.70 ટકાના દરે તમને આ રકમ પર 56,830 રૂપિયા વ્યાજ મળશે. આ સાથે જ તમને મેચ્યોરિટી પર 3,56,830 લાખ રૂપિયા મળશે. જ્યારે 10 વર્ષની મેચ્યોરિટી પર તમને 8,54,272 રૂપિયા મળશે.
RD રકમમાં લોન મળે
પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ હેઠળ ગ્રાહકોને જમા થયેલી રકમ સામે લોનની સુવિધા પણ મળે છે. તમે કુલ જમા રકમના 50 ટકા લોન તરીકે લઈ શકો છો. જોકે આ લોન 3 વર્ષ પછી જ લઈ શકાય છે અને એનો વ્યાજદર RD સ્કીમના વ્યાજદર કરતાં 2 ટકા વધુ છે. ઑક્ટોબર અને ડિસેમ્બર 2023ની વચ્ચે સરકારે પોસ્ટ ઑફિસની 5-વર્ષીય RD સ્કીમનો વ્યાજદર 6.70 ટકા નક્કી કર્યો છે.
રોજના 100 રૂપિયાનું રોકાણ કરીને નિવૃત્તિ પછી 57 હજાર રૂપિયા પેન્શન મેળવો
જો તમે 25 વર્ષની ઉંમરથી દર મહિને 3000 રૂપિયા એટલે કે 100 રૂપિયા પ્રતિ દિવસનું રોકાણ કરવાનું શરૂ કરો છો, તો NPS કેલ્ક્યુલેટર મુજબ, 60 વર્ષ થયા પછી 1,14,84,831 રૂપિયા મળશે. જો આ રકમથી 100 ટકા એન્યુટી ખરીદવામાં આવે તો કુલ માસિક પેન્શન રૂ. 57,412 થશે અને જો માત્ર 40 ટકા વાર્ષિક રીતે ખરીદવામાં આવે તો માસિક પેન્શન રૂ. 22,970 થશે, પરંતુ નિવૃત્તિ પછી તમને 68 લાખ રૂપિયાની એકમ રકમ મળશે. જોકે ત્યાં સુધી તેમના માટે વાર્ષિક વ્યાજ 10 ટકા હોઈ શકે છે. NPSની પેન્શન પાત્રતા માટે વય મર્યાદા 60 વર્ષ રાખવામાં આવી છે. NPSમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સભ્યપદ હોવું જોઈએ, તો જ પેન્શન મળશે.
50:30:20ના નિયમનું પાલન કરો, તમારા પૈસા બમણા થઈ જશે
જિતેન્દ્ર સોલંકી કહે છે કે કોઈપણ રોકાણકારે 50:30:20નો નિયમ અપનાવવો જોઈએ. આ તમારા રોકાણને સુરક્ષિત બનાવે છે અને બજારના જોખમોથી પણ તમારું રક્ષણ કરે છે. આ નિયમ મુજબ તમારે તમારી આવકનો 50 ટકા તમારા રોજિંદા ખર્ચાઓ, ઘરના ખર્ચાઓ અને કરિયાણા જેવી જરૂરિયાતો પર ખર્ચ કરવો જોઈએ. તો બીજી તરફ આવકના 30 ટકા મનોરંજન, જમવા, મૂવી અને મુસાફરી જેવા શોખ પર ખર્ચવા જોઈએ. આ પછી તમારા ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાનાં લક્ષ્યોને પૂર્ણ કરવા માટે બચત પર 20 ટકા ખર્ચ કરવો જોઈએ, જેની મદદથી તમે તમારી જરૂરિયાત મુજબ હિસ્સામાં ફેરફાર પણ કરી શકો છો.
જતાં…જતાં… જાણીએ અમેરિકન લેખક મોર્ગન હાઉસેલ દ્વારા તેમના પ્રખ્યાત પુસ્તક ‘ધ સાઇકોલોજી ઓફ મની’માં એક ઘટના લખવામાં આવી છે. અમેરિકાના એક ગામમાં એક સેનિટેશન વર્કર રહેતો હતો. 92 વર્ષની વયે તેમનું અવસાન થયું ત્યારે ભારત અને વિદેશનાં અખબારોમાં તેમની ચર્ચા થઈ હતી. તે વ્યક્તિનું મૃત્યુ સમગ્ર વિશ્વમાં ચર્ચામાં બન્યું, કારણ કે તેમના મૃત્યુ સમયે તેમની કુલ સંપત્તિ 58 કરોડ રૂપિયા હતી. એમાંથી તેમણે 15 કરોડ રૂપિયા તેમનાં સાવકાં સંતાનોને આપ્યા અને બાકીના 43 કરોડ રૂપિયા ચેરિટીમાં આપ્યા. હવે એક સામાન્ય સફાઈકર્મચારીને આટલા પૈસા કેવી રીતે મળ્યા? જ્યારે તેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તેણે કોઈ લોટરી જીતી નથી. તેઓ સાદું જીવન જીવતા હતા.
હકીકતમાં એ જે પણ પૈસા બચાવી શકે તેનું રોકાણ ભરોસાપાત્ર અને સ્થિર વળતર આપતી બ્લૂ ચિપ કંપનીઓના શેરમાં કરતો હતો અને પછી તે ભૂલી જતો હતો. કેટલાક દાયકાઓ પછી,ચક્રવૃદ્ધિની શક્તિએ તેમનાં નાનાં રોકાણોને આટલી મોટી નેટવર્થ બનાવી દીધી હતી.
મોર્ગન હાઉસેલના જણાવ્યા મુજબ, આ વાર્તા દર્શાવે છે કે જીવનમાં ઘણા પૈસા કમાવવા અને પછી રાખવા માટે કોઈ રોકેટ સાયન્સ અથવા ટેક્નોલોજીની જરૂર નથી.
તેમના પુસ્તકમાં મોર્ગન લખે છે કે, તમે તમારા પૈસા સાથે કેવી રીતે વર્તો છે, જેથી એ તમને સમૃદ્ધ બનાવે છે. પૈસા કમાવવાની કળા એ સોફ્ટ સ્કિલ છે. આ શીખીને કોઈપણ વ્યક્તિ આર્થિક રીતે સફળ થઈ શકે છે.
એ પણ સમજવું જરૂરી છે કે સૌથી પહેલા શેરબજારને સમજો. આ પછી જ બજાર વિશે અનુમાન કરો. બજારનો અભ્યાસ કરો. તેમની પરિભાષાથી પરિચિત બનો. સ્ટોક્સ વિશે હોમવર્ક કરો. વેપારની વિભાવનાઓ અને યુક્તિઓ શીખવાની ખાતરી કરો. સૌથી મહત્ત્વની બાબત એ છે કે ધીરજ રાખો અને નાણાકીય નિષ્ણાતની મદદ લો.