1 કલાક પેહલાલેખક: શિવકાંત શુક્લ
- કૉપી લિંક
એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમ પવનો અને તાપથી બચવા માટે ઘણા લોકો એર કંડિશનર (AC)નો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે, લાંબા સમય સુધી એસીમાં રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
AC ગરમી અને ભેજ બંનેને ઘટાડે છે, જેનાથી તડકા અને વધુ પડતા પરસેવાથી રાહત મળે છે. જોકે, તેનો વધુ પડતો ઉપયોગ ત્વચા, વાળ, નાક અને ગળામાં શુષ્કતા એટલે કે ડ્રાઈનેસ વધારી શકે છે. આ શુષ્કતા મ્યૂકસ મેમ્બ્રેનને અસર કરી શકે છે.
શરીરમાં નાક, મોં, ફેફસાં અને આંતરડા જેવા સ્થળોએ એક પાતળું અને ભેજવાળું પડ હોય છે, જેને મ્યૂકસ મેમ્બ્રેન કહેવાય છે. તે શરીરને બેક્ટેરિયા અને વાયરસથી બચાવે છે. જ્યારે આ મ્યૂકસ મેમ્બ્રેન સુકાઈ જાય છે, ત્યારે તે તેની રક્ષણાત્મક ક્ષમતા ગુમાવે છે. તેના કારણે, બૅક્ટેરિયા અને વાઇરસ સરળતાથી શરીરમાં પ્રવેશી શકે છે અને આપણને બીમાર કરી શકે છે. આવી સ્થિતિમાં, ACમાં વધુ સમય વિતાવવાથી શરદી, ઉધરસ, ઓછી રોગપ્રતિકારક શક્તિ, સુસ્તી અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ઇન્ડિયન જર્નલ ઓફ ઓક્યુપેશનલ એન્ડ એન્વાયર્નમેન્ટલ મેડિસિન (IJOEM)માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, AC આપણા સ્વાસ્થ્ય પર ઊંડી અસર પાડે છે. જે લોકો લાંબા સમય સુધી ACનો ઉપયોગ કરે છે, તેમને શ્વસન ચેપ (રેસ્પિરેટરી ઇન્ફેક્શન) અને એલર્જીનું જોખમ વધારે હોય છે.
તો, આજે ‘કામના સમાચાર‘માં આપણે લાંબા સમય સુધી ACમાં રહેવાના ગેરફાયદા વિશે વાત કરીશું. સાથે એ પણ જાણીશું કે-
- ACથી કયા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે?
- ACથી નુકસાન ન થાય તે માટે શું કરવું જોઈએ?
નિષ્ણાતઃ ડૉ. એસ. ઝેડ. જાફરી, પલ્મોનોલોજિસ્ટ અને એલર્જિસ્ટ, ઇન્દોર
સૌ પ્રથમ, ચાલો જાણીએ કે વિશ્વના કયા દેશોમાં ઘરોમાં ACનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)અનુસાર, ભારત આ યાદીમાં 11 ક્રમે છે. નીચે આપેલા ગ્રાફિક પરથી તેના વિશે જાણીએ-

પ્રશ્ન- લાંબા સમય સુધી ACમાં રહેવું કેમ હાનિકારક છે?
જવાબઃ પલ્મોનોલોજિસ્ટ ડૉ. એસ. ઝેડ. જાફરી જણાવે છે કે. જો AC લાંબા સમય સુધી સાફ કરવામાં ન આવે, તો તેમાંથી નીકળતા ઝેરી ગેસ, ધૂળ અને અન્ય કણો હવામાં ફેલાય છે. તેનાથી ઘરની અંદરની હવાની ગુણવત્તા બગડે છે અને એલર્જી, શ્વસન ચેપ અને અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, ખરાબ ઇનડોર એન્વાયર્નમેન્ટથી માથાનો દુખાવો થવાનું જોખમ વધારે છે.

પ્રશ્ન- લાંબા સમય સુધી ACમાં રહેવાથી કઈ સમસ્યાઓ થાય?
જવાબઃ AC રૂમમાંથી ભેજ શોષી લે છે, જેનાથી હવા સૂકી બને છે. સૂકી હવા શરીર અને ત્વચામાં ભેજ ઘટાડે છે. તેનાથી ડિહાઇડ્રેશન, માથાનો દુખાવો, થાક અને શુષ્ક ત્વચા સહિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. લાંબા સમય સુધી ACની હવામાં રહેવાથી શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે.
પવન આંખોને પણ સૂકવી શકે છે, જેના કારણે બળતરા, ખંજવાળ અને લાલાશ થઈ શકે છે. જ્યારે ACની ઠંડી હવા શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે. તેનાથી વાયરલ અને બેક્ટેરિયલ ચેપનું જોખમ વધે છે. લાંબા સમય સુધી ACમાં રહેવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી જાય છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ-

પ્રશ્ન- કેટલો સમય ACમાં રહેવું સલામત છે?
જવાબઃ તે વ્યક્તિના સ્વાસ્થ્ય, ACના તાપમાન અને રૂમના ભેજ પર આધાર રાખે છે. જો ACનું તાપમાન 24-25 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોય, તો તમે તેમાં 4-6 કલાક રહી શકો છો. જોકે, આ માટે સમયાંતરે ACમાંથી બહાર આવીને તાજી હવા લેવી જોઈએ. આ શરીરનું તાપમાન સંતુલિત રાખે છે અને શુષ્કતા પણ ઘટાડે છે. લાંબા સમય સુધી ઓછા તાપમાનમાં રહેવું હાનિકારક બની શકે છે.
પ્રશ્ન- કયા લોકો માટે ACમાં રહેવું વધુ જોખમી છે?
જવાબ: ACમાં રહેવું કેટલાક લોકો માટે અન્ય લોકોની સરખામણીએ વધુ જોખમી હોઈ શકે છે. નાના બાળકો અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. ACના ઠંડા તાપમાનને કારણે તેમને શરદી અને અન્ય શ્વસન ચેપ લાગવાનું જોખમ વધુ હોય છે. તેમની ત્વચા વધુ સંવેદનશીલ હોય છે, જેના કારણે તેમને શુષ્કતા અને ખંજવાળ આવવાની સંભાવના રહે છે. તેથી, નાના બાળકો અને વૃદ્ધોને લાંબા સમય સુધી એસી રૂમમાં રહેવા દેવા ન જોઈએ.
ACમાંથી નીકળતી ઠંડી હવા અસ્થમા, એલર્જી અને વાયરલ ચેપથી પીડાતા લોકોમાં લક્ષણો ટ્રિગર કરી શકે છે. જેમને ખરજવું અને સોરાયસિસ જેવી ત્વચાની સમસ્યાઓ છે, તેમના માટે લાંબા સમય સુધી એસીમાં રહેવું હાનિકારક બની શકે છે. ઉપરાંત જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા છે, ACની ઠંડી હવા તેમને પણ નુકસાન પહોંચાડી શકે છે.
પ્રશ્ન- લાંબા સમય સુધી ACમાં રહેવું હોય તો કઈ સાવચેતી રાખવી?
જવાબ: જો તમે લાંબા સમય સુધી એસીમાં રહો છો, તો કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. જેમ કે-
- ખૂબ ઠંડા તાપમાન ન રાખો
- દર કલાકે ઓછામાં ઓછી 5-10 મિનિટ બહાર નીકળો
- આંખને ડ્રાઇનેસથી બચાવવા માટે આંખના ટીપાંનો ઉપયોગ કરો
- ACની હવા સીધી તમારા શરીર પર ન પડવા દો
- આળસ દૂર કરવા માટે નિયમિત કસરત કરો
- ધૂળ અને ગંદકી એકઠી ન થાય તે માટે નિયમિતપણે AC સાફ કરો
પ્રશ્ન- ACથી થતા નુકસાનથી બચવા માટે શું કરવું જોઈએ?
જવાબઃ ACના સંભવિત નુકસાનથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ-

પ્રશ્ન- ACનું ટેમ્પરેચર કેટલું રાખવું જોઇએ?
જવાબઃ ડૉ. એસ. ઝેડ. જાફરી જણાવે છે કે, રૂમ કે ઓફિસમાં લગાવવામાં આવેલા ACનું તાપમાન 24-25 ડિગ્રી સેલ્સિયસ રાખવું જોઈએ. તેનાથી ઓછું તાપમાન રાખવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધે છે.