2 કલાક પેહલાલેખક: શિવકાંત શુક્લ
- કૉપી લિંક
ઉનાળો શરુ થતાં જ ઠેર ઠેર શેરડીના રસની હાટડીઓ ખૂલી જતી હોય છે. આકરા તડકા અને ગરમીથી બચવા માટે લોકો શેરડીનો રસ પીવે છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ દેશી પીણું શરીરને હાઈડ્રેટ રાખવાની સાથે સાથે એનર્જેટિક પણ રાખે છે. આ સિવાય શેરડીનો રસ પાચન તંત્રને સુધારવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ત્વચાને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે. તેમાં ઘણા જરુરી પોષક તત્વો જોવા મળે છે.
ફાર્માકોગ્નોસી જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, શેરડીના રસથી ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે. આયુર્વેદ અને યુનાની પદ્ધતિમાં કમળો અને યૂરીન સંબંધિત સમસ્યાઓની સારવાર માટે શેરડીનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે. તેમાં વિટામિન અને મિનરલનો ભંડાર છે.
શેરડી સંશોધન કેન્દ્રના એક અભ્યાસ મુજબ, તેના રસમાં ઉચ્ચ પોલીફેનોલ્સ હોય છે, જે શક્તિશાળી ફાયટોન્યુટ્રિઅન્ટ્સ છે. શેરડીના રસમાં ખરાબ કોલેસ્ટ્રોલ સામે લડવાની ક્ષમતા હોય છે. આ ઉપરાંત, તે ચયાપચય (મેટાબોલિઝમ)માં પણ સુધારો કરે છે.
તેથી, આજે ‘કામના સમાચાર‘માં આપણે શેરડીનો રસ પીવાના ફાયદાઓ વિશે વાત કરીશું. સાથે એ પણ જાણીશું કે-
- શેરડીનો વધુ પડતો રસ પીવાની કોઈ આડઅસર છે?
- શેરડીનો રસ કોણે ન પીવો જોઈએ?
નિષ્ણાત: ડૉ. પૂનમ તિવારી, સિનિયર ડાયટિશિયન, ડૉ. રામ મનોહર લોહિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, લખનઉ
પ્રશ્ન- શેરડીમાં કયા પોષક તત્વો રહેલા છે?
જવાબ: નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, શેરડીમાં 70-75% પાણી, 13-15% સુક્રોઝ (કુદરતી ખાંડ) અને 10-15% ફાઇબર હોય છે. જોકે, શેરડીનો રસ કાઢવાની પ્રક્રિયામાં ફાઇબર લગભગ નાશ પામે છે. નીચે આપેલા ગ્રાફિકમાં 250ml રસનું પોષણ મૂલ્ય જાણો-

પ્રશ્ન- શેરડીના રસથી શું ફાયદા થાય છે?
જવાબ: શેરડીના રસમાં હાજર વિટામિન C અને ફ્લેવોનોઈડ્સ તથા ફેનોલિક જેવા એન્ટીઑકિસડન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ એક ઉત્તમ હાઇડ્રેટિંગ ડ્રિન્ક છે કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે.
શેરડીના રસમાં નેટરલ શુગર, ફાઇબર અને ઇન્વર્ટેઝ જેવા એન્ઝાઈમ હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. શેરડી સુક્રોઝ અને ગ્લુકોઝ જેવા કાર્બોહાઇડ્રેટ્સનો કુદરતી સ્ત્રોત છે, જે ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. શેરડીના ડાઈયૂરેટિક ગુણધર્મો શરીરમાંથી ઝેરી પદાર્થોને યુરીન દ્વારા દૂર કરવામાં મદદરૂપ થાય છે. શેરડીમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ઓરલ હેલ્થ માટે ફાયદાકારક છે. તેમાં રહેલું કેલ્શિયમ દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે.
તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટો ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે કરચલીઓ, ફાઇન લાઇન્સ અને ત્વચાના ડાઘ જેવા વધતી ઉંમરના ચિહ્નોને ઘટાડે છે. જ્યારે પોલીફેનોલ્સ અને પોટેશિયમ જેવા કમ્પાઉન્ડ હૃદયને સુરક્ષિત રાખે છે.
શેરડીના બળતરા વિરોધી ગુણધર્મો ધમનીઓના સોજા અને કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડીને હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. તેનો રસ ફક્ત શરીરના તાપમાનને નિયંત્રિત નથી કરતો પણ ઇલેક્ટ્રોલાઇટને પણ સંતુલિત કરે છે. આ રીતે તે ઉનાળામાં હીટ સ્ટ્રોકના જોખમથી આપણને બચાવે છે. નીચે આપેલા ગ્રાફિક પરથી શેરડીનો રસ પીવાના કેટલાક ફાયદાઓ સમજીએ-

પ્રશ્ન- શેરડી વધુ ફાયદાકારક છે કે શેરડીનો રસ?
જવાબ: સિનિયર ડાયટિશિયન ડૉ. પૂનમ તિવારી કહે છે કે, શેરડી ખાવ કે તેનો રસ પીવો, બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જોકે, શેરડીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી રસ પીવાથી વધુ તેને ચાવીને ખાવું વધુ સારું છે.
પ્રશ્ન- શું શેરડીના રસમાં બરફ નાખીને પીવો સ્વાસ્થ્ય માટે સારો છે?
જવાબ: બરફ ઉમેરવાથી શેરડીનો રસ ઠંડો બને છે, જે ઉનાળામાં તાજગી આપે છે. શેરડીનો ઠંડો રસ પીવાથી ગરમીમાં તાત્કાલિક રાહત મળે છે પરંતુ કેટલાક લોકો માટે તે શરદી, ઉધરસ અથવા પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી, વધુ પડતા બરફ સાથે શેરડીનો રસ પીવાનું ટાળવું જોઈએ.
પ્રશ્ન- શેરડીનો રસ ક્યારે પીવો જોઈએ?
જવાબ: શેરડીનો રસ કાઢ્યા પછી તરત જ પીવો શ્રેષ્ઠ છે. વાસી શેરડીના રસમાં બેક્ટેરિયા વધી શકે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. હંમેશા સ્વચ્છ દુકાનમાંથી જ શેરડીનો રસ પીવો. જે મશીનમાંથી રસ કાઢવામાં આવી રહ્યો છે તે પણ સ્વચ્છ હોવું જોઈએ.
શેરડીનો રસ પીવાનો શ્રેષ્ઠ સમય બપોર પહેલાનો છે. ખાલી પેટે શેરડીનો રસ ન પીવો જોઈએ કારણ કે તેનાથી એસિડિટી થઈ શકે છે. શેરડીના રસમાં થોડું કાળું મીઠું, લીંબુનો રસ અને ફુદીનો ભેળવીને પીવાથી તેનો સ્વાદ અને પોષણ બંને વધી જાય છે.
પ્રશ્ન- શું શેરડીનો રસ પથરીના દર્દીઓ માટે ફાયદાકારક છે?
જવાબ: શેરડીનો રસ પથરીથી પીડાતા લોકો માટે સલામત માનવામાં આવે છે, કારણ કે તેમાં ઓક્સાલેટ ઓછું હોય છે. જે શરીરમાં પથરીની રચનાને રોકવામાં મદદ કરી શકે છે. તેના ડાઈયૂરેટિક ગુણધર્મો ઝેરી તત્વોને બહાર કાઢવામાં અને નવા સ્ટોનના ઉત્પાદનને રોકવામાં પણ મદદ કરી શકે છે.
આ ઉપરાંત, શેરડીના રસમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે, જે કિડનીના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શેરડીનો રસ શરીરમાં પાણીની માત્રા વધારે છે, જેનાથી કિડનીમાં પથરી થવાની શક્યતા ઓછી થાય છે.
પ્રશ્ન- શું ડાયાબિટીસના દર્દીઓ શેરડીનો રસ પી શકે છે?
જવાબ: ડૉ. પૂનમ તિવારી કહે છે કે, શેરડીના રસમાં નેચરલ શુગરનું પ્રમાણ વધુ હોય છે, જે બ્લડ શુગર લેવલને વધારી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન ટાળવું જોઈએ.

પ્રશ્ન- એક દિવસમાં કેટલા ગ્લાસ શેરડીનો રસ પીવો જોઈએ?
જવાબઃ એક સ્વસ્થ વ્યક્તિ દિવસમાં એક ગ્લાસ શેરડીનો રસ પી શકે છે. તેનાથી વધુ પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે.
પ્રશ્ન- શું શેરડીનો રસ પીવાથી કોઈ આડઅસર થાય છે?
જવાબઃ શેરડીનો રસ પીવો સામાન્ય રીતે સલામત છે. જોકે, તેના વધુ પડતા સેવનથી વજન વધી શકે છે. ઉપરાંત બ્લડ શુગર વધી શકે છે. તે સિવાય દાંતને નુકસાન થઈ શકે છે અને પાચન સમસ્યાઓ થઈ શકે છે. તેથી, તેને મર્યાદિત માત્રામાં જ પીવો.
પ્રશ્ન- શેરડીનો રસ કોણે ન પીવો જોઈએ?
જવાબ: શેરડીનો રસ સામાન્ય રીતે સ્વસ્થ લોકો માટે સલામત છે, પરંતુ કેટલાક લોકોએ તેને પીવાનું ટાળવું જોઈએ. જેમ કે-
- ડાયાબિટીસના દર્દીઓ
- મેદસ્વિતાથી પીડાતા લોકો
- દાંતની સમસ્યાથી પીડાતા લોકો
- શરદી અને ઉધરસના દર્દીઓ
- નબળા પાચનતંત્રવાળા લોકો