2 કલાક પેહલાલેખક: શિવકાંત શુક્લ
- કૉપી લિંક
તાજેતરમાં રાજસ્થાનના સિરોહી જિલ્લામાં રેફ્રિજરેટરમાં બ્લાસ્ટ થવાના કારણે એક યુવકનું મૃત્યુ નિપજ્યું. યુવક જ્યારે ફ્રિજમાંથી વસ્તુઓ કાઢી રહ્યો હતો ત્યારે અચાનક જોરદાર અવાજ સાથે કોમ્પ્રેસર ફાટતા આ ઘટના બની.
ઉનાળામાં તાપમાનમાં વધારો થવાના કારણે અવારનવાર આવી ઘટનાઓ જોવા અને સાંભળવા મળે છે. તેથી આ ઋતુમાં રેફ્રિજરેટરનો ઉપયોગ કરતી વધતે કેટલીક વધારાની સાવચેતી રાખવી જોઈએ.
આજે, ‘કામના સમાચારમાં‘ આપણે વાત કરીશું કે ઉનાળામાં ફ્રિજનો ઉપયોગ કરતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ, સાથે જ જાણીશું કે,
- ઉનાળામાં ફ્રિજ બ્લાસ્ટ થવાના બનાવો કેમ વધે છે?
- ઉનાળામાં ફ્રિજનું ટેમ્પરેચર કેટલું રાખવું જોઈએ?
નિષ્ણાત: શશિકાંત ઉપાધ્યાય, પાવર ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર, અમદાવાદ
પ્રશ્ન: રાજસ્થાનમાં ફ્રિજ બ્લાસ્ટ થવાનું કારણ શું હતું?
જવાબ: પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર શશિકાંત ઉપાધ્યાયે જણાવ્યું કે, ફ્રિજ કોઈ ગેસ સિલિન્ડર નથી કે જે બ્લાસ્ટ થાય. મોટાભાગની ઘટનાઓમાં ફ્રિજના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થાય છે, જે તેનો એક પાર્ટ છે. રાજસ્થાનની ઘટનામાં પણ ફ્રિજના કોમ્પ્રેસરમાં જ બ્લાસ્ટ થયો હતો.

પ્રશ્ન: ઉનાળામાં ફ્રિજમાં બ્લાસ્ટના બનાવો કેમ વધે છે?
જવાબ- ઉનાળામાં કોમ્પ્રેસર ખૂબ વધારે ગરમ થઈ જતું હોવાથી ફ્રિજમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ વધી જાય છે. જો પાવર સપ્લાય વધુ હોય તો કોમ્પ્રેસરમાં દબાણ વધી જાય છે અને તે ઓવરહીટ થઈ જાય છે. તેના કારણે કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થઈ શકે છે. આ સિવાય ફ્રિજમાં બ્લાસ્ટ થવાના અન્ય કેટલાક કારણો પણ છે. નીચે આપેલા ગ્રાફિક્સથી તેને સમજીએ-

પ્રશ્ન: કઈ પરિસ્થિતિઓમાં કોમ્પ્રેસર ફાટી શકે છે?
જવાબ- કોમ્પ્રેસર ફ્રિજના પાછળના ભાગમાં હોય છે. તેમાં એક પંપ અને મોટર લાગેલી હોય છે. આ મોટર દ્વારા રેફ્રિજરેન્ટ ગેસને કોઈલમાં મોકલવામાં આવે થે, જેનાથી ફ્રિજ ઠંડુ રહે છે.
જ્યારે ફ્રિજ ઘણી કલાકો કે દિવસો સુધી સતત ચાલે છે. ત્યારે કમ્પ્રેસર પર દબાણ વધે છે અને તે ગરમ થઈ જાય છે. તેનાથી કોઈલ સંકોચાઈ જાય છે. તેવામાં રેફ્રિજરેન્ટ ગેસમાં અવરોધ આવવાના કારણે તેમાં વિસ્ફોટ થઈ શકે છે. ફ્રિજનું કોમ્પ્રેસર ઓવરહીટ થવાના અન્ય ઘણા કારણો છે. જેમ કે-
- રેફ્રિજરેન્ટ ગેસ ઓછો હોય
- કંડેન્સર ગંદુ હોય
- કોમ્પ્રેસર કે મોટરમાં કોઈ ખામી હોય
- ફ્રિજમાં વધુ વસ્તુઓ મૂકી હોય
- લાંબા સમય સુધી સતત ચાલુ રાખવું
- વેન્ટિલેશનનો અભાવ
- વોલ્ટેજમાં વધઘટ
- કંડેન્સર કોઈલ ઢીલી હોવી
પ્રશ્ન: ફ્રિજમાં કયા વાયુઓ હોય છે, જે બ્લાસ્ટનું કારણ બની શકે છે?
જવાબ: ફ્રિજને ઠંડુ રાખવા માટે રેફ્રિજરેન્ટ ગેસનો ઉપયોગ થાય છે. તેમાં મુખ્યત્વે R-22 ક્લોરોફ્લોરોકાર્બન (CFC), R134a હાઈડ્રોફ્લોરોકાર્બન (HFC) અને R600a આઈસોબ્યુટેન ગેસનો ઉપયોગ થાય છે, જે જ્વલનશીલ હોય છે. જો આ ગેસ લીક થાય તો તેમાં વિસ્ફોટ થઈ શકે છે.
પ્રશ્ન: ફ્રિજનું કોમ્પ્રેસર વધુ અવાજ કરે તો તેનો શું અર્થ થાય છે?
જવાબ- જો ફ્રિજના કોમ્પ્રેસરમાંથી વધુ અવાજ આવી રહ્યો હોય તો તેનો અર્થ છે કે કાં તો કોમ્પ્રેસર ખરાબ થઈ ગયું છે અથવા કોઈ બીજી સમસ્યા છે. કેટલીક વખત કોમ્પ્રેસરની મોટરમાં કોઈ ખામીના કારણે અવાજ આવવા લાગે છે. વધુ પડતું ગરમ થવાના (ઓવર હીટિંગના) કારણે વધુ પડતું દબાણ પડવાથી પણ અવાજ આવી શકે છે.
ફ્રિજમાં રેફ્રિજરેન્ટ ગેસ ઓછો થઈ જવાના કે તેનું પ્રેશર ઓછું થઈ જવાના કારણે પણ વધુ અવાજ આવે છે. ક્યારેક કોમ્પ્રેસરની આસપાસના ભાગો ઢીલા પડી જાય છે. જેનાથી કંપન (વાઈબ્રેશન) અને અવાજ આવી શકે છે.
જો કોમ્પ્રેસરમાંથી વધુ અવાજ આવી રહ્યો હોય તો તેને બિલકુલ અવગણશો નહીં. તાત્કાલિક ટેકનિશિયનનો સંપર્ક કરો, જેથી કોઈ મોટી સમસ્યાથી બચી શકાય.
પ્રશ્ન: ઉનાળામાં રેફ્રિજરેટરનો ઉપયોગ કરતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ?
જવાબ: ઉનાળામાં રેફ્રિજરેટરનો ઉપયોગ કરતી વખતે વધારાની સાવચેતી રાખવાની જરૂર છે. નીચે આપેલા ગ્રાફિક પરથી સમજીએ-

પ્રશ્ન: ઉનાળામાં ફ્રિજનું તાપમાન કેટલું રાખવું જોઈએ, જેથી બ્લાસ્ટનું જોખમ ન રહે?
જવાબ- ઉનાળામાં ફ્રિજનું યોગ્ય તાપમાન સેટ કરવું ખૂબ જ જરુરી છે, જેથી કોમ્પ્રેસર પર વધારાનું દબાણ ન આવે અને બ્લાસ્ટનું જોખમ ઓછું થાય. ઉનાળામાં ફ્રિજનું તાપમાન 3°C થી 5°C ની વચ્ચે રાખવું સારું છે. ફ્રીઝરનું તાપમાન -18°C કે તેથી ઓછું રાખો. યોગ્ય તાપમાન જાળવવાથી ખાદ્ય પદાર્થોની શેલ્ફ લાઈફ તો વધે છે જ, સાથે કોમ્પ્રેસર અને રેફ્રિજરેન્ટ સિસ્ટમની કાર્યક્ષમતામાં પણ સુધારો થાય છે.
પ્રશ્ન: શું ઉનાળામાં 24 કલાક ફ્રિજ ચાલુ રાખવામાં જોખમ છે?
જવાબ: શશિકાંત ઉપાધ્યાય કહે છે કે, ઉનાળામાં રેફ્રિજરેટર 24 કલાક ચલાવવું સામાન્ય રીતે સલામત છે પરંતુ તેનું તાપમાન ખૂબ ઓછું ન હોવું જોઈએ. વીજળીનો વોલ્ટેજ જાળવી રાખવો પણ મહત્વપૂર્ણ છે. ઉપરાંત, રેફ્રિજરેટરને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતું વેન્ટિલેશન હોય. દિવસમાં એક કે બે વાર તેને 10-15 મિનિટ માટે બંધ કરો તો વધુ સારું રહેશે.
પ્રશ્ન- ફ્રિજમાં ફ્યૂઝ સિસ્ટમ શા માટે જરૂરી છે?
જવાબ: ઉનાળામાં ઘણીવાર વોલ્ટેજ વધઘટ થાય છે. તેનાથી કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થવાનું જોખમ વધી શકે છે. આવી સ્થિતિમાં ફ્યૂઝ સિસ્ટમ વોલ્ટેજને પ્રોટેક્શન પૂરું પાડે છે. જો વાયરિંગમાં શોર્ટ સર્કિટ થાય, તો ફ્યૂઝ તરત જ વીજ પુરવઠો કાપી નાખે છે. તેનાથી ફ્રિજમાં આગ લાગવાનું જોખમ ટળી જાય છે.
ઉપરાંત ફ્રિજનું કોમ્પ્રેસર સતત ચાલવાથી વધુ ગરમ થઈ શકે છે. ફ્યૂઝ સિસ્ટમ તેને શોધી કાઢે છે અને ફ્રિજ બંધ કરી દે છે. ગેસ લીકેજ અને સ્પાર્કિંગની સ્થિતિમાં, ફ્યૂઝ, પાવર સપ્લાય કાપી નાખે છે, જેનાથી બ્લાસ્ટ થવાનું જોખમ ઓછું થાય છે. તેથી ફ્રિજમાં ફ્યૂઝ સિસ્ટમ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પ્રશ્ન: ઉનાળામાં ફ્રિજની સફાઈ ક્યારે અને કેવી રીતે કરવી જોઈએ?
જવાબ: ઉનાળા દરમિયાન દર 2-3 અઠવાડિયે ફ્રિજને સાફ કરો. તેનાથી ફ્રિજમાં દુર્ગંધ નહીં આવે અને ઠંડક પણ સારી રહેશે. ધ્યાનમાં રાખો કે, ફ્રિજને હંમેશા બંધ કરીને જ અંદરથી બરફ અને ગંદકી સાફ કરવી. ઉનાળો શરુ થાય તે પહેલા જ કંડેન્સર અને કોઈલ સાફ કરવા. તેમજ પાણીનું ફિલ્ટર પણ બદલી નાખવું.
પ્રશ્ન- ફ્રિજની સર્વિસ ક્યારે કરાવવી જોઈએ?
જવાબ: શશિકાંત ઉપાધ્યાય કહે છે કે, વર્ષમાં ઓછામાં ઓછી એક વખત ફ્રિજની સર્વિસ કરાવવી જોઈએ. તે સિવાય વર્ષમાં ઓછામાં ઓછું બે વાર ફ્રીઝરને ડિફ્રોસ્ટ અને સાફ કરો.