- Gujarati News
- Lifestyle
- Useful Everywhere From Taste To Health, It Should Be Eaten Especially In The Summer Heat.
23 મિનિટ પેહલાલેખક: શિવકાંત શુક્લ
- કૉપી લિંક
ચૈત્ર મહિનાના આકરા તાપમાં લોકો બીનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 42-43 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ચૂક્યો છે. ઉનાળામાં સૌથી મોટી સમસ્યા ડિહાઇડ્રેશનની હોય છે. ત્યારે પૂષ્કળ પાણી, કાકડી, તરબૂચ, શક્કરટેટી સહિતના ખાદ્યપદાર્થોની સાથે આહારમાં ફૂદીનાનો સમાવેશ કરવાથી ડિહાઇડ્રેશનથી બચી શકાય છે.
આયુર્વેદમાં ફૂદીનાને એક મહત્વપૂર્ણ ઔષધી માનવામાં આવે છે. તેના પાંદડા પોતાના ઠંડકના ગુણધર્મો માટે જાણીતા છે. તે શરીરનું તાપમાન ઘટાડવામાં મદદ કરે છે, જેના કારણે વ્યક્તિ ભારે ગરમીમાં પણ તાજગી અનુભવે છે. ફૂદીનાનો ઉપયોગ સામાન્ય રીતે ભોજન, ડ્રિન્ક્સ અને ગાર્નિશિંગ માટે વપરાય છે.
નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, ફૂદીનામાં એન્ટી-કેન્સર, એન્ટી-ઓબેસિટી, એન્ટી-માઇક્રોબાયલ, એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી-ડાયાબિટિક અને હૃદય રક્ષણાત્મક ગુણધર્મો રહેલા છે.
તો, આજે ‘કામના સમાચાર‘માં આપણે ઉનાળામાં તમારા આહારમાં ફૂદીનાનો સમાવેશ કરવાના ફાયદાઓ વિશે વાત કરીશું. સાથે એ પણ જાણીશું કે-
- શું વધુ પડતો ફૂદીનો ખાવાથી કોઈ નુકસાન થાય છે?
- ફૂદીનાનું સેવન કોણે ન કરવું જોઈએ?
નિષ્ણાત: ડૉ. પી. કે. શ્રીવાસ્તવ, પૂર્વ સિનિયર કન્સલ્ટન્ટ, સ્ટેટ આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલ, લખનઉ
પ્રશ્ન- ફૂદીનામાં કયા પોષક તત્વો રહેલા છે?
જવાબઃ યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર (USDA) અનુસાર, ફૂદીનામાં વિટામિન A, C, B-કોમ્પ્લેક્સ જેવા વિટામિન હોય છે. સાથે જ તેમાં ફાયટોન્યૂટ્રિઅન્ટ્સ, એન્ટીઑકિસડન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ પણ હોય છે. ફૂદીનામાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. નીચે આપેલા ગ્રાફિક પરથી 100 ગ્રામ ફૂદીનાનું પોષણ મૂલ્ય જાણીએ-

પ્રશ્ન- ફૂદીનો ખાવાથી કયા ફાયદા થાય?
જવાબ: ફૂદીનો પાચન ઉત્સેચકોને સક્રિય કરે છે, જે પાચનતંત્રમાં સુધારો કરે છે. તે અપચો, ગેસ, પેટ ફૂલાવું જેવી સમસ્યાઓમાંથી રાહત આપે છે. ફૂદીનામાં રહેલું મેન્થોલ મનને શાંત કરે છે અને તણાવ ઓછો કરે છે. તે માથાનો દુખાવો અને માઇગ્રેનમાં પણ રાહત આપે છે.
ફૂદીનો શરદી, ઉધરસ અને અસ્થમા જેવી શ્વાસ સંબંધી સમસ્યાઓમાં રાહત આપે છે. ફૂદીનો ત્વચાને ઠંડક આપે છે અને ખીલ સહિતની અન્ય સ્કિન સંબંધી સમસ્યાઓથી રાહત આપે છે. તેમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણ ઓરલ હેલ્થ માટે ફાયદાકારક છે.
એન્ટીઑકિસડન્ટ અને વિટામિન્સથી ભરપૂર હોવાથી, તે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. તેની સુગંધ તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરી શકે છે. ફૂદીનો આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે તે નીચે આપેલા ગ્રાફિક પરથી સમજીએ-

પ્રશ્ન- શું ફૂદીનો વજન ઘટાડવામાં મદદ કરે છે?
જવાબઃ ફૂદીનામાં કેલરી ઓછી અને ફાઇબર વધુ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ફૂદીનો પાચનમાં સુધારો કરે છે, જે વજન ઘટાડવામાં ફાયદાકારક છે.
જો તમે વજન ઘટાડવાના ઉપાયો શોધી રહ્યાં છો, તો તમે ડાયટમાં ફૂદીનાના પાણીનો સમાવેશ કરી શકો છો. તેનાથી લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું હોવાનો અનુભવ કરાવે છે. તેનાથી ભૂખ ઓછી લાગે છે. જોકે, માત્ર ફૂદીનાનું સેવન કરવાથી જ વજન ઓછી નથી થતો. તેના માટે નિયમિત કસરત અને ખાણી-પીણીમાં બદલાવ કરવો પણ જરૂરી છે.
પ્રશ્ન- શું ડાયાબિટીસના દર્દીઓ ફૂદીનાનું સેવન કરી શકે?
જવાબઃ આયુર્વેદચાર્ય ડૉ. પી.કે. શ્રીવાસ્તવ કહે છે કે, હા, ડાયાબિટીસના દર્દીઓ તેમના આહારમાં ફૂદીનોનો સમાવેશ કરી શકે છે. ફૂદીનો બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ શરીરને ફ્રી રેડિકલથી બચાવે છે. (ફ્રી રેડિકલ એક પ્રકારનો અનસ્ટેબલ મોલેક્યૂલ એટલે કે અસ્થિર પરમાણું છે, જે સામાન્ય કોષ ચયાપચય દરમિયાન બને છે. ફ્રી રેડિકલ કોષોમાં એકઠા થઈ શકે છે અને ડીએનએ, લિપિડ્સ અને પ્રોટીન જેવા અન્ય અણુઓને નુકસાન પહોંચાડી શકે છે. આ નુકસાન કેન્સર અને અન્ય રોગોનું જોખમ વધારી શકે છે.) આ સાથે, ફુદીનો ચયાપચય સુધારવામાં પણ મદદ કરે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે મહત્વપૂર્ણ છે.
પ્રશ્ન: ફૂદીનાનો આહારમાં કેવી રીતે સમાવેશ કરવો?
જવાબ: ફૂદીનાનો આહારમાં ઘણી રીતે સમાવેશ કરી શકાય છે. જેમ કે-
- ફૂદીનાની ચટણી બનાવી શકો છો.
- શરબત બનાવીને પી શકો છો.
- ફૂદીનાવાળી ચા બનાવીને પી શકો છો.
- સલાડમાં ઉમેરીને ખાઈ શકો છો.
- પાણીમાં ભેળવીને પી શકો છો.
- રાયતામાં ભેળવી શકાય છે.
- શાકમાં પણ ગાર્નિશ કરી શકાય છે.
પ્રશ્ન- ઘરે ફૂદીનાનું ડ્રિન્ક કેવી રીતે બનાવવું?
જવાબઃ આ માટે પહેલા ફૂદીનાના થોડા પાન લો અને તેને ધોઈ લો. ફૂદીનાના પાનને પાણીમાં નાખો અને થોડા કલાકો માટે રહેવા દો. જો તમે ઈચ્છો તો તેમાં સંચળ, લીંબુનો રસ અને મધ અથવા થોડી ખાંડ ઉમેરી શકો છો. તમારી પસંદગી મુજબ આ પીણાંમાં અન્ય ફળો કે મસાલા પણ ઉમેરી શકો છો. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે, તેમાં બરફના ટુકડા પણ ઉમેરી શકો છો. હવે તેને ગાળીને પી શકો છો. ઉપરાંત ફૂદીનાના પાનને વાટીને પણ તેનું ડ્રિન્ક બનાવી શકાય છે.

પ્રશ્ન- વધુ પડતો ફૂદીનો ખાવાથી કોઈ આડઅસર થાય?
જવાબઃ કોઈપણ વસ્તુનો અતિરેક હાનિકારક હોઈ શકે છે, તેથી ફૂદીનાનું સેવન પણ મર્યાદિત માત્રામાં કરો. ફૂદીનો સામાન્ય રીતે સલામત છે, પરંતુ કેટલાક લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે.
વધુ માત્રામાં ફૂદીનો ખાવાથી પેટમાં બળતરા થઈ શકે છે. કેટલાક લોકોને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. જો તમે કોઈ દવા લઈ રહ્યા છો, તો તમારા આહારમાં ફૂદીનાનો સમાવેશ કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો. જો તમે ફૂદીનાનું પીણું પી રહ્યાં છો, તો દિવસમાં 1-2 ગ્લાસ પીવું સલામત છે.
પ્રશ્ન- કોણે ફૂદીનો ન ખાવો જોઈએ?
જવાબઃ ડૉ. પી.કે. શ્રીવાસ્તવ કહે છે કે, કેટલાક લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ. ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ રોગ (GERD)થી પીડાતા લોકો માટે ફૂદીનો એસિડ રિફ્લક્સને વધુ ખરાબ કરી શકે છે. તેનાથી છાતીમાં બળતરા થઈ શકે છે.
કેટલાક લોકોને ફૂદીનાથી એલર્જી હોય છે. આવા લોકોએ ફૂદીનો ખાવાનું ટાળવું જોઈએ. ફૂદીનો બ્લડ શુગર ઘટાડી શકે છે, તેથી જે લોકોને પહેલાથી જ બ્લડ શુગર ઓછી છે, તેમણે સાવધાની સાથે તેનું સેવન કરવું જોઈએ.
ઉપરાંત ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન ફૂદીનાનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. જો તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા હોય કે તમે કોઈ દવા લઈ રહ્યા હોવ તો ફૂદીનો ખાતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.