2 કલાક પેહલાલેખક: શિવકાંત શુક્લ
- કૉપી લિંક
આજકાલ, માતાપિતા તેમનાં બાળકોને ઉછેરવા માટે ઘણી પ્રકારની પેરેન્ટિંગ સ્ટાઇલ અપનાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રાણીઓથી પ્રેરિત ઘણી પેરેન્ટિંગ સ્ટાઇલ ટ્રેન્ડમાં છે. ડોલ્ફિન પેરેન્ટિંગ આમાંથી એક છે.
ડોલ્ફિન તેમના બાળકોને સ્વતંત્રતા આપે છે, જે તેમને તેમની ક્ષમતાનો સંપૂર્ણ વિકાસ કરવા અને તેમના નિર્ણયો જાતે લેવા દે છે. એટલા માટે ઘણા લોકો ડોલ્ફિન પેરેન્ટિંગને બાળકો માટે એક સંપૂર્ણ પેરેન્ટિંગ સ્ટાઇલ માને છે, જે બાળકોને યોગ્ય દિશામાં વિકાસ કરવા માટે પ્રેરિત કરે છે.
‘ડોલ્ફિન પેરેન્ટિંગ’ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ બ્રિટિશ મનોચિકિત્સક ડૉ. શિમી કાંગ દ્વારા તેમના પુસ્તક ‘ધ ડોલ્ફિન વે: અ પેરેન્ટ્સ ગાઇડ ટુ રાઇઝિંગ હેલ્ધી, હેપ્પી એન્ડ મોટિવેટેડ કિડ્સ’ માં કરવામાં આવ્યો હતો. શિમી કાંગ એક મનોચિકિત્સક છે અને બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે.
આજે રિલેશનશિપ કોલમમાં આપણે ડોલ્ફિન પેરેન્ટિંગ વિશે વાત કરીશું. તમે એ પણ જાણશો કે-
- ડોલ્ફિન પેરેન્ટિંગમાં માતાપિતાની ભૂમિકા શું છે?
- ડોલ્ફિન પેરેન્ટિંગના ફાયદા અને ગેરફાયદા શું છે?

ડોલ્ફિન પેરેન્ટિંગ એટલે શું?
ડોલ્ફિન પેરેન્ટિંગ એ એક પેરેન્ટિંગ શૈલી છે જે બાળકોને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ડોલ્ફિન પેરેન્ટ તેમનાં બાળકો માટે કેટલાક સરળ નિયમો નક્કી કરે છે, પરંતુ તેઓ સર્જનાત્મકતાને પણ મહત્ત્વ આપે છે. ડોલ્ફિન પેરેન્ટિંગનો ઉદ્દેશ્ય બાળકોના જીવનમાં સંતુલન જાળવવાનો છે. ડોલ્ફિન પેરેન્ટિંગ સ્ટાઇલ બાળકોને પોતાના નિર્ણયો લેવા અને સમસ્યાઓ ઉકેલવા માટે પ્રોત્સાહિત કરે છે.
ડોલ્ફિન અને ટાઇગર પેરેન્ટિંગ સ્ટાઇલ વચ્ચેનો તફાવત
સામાન્ય રીતે લોકો બે પ્રકારની પેરેન્ટિંગ સ્ટાઇલનું પાલન કરે છે. કેટલાક માતાપિતા કડક હોય છે, જ્યારે કેટલાક સરળ હોય છે. આપણે તેમને ટાઇગર પેરેન્ટ અને ડોલ્ફિન પેરેન્ટ તરીકે આળખીશું.
બંને પેરેન્ટિંગ સ્ટાઇલ એકબીજાથી વિરુદ્ધ છે. ડોલ્ફિન પેરેન્ટિંગમાં સંતુલન પર ભાર મૂકાય છે, જ્યારે ટાઇગર પેરેન્ટિંગ બાળકોને બોસ બનાવવા પર ભાર મૂકે છે. ડોલ્ફિન પેરેન્ટિંગમાં, બાળકોને ભૂલો કરવાની અને તેમાંથી શીખવાની સ્વતંત્રતા આપવામાં આવે છે. જ્યારે ટાઇગર પેરેન્ટિંગમાં બાળકોને નિયંત્રણમાં રાખવામાં આવે છે. આ બે પેરેન્ટિંગ સ્ટાઇલ વચ્ચે કેટલાક વધુ તફાવતો છે, તેને નીચે આપેલા ગ્રાફિક પરથી સમજો-

ડોલ્ફિન પેરેન્ટિંગમાં માતાપિતાની ભૂમિકા
અન્ય કોઈપણ પેરેન્ટિંગ સ્ટાઇલની જેમ, ડોલ્ફિન પેરેન્ટિંગમાં પણ, માતાપિતાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. ડોલ્ફિન પેરેન્ટ તેમના બાળકોને જીવનના ઉતાર-ચઢાવનો સામનો કરવા માટે મજબૂત બનાવે છે.
તેઓ બાળકને અભ્યાસની સાથે અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ તેમનાં બાળક પર અભ્યાસ માટે દબાણ કરતા નથી અને કોઈપણ ભૂલ માટે તેમને ખૂબ કડક સજા કરતા નથી. નીચે આપેલા ગ્રાફિક પરથી ડોલ્ફિન પેરેન્ટિંગના સંકેતો સમજો-

બાળકો માટે ડોલ્ફિન પેરેન્ટિંગ ખૂબ જ જરૂરી છે
ડોલ્ફિન પેરેન્ટિંગ બાળકો પર સકારાત્મક અસર કરે છે કારણ કે તે તેમને મુક્તપણે જીવવાની તક આપે છે. તેઓ તેમની આસપાસની દુનિયામાં કંઈક નવું નવું શોધવા પ્રેરિત રહે છે
ડોલ્ફિન પેરેન્ટ તેમના બાળકના શિક્ષણ તેમજ તેની પસંદગીઓનું પણ ધ્યાન રાખે છે. તેમનો ઉદ્દેશ્ય તેમના બાળક સાથે સારો સંબંધ બનાવવાનો છે, જેથી બાળક કોઈપણ કામ ડર્યા વિના કરી શકે. આ કારણે, તેઓ શારીરિક અને માનસિક રીતે ખૂબ જ સક્રિય રહે છે.
ડોલ્ફિન પેરેન્ટની બીજી ખાસ વિશેષતા એ છે કે, તેઓ અલગ અલગ ઉંમરે તેમના બાળકની જરૂરિયાતો અનુસાર બદલાતા રહે છે. તેમની સકારાત્મક અસર તેમના બાળકો પર જોવા મળે છે. નીચે આપેલા મુદ્દાઓ પરથી આ સમજો-
- બાળકોનો આત્મવિશ્વાસ મજબૂત બને છે.
- તેમનામાં જવાબદારીની ભાવના વહેલા વિકસે છે.
- સમસ્યાનું નિરાકરણ અને નિર્ણય લેવાની કુશળતા વિકસે છે.
- કોઈપણ નવું કામ કરતા પહેલા ગભરાતા નથી.
- સામાજિક કૌશલ્ય સુધરે છે.
ડોલ્ફિન પેરેન્ટિંગના સંભવિત ગેરફાયદા
વરિષ્ઠ મનોચિકિત્સક ડૉ. સત્યકાંત ત્રિવેદી કહે છે કે ઘણી સારી બાબતોની સાથે, ડોલ્ફિન પેરેન્ટિંગમાં કેટલીક ખામીઓ પણ છે. જેમ કે-
- ડોલ્ફિન પેરેન્ટિંગ બાળકોને વધુ સ્વતંત્ર બનવા અને નિર્ણય લેવામાં ભૂલો પણ કરવા દે છે.
- પેરેન્ટ માટે યોગ્ય માર્ગદર્શન અને સ્વતંત્રતા વચ્ચે યોગ્ય સંતુલન શોધવું મુશ્કેલ બની શકે છે.
- માતાપિતા માટે એ જાણવું મુશ્કેલ બની શકે છે કે તેમના પર ક્યારે લગામ કસવી અને ક્યારે છૂટ આપવી.
- ડોલ્ફિન પેરેન્ટિંગ સાથે ઉછરેલા બાળકમાં શિસ્તનો અભાવ હોઈ શકે છે.
ડોલ્ફિન પેરેન્ટિંગ માટે કેટલીક મહત્ત્વની ટિપ્સ
ડૉ. સત્યકાંત ત્રિવેદી કહે છે કે બાળકો માટે ડોલ્ફિન પેરેન્ટિંગ વધુ સારું છે. પરંતુ આમાં, માતાપિતાએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે-
- બાળક કોઈપણ દબાણ વિના તેનું પાલન કરી શકે તેવી માર્ગદર્શિકા બનાવો.
- બાળકને સ્વતંત્ર છોડી દેવું ક્યારેક નુકસાનકારક બની શકે છે. તેથી, તેના પર નજર રાખવી ખૂબ જરૂરી છે.
- બાળક સાથે હંમેશા નમ્ર બનો, જેથી તે પોતાની લાગણીઓ ખુલ્લેઆમ શેર કરી શકે.
- તેની સામે ક્યારેય અપશબ્દોનો ઉપયોગ ન કરો કે કંઈપણ નકારાત્મક ન કહો.
- તેને સ્ટ્રેસ મેનેજમેન્ટ અને સેલ્ફ-કેરનું મહત્ત્વ પણ શીખવો.
અંતમાં આપણે કહીશું કે યોગ્ય પેરેન્ટિંગ એ બાળકના સારા ભવિષ્યનો પાયો છે. આ માટે સમગ્ર પરિવારની સમજણ, ધીરજ, સહાનુભૂતિ, વિશ્વાસ અને સમર્થનની જરૂર છે.