1 કલાક પેહલા
- કૉપી લિંક
આજના વ્યસ્ત જીવનમાં પ્રેમ શોધવો મુશ્કેલ બની ગયો છે. ડેટિંગ એપ્સ પર કલાકો સુધી સ્વાઇપ કરવું, કોઈને મળવાની આશા રાખવી, અને પછી ઘોસ્ટિંગનો શિકાર થવું. ઘોસ્ટિંગ એટલે રિલેશનશિપમાં કોઈ સ્પષ્ટતા કર્યા વિના અચાનક એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે કમ્યુનિકેશન અને પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે છે અને જીવનમાંથી અદૃશ્ય થઈ જાય છે. તે ડિજિટલ ડિસપિઅરન્સ હોય શકે, જેમ કે, મેસેજ કે કોલનો રિપ્લાય ન આપવો અથવા મળવાનું બંધ કરી દેવું. આ બધી બાબતોથી આપણે પરેશાન થઈએ છીએ.
ક્યારેક એવું લાગે છે કે, બીજાને ખુશ કરવાનો પ્રયાસ કરતી વખતે, આપણે પોતાને ભૂલી જઈએ છીએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, પ્રેમ અને સંબંધોમાંથી થોડો સમય રોકાઈને પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવું કેટલું મહત્વપૂર્ણ છે?
જ્યારે તમે તમારા સંબંધમાં નાખુશ છો અને તેના કારણે તમે તમારા વિશે વિચારવાનું શરૂ કરો છો, ત્યારથી ‘બૉયસોબર’નો વિચાર આવે છે. આ એક નવી પદ્ધતિ છે, જે આજકાલ યુવાનોમાં, ખાસ કરીને છોકરીઓમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેને ડેટિંગ ડિટોક્સ પણ કહેવામાં આવે છે.
તેવામાં આજે આપણે ‘રિલેશનશિપ’માં જાણીશું કે-
- ‘બૉયસોબર’ એટલે શું?
- તેની કેવી રીતે અને શા માટે શરૂઆત થઈ?
- Gen-Z માં શા માટે લોકપ્રિય છે?
- તેના ફાયદા અને ગેરફાયદા શું છે?

‘બૉયસોબર’ શું છે અને તેની શરૂઆત કેવી રીતે થઈ?
‘બૉયસોબર’ એક નવો શબ્દ છે, જેનો સૌપ્રથમ ઉપયોગ અમેરિકન હાસ્ય કલાકાર હોપ વુડાર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો. ‘બૉયસોબર’ એટલે ડેટિંગ, રોમેન્ટિક સંબંધો અને જાતીય સંબંધોમાંથી થોડા સમય માટે વિરામ લેવો.
જોકે, તેનો અર્થ એ નથી કે, હંમેશા માટે એકલા રહેવું. આ એક સારી રીતે વિચારીને લેવાયેલો નિર્ણય છે, જેમાં તમે પોતાના માટે સમય કાઢો છો. તમારી લાગણીઓને સમજો છો. તમે જીવનમાં શું ઇચ્છો છો તે વિશે વિચારો છો.
કોમેડિયન હોપ વુડાર્ડે તેની શરૂઆત ત્યારે કરી, જ્યારે તે એક એવા માણસ વિશે વિચારીને હતાશ થઈ રહી હતી, જે કદાચ તેની કદર કરતો ન હતો. એક દિવસ તેણીને ખ્યાલ આવ્યો કે તે પોતાની લાગણીઓ વિશે બિનજરૂરી ચિંતા કરી રહી છે.
અહીંથી તેણે નક્કી કર્યું કે થોડા સમય માટે ડેટિંગને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. તેણે તેનું નામ ‘બૉયસોબર’ રાખ્યું, જે તેના માટે એક પ્રકારનો ‘લવ લાઇફ ડિટોક્સ’ હતો.
લોકો પ્રેમથી બ્રેક કેમ લઈ રહ્યા છે?
આ પાછળ ઘણા કારણો છે. લોકો ડેટિંગની ઝંઝટથી કંટાળી જાય છે. તેવામાં બ્રેક લઈને જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. ચાલો આને ગ્રાફિક દ્વારા સમજીએ.

ડેટિંગનું દબાણ ઘટાડવું
સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સને કારણે દરેક વ્યક્તિ ‘પરફેક્ટ પાર્ટનર’ શોધવાની ઉતાવળ અને દબાણમાં હોય છે. લોકો ‘બૉયસોબર’ અપનાવીને આ દબાણથી મુક્તિ મેળવવા માંગે છે.
રોમાન્સ માટે ઉત્સુક ન હોવું
જ્યારે તમે નક્કી કરો છો કે તમે તમારી કારકિર્દી અને કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગો છો, ત્યારે તમારું મન ધારે છે કે આ ડેટિંગ અને રોમાન્સનો સમય નથી.
પોતાને વધુ સારી રીતે સમજવું
સંબંધોમાં આપણે ઘણીવાર આપણી પસંદ અને નાપસંદ ભૂલી જઈએ છીએ. ‘બૉયસોબર’નો સમય તમને એક તક આપે છે. આ સ્વ-જાગૃતિ વધારે છે અને તમારી જરૂરિયાતોને સમજવામાં મદદ કરે છે.
ઇમોશનલ હીલિંગની તક
બ્રેકઅપ કે ટોક્સિક સંબંધ પછી ભાવનાત્મક રીતે સાજા થવામાં સમય લાગે છે. ‘બૉયસોબર’ ભૂતકાળના દુ:ખને દૂર કરવા અને નવી શરૂઆત કરવાની શક્તિ આપે છે.
મિત્રતા અને પરિવાર પર ધ્યાન કેન્દ્રિત
રિલેશનશિપના ચક્કરમાં આપણે આપણા મિત્રો અને પરિવારને સમય ઓછો આપી શકીએ છીએ. બ્રેક દરમિયાન તમે આ સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. તેનાથી પરિવારમાં જોડાણ પણ મજબૂત બને છે.
કારકિર્દી અને શોખ માટે સમય આપવો
ડેટિંગમાં ઘણો સમય અને શક્તિ લાગે છે. તેવામાં તમારું ધ્યાન તમારા કરિયર કે તમારા મનપસંદ કાર્ય પરથી હટી શકે છે. વિરામ લઈને તમે તમારા લક્ષ્યો અને સપનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.
શું આ ટ્રેન્ડ ફક્ત સ્ત્રીઓ પૂરતો મર્યાદિત છે? કે પુરુષો પણ તેમાં જોડાઈ રહ્યા છે?
‘boysober’ શબ્દમાં ‘boy’ શબ્દ હોવાથી, એવું લાગે છે કે, તે ફક્ત તે સ્ત્રીઓ માટે છે, જે પુરુષોથી વિરામ લેવા માંગે છે.
જોકે, આ ટ્રેન્ડ જેન્ડર-ન્યૂટ્રલ છે. પુરુષો પણ આમાં જોડાઈ શકે છે. પુરુષો પણ સંબંધોના દબાણથી પરેશાન થઈ શકે છે. તેમને પોતાની લાગણીઓ સમજવા માટે પણ સમયની જરૂર પડી શકે છે.
‘બૉયસોબર’નો ઉદ્દેશ્ય તમારી જાતને પ્રાથમિકતા આપવાનો અને તમારા માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને સુધારવાનો છે.
લોકો ડેટિંગમાંથી વિરામ કેમ લઈ રહ્યા છે? તેની પાછળ શું કારણ છે?
ડેટિંગમાંથી વિરામ લેવાનું દરેકનું પોતાનું કારણ હોય છે. ચાલો આપણે બુલેટ પોઈન્ટ દ્વારા કેટલાક મુખ્ય કારણો સમજીએ.
- ડેટિંગ એપ્સથી માનસિક થાક: સતત સ્વાઇપ કરવું, ઘોસ્ટિંગનો સામનો કરવો અને અર્થહીન ચેટિંગ લોકોને કંટાળો આપે છે. વધુમાં, તેનાથી સ્ક્રીન ટાઇમ વધે છે, જે થાકનું કારણ બને છે.
- ટોક્સિક સંબંધોથી બચવાનો પ્રયાસ: ભાવનાત્મક અને માનસિક રીતે નબળા પાડતા સંબંધોથી દૂર રહેવા માટે વિરામ જરૂરી છે.
- સેલ્ફ-લવ પર ધ્યાન કેન્દ્રિત: પોતાને પ્રેમ કરવો અને પોતાની ખુશીને પ્રાધાન્ય આપવું એ પણ ‘બૉયસોબર’ પાછળનું કારણ છે.
- કરિયર પર ધ્યાન કેન્દ્રિત: સંબંધોની ગૂંચવણો ટાળવા અને પોતાના કામ અથવા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા.
- ભાવનાત્મક સ્થિરતા: સંબંધોના ઉતાર-ચઢાવમાંથી માનસિક શાંતિ મેળવવી.
‘બૉયસોબર’ ના ફાયદા અને ગેરફાયદા
દરેક સિક્કાની બે બાજુ હોય છે અને ‘બૉયસોબર’ પણ તેનાથી અલગ નથી. ચાલો ગ્રાફિક દ્વારા તેના ફાયદા અને ગેરફાયદા સમજીએ.

‘બૉયસોબર’ ના ફાયદા
તમારી લાગણીઓ અને જરૂરિયાતોને સમજવું
બૉયસોબર તમને તમારા વિચારો અને લાગણીઓ પર ઊંડાણપૂર્વક નજર નાખવાની તક આપે છે. તમે તમારા જીવનની પ્રાથમિકતાઓ નક્કી કરી શકો છો.
ભાવનાત્મક રીતે સ્થિર રહેવું
જો તમે બ્રેકઅપ અથવા ટોક્સિક સંબંધમાંથી પસાર થયા છો, તો ‘બૉયસોબર’નો સમય તમને જૂના દુઃખમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરી શકે છે. તમે વધુ મજબૂત અને ખુશ અનુભવવા લાગો છો.
લાગણીઓ પર નિયંત્રણ
આ સમય દરમિયાન તમે તમારી લાગણીઓને કાબૂમાં રાખવાનું શીખો છો. તેનાથી તમને ઉતાવળમાં સંબંધોમાં જોડાવાનું ટાળવામાં અને વિચારપૂર્વક નિર્ણયો લેવામાં મદદ કરે છે.
આત્મનિર્ભરતાનો વિકાસ
‘બૉયસોબર’ તમને એકલા હોવા છતાં પણ ખુશ રહેવાની કળા શીખવે છે. તમે પોતાના પર નિર્ભર રહેવાનું શીખો છો, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે.
પોતાના માટે સમય કાઢવો
આ સમય તમને તમારા શોખ અને કુશળતા પર કામ કરવાની તક આપે છે. તેનાથી તમે તમારા જીવનમાં વધુ ખુશ અને સંતુષ્ટ અનુભવો છો.
જીવનમાં સ્પષ્ટતા
તમે સમજી શકો છો કે, તમારા માટે સૌથી મહત્વપૂર્ણ શું છે. પછી તે કારકિર્દી હોય, પરિવાર હોય કે પ્રેમ હોય. તેનાથી ભવિષ્યના નિર્ણયો લેવાનું સરળ બને છે.
‘બૉયસોબર’ ના ગેરફાયદા
એકલતા અનુભવવી
ક્યારેક તમને એકલતાનો અનુભવ થઈ શકે છે. ખાસ કરીને, જ્યારે તમારા મિત્રો સંબંધોમાં વ્યસ્ત હોય. તે ઉદાસી અથવા ખાલીપણું તરફ દોરી શકે છે.
સામાજિક દબાણનો સામનો કરવો
જો તમે કોઈ સંબંધમાં નથી, તો તમારા મિત્રો અને પરિવાર પૂછી શકે છે કે, તમે હજુ પણ સિંગલ કેમ છો. આ તમારા આત્મવિશ્વાસને અસર કરી શકે છે.
વધુ પડતું વિચારવું
એકલા સમય વિતાવવાથી વધુ પડતાં વિચાર આવી શકે છે. સંબંધો અને જીવન વિશે વધુ પડતાં વિચારો મનમાં આવી શકે છે, જે તણાવમાં વધારો કરે છે.
પ્રેમ અને સાથનો અભાવ
તમને કોઈની સાથે ભાવનાત્મક જોડાણ અને પ્રેમનો અભાવ લાગી શકે છે. તેનાથી અપૂર્ણતાની લાગણી થઈ શકે છે.
ફરીથી ડેટિંગ કરવામાં મુશ્કેલી
લાંબા સમય સુધી સંબંધોથી દૂર રહ્યા પછી ડેટિંગની દુનિયામાં પાછા ફરવું મુશ્કેલ લાગી શકે છે. તમારામાં આત્મવિશ્વાસનો અભાવ થઈ શકે છે અથવા તમે અસ્વસ્થતા અનુભવી શકો છો.