56 મિનિટ પેહલા
- કૉપી લિંક
AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે આજે આખી દુનિયાને પોતાની ભુજાઓમાં સમાવી લીધી છે. આ ટેકનોલોજી સતત વિકસિત થઈ રહી છે અને દરેક ક્ષેત્રમાં તેની હાજરીનો અહેસાસ કરાવી રહી છે.
અમેરિકન વેન્ચર કેપિટલ ફર્મ સેક્વોઇયા કેપિટલ અનુસાર, 2030 સુધીમાં AI એક વ્યાવસાયિક લેખક કરતાં વધુ સારા લેખો લખી શકશે. આ ઉપરાંત, તે બીજા ઘણા કાર્યોમાં પણ નિપુણ હશે.
ઓનલાઈન ડેટાબેઝ સ્ટેટિસ્ટા અનુસાર, 2025 સુધીમાં AI માર્કેટની આવક $100 ટ્રિલિયનને વટાવી જવાની ધારણા છે.
AI ના વધતા પ્રભાવને કારણે, કાર્યરત કર્મચારીઓને તેમની નોકરી ગુમાવવાનો ડર લાગવા લાગ્યો છે. તે જ સમયે, શિક્ષણ પૂર્ણ કર્યા પછી નોકરી શોધી રહેલા યુવાનો નોકરીની તકોમાં ઘટાડાની આશંકાથી ચિંતિત છે.
આવી સ્થિતિમાં, જો તમે તમારું અસ્તિત્વ ટકાવી રાખવા માગતા હો તો નવી ટેકનોલોજી અને કૌશલ્યથી પોતાને સજ્જ કરવા ખૂબ જ જરૂરી છે. નહિંતર, તમે પાછળ રહી જશો.
તેથી, આજે કામના સમાચારમાં આપણે વાત કરીશું કે AI આપણા જીવનને કેવી રીતે અસર કરી રહ્યું છે. તમે એ પણ જાણશો કે-
- કયા ક્ષેત્રોમાં AI પોતાની હાજરી નોંધાવી રહ્યું છે?
- આ સમયમાં સુસંગત રહેવા માટે શું કરવું?
નિષ્ણાત: પવન દુગ્ગલ, સાયબર સુરક્ષા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્સપર્ટ, નવી દિલ્હી
પ્રશ્ન- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) શું છે? જવાબ- AI એ સાયન્સ અને ટેકનોલોજીનો એક ભાગ છે. આમાં, મશીનોમાં માણસોની જેમ વિચારવાની, સમજવાની, શીખવાની અને સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા વિકસાવવામાં આવે છે. AI મશીનો અથવા સાધનો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ડેટાના આધારે આઉટપુટ આપે છે.
કમ્પ્યુટર વૈજ્ઞાનિક એલન ટ્યુરિંગે 1950માં આગાહી કરી હતી કે ‘કમ્પ્યુટર થોડા દાયકાઓમાં માનવ મગજનું અનુકરણ કરશે.’ આજે AI ના રૂપમાં આપણે તે આગાહી સાચી પડતી જોઈ શકીએ છીએ.

પ્રશ્ન- AI આપણા જીવનને કેવી રીતે અસર કરી રહ્યું છે? જવાબ- AI આજે આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની રહ્યું છે. આ ટેકનોલોજી આપણી વિચારવાની, સમજવાની અને નિર્ણય લેવાની ક્ષમતાને અસર કરી રહી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ આજે વ્યક્તિગત સામગ્રી અને જાહેરાતો પહોંચાડવા માટે AI નો ઉપયોગ કરે છે.
આ ઉપરાંત, AI ની મદદથી, ઈ-કોમર્સ કંપનીઓ યૂઝર્સને તેમની પસંદગીઓના આધારે સમાન ઉત્પાદનો સૂચવે છે. એટલે કે, સોશિયલ મીડિયા અથવા ઈ-કોમર્સ કંપનીઓના અલ્ગોરિધમ તમારા વિચાર અને સર્ચના આધારે કામ કરે છે, જે દરેક યૂઝર્સ માટે અલગ હોય છે. AI નો ઉપયોગ કરીને ફિલ્મોમાં સ્પેશિયલ ઇફેક્ટ્સ, કેરેક્ટર અને સ્ટોરીલાઈન પણ બનાવવામાં આવે છે.
પ્રશ્ન- AI થી કામ કરતા લોકો માટે શું ખતરો છે? જવાબ- AI મશીનો માણસો કરતાં વધુ ઝડપી, વધુ કાર્યક્ષમ અને સચોટ રીતે કામ કરવા સક્ષમ બની રહ્યા છે. આવી સ્થિતિમાં, સૌથી મોટો ભય એ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે AI લોકોની નોકરીઓ છીનવી શકે છે.
AI કાયદાના નિષ્ણાત પવન દુગ્ગલ સમજાવે છે કે મશીનો ડેટાના આધારે પેટર્ન અને આગાહીઓ બનાવે છે અને તે મુજબ કાર્ય કરે છે. પરંતુ માનવ મગજ હજુ પણ સૌથી શક્તિશાળી છે. AI મનુષ્યોને મદદ કરી શકે છે, પરંતુ તે મનુષ્યોનું સ્થાન લઈ શકતું નથી.
પ્રશ્ન- AI ના યુગમાં સુસંગત રહેવા માટે શું કરવું? જવાબ- એ વાતનો બિલકુલ ઇનકાર કરી શકાય નહીં કે AI કામ કરતા લોકો માટે ખતરો છે. પરંતુ આનો અર્થ એ નથી કે બધી નોકરીઓ જતી રહેશે. આવી સ્થિતિમાં, AI ના યુગમાં સુસંગત રહેવા માટે સમય સાથે પોતાને અપગ્રેડ રાખવા મહત્ત્વપૂર્ણ છે.
હંમેશા ધ્યાનમાં રાખો કે AI ઘણું બધું કરી શકે છે પરંતુ તે માનવીની સર્જનાત્મકતા, લાગણીઓ અને વિચારવાની ક્ષમતા સાથે સ્પર્ધા કરી શકતું નથી. તેથી, તમારી સર્જનાત્મકતા અને વિચારવાની ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરો.
AI નોકરીઓને સ્વચાલિત(ઓટોમેટ) કરી શકે છે, પરંતુ નેતૃત્ત્વ અને ટીમવર્ક જેવી ભૂમિકાઓ ભજવી શકતું નથી. તેથી આ હંમેશા સંબંધિત રહેશે. આ ઉપરાંત, AI સાથે કામ કરવા માટે નવી ટેકનોલોજી વિશે જ્ઞાન મેળવો. આ માટે તમે ઓનલાઈન કોર્ષ, વેબિનાર્સ અને સેમિનારમાં ભાગ લઈ શકો છો.

પ્રશ્ન- કયા ક્ષેત્રો AI થી સૌથી વધુ પ્રભાવિત થશે? જવાબ- પવન દુગ્ગલ કહે છે કે AI લગભગ દરેક ઉદ્યોગને અસર કરી રહ્યું છે. આગામી વર્ષોમાં તેની અસર વધુ જોવા મળશે. જોકે, કેટલાક ક્ષેત્રોમાં AI ની અસર વધુ જોવા મળે છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજો-

ચાલો હવે ગ્રાફિકમાં આપેલા મુદ્દાઓને વિગતવાર સમજીએ-
આઇટી ક્ષેત્ર
AI ઝડપથી માહિતી ટેકનોલોજી ઉદ્યોગમાં પરિવર્તન લાવી રહ્યું છે. તેણે સોફ્ટવેર ડેવલપમેન્ટ, સાયબર સુરક્ષા અને ડેટા એનાલિટિક્સ સરળ બનાવ્યા છે. આ કારણે, આ ક્ષેત્રમાં કામ કરતા લોકોની માગ ઘટી શકે છે. જોકે, AI એ આ ક્ષેત્રમાં મશીન લર્નિંગ એન્જિનિયર્સ, AI સોફ્ટવેર ડેવલપર્સ સહિત કેટલીક નોકરીની તકો પણ ઊભી કરી છે.
કન્ટેન્ટ ક્રિયેશન
AI રાઇટિંગ, ગ્રાફિક્સ બનાવવા, વીડિયો એડિટિંગ, ઑડિઓ પ્રોડક્શનને સરળ બનાવી રહ્યું છે. આની સૌથી મોટી અસર મીડિયા અને મનોરંજન ઉદ્યોગ પર પડશે. આનાથી મીડિયા ક્ષેત્રમાં નોકરીની તકો ઘટી શકે છે.
હેલ્થ કેર અને દવા
આરોગ્યસંભાળ ઉદ્યોગમાં AI મોટા ફેરફારો લાવી રહ્યું છે. તે રોગોની ઝડપથી અને સચોટ સારવાર કરવામાં મદદ કરી રહ્યું છે. તે ટ્રીટમેન્ટ પ્લાન, તબીબી સંશોધન અને દવાઓના ઉત્પાદનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આનાથી રિપિટેટિવ મેડિકલ જોબ્સ માટે ખતરો વધી રહ્યો છે.
એજ્યુકેશન અને લર્નિંગ
હવે અભ્યાસ ફક્ત પુસ્તકો અને વર્ગખંડો પૂરતો મર્યાદિત નથી. AI ની મદદથી, વ્યક્તિગત શિક્ષણ, વર્ચ્યુઅલ શિક્ષણ, સ્માર્ટ વર્ગખંડો અને અદ્યતન મૂલ્યાંકન પ્રણાલીઓ જેવી સુવિધાઓ શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે. આની સીધી અસર શિક્ષણ અને વહીવટ સંબંધિત નોકરીઓ પર પડી શકે છે.
ઉત્પાદન ઉદ્યોગ
ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોમાં રોબોટ્સ માણસોનું સ્થાન લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ઓટોમેશન અને મશીન લર્નિંગને કારણે, ઉત્પાદનમાં માણસોની માંગ ઘટશે.
કસ્ટમર સર્વિસ અને સપોર્ટ
AI-પાવર્ડ વર્ચ્યુઅલ અસિસ્ટેન્ટ અને ચેટબોટ્સ હવે ગ્રાહકોની સામાન્ય સમસ્યાઓ 24*7 હલ કરે છે. આનાથી માણસોની જરૂરિયાત ઘટી રહી છે અને કસ્ટમર કેર નોકરીઓ જોખમમાં મુકાઈ રહી છે.
ડિજિટલ માર્કેટિંગ અને જાહેરાત
ડિજિટલ માર્કેટિંગ, કન્ટેન્ટ ક્રિએશન, એડ કેમ્પેન મેનેજમેન્ટ અને ડેટા એનાલિટિક્સ જેવા ક્ષેત્રોમાં AI-સંચાલિત સાધનો ઝડપથી અપનાવવામાં આવી રહ્યા છે. આના કારણે ઘણી નોકરીઓ જોખમમાં મુકાઈ છે.
ભલે, AI ઝડપથી દરેક ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યું છે. પરંતુ જો કોઈ વ્યક્તિ સમય અને ટેકનોલોજી અનુસાર પોતાને બદલે છે તો તે હંમેશા સુસંગત રહેશે.